ફિલ્મસંગીતના નકશીકારો – (૨૫) કહાં ગયે વોહ લોગ!

પીયૂષ મ. પંડ્યા

આ લેખમાળાની અગાઉની કડીઓમાં હિન્દી ફિલ્મસંગીતમાં અતિ મહત્વનું પ્રદાન કરનારા કેટલાક વાદકો વિશે માહીતિ અપવામાં આવી હતી. પણ તેમની સંખ્યા કાંઈ આટલી જ નહોતી. તેમના ઉપરાંત અવલ દરજ્જાના અનેક અનામી વાદકો ફિલ્મી વાદ્યવૃંદોમાં પોતાનો કસબ ઉજાગર કરી ગયા છે. તેમાંના કેટલાક મૂળભૂત રીતે શાસ્ત્રીય સંગીતના ઉપાસકો હતા પણ એક યા બીજા કારણસર તેઓ ફિલ્મી સંગીત સાથે સંકળાયા હતા.સૌ પ્રથમ આવાં નામો જોઈએ.

પન્નાલાલ ઘોષે બંગાળી તેમ જ હિન્દી ફિલ્મોનાં ગીતો માટે વાંસળીના સૂર રેલાવ્યા છે. તે જ રીતે હરીપ્રસાદ ચૌરસીયાએ પણ કેટલાંક ફિલ્મી ગીતો માટે વાંસળીવાદન કર્યું છે.

પન્નાલાલ ઘોષ

શિવપ્રસાદ શર્માએ કેટલાંક ગીતો સાથે સંતૂર તો વગાડ્યું જ છે, સાથે સાથે ફિલ્મ ‘ગાઈડ’ (૧૯૬૫)ના ગીત ‘મોં સે છલ કીયે જાય’  માટે યાદગાર તબલાવાદન પણ કર્યું છે. આગળ ઉપર તેમણે હરીપ્રસાદ સાથે જોડી બનાવી, ‘શિવ-હરી’ નામથી કેટલીક ફિલ્મોમાં સંગીત પણ પીરસ્યું. અલી અકબર ખાન અને ઝરીન દારુવાલા શર્મા જેવાં પ્રતિષ્ઠિત સરોદવાદકોએ ફિલ્મી ગીતો માં વાદન કર્યું છે.

રઈસ ખાન અને અબ્દુલહલીમ જાફર ખાનના સિતારવાદને ઘણાં ફિલ્મી ગીતોને શણગાર્યાં છે. તે બન્ને પણ શાસ્ત્રીય સંગીતની મજલિસોમાં વધુ દેખા દેતા હતા.

મશહૂર શરણાઈવાદક બિસ્મીલાહ ખાને ફિલ્મ ‘ગૂંજ ઉઠી શહનાઈ’(૧૯૫૯) માટે શરણાઈ વાદન કર્યું હતું (ફિલ્મનાં ગીતોમાં સાંભળવા મળે છે તે શરણાઈ વાદન રામલાલે કર્યું હતું.) રામનારાયણ જેવા સુખ્યાત સારંગીવાદક પણ ફિલ્મી ગીતો માટે વગાડી ગયા છે. ખ્યાતનામ તબલાવાદક સામતાપ્રસાદે ૧૯૬૩ની ફિલ્મ ‘મેરી સૂરત તેરી આંખેં’ના ગીત નાચે મન મોરા મગન’માં તબલાવાદન કર્યું હતું. તે ગીતના ચોક્કસ મકામો ઉપર ‘ઘીસી’નો પ્રયોગ ભાવકો આજે પણ ભૂલ્યા નથી. આજના સુખ્યાત તબલાવાદક ઝાકીર હુસૈનના પિતા અલ્લારખ્ખા કુરેશીએ પણ કેટલાંક ફિલ્મી ગીતો સાથે સંગત કરી છે. તેમણે એ.આર.કુરેશીના નામથી કેટલીક ફિલ્મોમાં સંગીત પણ પીરસેલું.

ચીક ચોકલેટ (એન્ટોનીયો વાઝ) અને ઉત્તમસિંહ એક કરતાં વધુ વાદ્યોના નિષ્ણાત વાદક હતા.

મર્લીન ડી’ સોઝા અને વીક્ટર ડી’ સોઝા(આ લેખમાળાની ૧૨મી કડીમાં જેમનો ઉલ્લેખ છે તે મશહૂર કલાકાર સેબેસ્ટીયન ડી’ સોઝાનાં અનુક્રમે પુત્રી અને પુત્ર), અનિલ મોહીળે, અશોક શર્મા(સરોદવાદિકા ઝરીન દારુવાલા શર્માના પતિ અને સુખ્યાત સંગીતકાર ભગતરામના પુત્ર)  અને  જી.એસ. (ગુરુશરણ) કોહલી જેવાં અનેક કલાકારોએ સંગીતકારો સાથે સહાયક અને/અથવા વાદ્યવૃંદનિયોજક(એરેન્જર) તરીકે યાદગાર પ્રદાન કર્યું છે.

મૂળભૂત રીતે તેઓ કોઈ ને કોઈ વાદ્યનાં નિષ્ણાત વાદકો હતાં અને પોતાની ક્ષમતા તેમ જ સંગીતની ધૂનને લિપીબદ્ધ કરવા માટેની ઊંડી જાણકારીને લીધે તે લોકો એક પાયરી ઉપર ચડ્યાં હતાં.

શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદો ઉપરાંત એવા અનેક વાદકો હતા જેઓ ફિલ્મી વાદ્યવૃંદોમાં અને/અથવા ક્લબોમાં તેમ જ હોટેલોમાં સંગીત પીરસતાં બેન્ડ્સ માટે કામ કરતા હતા. સુમન રાવ અને સુરેશ યાદવ જેવા વાંસળીવાદકો, ગણેશ અને શામલાલ જેવા સેક્સોફોનવાદકો તેમ જ પીટર વાઝ અને સુધીર જેવા ટ્રમ્પેટવાદન માટે મશહૂર કલાકારોનો કસબ અનેક ફિલ્મી ગીતોમાં માણવા મળ્યો છે. ચાંપવાદ્યો માટે બહાદૂર નાનજી, સુમિત મિત્રા, ધીરજ ધાનક, ભાર્ગવ, કે. રાજેશ, વીપિન રેશમિયા ઉપરાંત વાસુદેવનાં નામો જાણીતાં હતાં.

તારવાદ્યોમાં વાયોલીન ઉપર ચીક કોરીયા, માર્ટીન પીન્ટો, આર્થર પરેરા અને કેસ્ટેલીનો ફ્રાન્કો જેવા ગોવાના કલાકારોનો દબદબો કાયમ રહ્યો. પણ તોયે ઉત્તમસિંહ જેવા પંજાબી વાદકે આગવું સ્થાન જમાવી રાખ્યું હતું. મેન્ડોલીનવાદનમાં પરશુરામ હલદીપૂરકર અને ડેવીડ નામના કલાકારો ઊંચી પ્રતિષ્ઠા ધરાવતા હતા.

પરશુરામ હલદીપુરકર

ગિટાર વાદકોમાં રમેશ ઐયર, સુનીલ ગાંગુલી અને ટોની વાઝ જેવાં નામો પ્રચલિત હતાં.

પાર્શ્વગાયક ભૂપીન્દર સિંહે પણ અનેક ગીતોમાં ગિટારવાદન કર્યું છે. ‘હરે રામા હરે ક્રિશ્ના’(૧૯૭૧)ના ગીત દમ મારો દમ માંના પ્રભાવક અને યાદગાર ગિટારના અંશ તેમણે વગાડ્યા છે. સિતારવાદન માટે જયરામ આચાર્ય અને ગુલફામ હુસૈન પણ સારી એવી પ્રતિષ્ઠા ધરાવતા હતા.

જયરામ આચાર્ય

તાલવાદન માટે પંઢરીનાથ, હમીદ ખાન, ચૌબેજી અને લાલા ભાઉ જેવા વાદકો જાણીતા હતા.

પંઢરીનાથ

આ ઉપરાંત એવા અગણિત કલાકારો હતા કે જેમનાં નામથી આપણે અજાણ જ રહ્યા છીએ. એમ કહી શકાય કે નિયતિએ આવા સક્ષમ કલાકારોને યોગ્ય સમયે, ઉત્તમ કાર્ય કરવા માટે યોગ્ય જગ્યાએ એકઠા કર્યા. પરિણામે તે સમયગાળાનું ફિલ્મી સંગીત ખુબ જ સમૃદ્ધ બની રહ્યું.

*******                       *******                      *******

આ શ્રેણીનો ઉપક્રમ વાદકોનો, સહાયક સંગીતકારોનો અને એરેન્જર્સ/વાદ્યવૃંદનિયોજકોનો એટલે કે કલાકારોનો પરિચય કરાવવાનો હતો. પણ,સાઉન્ડ ટેકનોલિજિસ્ટ્સના પ્રદાનને  કેમ ભૂલાય? તેમણે ફિલ્મી ગીતોના રેકોર્ડીંગ/ધ્વનિમુદ્રણનું અમૂલ્ય કાર્ય કર્યું છે. તેમના પ્રદાન સિવાય સંગીતનો આ અમૂલ્ય ખજાનો ભાવકો સુધી ક્યારેય પહોંચ્યો ન હોત. આ લેખમાળામાં ફિલ્મી સંગીતના સુવર્ણકાળ તરીકે ઓળખાતા ૧૯૪૫-૧૯૭૦ના સમયગાળાને જ આવરી લેવાયો છે તેથી તે જ સમયગાળાના કેટલાક રેકોર્ડીસ્ટ્સનો નામોલ્લેખ કરીએ.

એ માટે કોઈ પણ ગીત ભાવક સુધી પહોંચતાં પહેલાં કેટલા સંસ્કારોમાંથી પસાર થતું તે સમગ્ર કાર્યપધ્ધતિ વધુ એક વાર યાદ કરી લઈએ.

સામાન્ય રીતે ધૂન સંપૂર્ણપણે સંગીતકાર તૈયાર કરતા અને એમાં રંગપૂરણીનું કાર્ય મહદઅંશે સહાયક સંગીતકાર સંભાળી લેતા. જે તે ગીત માટે ઉપયોગમાં લેવાનાર વાદ્યવૃંદના કદ અને વૈવિધ્યનો આધાર એ ગીતની ધૂન ઉપરાંત ફિલ્મમાં એ ગીત કેવા પરિપ્રેક્ષ્યમાં રજૂ થવાનું હશે એના ઉપર અને બજેટ ઉપર રહેતો. તે પછી સહાયક સંગીતનિર્દેશકનું કામ શરૂ થતું. ચોક્કસ ધૂન સાથે કયા મુકામ પર પૂર્વાલાપ/Prelude, મધ્યાલાપ/Interlude તેમ જ કાઉન્ટર્સ/Obligatoes તરીકે કેવાં ઉમેરણ કરવાં એ બાબતે આ સહાયકો ખાસ્સી સૂઝબૂઝ ધરાવતા હતા.

આ રીતે ગીતની સ્વરબાંધણી થઈ જાય પછી જ એ ગીતનો ખરો ઘાટ ઘડાવાનું શરૂ થતું. એ ગીત સાથે કયા મકામ પર કયા વાજિંત્ર ઉપર કયો ટુકડો વગાડવાનો છે એ બાબતનું નિયમન એરેન્જર/ઓરકેસ્ટ્રા કંડક્ટર કરતા. જે તે વાદ્યના સાજીંદા પોતાના ભાગે આવતો ટૂકડો યોગ્ય સમયે વગાડી, એ ગીતમાં અનોખો રંગ પૂરી દેતા. આને માટે એ બધા જ કલાકારો સાથે મળીને દિવસો સુધી મહેનત કરતા. એક વાર એરેન્જરને સંતોષ થાય પછી સંગીતનિર્દેશકો તેમ જ સહાયક સંગીતકારોની હાજરીમાં ગાયકો સાથે રીહર્સલ થતાં. આમ, આપણા કાને પડી, આપણને તરબતર કરી દેતા એક એક ગીત પાછળ મહિનાઓ માટે મહેનત કરવામાં આવી હોવાનાં ઉદાહરણ પણ નોંધાયેલાં છે. આખરે બધું બરાબર હોવાની ખાત્રી થાય પછી જ એ ગીતનું ફાઈનલ ધ્વનિમુદ્રણ થતું હતું.

એ અરસામાં ગીતનું ધ્વનિમુદ્રણ સાઉન્ડ સ્ટુડીઓમાં સંપૂર્ણ વાદ્યવૃંદની સાથે એક જ સમયે થતું હતું. ત્યારે અનેક સાજીંદાઓ વચ્ચે એક જ માઈક્રોફોન ઉપલબ્ધ રહેતું. આથી ગીતના ચોક્કસ તબક્કે જે તે વાજીંત્રના વાદનને પ્રાધાન્ય આપવાનું હોય એને માઈક્રોફોનથી કેટલા અંતરે રાખવું એ પણ ખાસ્સી કાળજી માંગી લેતી બાબત હતી. આ માટે અત્યંત સજ્જ એવા ધ્વનિમુદ્રકો એરેન્જર્સ, સહાયક સંગીતકાર અને સંગીતનિર્દેશક સાથે સમાયોજન સાધીને અપેક્ષિત પરિણામ નિપજાવી આપતા. નોંધનીય છે કે જે તે ફિલ્મના શૂટીંગ દરમિયાન થતું ધ્વનિમુદ્રણ અલગ બાબત છે અને એને માટેના નિષ્ણાતો પણ અલગ હતા. અહીં માત્ર ગીતોના રેકોર્ડીંગ પૂરતી જ વાત છે. તેને માટે ટેકનોલોજિના જ્ઞાન અને કુશળતા સાથે સાથે સંગીતની બારીકિઓની જાણકારી અને સૂઝ પણ મહત્વની બની રહેતી હતી.

મીનુ કાતરક અને દુર્લભજી ઓધવજી (ડી.ઓ.) ભણસાલી તે સમયગાળાના સૌથી વધુ વ્યસ્ત ધ્વનિમુદ્રકો હતા.

સંગીતકાર વસંત દેસાઈના ભત્રીજા મંગેશ દેસાઈ પણ બહુ ક્ષમતાવાન રેકોર્ડીસ્ટ હતા. તે ખાસ કરીને સાઉન્ડ મીક્સીંગના નિષ્ણાત હતા. બદ્રીનાથ(બી.એન.)મિશ્રાએ ‘બોમ્બે સાઉન્ડ સર્વીસીઝ’ નામની કંપની સ્થાપી હતી, જ્યાં ગીતો તેમ જ ફિલ્મનાં અન્ય તમામ પાસાંઓના સાઉન્ડ રેકોર્ડીંગ માટેની સુવિધાઓ ઉપલબ્ધ હતી.

અત્યારે આસાનીથી મળી રહેતી કેટલીયે ટેકનિકલ સગવડો ત્યારે કલ્પનાની પણ બહાર હતી. ડબલ ટ્રેક સાઉન્ડ રેકોર્ડીંગ તો એક ક્રાંતિકારી આવિષ્કાર હતું. લગભગ અઢી દાયકા પહેલાંની એક ટેલીવીઝન મુલાકાતમાં સંગીત નિર્દેશક અનુ મલિકે કહેલું કે અત્યારે મલ્ટી ટ્રેક સાઉન્ડ રેકોર્ડીંગ માટેનાં સંસાધનો સહેલાઈથી મળતાં થઈ ગયાં છે. પણ, ફિલ્મ ‘જીસ દેશ મેં ગંગા બહતી હૈ’(૧૯૬૦)ના ગીત આ અબ લૌટ ચલેં જેવી ગુણવત્તાનું રેકોર્ડીંગ અમે લોકો કરી શકીએ કે કેમ એ શંકાનો વિષય છે. એક વ્યવસાયિક સંગીતકારનું આ વિધાન સુવર્ણકાળના એ ધ્વનિમુદ્રકો માટે મોટા શિરપાવ સમાન ગણી શકાય.

ગીતો માટે અન્ય એક બાબત જાણવી પણ રસપ્રદ બની રહે તેવી છે. ઘણા કિસ્સાઓમાં એક જ ગીતનાં એક કરતાં વધુ સંસ્કરણો રેકોર્ડ થતાં હતાં. કેમ કે ગ્રામોફોન રેકોર્ડ્સ બજારમાં વહેલી મૂકાઈ જતી. તેમાં ત્રણ મીનિટની સમયમર્યાદા જાળવવી પડતી. આથી સ્ટુડીઓમાં રેકોર્ડ કરાયેલા લાંબી અવધિના ગીતને ટૂંકાવી દેવામાં આવતું. કેટલીક વાર સંગીતકારો છૂટ લઈને અલગઅલગ સંસ્કરણોના વાદ્યસંગીતમાં પણ નાના મોટા ફેરફારો કરી લેતા. ફિલ્મ ‘બરસાત’(૧૯૪૯)ના ગીત ‘છોડ ગયે બાલમ’નાં બે અલગઅલગ સંસ્કરણો સાંભળવાથી આ બાબત વધારે સ્પષ્ટ થશે..

આ ક્લિપમાં પ્રિલ્યુડની શરૂઆત પિયાનોવાદનથી થાય છે. તેમાં શંકર-જયકિશનની ઓળખસમ ધૂનની ફોરમ વર્તાય છે. અચાનક જ  0.36 થી એકદમ ઝડપી વાયોલિનવાદન શરૂ થાય છે, જેની પશ્ચાદભૂમાં હાર્મોનિયમ ઉપર ઓબ્લીગેટોસ વાગતા રહે છે. વળી અન્ય તાલવાદ્યોની સાથે સ્ટીક્સ પણ તાલ પૂરાવે છે. મુખડાની શરૂઆત  થાય અને પહેલી પંક્તિ ગવાઈ રહે ત્યાં વાંસળી વડે કાઉન્ટર્સની અસર નીપજે છે.

બીજી ક્લિપમાં પ્રિલ્યુડ સીધો વાયોલીનવાદનથી જ શરૂ થાય છે. મુખડાને સમાંતર ઓબ્લીગેટોઝ ટ્રમ્પેટ ઉપર વગાડવામાં આવ્યા છે. પહેલી પંક્તિના છેડે વાંસળીની જગ્યાએ મેન્ડોલીન વડે કાઉન્ટર્સ વાગે છે. બન્ને ગીતો ધ્યાનપૂર્વક પૂરેપૂરાં સાંભળવાથી તફાવતની આવી બારીકીઓ કાને પડ્યા કરશે. આ કમાલ સંગીતકારો અને એમની ટીમની તો છે જ, પણ તેને આપણા સુધી પહોંચાડવા માટેનું શ્રેય ધ્વનિમુદ્રકોને ખાસ્સું આપવું રહ્યું.

એક ગીત કેટકેટલા કસબીઓ દ્વારા કેટકેટલી પ્રક્રીયાઓમાંથી પસાર થતું હોય છે. તે એક નાનકડી ક્લિપમાં સમજી શકાશે. પ્રસ્તુત ક્લિપમાં ૧૯૭૧ની ફિલ્મ ‘મૈં સુંદર હૂં’ના ગીત ‘નાચ મેરી જાન’ નું ધ્વનિમુદ્રણ તેમ જ ફિલ્માંકન દર્શાવાયું છે. શરૂઆતમાં ફૂંકવાદ્યોના સાજીંદાઓને માર્ગદર્શન આપી રહેલા સહાયક સંગીતકાર દત્તારામ નજરે પડે છે. રેકોર્ડીંગ સામગ્રી પાસે ડાબે સંગીતકાર જયકિશન, વચ્ચે રેકોર્ડીસ્ટ મીનૂ કાત્રક અને જમણે ગીતકાર્ આનંદ બક્ષી જોઈ શકાય છે. બીજી બાજુએ સહાયક સંગીતકાર સેબેસ્ટીયન અન્ય વાદકો સાથે છે. ગાયક કિશોરકુમાર સાથે ફરી એક વાર દત્તારામ જોવા મળે છે. ધ્વનિમુદ્રણ દર્શાવ્યા પછી તે જ ગીત ઉપર નૃત્ય કરી રહેલાં મહેમૂદ અને જયશ્રી ટી. નું ફિલ્માંકન દર્શાવાયું છે. એક બાજુ અગાઉ રેકોર્ડ કરાઈ ગયેલું ગીત વાગે છે અને બાજુમાં જ નૃત્યનિર્દેશકના માર્ગદર્શન હેઠળ તેનું ફિલ્માંકન થઈ રહ્યું છે.

સમાપનમાં એટલું જ કહેવાનું કે કોઈ પણ ગીતને માણતી વેળા સામાન્ય રીતે આપણે ગાયક્ને કે બહુ બહુ તો સંગીતકારોને દાદ આપતા રહીએ છીએ. ગીતની રચના અને તેના માધુર્ય માટે એટલા જ યશાધિકારી એવા અગણિત કલાકારોને વિશે આપણે ભાગ્યે જ જાણતા હોઈએ છીએ. આ લેખમાળાનો મુખ્ય ઉદ્દેશ તે કસબીઓના કાર્યને ઉજાગર કરવાનો હતો  અલગઅલગ ક્ષેત્રના અનેક મહારથીઓ આવ્યા, પોતપોતાનું શ્રેષ્ઠ પ્રદાન કર્યું અને ભાવકોને તરબતર કરી મૂકનારા દિવ્ય સંગીતના ખજાનાનું સર્જન કરી, ન જાણે ક્યાં જતા રહ્યા! એમ ધારી શકાય કે તે બધા ઈન્દ્રસભાના ગાંધર્વો હતા, જે કોઈ શાપના માર્યા ધરતી ઉપર આવ્યા અને સ્વર્ગીય સંગીત આપણા માટે મૂકીને પાછા ચાલ્યા ગયા.


આભારદર્શન :

૧) આ લેખમાળા અહીં પ્રસ્તુત કરવાની ઉદાર છૂટ આપવા માટે ‘વેબગુર્જરી’ના સંપાદકો અશોક વૈષ્ણવ અને બીરેન કોઠારી

૨) ઉપયોગી સૂચનો તેમ જ જરૂરી માહીતિ પૂરી પાડવા માટે હરીશ રઘુવંશી, ચન્દ્રશેખર વૈદ્ય, ઉર્વીશ કોઠારી અને નિકી ક્રીસ્ટી

૩) દરેક લેખમાં મૂલ્યવર્ધન કરી આપવા માટે બીરેન કોઠારી

૪) એકે એક લેખને રસથી વાંચી, પ્રોત્સાહન પૂરું પાડનારા રસિકજનો

૫) નેટ ઉપર કલાકારોની તસવીરો, લેખો અને અન્ય સામગ્રી ખુલ્લી મૂકી દેનારા નામી અનામી રસિકજનો


નોંધ:

આ સમગ્ર લેખમાળામાં મૂકાયેલ મોટા ભાગની ક્લિપ્સ યુટ્યુબ પરથી લીધેલી છે. મેન્ડોલીનવાદક કિશોર દેસાઈની કેટલીક ક્લિપ્સ ગ્રામોફોન ક્લબ (અમદાવાદ)ના કાર્યક્રમના રેકોર્ડીગમાંથી અલગ તારવીને તેના પ્રમુખ મહેશ શાહના સૌજન્યથી મળી હતી. તેમનો ખાસ આભાર.

આ લેખમાળામાં પ્રસ્તુત થયેલી કોઈ પણ સામગ્રી વ્યવસાયિક ઉપયોગ માટે નથી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

6 thoughts on “ફિલ્મસંગીતના નકશીકારો – (૨૫) કહાં ગયે વોહ લોગ!

 1. પીયૂષભાઈએ ખૂબ ચીવટ, જહેમત અને પ્રેમથી આ શ્રેણી રજૂ કરી.

  જે નામો જાણીતાં હતાં તેમનાં કામની અજાણી વિગતો જાણવા મળી , કેટલાંક તો નામો માત્ર સાંભળ્યાં હતાં પણ તેમના વિશે કશીજ ખબર નહોતી, કેટલાંક તો નામો પણ અજાણ હતાં.

  આમ હિંદી ફિલ્મોના ઇતિહાસની એક બહુ જ મહત્ત્વની કડીનું અહીં દસ્તાવેજીકરણ થયું છે.

  પીયૂષભાઈનો ખૂબ ખૂબ આભાર.

 2. પહેલા તો પીયૂષભાઈ નો ખુબ આભાર અને અભિનંદન.તેમને જાણ્યા અજાણ્યા સંગીત કસબીઓ ની વિશદ છણવટ કારી છે.
  સંગીત નો શોખ હોય,ગીતો સાંભળતા હોઈએ ત્યારે સ્વાભાવિક છે કે ‘સંગમ’ ના દોસ્ત દોસ્ત નારી રહા માં પિયાનો કોણે વગાડ્યો હશે અથવા ‘ચોરીચોરી’ ના અમર યુગલ ગીતો માં ગિટાર કે ઇકોર્ડીંઅન કોણે વગાડ્યું હશે તે સવાલ થાય જ. આ લેખ થઈ આવા અજાણ જાદુગરો નો પરિચય થયો જેમણે આપણા જીવન ને તરબતર બનાવ્યું છે.
  ખૂબ ખૂબ આભાર, પિયુષભાઈ !

 3. લખાણ માં ખૂબ બધી ક્ષતિઓ છે તે માટે ક્ષમા ચાહું છું

 4. પિયુષભાઇ,
  ખુબ રસપ્રદ અને માહિતીસભર શ્રેણી દ્વારા સંગીત ના ચાહકો ને ઘણી બધી ન જાણેલી વાતો પીરસી અને જ્ઞાન મા ઉમેરો કર્યોં…. બીજુ કે મારો આભાર માનવાનો ના હોય… હું જે કઈ થોડું જાણું છે તે વહેચ્યું….
  શ્રેણી ચાલુ રેહ્તે તો ખુબ મજા પડતે….
  ઈશ્વર આપને તંદુરસ્તી આપે તે જ પ્રાર્થના.
  નિકી ક્રીસ્ટી

 5. આ શ્રેણી કેવળ ‘વેબગુર્જરી’ પરની જ નહીં, આ વિષય પરની અનન્ય શ્રેણી બની રહી છે. આ અજાણ્યા વાદકો વિશે છૂટીછવાઈ અનેક માહિતી ઉપલબ્ધ હશે, પણ અહીં જે રીતે એક દોરમાં પરોવાઈને તે રજૂ થઈ છે એનાથી તેનું મૂલ્ય અનેકગણું વધી જાય છે. પિયૂષભાઈને ખાસ અભિનંદન. ‘વેબગુર્જરી’ને પણ વિશેષ ધન્યવાદ.
  ફિલ્મસંગીતમાં એકના એક વિષય પરનાં અનેક લખાણો રોજેરોજ ‘એક્સક્લુસિવ’ તરીકે લખાતાં હોય છે. જ્યારે આ શ્રેણી ખરા અર્થમાં ‘એક્સક્લુસિવ’ બની રહી.

 6. ફિલ્મ સંગીતના નકશીકારો માહિતીસભર લેખમાળા રહી. લેખકે ઘણી મહેનત કરીને અનેક અજાણી માહિતી રજૂ કરી છે. પરંતુ આ વિષય ઘણો સમય માંગી લે છે. હું જ્યારે સંગીતકાર શંકર -જયકિશનની સંગીતયાત્રા વિષયક પુસ્તક લખી રહ્યો હતો ત્યારે જે યાતનામાંથી પસાર થવું પડ્યું હતું તે કદી ભૂલી શકાય નહીં. અત્રે ફક્ત એક સૂધારો સૂચવું છું. મર્લીન ડિસોઝા એ વાદ્ય વૃંદ સંચાલક સેબાસ્ટિયન ડિસોઝાનાં પુત્રવધુ થાય છે. અને તેનો પુત્ર રૈઝ ડિસોઝા જાણીતો સેક્સોફોન વાદક છે. અભિનંદન.

Leave a Reply

Your email address will not be published.