નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૩

તમને જોવાની પ્રતીક્ષા માં જ ટકી રહ્યા હોય એવું લાગે છે

નલિન શાહ

માનસી આ બધા વિચારોના વંટોળમાં ઘેરાઈ ગઈ. એને ફિલોમિનાની હાલત પર દયા આવી. મન વિષાદથી ભરાઈ ગયું.

માંડ મોડી રાત્રે માનસીને ઊંઘ આવી.

માનસી ભરનિદ્રામાં હતી અને ફોન રણક્યો. અર્ધ નિદ્રામાં એણે રિસીવર ઉઠાવી કાને અડાડ્યું, ‘હેલ્લો! હું ડૉક્ટર મલ્લિક બોલું છું.’ સામેથી અવાજ આવ્યો, ‘માફ કરજો, તમને ઊંઘમાંથી જગાડ્યાં હશે, પણ હું લાચાર હતો.’ માનસી વિચારમાં પડી ગઈ. ઘડિયાળ તરફ જોયું. રાતના બે વાગ્યા હતા.

‘કોઈ ઇમરજન્સી તો ના જ હોય, કારણ ડૉ.મલ્લિક પોતે જ હાર્ટ નિષ્ણાત હતા’ માનસીએ વિચાર્યું.

‘બોલો.’

‘સાંજથી તમને ફોન કરું છું. મોબાઇલ બંધ હતો ને ઘરે કોઈ ઉઠાવતું નહોતું.’

‘સોરી, કન્સલ્ટિંગ રૂમમાં મોબાઇલ બંધ રાખ્યો હતો તે પછી ચાલુ કરવાનું ભૂલી ગઈ અને ઘરે કોઈ નહોતું.’

‘મારે તમને અત્યારે મળવું બહુ જરૂરી હોવાથી હું નછૂટકે જાતે જ આવી ગયો છું. તમારા મકાનની નીચેથી જ બોલું છું.’

માનસી વિસ્મયમાં પડી ગઈ.

‘સવારે ના ચાલે?’ એ પૂછ્યા વગર ના રહી શકી.

‘ના, એક પણ પળનો વિલંબ કરવો પાલવે તેમ નથી. હું તમારી સ્થિતિ સમજી શકું છું. તમે ધારો તો નીચે તમારી સાસુનો ફ્લેટ છે ત્યાં મળી શકો છો. ધારો તો નીચેથી ફિલોમિનાને બોલાવી શકો છો, ને છતાં અસલામતી જેવું કાંઈ લાગતું હોય તો તમારા ફ્લેટની બહાર મળી શકો છો. કામ ફક્ત બે મિનિટનું જ છે.

માનસી વિચારમાં પડી ગઈ. ડૉ. મલ્લિક સાથે કોઈ અંગત સંબંધ નહોતો, ના કદી એને ત્યાં આવ્યો છતાં એનાં સાસુ એની નીચે રહેતાં હતાં એ જાણતો હતો, ને બીજું બધું ઘણું જાણવાનો પ્રયત્ન કર્યો હશે. ‘શું કામ હશે આ સમયે?’ કેવળ શિષ્ટાચાર ખાતર ‘સારું’ બોલી ફોન બંધ કર્યો.

ફિલોમિનાને જગાડવાની જરૂરત ન લાગવાથી માનસી ગાઉન પહેરી ડ્રોઈંગરૂમમાં વાટ જોતી બેઠી ત્યાં જ બેલ વાગી. એણે દરવાજો ખોલીને ડૉ. મલ્લિકને અંદર આવવા કહ્યું. મલ્લિકે સંકોચ અનુભવ્યો, ‘બે જ મિનિટનું કામ છે, બહાર જ વાત કરી લઈએ.’

‘ના, એવી કાંઈ જરૂર નથી, માનસીએ શર્મિંદગીનો ભાવ અનુભવ્યો અને એને અંદર આવી બેસવાનું આમંત્રણ આપ્યું. મલ્લિક સોફા પર બેઠો. માનસી એની સામે બીજા સોફા પર બેઠી. ‘ડૉક્ટર’ મલ્લિક પોતાના હાથમાં રાખલી પ્લેનની ટિકિટ સામે ટેબલ પર મૂકીને બોલ્યો, ‘કાલે વહેલી સવારની ફ્લાઇટમાં તમે કલકત્તા જઈ શકશો? આસિતસર, આઈ મીન ડૉ. આસિત બેનર્જી બહુ બીમાર છે. તમને છેલ્લી વાર મળવા ઇચ્છે છે. સાંજે તમારો સંપર્ક ના થયો એટલે મેં તમે કદાચ જવા માંગતાં હો માનીને તમને પૂછ્યા વગર તમારી ટિકિટ બુક કરી છે. કોઈ પણ કારણસર તમે નહીં જઈ શકો એમ હોય તો ટિકિટ તો કેન્સલ થઈ શકે, પણ જો જવા માંગતા હો તો ચાન્સ લેવો પાલવે તેમ નહોતો.

માનસી ફાટી આંખે જોઈ રહી. ‘શું થયું છે આસિતને?’

‘બ્લડ કેન્સર. છેલ્લા છ મહિનાથી ટ્રીટમેન્ટ ચાલે છે.’

‘મને હમણાં જણાવ્યું?’

‘એમને આશા હતી કે બે-ચાર વરસ ખેંચી કાઢશે એટલે તમને જણાવવાની ના પાડી હતી મને. પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે. તમને જોવાની પ્રતીક્ષામાં જ ટકી રહ્યા હોય એવું લાગે છે. એમનો વિલ પાવર હું જાણું છું, કારણ હું એમનો સ્ટુડન્ટ છું. મને ત્યાંના ડૉક્ટરનો ફોન આવ્યો ને તુરંત તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો ને નછૂટકે તમને અત્યારે જગાડવાં પડ્યાં. તમે તૈયાર રહેજો. હું સાડા પાંચ વાગે આવીશ તમને એરપોર્ટ મૂકવા.’

‘તમારે તકલીફ લેવાની જરૂર નથી. હું જઈ શકીશ મારી મેળે.’

‘મને ખાતરી છે. પણ કોઈ પણ કારણસર તમે ફ્લાઇટ ચૂકી જાઓ એ પોષાય તેમ નથી. મને મારી ફરજ બજાવવા દો. હું ત્યાર પછીની ફ્લાઇટમાં આવીશ. ચિત્તરંજન હોસ્પિટલમાં છે. ડૉ. બાસુ તમને એરપોર્ટ પર રિસીવ કરશે. એ પણ એમના જ સ્ટુડન્ટ છે. મેં એમને તમારો ફ્લાઇટ નંબર જણાવ્યો છે. એ તમારી રહેવાની વગેરે વ્યવસ્થા કરશે. તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડવા દે.’

માનસી સજળ નેત્રે સાંભળી રહી.

‘બીજી ટિકિટની વ્યવસ્થા થઈ શકશે? ફિલોમિના પણ આવવા માંગશે.’

‘તમે એને સાથે લઈ લેજો. પ્રયત્ન કરશું ને ટિકિટ ના મળે તો બીજી ફ્લાઇટમાં વ્યવસ્થા કરીશ. એ બધું મારા પર છોડી દો.’ એટલું કહીને એ ઊભો થઈ ગયો.

‘અત્યારે તમે કયાં જશો?’

‘મારી ચિંતા ના કરતા.’ ને એ દરવાજા તરફ વળ્યો. બહાર જતાં કાંઈ યાદ આવ્યું હોય એમ પાછળ વળી બોલ્યો, ‘ડૉક્ટર, કોઈ ગેરસમજ ના કરતાં; પણ અત્યારે તમારી પાસે પૂરતા રોકડા પૈસા ના હોય તો ચિંતા ના કરતા. મારી પાસે પૂરતી વ્યવસ્થા છે, જો કે, ત્યાં એવી કોઈ જરૂર નહીં પડે.’ કહીને લિફ્ટની વાટ જોયા વગર દાદર ઊતરી ગયો.

માનસી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. પાંચ-સાત મિનિટ સુધી આંસુ ખાળી ન શકી. છેવટે સ્વસ્થ થઈ મોઢું ધોયું અને નિષ્પ્રાણ થઈ સોફામાં પડી. બધી ચેતના હણાઈ ગઈ હોય એમ લાગ્યું. ઊંઘ પણ ગાયબ થઈ ગઈ હતી. આંખ બંધ કરીને પડી રહી. પછી ઘડિયાળ તરફ જોયું. ત્રણ વાગ્યા હતા. એણે ઇન્ટરકોમમાં ફોન લગાવી ફિલોમિનાને ઉપર આવવા કહ્યું.

ફિલોમિના આવીને માનસીનો રડમસ ચહેરો જોઈ ડઘાઈ ગઈ,

‘શું થયું માનસી?’

માનસી કાંઈ બોલી નહીં. કેવળ અવકાશમાં તાકતી રહી.

‘માનસી.’ ફિલોમિનાના અવાજમાં ચીસનો રણકો હતો.

‘હા?’ જાણે અચાનક ભાનમાં આવી હોય માનસી ફિલોમિનાની સામે તાકી રહીને લાચારીભર્યા સ્વરમાં બોલી ‘ ફિલુ- આસિતને તો- મળવું જ જોઈએ ને? ના, મળવું જોઈએ. હવે- – -હવે પછી કદાચ એ ના મળે તો પછી- – – -પછી- -ક્યારેય નહીં મળે!- – -ક્યારેય નહીં- – -ક્યાં પણ નહીં.’

‘માનસી, આમ કેમ બોલે છે? શું થયું છે તને? કાંઈ સમજાય એમ બોલ ને.’

માનસી ધ્રુસકું રોકી ના શકી, ‘ફિલુ, આસિત ઈઝ ડાઈંગ. મને મળવા જ જીવતો રહ્યો છે.

‘ઓહ નો!’ બોલીને ફિલોમિના માનસીને વળગી પડી. ‘માનસી, મને વાત કર. આ બધું શું કહે છે તું.’

માનસી આંસુ સારતી રહી. બોલી ના શકી. ફિલોમિના બાજુમાં પડેલો માનસીનો મોબાઇલ લઈ નંબર લગાવવા જતી હતી ત્યાં જ માનસીએ એ ઝૂંટવી લીધું.

‘કોને ફોન કરે છે?’

‘રાજુલને, અહીં બોલાવવા માટે.’ ફિલોમીનાએ કહ્યું .

‘ના, રહેવા દે. એમ હિંમત હારે કાંઈ ના વળે.’ ને હાથેથી આંસુ લૂછી બને તેટલી સ્વસ્થતા કેળવી કહ્યું, ‘તું બે-ચાર દિવસનાં કપડાં બેગમાં નાખી લઈ આવ. આપણે સાડા પાંચે નીકળવાનું છે કલકત્તા જવા. આસિત બીમાર છે. ડૉક્ટરે આશા છોડી દીધી છે. તું નીચે જઈને આવ. પછી વાત કરીશું.’

‘હજી તો ઘણી વાર છે. તને અત્યારે એકલી છોડીને નહીં જાઉં.’

‘ફિલુ, તું શું મને એટલી નબળી માને છે? આ તો એક ઊભરો આવી ગયો. વર્ષોથી ટકાવી રાખેલાં આંસુઓનો બંધ તૂટી ગયો. પાણી બધું વહી ગયું. મારી ચિંતા ન કર. થોડી વાર મને એકલી રહેવા દે. જા, તું તૈયાર થઈને આવ. પછી ઘણો સમય છે વાત કરવાનો.’ માનસી જાણતી હતી કે ફિલોમિના જાણવા માંગતી હશે કે આસિતના સમાચાર કયાંથી આવ્યા, પણ કશું કહ્યા વગર એને તૈયાર થવા બળજબરીથી નીચે મોકલી.

પંદર મિનિટ પછી ફિલોમિના બેગ લઈને આવી ત્યારે માનસી સૂનમૂન થઈને સોફા પર બેઠી હતી.

‘ફિલુ, જરા જો ને, કબાટમાં કેટલા પૈસા છે?’ ફિલોમિનાએ કબાટ ખોલીને પૈસા ગણ્યા, ‘દસ હજાર.’ ‘જવા-આવવાના ને ત્યાં પણ કદાચ જરૂર પડે. ખબર નથી આસિતની સારવાર કેમ થાય છે, કોણ કરે છે. રાજુલને ફોન કરીને કહે કે જો એક લાખની વ્યવસ્થા થાય એમ હોય તો ડ્રાઇવર સાથે પાંચ વાગ્યા પહેલા મોકલે. કારની પણ કદાચ જરૂર પડે જો ડૉ. મલ્લિક ના આવી શક્યા તો.’

‘ડૉ. મલ્લિક?’ ફિલોમિના ચમકી ગઈ.

‘હા, કહું છું તને બધું. પહેલાં ફોન કર.’

ફિલોમિનાએ ફોન કરી રાજુલને ઉઠાડીને પૈસા માટે પૂછ્યું. ‘શું કાંઈ ઇમરજન્સી આવી છે?’ રાજુલે ચિંતિત થઈ પૂછ્યું, ‘પૈસાની વ્યવસ્થા તો થશે પણ પ્રોબ્લેમ શું છે, હું આવું છું.’

‘એક મિનિટ,’ ફિલોમિનાએ માનસીને કહ્યું, ‘રાજુલ પૈસા લઈને જાતે આવે છે.’

માનસીએ કહ્યું કે એણે જાતે આવવાની કોઈ જરૂર નહોતી કેવળ ડ્રાઇવરને મોકલે. માનસી અને ફિલોમિના વાતો કરતાં બેઠાં.

ડૉક્ટર મલ્લિકનો ફોન આવ્યો હતો ત્યારથી માનસીએ વાત માંડી. ‘ફિલુ, આપણે મલ્લિકને બહુ અન્યાય કર્યો. કોઈ મંતવ્ય બાંધતાં પહેલાં પૂરી વાત સમજવાની જરૂરત હતી. એ આસિતનો સ્ટુડન્ટ હતો ને આસિતના કહેવાથી જ મારી પર્સનલ ઇન્ક્વાયરી કરી હશે. આપણે જ એનો ઊંધો અર્થ કાઢ્યો. આ બાબતમાં તારી પ્રતિક્રિયા જાણી એનું દિલ કેટલું દુભાયું હશે. કેટલી લાચારી અનુભવી હશે એ વિચારે કે આસિતની આજ્ઞા વિરુદ્ધ એ કોઈ નિરાકરણ કરી શકે તેમ નહોતો.’

વાતો કરી થોડી વાર ચુપ બેસી રહ્યાં. ‘ચા બનાવી લાવું?’

‘હા,’ માનસીએ કહ્યું, ‘થર્મોસમાં લાવજે. રાજુલ આવ્યા વગર નહીં રહે.’

ફિલોમિના નીચે જવા ઊઠીને દરવાજો ખોલ્યો ત્યાં જ રાજુલ આવી.

‘શું બાબત છે, માનસી?’

‘અચાનક કલકત્તા જવુ પડે તેમ છે સવારની ફ્લાઇટમાં. ફિલુ પણ સાથે આવે છે. ત્યાં કદાચ પૈસાની જરૂર પડે. અત્યારે જ નક્કી થયું, નહિતર તો કોઈ પ્રોબ્લેમ નહોતો. હવે ઇમરજન્સીમાં તો તું જ મારી બેંક છે-ચોવીસ કલાક ખુલ્લી.’

‘પૈસા તો વધારે લાવી છું. રાખી મૂક સલામતી માટે.’

‘ના, એવી જરૂર નથી. હું મારા અકાઉન્ટમાંથી ત્યાં પણ પૈસા કાઢી શકું તેમ છું.’

‘પણ આ બધું મને રહસ્યમય લાગે છે.’ રાજુલે મૂંઝવણ અનુભવતાં કહ્યું.’

‘તારી વાત સાચી છે.’ માનસી ગંભીર વદને બોલી, ‘જે ભૂતકાળ મુડદાની જેમ દટાઈ ગયો હતો એ અચાનક જીવંત થઈ સામે આવી ઊભો છે. પાછી આવીને બધી વાત કરીશ. તારાથી કાંઈ છૂપું નહીં રાખું; પણ અત્યારે હું કંઈ પણ કહેવાની સ્થિતિમાં નથી. બે-ચાર દિવસ, ખબર નથી ક્યારે આવીશ, પણ આવીને વાત કરશું. તું ઘરે જા. તારી ઊંઘ શાને બગાડે છે? ડૉ. મલ્લિક આવવાના છે એરપોર્ટ છોડવા.’

‘ના, હવે મને ઊંઘ નહીં આવે, હું બેઠી છું એ આવે ત્યાં સુધી.

પાંચ વાગે નીચેથી હોર્ન વાગ્યું અને બધાં સાથે નીચે ઉતર્યાં. ડૉક્ટર મલ્લિક ડ્રાઇવ કરતા રહ્યા. ફિલોમિના આગળ બેઠી હતી. આખા રસ્તે કોઈ કાંઈ ના બોલ્યું. ફિલોમિનાની ટિકિટની વ્યવસ્થા થઈ ગઈ. બધાં એનાઉન્સમેન્ટની વાટ જોતાં સોફા પર બેઠાં. મલ્લિક બધાં માટે ચા લઈ આવ્યો. ચા પીતાં પીતાં માનસી બોલી, ‘ડૉક્ટર, માફ કરજો, તમને કદાચ માઠું લાગ્યું હશે. ફિલુની તો માફી માગવાની પણ હિંમત નથી રહી, એટલે એના વતી હું જ માંગી લઉં છું. પાછા આવ્યા પછી શાંતિથી મળીશું. તમારાં બેઉનાં તૂટેલાં તાંતણાં જોડવાની જવાબદારી મારી છે.’

‘પ્લીઝ, માફી માંગી મને શરમાવો નહીં. કોઈનો કાંઈ વાંક નથી. ગુનો મેં કર્યો હતો કે હું વચનબદ્ધ થયો હતો. વચનનું માન રાખવાને તમે ગુનો કહેતા હો તો ફિલુ પણ મારી ગુનેગાર કહેવાય.’

‘હું અમેરિકા ગઈ ત્યારે એ પણ વચનબધ્ધ થઈ હતી. જે મેં ગુમાવ્યુ હતું એ હું અંતઃકરણથી ઇચ્છું છું કે તમે અને ફિલુને ના ગુમાવો.’

ફિલોમિના નીચું મોં રાખી સાંભળી રહી.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.