એ રાત

નલિની રાવલ

               ” પપ્પા…..તમને હું રોજ પત્ર લખું છું…મારી ડાયરીમાં. ૨૦૦૦ નાં વર્ષથી લખાયેલા ૨૧ વર્ષના લાંબા ગાળાના પત્રોનું લાંબું લિસ્ટ છે. ૨૦૦૦માં તમારી વિદાય પછી જ્યારે હું મુંબઈથી ઘરે આવી ,ત્યારથી તમને મારે જે કહેવું હોય છે ને , હવે વર્ષે બે વર્ષે મળ્યા પછી વાતો કહેવાનો લહાવો પણ ખોઇ ચૂકી છું, ત્યારે કાગળ અને પેન જે કહેવું હોય તે કહેવા માટે મારો સહારો બન્યા છે .પપ્પા ….આ પેન તો તમે જ મારા હાથમાં પકડાવી હતીને…! આ પેન પર માં સરસ્વતીજીનું આહ્વાન   પણ તમે જ કર્યું હતું ને…..! અને ત્યારથી મા સરસ્વતી આજે પણ મારી સાથે જ છે. પપ્પા….!એકવીસ એકવીસ વર્ષના વહાણા વાઈ ગયા, પણ આજે’ય હું તમને મારી સામે તાદૃશ્ય ઉભેલા, બેઠેલા ,ચશ્મા નાકની દાંડીએ ઉતારી મને જોતા જોઉં છું .આજે મારે તમને એ રાતની વાત કરવી છે …..જે હું ક્યારેય ભૂલી નહીં શકું.”

એ કાળી ડિબાંગ અમાસની રાત હતી. આકાશમાં સાંજ પછી ઘેરાયેલા વાદળો વધુ ને વધુ ઘટ્ટ થતાં જતાં હતા. આમ તો ડેલહાઉસનાં પહાડી વાતાવરણમાં અમાસની રાતે તારા દર્શનનો સુંદર નજારો હોય છે, તારા એટલા નજીક લાગતા હોય છે કે મને થાય કે , હાથ ઊંચો કરીશ અને આંબી જઈશ  .હું ઘરમાં એકલી જ હતી… અમર ઓફિસની ટ્રેનિંગ માટે હૈદરાબાદ ગયા હતા. હું એકલી હોઊં ત્યારે જમવામાં તો તમને ખબર જ છે પપ્પા.. કે  મારા તો દાઠિયા જ હોય છે…!!!!

હું  કિચનમાં ગઈ અને એક મોટો મગ ભરીને બદામ ,પિસ્તા ,ખજૂરવાળું દૂધ બનાવી ,વાદળિયા વાતાવરણની ઠંડક  રેડિયો પર વાગતા જૂના ગીતો સાંભળતી હું ઝૂલા પર ઝુલતાં ઝુલતાં વાતાવરણ અને વરાળ નીકળતા દૂધની મજા માણી રહી  હતી. ત્યાં તો શીતળ અને શાંત હવા તોફાની બની ગઈ.  અને ધોધમાર વરસાદ ચાલુ થઈ ગયો..ને એ સાથે જ બત્તી ગુલ થઈ ગઈ. અંધારામાં જ હું અંદર આવી અને રસોડામાં ગઈ,અને ફાનસ સળગાવ્યું.આવા તેજીલા પવનમાં મીણબત્તી તો ઝીક જ ન ઝીલેને..!ફાનસ હલે એટલે ભીંત પર પડતાં પડછાયાના  ઓળાઓ ડરામણ લાગતા હતા.રેડિયો તો વાગતો જ હતો. ડર દૂર કરવા મેં રેડિયોનું વોલ્યુમ વધાર્યું, અને સાથે સાથે ગાવા પણ માંડ્યું. ત્યાં તો બારણું ખખડ્યું..

મને  થયું કે તેજ હવા સાથે  ધોધમાર વરસાદ છે,એટલે હવાથી બારણું ખખડ્યું હશે.મે ધ્યાન ન આપ્યું.આમે પણ હિંમતે’ય ક્યાં હતી…!!?? વાતાવરણ ઠંડુ અને ઘરમાં લાઈટ પણ નહિ…ઘરમાં એકલી જ…!  મેં વિચાર્યું બારી બારણાં તો બંધ જ છે ને….બેડ રૂમમાં જઈ રજાઈ ઓઢીને સૂઈ જાઉં છું, આમ પણ સાડા નવ થઈ ગયા હતા…ઊંઘ આવી જાય તો વહેલું પડે સવાર…! હું હીંચકેથી ઉભી થઈ , હાથમાંનો મગ રસોડાનાં સિંકમાં મૂકી, હું બેડરૂમ તરફ વળી .ત્યાં તો ફરી બારણું ખખડયું,ને આ વખતે કોઈક બાળકનો રડવાનો અવાજ હતો. મનમાં હજારો વિચાર ચાલુ થઈ ગયા….કોણ હશે…!ભૂત હશે..!ચોર , લૂંટારૂ હશે..! આજ કાલ તો ચોરો રેકી કરીને જાણી લેતા હોય છે. કયું  ઘર ખાલી છે, ક્યા ઘરમાં એક જ વ્યક્તિ છે… ઉફ્ફ્ફફ્ફ..

વિચારોની વણઝાર ચાલુ થઈ ગઈ એમ હું ય ક્યાં હારું એમ હતી. હું હિંમત કરીને ધીરે ધીરે ફાનસ લઈ બારણાં તરફ ગઈ… મારા ધબકારા વધી ગયા હતા, બારણે કાન  માંડ્યા. ખરેખર ..કોઈ બાળક રડતું હતુ,. તેના હીબકાં પણ સંભળાતા હતા. રાતનાં સાડા નવ થયા હતા, અહિ ડલહૌસીમાં તો અડધી રાત જેવું વાતાવરણ થઈ જાય.કાળી અમાસની ડીબાંગ વરસાદી રાત…આવા કસમયે  કોનું બાળક મારા દરવાજે રડતું હશે????

મેં હળવેકથી અધૂકડું  બારણું ખોલ્યું,સામે કોઈ ન હતું,ફાનસ નીચે કર્યું તો, બે ત્રણ વરસની બાળકી હતી.એટલી બધી રડી હતી કે  હિબકે ચડી ગઈ હતી. મેં નીચે બેસી ફાનસ તેની તરફ ધર્યું ,ફાનસના આછા અજવાળામાં પણ તેને જોઈને  મારા તો હોશકોશ જ ઉડી ગયા.મારું તો મગજ જ બહેર મારી ગયું…મને સમજ જ નો’તી પડતી કે હું જે જોઈ રહી છું એ સત્ય છે? ઊંડો નિસાસો નીકળી ગયો. એ બાળકી  લોહીલુહાણ હતી…બે ઘડી તો હું અવાક જ બની ગઈ, વિક્ષિપ્ત થઈ ગઈ…પછી.તરત જાણે તંદ્રામાંથી જાગી હોઉં એમ ઘરમાં દોડીને ટુવાલ લઈ આવી, અને તેને તેડીને ઘરમાં લીધી. આજુબાજુ નજર કરી, દૂર દૂર સુધી નજર કરી,પણ કોઈ જ ન હતું. મેં બારણું બંધ કર્યું તેને ધ્યાનથી જોઈ ત્યારે તો હું તો સ્તબ્ધ જ થઇ ગઇ. કોઈ નરાધમે આ નાનીશી બાળકીને પીંખી નાખી  હતી. રાક્ષસી પંજાના તેના ચહેરા પર લાલ લાલ નિશાન…ઝભલા જેવું ફ્રોક લોહીથી લથપથ હતું. તેના પ્રાઇવેટ પાર્ટ્સ જોઈને તો હું સાવ હરેરી ગઈ. તે હવે ધીરે ધીરે બેહોશ થતી જતી હતી..હું ડરી ગઈ…મને કંઈ જ સુઝતુ ન હતું.આને કંઈ થઈ જશે તો હું શું કરીશ? ઘરમાં અમર પણ નથી.શું કરું?…શું કરું?… મને અચાનક એમનો ખ્યાલ આવ્યો.મેં તરત અમરને  ફોન કર્યો .અમરનો અવાજ સાંભળતા જ હું ધ્રુસકે ધ્રુસકે રડી પડી.જાણે ભરાયેલું હૈયું ફાટી પડ્યું…

અમર :શું થયું? આટલી બધી કેમ રડે છે ,અમિષા..? તું મારી વાત સાંભળ,પહેલા રસોડામાં જઈને પાણી પી આવ..હું વેઇટ કરું છું…”

ફોન મૂકી હું રસોડામાં ગઈ અને આખો ગ્લાસ ભરીને પાણી પીધું,થોડું સારું લાગ્યું. મેં અમરને  બધી વાત કરીને કહ્યું,…..

“હવે હું શું કરું..અમર ?”

એમણે મને સાંત્વન આપ્યું.

અમર :  “તું ચિંતા ન કર.પહેલા આપણા ડોક્ટર વાંગચુકને  ફોન કર,અને પછી  પોલીસને જાણ કર, મુંઝાઈશ નહિ…હું બે દિવસમાં આવું  છું… Ok.. ચિંતા ન કરતી  My brave queen. ”

અમરની  સાથેવાત કરવાથી હું ઘણી હળવી થઈ ગઈ.મેં તરત ડોક્ટરને ફોન કર્યો.

” ડોક્ટર વાંગચુક…! મૈ મિસિસ મહેતા બોલ રહી હુ , જાનતી હું તેજ બારિશ હૈ,તુફાન હૈ,પર ઇમરજેંસી હૈ,આપ ફોરન આઇએ”

દસ મિનિટમાં જ ડોક્ટર મારા ઘરે પહોંચી ગયા.હું તેમને બાળકી પાસે લઈ ગઈ તો એ પણ બાળકીને જોઇને સ્તબ્ધ થઈ ગયા. તેમણે બાળકીને તપાસી…ને મારી સામે પ્રશ્નાર્થ નજરે જોતા તેઓ બોલ્યા…

“Very  serious case, I can’t say anything just now..” તેમણે તરત જ એમ્બ્યુલન્સ બોલાવી લીધી અને તેમણે જ પોલીસને ફોન કરીને  હોસ્પિટલનું એડ્રેસ આપી દીધું. એમ્બ્યુલન્સ આવતા જ ડોક્ટર બાળકીને લઈને રવાના થઈ ગયા.

ઘડીક તો હાશ થઈ…! પણ આ હાશ કેટલી ઘડીની..? તે રાત ગોઝારી રાત હતી…અને મારી ઊંઘ વેરાન થઈ ગઈ હતી.મારું મન પાછું ચગડોળે ચડી ગયું…

કોઈ પણ સ્ત્રીની કોખમાં દીકરી આવે છે, ત્યારે શું એ જીવ ને કલ્પના હશે કે ફક્ત બે કે ત્રણ વર્ષની ઉમરમાં જ તેનું ઉમંગથી ભરપૂર યૌવન જીવવાનું સપનું રોળાઈ જશે? તેના પર આવો ઘાતક પ્રહાર થશે?

મારા હાથમાં, એ બાળકીનાં લોહીથી ખરડાયેલો ટુવાલ હતો …આવા જ લોહી ભર્યાં કપડાંમાં આ બાળકીને એની મા એ હાથમાં લીધી હશે ત્યારે તેની આંખો ખુશીના ગંગાજળ સમાં આંસુઓથી છલકાતી હશે, એ આંસુ આમ રકતરંજીત થશે, શું એ માને કલ્પના પણ હશે? એની મા કોણ હશે?  શું એને શોધતી હશે? હા…ચોક્કસ શોધતી જ હશે. એનો બાપ કોણ હશે?આ છોકરી કોણ હશે?  કોણ નરાધમ હશે, જેણે આટલી નાનીશી  કુમળી બાળકીની આવી ભયાનક હાલત કરી હશે..?? આ બાળકી મારા ઘર સુધી કેવી રીતે પહોંચી હશે? શું એ નરાધમે જ….!!!!

          *****************

પપ્પા…!સમયનાં વહાણા વીતી ગયા .એ  ગોઝારી રાત ,હોસ્પિટલ,વકીલ, કોર્ટનાં ધક્કા , જુબાનીઓ…કેટલું બધું સહન કર્યું.પણ એ સમય તમારા જમાઈનાં સધિયારા વગર પસાર કરવો અસંભવ હતો.તે તન, મન, ધનથી મારી પડખે ઉભા રહ્યા…પપ્પા..મારા માટે આવો સરસ જીવનસાથી શોધવા મટે હું હંમેશા ઋણી રહીશ…હા..! જોજો..ઋણ ઉતારવાનો પ્રયત્ન તો નહિ જ કરું હો..!!

         ****************

આજે મારું ઘર શહેનાઇની ગુંજથી ગુંજી રહ્યું છે. દીકરીને સાસરે વળવવાની વેળા છે. મુજ નિઃસંતાનનાં ઘરે દીકરી બની ,હરિતા નામે વહાલનો દરિયો વહાવનાર, જીવનને હર્યું ભર્યું કરનાર એ કન્યા એટલે….તમે  સમજી ગયા ને પપ્પા…આજે હું ખૂબ ખુશ છું.

” એ સાંભળે છે..? ક્યાં ગઈ? હરિતા ને વળાવવાનો સમય થઈ ગયો છે. મુહૂર્ત ચૂકી ન જવાય…હાલ જલ્દી…!!!!”

” એ….આવી….!


સુશ્રી નલિની રાવળનો સંપર્ક nalinigraval@gmail.com વિજાણુ સરનામે થઈ શકે છે.


સુશ્રી નલિની રાવલનો પરિચય .
નામ : નલિની રાવલ
અભ્યાસ: દિલ્લી યુનિવર્સિટી થી BA, રશિયન ભાષા.. 3 વર્ષ, સિતારવાદન 3 વર્ષ ( રાજકોટ)
કાર્ય: વડોદરાની પ્રથમ પાયોનિયર ચેનલ VNM ટીવીમાં સબ એડિટર તરીકે કાર્ય કર્યું  છે.અને હજુ પણ સંસ્થા સાથે લેખનકાર્ય ચાલુ જ છે.
સંપ્રતિ : ગાંધીનગર સાહિત્ય અકાદમી થી બે પુસ્તકો પ્રકાશિત.હિન્દી વિભાગથી હિન્દી કાવ્ય સંગ્રહ ” કશિશ ” અને ગુજરાતી વિભાગથી  ડોક્ટર રચના નિગમના હિન્દી  કાવ્ય સંગ્રહનું  અનુવાદ” એક મુઠ્ઠી આકાશ .”
ધર્મયુગ,કવિ,કવિતા,સરિતા, સુરભિ વિગેરે મેગેઝીનોમાં કવિતાઓ અને લેખ પ્રકાશિત
કવિતા ” ઊર્મિલા “ને ભોપાલ થી એવોર્ડ
ગૃહશોભા ગુજરાતી દ્વારા કવિતા ,” દ્રૌપદી”ને એવોર્ડ.
હેવી વોટર્સ,જેવી કમ્પનીયોમાં અને સ્કૂલોમાં વક્તવ્ય.
અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો માં જજ.
પ્રતિલિપિ ગુજરાતીમાં ૪ વાર્તાઓ અને એક કવિતા પ્રકાશિત.
હાલ વાર્તાઓ પર કામ ચાલુ છે.
 – રાજુલ કૌશિક, સંપાદક, ગદ્ય વિભાગ

Author: Web Gurjari

2 thoughts on “એ રાત

 1. નલિની રાવલ….
  વિષય ખૂબ જ અસરકારક પસંદ કર્યો છે.
  પ્રસંગને અનુરૂપ શબ્દ રચના પણ અદભુત છે.
  વાંચકને જકડી રાખે એવી સુંદર રીતે પ્રસ્તુતિ કરી છે.
  જેણે તમારું લેખન વાંચ્યું એ નિયમિત તમારી રચનાઓ માટે તત્પર થઈ જતો હશે.
  રચના તમને સુનામ અને સુકિર્તી અપાવશે એમાં કોઈ સંદેહ નથી.
  અવનવી રચનાઓ માટે હું પણ રાહ જોવ છું.
  નિરાશ નહીં કરો ને?
  🙏🙏🙏

Leave a Reply

Your email address will not be published.