૧૧૦મી આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદ (ઇન્ટરનેશનલ લેબર કોન્ફરન્સ) કામના સ્થળે સલામતી અને આરોગ્યને મૂળભૂત અધિકારો ગણે છે

વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી

જગદીશ પટેલ

આંતરરાષ્ટ્રીય શ્રમ પરિષદ (ILC)માં હાજરી આપતા પ્રતિનિધિઓએ આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા (ILO)ના મૂળભૂત સિદ્ધાંતો અને અધિકારોમાં કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્યને ઉમેરવાનો ઠરાવ પસાર જીનીવા ખાતેની બેઠકમાં પસાર કર્યો છે.

૧૦ જૂન ૨૦૨૨ શુક્રવારના રોજ કોન્ફરન્સની પૂર્ણ બેઠકમાં પ્રતિનિધિઓએ એ માટે હવે શું પગલાં લેવાં તેની પણ ચર્ચા કરીને ઠરાવ કર્યો.

આ એક ઐતિહાસિક, સીમાચિહ્નરૂપ, નિર્ણય છે. તેનો અર્થ એ છે કે તમામ ILO સભ્ય રાજ્યો કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્યને મૂળભૂત અધિકારનો આદર કરવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે, પછી ભલે તેઓએ સંબંધિત ઠરાવોને બહાલી આપી હોય કે નહીં. જેમ કે ભારતે હજુ ૧૯૮૧નો ઠરાવ નં.૧૫૫ સ્વીકાર્યો નથી. પણ હવે આ ઠરાવ પછી ભારત સરકાર પર તે માટે દબાણ વધશે.

અત્યાર સુધી શ્રમજીવીઓ માટેના આઇ.એલ.ઓ.એ ઠરાવેલા મળભૂત સિદ્ધાંતો અને અધિકારોની ચાર શ્રેણીઓ છે જે નીચે મુજબ છેઃ

૧. સંગઠન બનાવવાની સ્વતંત્રતા અને સામૂહિક સોદાબાજીના અધિકારની અસરકારક માન્યતા;
૨. વેઠીયા (બળજબરીથી અથવા ફરજિયાત) મજૂરીના તમામ સ્વરૂપો નાબુદ કરવા;
૩. બાળ મજૂરીની અસરકારક નાબૂદી;
૪. રોજગાર અને વ્યવસાયના સંદર્ભમાં ભેદભાવ નાબૂદ કરવા.

પરિષદના નિર્ણયનો અર્થ એ છે કે વ્યાવસાયિક સલામતી અને આરોગ્ય એ મુળભુત અધિકારોની પાંચમી શ્રેણી બની જશે.

આઇ.એલ.ઓની સ્થાપના તો ૧૯૨૦માં પહેલું વિશ્વ યુધ્ધ પત્યા પછી યુનોની સ્થાપના થઇ તે પછી કરવામાં આવી હતી એટલે કે તેની સ્થાપનાને સો વર્ષ વીતી ગયાં છે. પણ શ્રમજીવીઓના મૂળભૂત સિદ્ધાંતો અને અધિકારો ૧૯૯૮માં કામ પરના મૂળભૂત સિદ્ધાંતો અને અધિકારો પરના ILO ઘોષણાના ભાગ રૂપે અપનાવવામાં આવ્યા હતા. સદર ઘોષણા હેઠળ, ILOના સભ્ય દેશો, તેમના આર્થિક વિકાસના સ્તરને ધ્યાનમાં લીધા વિના, આ સિદ્ધાંતો અને અધિકારોને આદર આપવા અને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે, પછી ભલે તેઓએ સંબંધિત ઠરાવોને સ્વીકાર્યા હોય કે નહીં.

દરેક મૂળભૂત સિદ્ધાંતો કેટલાક સુસંગત ILO ઠરાવો સાથે સંકળાયેલા છે. હવે થયેલા ફેરફાર મુજબ ઓક્યુપેશનલ સેફ્ટી એન્ડ હેલ્થ કન્વેન્શન, ૧૯૮૧ (નં. 155) અને વ્યાવસાયિક સલામતી અને આરોગ્ય સંમેલન, ૨૦૦૬ (નં. 187) એ બે મૂળભૂત ઠરાવો ગણાશે.

પરીષદની આ બેઠકમાં દરિયાઈ શ્રમ સંમેલન, ૨૦૦૬ (MLC, 2006)માં આઠ સુધારાઓને પણ મંજૂરી આપી હતી, જે દરિયાઈ મુસાફરી કરનારાઓના અધિકારો અને કામ કરવાની પરિસ્થિતિઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. MLC, 2006ની વિશેષ ત્રિપક્ષીય સમિતિની ચોથી બેઠક (ભાગ II) દરમિયાન નાવિકોના, જહાજના માલિકો અને સરકારના પ્રતિનિધિઓ દ્વારા મે ૨૦૨૨માં આ સુધારાઓ પર વાટાઘાટો કરવામાં આવી હતી અને અપનાવવામાં આવ્યા હતા. આ નવી જોગવાઈઓ, ડિસેમ્બર ૨૦૨૪ માં અમલમાં આવવાની ધારણા છે. કોવિડના રોગચાળા દરમિયાન થયેલા અનુભવોને આધારે જે સમજ વીકસી તેને આધારે વિશ્વભરના નાવિકોના જીવન અને કામ કરવાની પરિસ્થિતિઓને સુધારવામાં ફાળો આપશે.

અગાઉના દિવસે, ILC એ ઉચ્ચ-સ્તરીય, બહુવિધ વૈશ્વિક કટોકટીનો સામનો કરવા, અને માનવ-કેન્દ્રિત પુનઃપ્રાપ્તિ અને ઉભી થયેલી પરિસ્થિતિમાંથી સત્વરે બહાર આવવાને પ્રોત્સાહન આપવા “વર્લ્ડ ઑફ વર્ક” નામે બેઠકનું આયોજન કર્યું હતું. વર્તમાન કટોકટીના શ્રમ અને સામાજિક પરિણામોને ધ્યાનમાં રાખી તે માટે જરૂરી તાત્કાલિક પગલાં અને શાંતિ, પુનઃસ્થાપન અને સર્વસમાવેશક વિકાસને ટેકો આપવા માટે માનવ-કેન્દ્રિત અભિગમોનો ઉપયોગ, ખાસ કરીને સૌથી વધુ અસર પામેલ વસ્તી માટે ચર્ચાઓ કેન્દ્રિત હતી.

“જ્યારે ચિત્ર અસ્પષ્ટ છે અને દૃષ્ટિકોણ અનિશ્ચિત છે, ત્યારે આપણે કામના સારા ભવિષ્ય માટે આપણે દ્રષ્ટિ ગુમાવવી જોઈએ નહીં. લાખો લોકોની આશા અને સપના આપણા પર નિર્ભર છે. આપણે તેમને નિરાશ ન કરી શકીએ. સાથે મળીને, આપણે બધા માટે બહેતર, ન્યાયી,સર્વસ્માવેશી ભવિષ્યનું આપણૂં વચન પૂરું કરવું જોઈએ,” ILOના ડિરેક્ટર-જનરલ, ગાય રાયડરે બેઠકના ઉદ્‍ઘાટન સમયે જણાવ્યું હતું. “આપણે યોગ્ય કામની તકો ઊભી કરવા માટેના આપણા પ્રયત્નોનું નવીનીકરણ કરવું જોઈએ, ખાસ કરીને સૌથી વધુ નબળા જૂથો માટે,” તેમણે ઉમેર્યું.

ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન (ILO) અને ઈન્ટરનેશનલ કમિશન ઓન ઓક્યુપેશનલ હેલ્થ (ICOH) એ અનુમાન લગાવ્યું છે કે ૨૦૧૭માં ૨૮ લાખ લોકો કામ સંબંધિત બીમારી અને ઈજાને કારણે મૃત્યુ પામ્યા હતા. ફેબ્રુઆરી ૨૦૨૨ માં ICOH કોંગ્રેસમાં રજૂ કરાયેલા સૌથી તાજા આંકડા અને અંદાજો દર્શાવે છે કે કામ સંબંધિત રોગોના કારણે કુલ મોતની સંખ્યા ૨૩ લાખથી વધીને ૨૬ લાખની નજીક પહોંચી છે અને કુલ નુકસાન વાર્ષિક ૨૯ લાખનું થયું છે.

વધુમાં, વાર્ષિક અંદાજ એવો હતો કે ૨૦૨૦ માં લગભગ ૬૦,૦૦૦ કામદારોને કામને કારણે કોવિડ-19 થયો અને તે કારણે મૃત્યુ થયા હતા, અને ૨૦૨૧ માં આ સંખ્યા ત્રણ ગણી વધારે હોવાની ધારણા હતી. ઇટાલિયન વળતર ડેટાના આધારે એમ કહી શકાય કે કાર્યસ્થળોને કારણે ચેપ લાગવાના બનાવનો ફાળો નોંધાયેલા તમામ ચેપના ૨૦% જેટલો છે. આ કોવિડ-19નો ચેપ માત્ર આરોગ્ય કર્મચારીઓમાં જ થતો નથી; બીજા ઘણા અને વ્યવસાયો અને નોકરીઓમાં COVID-19 ચેપનો લાગવાનું જોખમ હોય છે, જેમ કે બાંધકામ સાઇટ્સ પર કામ કરતા રંગારા અને સફાઇ કામદારો, ડ્રાઇવરો, ખાણકામ, ઉત્પાદન અને ખાદ્ય પદાર્થૉનું ઉત્પાદન કરનારા, શિક્ષકો અને ડે કેર કામદારો અને સેવા ક્ષેત્રના કામદારો..

યુરોપના આંકડા જોતાં સ્પષ્ટપણે સમજાય છે કે ઈજાની સંખ્યા પણ ઘટી રહી નથી અને ખાસ કરીને, અકસ્માતોને કારણે વૈશ્વિક કાયમી અને હંગામી અપંગતાની સંખ્યા અત્યાર સુધીના અંદાજ કરતાં ઘણી વધારે હોવાની અપેક્ષા છે. આ નકારાત્મક પરિણામો મોટા પાયે સામાજિક અને આર્થિક ઉભો કરે છે. ICOH એ ગણતરી કરી છે કે નબળી વ્યવસાયિક સલામતી અને આરોગ્ય (OSH) સેવાનો આર્થિક બોજ વધીને વૈશ્વિક ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ના ૫.૪% થઈ ગયો છે, જે દર વર્ષે ૪ ,૦૦૦ બિલિયન અમેરીકન ડોલરની નજીક છે.

આ અટકાવી શકાય તેવું ઉત્પાદન નુકશાન – અથવા ગુમાવેલ જીડીપી – વિશ્વના લગભગ ૧૩૦ ગરીબ દેશોના કુલ સંયુક્ત જીડીપીને આવરી શકે છે. તેની સામાજિક મૂલ્ય અને અસર અમાપ છે. હવે આ ઠરાવ પછી વધુ દેશો આ ઠરાવ સ્વીકારશે અને તે પછી પોતાના દેશના કાયદામાં સુધારા કરશે અને અમલ કરશે તો આ નુકસાન ઓછૂં થવા ધારણા છે.

અત્યાર સુધીમાં આઇ.એલ.ઓનો ઠરાવ નં.૧૫૫ ૭૪ દેશોએ સ્વીકાર્યો છે જેમાં ભારત સામેલ નથિ. આ ઠરાવ સ્વીકારનાર દેશોએ તેમના દેશના તમામ કામદારોને કામને સ્થળે સલામતી અને આરોગ્ય માટે કાનુની રક્ષણ પુરું પાડવું પડે છે. ભારતમાં હાલ આવું રક્ષણ માત્ર ઉત્પાદન, ખાણ, બાંધકામ અને બંદરના કામદારોને મળેલું છે અને તેમાં પણ શરતો છે જેમ કે ઉત્પાદન કરતા એકમમાં ૨૦ કે તેથી વધુ કામદારો હોય તો જ કાયદો લાગુ પડે. દરેક ઔદ્યોગીક વીસ્તારમાં ૩0-૪૦% એકમો એવા હોય જેમને આ કાયદો લાગુ જ પડતો ન હોય.

વળી કાયદો લાગુ પડે એટલે સ્થિતિ સુધરી જ જાય તેની કોઇ ખાતરી નથી. આપણા દેશમાં બાંધકામ કામદારો માટેનો કાયદો ૧૯૯૬માં લાગુ કરવામાં આવ્યો તેને આજે ૨૬ વર્ષ જેટલો લાંબો સમય થઇ ગયો, પણ એ કારણે કાયદો ન હતો ત્યારે અને તે પછી અકસ્માતોમાં કેટલો ઘટાડો થયો તે કોઇ કહી શકતું નથી. આ કાયદામાં અકસ્માત થાય તો નોંધણી કરાવવાની જોગવાઇ છે પણ નોંધણી કોઇ કરાવતું નથી અને એ રીતે જે લોકો કાયદાનો ભંગ કરે છે તેમને કોઇ સજા પણ થતી નથી. તેથી બાંધકામ ઉદ્યોગમાં વર્ષે કેટલા કામદાર અકસ્માતમાં માર્યા ગયા કે કેટલા કાયમી અપંગ થયા તેના કોઇ વિશ્વાસપાત્ર આંકડા મળતા નથી. પોલીસ પણ જાણવાજોગ નોંધતા હોય છે તેથી તેમની પાસેથી પણ આંકડા મળતા નથી કે જે ખાતાને આ કાયદાના અમલની જવાબદારી સોંપી છે તે “ડીશ”ની ડીશ પણ ખાલી હોય છે. કોઇને આ બાબતે ક્શી ખાસ ચિંતા પણ નથી.
તેથી આઇ.એલ.ઓની પરિષદમાં ભલે ઠરાવ થયો હોય અને તે બેઠકમાં ભારત સરકારે મોકલેલા પ્રતિનિધિઓ પણ હશે પણ છેવાડાના કામદારને કોઇ ફરક પડવાનો નથી તેમ ખાતરીપુર્વક કહી શકાય તેમ છે.

અમે લાંબા સમયથી આ ઠરાવ નંબર ૧૫૫ પર અભારત સરકાર હ્સ્તાક્ષર કરે તેવી માગણી કરી રહ્યા છીએ અને અમે આ સમાચારથી થોડા હરખાઇએ પણ છીએ. હવે આ ઠરાવ સ્વીકારનાર દેશે સૌથી પહેલાં આ અંગેની દેશની નીતિ ઘડવાની હોય છે. ભારત સરકારે ૨૦૦૯માં આવી નીતિ ઘડીને મુકી દીધી છે અને તેમાં બહુ ઉદારપણે વચનો આપવામાં આવ્યા કે ભારતના તમામ કામદારોને સલામતી અને આરોગ્ય માટે કાનુની રક્ષણ પુરું પાડવામાં આવશે પણ તે નીતિ ક્યા સરકારી ગોદામમાં પડી રહી છે તે કોઇ જાણતું નથી.

રાજ્ય સરકારો અને કેંદ્ર સરકારોને તો કાયદો ઘડીને અમલમાં મુકે તો તેના અમલ માટે તંત્ર ઉભું કરવું પડે અને તે પાછળ ખર્ચ થાય અને કોઇક પુછે પણ ખરું કે ભાઇ કાયદાના અમલનું શું થયું? જે સરકારી અધિકારીઓની કાયદાના અમલ માટે નીમણુંક કરી હોય તે દંડો પછાડીને ખીસું ભરી આવે અને કામદાર ત્યાંનો ત્યાં રહે તેવી સ્થિતિ દેશની છે. સરકારો ભ્રષ્ટાચાર અટકાવી શકતી નથી તેથી એ અમલદારોની નિમણૂંક જ કરતી નથી અને કાયદા પણ કાઢવા ફરે છે.

દેશની આ સ્થિતિ વચ્ચે આઇ.એલ.ઓ એ સલામતી અને આરોગ્યને એક મુળભુત અધીકાર માન્યો છે તે આવકારવા લાયક હોવા છ્તાં તેનો લાભ મેળવવો હશે તો નાગરિકોએ અને કામદારોએ પુષ્કળ મહેનત કરવી પડશે.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.