આપેલું કદિ એળે જતું નથી…….ખેતીમાં પણ

કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

     વાત છે ૧૯૭૮-૭૯ સાલની. એ વરસે વરસાદનું પ્રમાણ સારું રહ્યું હોવાથી શિયાળે પિયત કરી શકાય એટલું પાણી કૂવામાં ટક્યું હોવાથી પંચવટીબાગમાં અમે શિયાળુપાક ઘઉંની સાથોસાથ ત્રીસેક વિઘામાં જીરુનું વાવેતર કરી શકેલા. અને કુદરતને કરવું છે તે મોલાતોમાં “સવા” પણ એવો અનુકૂળ રહ્યો કે જીરુ ઉતર્યું વિઘે દસ દસ ને બાર બાર મણ ! અમારે એ વરસે ત્રણસો મણની કોરમોર જીરુ પાકેલું.

બાજુના માંડવા ગામવાળા માવજીભાઇ પટેલ મારા ભાઇબંધ. વ્યવસાય એનો નાની-મોટી ખેતપેદાશોનો વેપાર કરવાનો. મેં દોઢસો મણ જીરુ ભાવ કરી એમને વેચાતું આપી દીધું અને બાકીનું દોઢસો મણ ઉંઝાની પીઠમાં વેચવા લઈ જવું એવું નક્કી કરી ટ્રક ભાડે બાંધવાની પૂછપરછ કરતો હતો ત્યાં માવજીભાઇ જ ભેગા થઈ ગયા અને કહે, મારે પણ તમારાવાળું જીરુ ઉંઝા જ વેચવા જવું છે. એટલે મોટો ટ્રક ભાડે કરી બન્નેનું દોઢસો દોઢસો-કુલ મળી ત્રણસો મણ જીરુ એક સાથે જ ઉંઝાની પાઠમાં પહોંચાડ્યુ.

ઉંઝાની પીઠમાં તો જીરુ, વરિયાળી, ઇસબગૂલ, રાયડો જેવી અનેક ખેતપેદાશો બહુ મોટા જથ્થામાં વેચાવા આવતી ભાળી. વારો આવતાં અમારા જીરુના જથ્થાની પણ હરરાજી બોલાઇ. બન્યું એવું કે તે દિવસોમાં જીરુની પીઠ થોડી દબાયેલી હોઇ ભાવ ધાર્યા કરતા થોડા ઓછા ઉપજ્યા.મારે તો જીરુ ઘરનું હતું એટલે હાસલ-ખોટનો કોઇ સવાલ નહોતો. પણ માવજીભાઇ તો જીરુ વેચાતું લઈ વેચવા નીકળ્યા હતા ! એમને હું ભાળું એમ મારી પાસેથી લીધેલા જીરુની નક્કી કરેલ રકમ કરતાં બે હજાર રૂપિયાની ખોટ પડી ! ભારે કરી ! મને આ ન ગમ્યું.

મેં માવજીભાઇને કહ્યું કે “માવજીભાઇ ! મારી નજર સામે જ તમારે મારા માલમાં ખોટ ખાવી પડે છે તે મને નથી ગમતું. તમે મને બે હજાર રૂપિયા ઓછા ચૂકવજો.” માવજીભાઇ એવી વાત માને નહીં. કહે “આ તો વેપાર છે હીરજીભાઈ ! હાંસલ-ખોટ તો એમાં હાલ્યા જ કરે. કદાચ નફો રહ્યો હોત તો હું થોડો તમને આપી દેત ?” મેં કહ્યું કે “નફો ભલે તમે મને ન આપી દેત, પણ હું સાથે ન હોત અને તમને ગમે તે ભાવ મળ્યો હોત તો મને કશો વાંધો નહોતો, પણ આ તો મારી નજરની સામે જ મારા માલમાં તમારે ખોટ ખાવી પડે છે તે મને નથી ગમતું. તો એમ કરો માવજીભાઈ ! એ નુકશાનમાં મારો અર્ધો ભાગ ગણીએ અને બન્ને અરધી અરધી નુકસાની વહેંચી લઈએ”. કેટલીય માથાકાહટીની અંતે માંડ હું અરધી નુકસાનીનો ભાગ લેવા માટે એમને મનાવી શક્યો.

ઘટના મહત્વની હવે બને છે મિત્રો !

આવ્યું ચોમાસું. એ વરસે અમે એસ.આર.ટી. કપાસ વાવેલો. અને ઘણા ખેડૂતો એ કપાસનો એડવાન્સ સોદો કરતા હોવાથી અમે પણ ૨૦૦ મણ કપાસનો એડવાન્સ સોદો માવજીભાઇ સાથે જ કર્યો. પીઠના ચડાવ-ઉતારનું તો કંઇ નક્કી થોડું હોય ? સોદો થયા પછી થોડા દિવસોમાં જ કપાસની પીઠ ફાટી પડી ! ભાવો ખુબ ઉચકાયા. અમે વેચેલ ભાવ કરતા દોઢા ભાવ થઈ ગયા. એનોયે વાંધો નહોતો, પણ મોલાતમાં એવો “કવા” વાયો કે કપાસનું ઉત્પાદન ધાર્યા કરતાં અરધું જ મળ્યું. હવે ? કપાસ તૈયાર થયે માવજીભાઇએ તોલ કર્યો તો વજન થયું ૧૧૦ મણ જ. મેં એમને કહ્યું “ મેં સાટું તો તમારી સાથે ૨૦૦ મણનું કર્યું છે, એટલે ઘટતા ૯૦ મણ કપાસનો તમે કહો તે ભાવ ખંડી દેવા તૈયાર છું.”તો મને કહે, “હીરજીભાઈ ! હું કાંઇ ગાંડો થઈ ગયો છું કે તમારી પાસેથી ઘટતા કપાસની કિંમતનો ખંડ કરું ? હજુ ગઈ કાલે જ મારી જીરુના વેપારની નુકસાનીમાં અરધોઅરધ તમે ભાગ લીધેલો તે હું થોડો ભૂલી જાઉં ? આ તો કપાસ તમારે ઓછો ઉતર્યો છે માટે ઓછો આપો છો, કપાસ હોય છતાં ન આપતા હો એવું તો નથી ને? હું વેપારી ભલે રહ્યો, પણ તમારી જેમ “માણસ” પહેલાં છું અને પછી વેપારી છું. હું કંઇ માણસાઈ થોડી ભૂલી જાઉં ?” અને એમણે ઘટતા ૯૦ મણ કપાસના વધુકા ભાવનો ખંડ કરવાનો બંધ રાખ્યો. મિત્રો ! ખેડૂતોને પણ અન્ય વ્યક્તિઓ સાથે ઇમાનદારીથી કરેલા વ્યવહારમાં કદિ ઘસારો ખમવાનો થયો હોય તો તેનો બદલો સવાયા લાભમાં પરિણમતો હોય છે એની ગળા સુધીની ખાતરી અમોને તે દિવસે થઈ ગઈ.

એક બીજી ઘટના :

માણસના માણસ મિત્ર હોય અને એ એકબીજાને મદદગારી કરે એ તો સમજાય તેવી વાત છે. પણ પશુઓ એમની સાથે દેખાડેલ પ્રેમ અને કૂણી લાગણીઓનો બદલો વાળ્યા વગર રહેતા નથી એનોયે અમારે ત્યાં બનેલો પ્રસંગ નોંધું.

વાત છે હજુ પાંચ-છ વરસ પહેલાંની [૨૦૧૨] જ. બન્યું હતું એવું કે ધીરે ધીરે કરતા પંચવટીબાગમાં ઢોરાંની સંખ્યા એટલી બધી વધી પડી કે એની ગોવાળી કરવામાં જ કામ કરનારા ભાગિયાને ટાણાહરનાં ખેતીકામો કરવામાં ખેંચ પડવા લાગી. વિચાર્યું કે ઢોરાંની સંખ્યા થોડી ઘટાડવાની જરૂર છે. પણ ઘટાડવી કેમ ? આપણે રહ્યા ખેડૂત ! કંઇ રઢિયાર બનાવી રખડતાં કરી કાઢી થોડા મેલાય ? નિર્ણય કર્યો કે મહાજનમાં મોકલી દઈએ. ૮-૧૦ નાનાં મોટાં ઢોરાંને જરૂરી રકમ જમા કરાવી ઢસાની મહાજન પાંજરાપોળમાં મૂકી આવ્યા. તે લોકોએ બેએક મહિના પછી જેસર-છાપરિયાળી-મોટી પાંજરાપોળમાં મોકલી દીધાં.

આશરે વરસદા’ડા જેટલો વખત વિત્યો હશે, અને માળું એક દિવસ સવારમાં વાડીએ દરવાજામાં દાખલ થતાં ઢોરવાડામાં એક અજાણી ગાય નજરે ચડી ! જીપ ઊભી રાખી મેં નીરખીને જોયું તો “અલ્યા ! આ તો વરસ દિ’ પહેલાં મહાજનમાં મોકલી દીધી હતી એ આપણી “ગોરી” જ પાછી આવી ગઈ કે શું?” એમ મનમાં બોલાઈ ગયું. વાડીએ કામ કરનાર ભાગિયા અમરશીભાઇને બોલાવી પૂછ્યું તો કહે “રાત્રિ દરમ્યાન વાડાની વાડ્ય ટપીને એ ગાય અંદર આવી ગઈ છે.” અમે એ ગાયને હવે જાકારો ન દીધો. રાખી લીધી. તમે માનશો ? એ ગોરી ગાય ગાભણી નીકળી અને સમય પૂરો થતાં વિયાંણી. ત્રણેક મહિના દૂધ દોહ્યું અને એક દિ’ ઓચિંતાનો એવો તાવ ચડ્યો કે હું પશુ ડૉક્ટરને લાવું લાવું એ પહેલાં એના પ્રાણ નીકળી ગયા.

અમે તો નિષ્ઠુર બની મહાજનમાં મૂકી આવેલા.પણ એ ગાયને અગાઉ અમારા તરફથી મળેલ માવજત, પ્રેમ અને લાગણી એ ભૂલી નહીં, અને એનો બદલો દેવા એ વાડીએ પાછી આવી, વિયાંણી, અને દૂધ આપ્યું ! સમજાતું નથી કે ૬૦ કી.મી. દૂર આવેલી વાડીની ભાળ એણે કેમ મેળવી હશે ? એને વાડીએ આવવાનો રસ્તો કેમ સૂજ્યો હશે ? પણ કર્તા તો કુદરત છે ને ! એને ઉપરવાળાની ભેર મળી ગઈ હશે એમ જ માનવું રહ્યું ને ? કરેલું કદિ એળે જતું નથી એ વાત પૂરવાર થયેલી ભાળી.

એક ત્રીજી ઘટના :

અમારો ગઢડા વિસ્તાર એટલે સૂકા હવામાનવાળો વિસ્તાર ગણાય. આ વિસ્તારમાં બાગાયતી પાકોમાં બોર, સીતાફળ, જામફળ જેવા પાકોની જેમ આમળા પણ થઈ શકે એવું કૃષિ યુનિ.આણંદના બાગાયત વિભાગના વડા ડૉ. કે.પી.કીકાણી સાહેબ દ્વારા જાણ્યા પછી, અને ઉતરસંડા-નરસંડાના ખેડૂતોની આમળાની ખેતી નજરો નજર જોયા પછી ૧૯૯૦માં અમે પંચવટીબાગમાં ૨૦ વિઘામાં રોપાણ કર્યું. અને ઝાડવાં પુખ્ત થયા પછી ઉત્પાદન બાબતે સારો હોંકારોયે આપ્યો. પણ સમય કંઇ બધાનો એકધારો એવોને એવો થોડો રહ્યા કરે છે ? અઢારેક વરસ પછી ઉપરાઉપરીના બે વરસ વરસાદ બાબતે એવાં નબળાં આવી પડ્યાં કે એ ઘેરામાંથી ઉત્પાદન તો ન મળ્યું પણ “નબળાં ઢોરાને બગાયું જાજી” ની જેમ પાણી વાંકે શક્તિહીણ થયેલાં ઝાડવાંઓની ડાળીઓમાં એટલા ઘણ {કીડા} પડ્યા કે અરધ ઉપરના ઝાડવાંને મોતને ઘાટ ઉતારી દીધાં ! એટલે વીસેક વરસ પછી એ આમળાના ઘેરાને અમારે મૂળ સમેત ઉખાડી લેવા પડ્યા અને એ જમીનમાં મોસમી ખેતીપાકો લેવાનું શરૂ કર્યું.

પણ શું વાત કરું મિત્રો તમને ! આમળાના એ ઘેરાને રજા દીધી એને આજે 8-9 વરસ થવા આવ્યા છે છતાં વાડીના અન્ય પ્લોટોમાં ઊભેલ મોલ કરતાં “આમળાવાયા”માં વાવેલ મોલાતમાંથી ઉપજણ સવાયું જ મળ્યા કર્યું છે ! વાડી એકની એક, બધા પ્લોટોની જમીન એક સમાન, માવજત પણ બધા પ્લોટોમાં એક સરખીજ હોવા છતાં જે જમીનમાં આમળાનો બાગ હતો તે જમીન-પ્લોટનું ઉત્પાદન આટલું બળુકું એનું કારણ શું ?

અભ્યાસ કરતા એવા તારણ પર અવાયું છે કે ઋતુપાકો જેવા કે મગફળી, કપાસ, તુવેર,તલ, બાજરી,જુવાર,મકાઈ જેવા પાકોની સરખામણીએ વૃક્ષપાકો જમીનના ઉપલા થરમાંથી જેટલો ખોરાક ખાય છે, તેના કરતાં વધારે ખોરાક જમીનમાં ઊંડેથી-નીચલા થરમાંથી મેળવતાં હોય છે. બસ, એ ન્યાયે જ  આમળાના ઝાડવાંઓની પોતાની વધુ મૂળિયાં મૂકાવી શકવાની ત્રેવડ અને જમીનમાં આસપાસ અને ઊંડે સુધીથી ખોરાક શોધી હડપ કરી લેવાની તાકાતના હિસાબે જમીનમાં ઊંડે ઊંડે-જમા પડી રહેલ ખોરાકી જથ્થાથી જ પોતાનો જીવન ગુજારો કરતા રહ્યા. જેના પરિણામે વર્ષો સુધી અમે એને આપેલ પોષણરૂપી સેંદ્રીય ખાતરો કે વચ્ચેના ગાળામાં લીધેલ લીલાપડવાસ જેવા પાક દ્વારા પ્રાપ્ત થયેલ સેંદ્રીય પદાર્થ એ ઝાડવાંઓએ ખાધો જ નથી. અને એ બધો જ જથ્થો વપરાયા વગરનો એમનામ જ જે જમા થયા કર્યો હતો તેનો લાભ હવે અમારા ઋતુપાકોને મળી રહ્યો છે, એના પરિણામે આમળાવાયામાં વવાયેલ મોલાત બળુકો હોંકારો આપી રહી છે.

કહેવાનું તાત્પર્ય એ કે ૨૦  વરસો સુધી પોષણ ઉમેરણ અર્થે અમે જે સેવાચાકરી કરી તેનો બદલો એની હયાતિ દરમ્યાન તો ઉત્તમ ઉત્પાદન આપીને વાળ્યા કર્યો, ઉપરાંત એની હયાતિ બાદ પણ એ જ્યાં ઊભાં હતાં એ જમીનને પણ એવી ફળદ્રુપ અને બળિયાવર બનાવી મૂકી કે અમે એને રજા દીધાને ઉપરથી ૮-૯ વરસના વહાણાં વાઈ ગયાં છતાં એ જમીન જાણે કે અમારા તરફથી એને મળેલ માવજતનું ઋણ ચૂકાવી રહી છે !

“આપણે કોઇને વેંત નમીએ તો સામાવાળો હાથ નમવા પ્રેરાય છે” એ કહેવત પાછળનો હેતુ પણ કંઇક આવું જ કહે છે ને ! છોડવા-ઝાડવા-વેલા કે ખુદ ધરતીની જ વાત કરીએ તો એ બધાં માણસ કે પશુઓની જેમ છે તો જીવતા જીવ જ ને ! એને ભલે કુદરત તરફથી કેટલીક પગ કે વાણીની સગવડ બાબતેની મળેલી મર્યાદાઓ હોવા છતાં એને આપણ ખેડૂત તરફથી મળેલ દરકારનો સવાયો-દોઢો બદલો આપવા એ કાયમખાતે મહેનતમાં લાગેલા જ હોય છે. તમને ખબર છે ને કે ખેતીપાકોને ખેડૂત તરફથી અપાતાં ખાતર-પાણી-સંરક્ષણ માત્રથી પુરું નથી પડી રહેતું ભાઇઓ ! એ ઉપરાંત તેણે હવા અને સૂર્યપ્રકાશ દ્વારા પણ ઘણુબધું મેળવવાનું બળ કરવું પડતું હોય છે, અને એ આપણું એને આપેલું એળે ન જાય એટલા વાસ્તે જ હોવું જોઇએ એવું નથી લાગતું મિત્રો ! આળસુ અને ખેતી પ્રત્યે બેધ્યાન હોય તેવા ખેડૂતની સરખામણીએ ખેતીપાકોને  સારી અને ટાણાહરની યોગ્ય માવજતો આપનાર ખેડૂતોને ખેતીપાકો વધુ વળતર આપતા રહે છે એની જાણ તો આપણને છે જ ! બન્નેની ઉપજણમાં ભળાતો ફેર બસ એજ વાત પૂરવાર કરે છે કે મોલાતો પાછળ ખર્ચેલ નાણું-સમય અને મહેનત કદિ એળે જતાં નથી. અને એ પ્રમાણેનો તેમની સાથેનો વ્યવહાર ખેતી ધંધામાં પ્રાણ પૂરનારી બાબત ગણાય, એ વાત આપણા ખ્યાલ બહાર ન જવી જોઇએ હો મિત્રો !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

 

Author: Web Gurjari

1 thought on “આપેલું કદિ એળે જતું નથી…….ખેતીમાં પણ

  1. ખેત પેદાશનો વેપાર અને તેમાં વ્યસ્ત લોકોની પ્રમાણિકતાનાં પ્રસંગ વાંચવાની મજાપડી. આપના ખેતી ને લગતા લેખો હંમેશા ઉમદા હોય છે.

Leave a Reply

Your email address will not be published.