ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : મણકો ૨ : પાનખરનું સંગીત – Autumn Sonata ( 1978 ) – HOSTOSONATEN ( સ્વીડીશ )

ભગવાન થાવરાણી

ઈંગમાર બર્ગમેનની ૧૯૫૮ ની શ્વેત-શ્યામ ફિલ્મ So Close To Life ના રસાસ્વાદ પછી આવીએ એમની ૧૯૭૮ ની રંગીન અને વિચક્ષણ ફિલ્મ AUTUMN SONATA પર. આ વીસ વર્ષના ગાળા દરમિયાન બર્ગમેન દર વર્ષે એક ફિલ્મની સરેરાશથી વધુ ૧૯ ફિલ્મો બનાવી ચૂક્યા હતા. એમના અંગત જીવનમાં પણ બે લગ્ન, બે તલાક અને એક દુર્ઘટના બની ચુકી હતી. ૧૯૭૬ માં આવકવેરાની ચોરીના (પાછળથી ખોટા પુરવાર થયેલા) આક્ષેપ હેઠળ એમની સ્વીડીશ પોલિસ દ્વારા ધરપકડ થઈ. નિર્દોષ છૂટ્યા પછી એ હતાશામાં સ્વીડન છોડી જર્મની જતા રહ્યા. સ્વીડનના વડા પ્રધાનની વિનંતી છતાં એ પાછા ન ફર્યા. જર્મનીમાં રહીને એક નિષ્ફળ ફિલ્મ SERPENTS EGG (1977) બાદ જે એક અદ્ભુત ફિલ્મ સર્જી તે આ AUTUMN SONATA[1] યાને પાનખરનું સંગીત

સોનોટા એટલે વાદ્યવૃંદરૂપે રચાયેલી એક સાંગિતિક રચના જેમાં સામાન્યત: ત્રણ કે ચાર સ્તર હોય. એક વાદ્ય કી – બોર્ડવાળું અને સાથે એક અન્ય વાજિંત્ર ( જેમ કે વાયલીન ) પણ હોય. બિથોવન, બર્તોક, મોઝાર્ટ, ચોપીન જેવા મહાન યુરોપિયન સંગીતકારોના સોનાટા જગમશહૂર છે. પ્રસ્તૂત ફિલ્મની વાર્તામાં પણ સોનાટાની જેમ ત્રણ તબક્કા છે. એક અન્ય દ્રષ્ટિકોણથી જોઈએ તો ફિલ્મ ત્રણ સંવેદનાઓ – શબ્દ, સંગીત અને સ્પર્ષ – વચ્ચે વહેંચાયેલી છે.

ફિલ્મ એક કલાકાર મા અને એની પરિણિત દીકરીના ટકરાવની વાત કહે છે. માની ભૂમિકામાં મહાન અભિનેત્રી ઈંગ્રીડ બર્ગમેન (મૂળ સ્વીડનના અને ઈંગમાર બર્ગમેનના નામેરી પણ એમના સગા નહીં – એ હોલિવૂડમાં સ્થાયી થયેલા. ત્રણ વાર ઓસ્કાર વિજેતા) અને એમની દીકરીની ભૂમિકામાં એમના જેટલા જ હોનહાર કલાકાર લિવ ઉલમાન (ઈંગમાર બર્ગમેનના પ્રેમિકા – બન્નેને લિન ઉલમાન નામની દીકરી છે જે નોર્વેના પ્રખ્યાત લેખિકા છે) છે. ઈંગમાર બર્ગમેને આ ફિલ્મ માટે ઈંગ્રીડની વરણી કરી એ પહેલાં ઈંગ્રીડને ટર્મીનલ બ્રેસ્ટ કેંસરનું નિદાન થઈ ચૂક્યું હતું. બન્નેની આ આખરી ફિલ્મ હતી. બીજા શબ્દોમાં એ બન્નેના જીવનની પણ આ AUTUMN – પાનખર હતી !

માત્ર એક રાત્રિ દરમિયાન જ ફિલ્મનું કથાવસ્તુ અને મુખ્ય ઘટનાઓ (સ્થૂળ અર્થમાં તો એને ઘટના કહેવાય પણ નહીં !) આકાર લે છે. આપણી ફિલ્મ ‘ જાગતે રહો ‘ અને બાદલ સરકારના અદ્ભુત નાટક ‘ સારી રાત ની જેમ.

ઓસ્કર વાઈલ્ડે કહેલું કે જગતમાં વાત કરવાને લાયક માત્ર બે જ વિષયો છે, પ્રેમ અને મૃત્યુ. (અને વળી એ બન્ને એકમેક સાથે પ્રગાઢપણે સંકળાયેલા છે !) આ ફિલ્મ પણ એક રીતે પ્રેમ વિષે, પ્રેમ કરવાના પ્રયત્નો વિષે અને પ્રેમની નિષ્ફળતા વિષે છે. એ મૃત્યુ વિષે પણ છે. એનો અદ્રષ્ય ઓછાયો ભૂતકાળની કેટલીક ઘટનાઓ થકી ફિલ્મમાં મંડરાતો રહે છે.

મા શાર્લોટ ( ઈંગ્રીડ બર્ગમેન ) જગવિખ્યાત પિયાનોવાદક છે. એ પોતાનો કાર્યક્રમો સંદર્ભે સતત જગતભરમાં ભ્રમણ કરતી રહે છે. દીકરી ઈવા (લિવ ઉલમાન) એક પાદરી વિક્ટર (હલવાર બ્યોર્ક) ને પરણેલી છે. શાર્લોટને એક બીજી યુવાન દીકરી હેલેના (લેના નાયમેન) પણ છે જે પક્ષઘાતથી પીડાય છે. નાની દીકરીને માએ કાયમી ધોરણે નર્સિંગ હોમમાં મૂકી છે જેથી એ પોતે પોતાની કારકિર્દી (અને પ્રેમ – પ્રકરણો !) માં ધ્યાન પરોવી શકે . હેલેનાની હાલત દિવસે-દિવસે કથળતી જાય છે.

ફિલ્મની શરુઆત આવનારા તોફાનની કોઈ એંધાણી વિના સૌમ્ય રીતે થાય છે. દીકરી ઈવા અને મા શાર્લોટ સાત- સાત વર્ષોથી એકબીજાને મળ્યા નથી, કારણ કે માને ‘ સમય નથી મળ્યો ‘ . એ ઈવાના લગ્ન વખતે અને એનો ચાર વર્ષનો દીકરો એરિક અકસ્માતે ગુજરી ગયો ત્યારે પણ આવી શકી નહોતી. ઈવાએ માને પ્રેમપૂર્વક પત્ર લખીને થોડાક અઠવાડિયાં પોતાની સાથે ગુજારવા સરોવર કાંઠે આવેલા નોર્વેના  રુપકડા ગામના પોતાના ઘરે નિમંત્રી છે. મા પોતાની વૈભવી મર્સીડીઝમાં સેલ્ફ – ડ્રાઈવ કરીને ઈવાના ઘરે પહોંચે છે. મા દીકરી ઉષ્માપૂર્વક ભેટે છે. ઈવાએ મા માટે બધી સગવડો, અલાયદો બેડરૂમ , એની રુચિ પ્રમાણેની વસ્તુઓ ગોઠવી રાખી છે. મા પોતાના વિશ્વભરના પ્રોગ્રામો, વ્યસ્તતા અને લોકપ્રિયતાની વાતો કરે છે. એને પોતાની વાતો સિવાય ભાગ્યે જ કશામાં રસ છે.

પરિસ્થિતિમાં ધીમા બદલાવની શરુઆત ત્યારે થાય છે જ્યારે ઈવા માને કહે છે કે એ બહેન હેલેનાને નર્સિંગ હોમમાંથી પોતાને ત્યાં લઈ આવી છે. એની અંગત કાળજી લેવાય એટલા માટે. મા નાની દીકરીને અહીં મળવા માનસિક રીતે તૈયાર નથી. એણે હમણાં જ પોતાના વર્ષો જૂના પ્રેમી લિયોનાર્દોનું મૃત્યુ જોયું છે અને એ ફરી બીમાર દીકરીના સ્વરૂપમાં સંભવિત મૃત્યુનો પડછાયો ભાળવા ઈચ્છતી નથી, પણ હવે શું થઈ શકે ? ઈવાએ હેલેના અહીં છે એ અંગે માને કાગળ પણ લખેલો પણ એ વાંચવાની એને ફુરસદ ક્યાં ?

મા મનોરોગી દીકરીને પરાણે મળે છે, આનંદનો અંચળો ઓઢીને. વહાલનો ઊભરો દેખાડવા એ પોતાની કીમતી ઘડિયાળ દીકરીના કાંડે બાંધે છે (જે એને એના એક પ્રશંસકે ભેટ આપેલી !) હેલેના માને જોઈને ખુશ છે. એ માને ઝંખે છે પણ એ પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકે છે કેવળ અસ્પષ્ટ ગૂંગળા અવાજથી, જેનું અર્થઘટન માત્ર મોટી બહેન ઈવા કરી શકે છે. માને જોયા પછી હેલેનાના ચહેરા ઉપરનો શારીરિક પીડા નીપજાવતો નિર્ભેળ આનંદનો ભાવ એટલો તો તીવ્ર છે કે એ ફિલ્મનું સૌથી હૃદયવિદારક દ્રષ્ય બની રહે છે.

ઈવા માનો દંભ, નાટકીયતા , દર્પ, કુશળ અભિનય અને સ્વ-કેન્દ્રિતતા બરાબર પિછાણે છે. જેમ ઈવા માને ઓળખે છે તેમ જ ઈવાનો પતિ વિક્ટર ઈવાને. ઈવા જિદ્દી છે તો વિક્ટર સમજદાર, જતું કરવાવાળો. એ ઈવાને એકપક્ષીય ચાહે છે. ઉંમરમાં પણ ઈવા કરતાં ખાસ્સો મોટો. શાર્લોટ પણ દીકરી પ્રત્યે જડ પરંતુ જમાઈ પ્રત્યે માયાળુ છે ( એને દરેક પુરુષ પ્રત્યે એક પ્રકારનું હેત છે ! )

વૃદ્ધત્વને આરે પહોંચેલી શાર્લોટ રાત્રિભોજન માટે તડક-ભડક ડ્રેસ પહેરે છે, પ્રેમીના મૃત્યુનું ‘ દુખ ‘ ભૂલીને ! ભોજન પૂરું થયા બાદ ફિલ્મનો એક અવિસ્મરણીય પ્રસંગ આવે છે. મા તો જગવિખ્યાત અને વિશારદ પિયાનીસ્ટ છે જ, ઈવા પોતે પણ સક્ષમ પિયાનો વાદક છે. એણે બે પુસ્તકો પણ લખ્યા છે. મા ઈવાને ચોપીન (ફ્રેડરીક ચોપીન – ઓગણીસમી સદીના મહાન પોલિશ સંગીતકાર) ની રચના પિયાનો પર વગાડી સંભળાવવાનું કહે છે. ઈવાને પણ મા જેવી પૂર્ણ કલાકાર સમક્ષ પોતાનું હુન્નર દેખાડવાની હોંશ તો છે જ, પણ સાથે પોતાની કાબેલિયત અને માના પ્રત્યાઘાત બાબતે સંશય પણ.

એ ધુન વગાડતી વખતના દીકરી ઈવાના ચહેરા ઉપરના બદલાતા ભાવ અને વિશેષ કરીને મા શાર્લોટના ચહેરાની ભંગિમાઓ એ અભિનયની જુગલબંદીનો ઉત્કૃષ્ટતમ નમૂનો છે. એ વખતે ૬૩ વર્ષીય અને કેંસરના અંતિમ તબક્કામાંથી પસાર થતી અભિનેત્રી ઈંગ્રીડ બર્ગમેને સાતેક મિનિટના એ પ્રસંગમાં જાણે પોતાના જ અભિનયના ભૂતકાળના શિખરોને અતિક્રમ્યા છે !

ઈવા વગાડવાનું શરુ કરે છે ત્યારે એના વાદનમાં મૃદુતા સાથે ખચકાટ છે. આખરે એક વિશ્વકક્ષાની કલાકાર – ભલે એ સગી મા હોય – બાજુમાં બેઠી હતી ! એ થોડીક ભૂલો પણ કરે છે.  બર્ગમેનના કેમેરામેન સ્વેન નિક્વીસ્ટનો કેમેરા શાર્લોટ ઉપર મંડાય છે. એનો ચહેરો શરુઆતમાં રસપૂર્વક નીરખતો – સાંભળતો જણાય છે. પછી ધીમે-ધીમે અસંતોષ ઉમેરાય છે. પ્રેક્ષક તરીકે (પ્રેક્ષકોના પ્રતિનિધિ તરીકે ત્યાં ઈવાનો પતિ વિક્ટર પણ ઉપસ્થિત છે !) આપણે અપેક્ષીએ કે એ દીકરીને પ્રોત્સાહિત કરે પણ શાર્લોટ પોતાની દક્ષતા અને વિષયના પાંડિત્ય ઉપર મુશ્તાક છે. એનાથી નાનામાં નાની કચાશ પણ કેમ બરદાશ્ત થાય ! ઈવા પૂરું કરે પછી એ ઈવાને સમજાવે છે કે ચોપીન ભાવુકતાનો નહીં, ભાવનાનો કલાકાર છે. બીજા શબ્દોમાં, જો હું તારી પ્રશંસા કરું તો એ નરી ભાવુકતા કહેવાય ! એના ચહેરા પરનો શરુઆતી પુત્રી-પ્રેમ ધીમે-ધીમે સહજ ઈર્ષ્યા, એ ઈર્ષ્યાને કારણે ઊપજતી અસહજતા, પોતે જાતે વગાડી બતાવે એવી અભિપ્સા, એ બધા ભાવ વારાફરતી આવે છે. એની આંખોમાં પણ દ્વૈતભાવ, દયા, ઘમંડ, ગમગીની અને પ્રેમ ડોકાય છે. ઈવા દિલથી એની માને પ્રસન્ન કરવા ઈચ્છે છે પણ એક કલાકાર તરીકે એની મર્યાદાઓ છે. મા જિનીયસ છે, પુત્રી કેવળ જિનીયસ માની પુત્રી છે ! 

ઈવા માને એ જ ધુન વગાડવા આગ્રહ કરે છે. એના આગ્રહમાં ઈર્ષ્યા અને જરીક નફરતનો ભાવ છે. શાર્લોટ વગાડવાનું શરુ કરે કે સંગીત જાણતા દર્શકને તુરંત દીકરીની અપૂર્ણતા સમજાય છે. ઈવા જ્યારે માને એ કૃતિ પરિપૂર્ણ રીતે વગાડતાં જૂએ છે ત્યારનો એની આંખોનો ભાવ અવિસ્મરણીય છે.  મા કહે છે, ‘ સંવેદના અલગ છે, ભાવુકતા અલગ. આ મહાન રચના વગાડતી વેળાએ તારે પ્રશાંત, સ્પષ્ટ અને નિર્લેપ રહેવું પડે. પીડા છે, પણ ચોપીન એ દેખાવા દેતા નથી. પૂર્ણ નિયંત્રણ. નિરંતર. ‘ માની કુશળ આંગળીઓ એક નીવડેલ કલાકારની છે. દીકરીના ચહેરા પર કુતુહલ, ઉત્કંઠા કે પ્રશંસા નહીં, અફસોસ, ઈર્ષ્યા, રોષ, શરમિંદગી સાથે નફરત પણ છે. એટલા માટે કે એના પ્રત્યાઘાતમાં વાદનની ગુણવત્તા નહીં, મા સાથેનો ભૂતકાળ ઉમેરાયો છે. મા દીકરીનો ભાવ વાંચે છે. ‘ મારી પર ચિડાતી નહીં. ૪૫ વર્ષથી હું આ ખતરનાક વિષય સાથે પનારો પાડી રહી છું. હજી પણ એમાં ઘણા રહસ્યો છુપાયેલા પડ્યા છે.

આ દ્રષ્યના સંયોજન અને ચિત્રીકરણ માટે બન્ને અભિનેત્રીઓ ઉપરાંત નિર્દેશક બર્ગમેન અને કેમેરામેન નિક્વીસ્ટને પણ સલામ કરવી પડે !

મા પૂર્ણ ભૌતિકવાદી છે એનું એક પ્રમાણ એ કે એને એના સતર વર્ષ જૂના પ્રેમીના મૃત્યુના દુખ કરતાં એ ચિંતા વિશેષ છે કે એ પોતાના નામે જે મિલકત છોડી ગયો છે એનો વહીવટ કઈ રીતે કરવો ! સામે પક્ષે દીકરી ઈવા મૃત દીકરાને નિરંતર પોતાની સંગે લેખી એની સાથે અદ્રષ્ય સંવાદમાં રત્ત રહે છે. મા અધધધ પૈસામાંથી ‘ રસ્તો કાઢવા ‘ પોતાની નવી નક્કોર મર્સીડીઝ દીકરી જમાઈને ભેટ આપી જવાનું નક્કી કરે છે.

હવે આ ફિલ્મરુપી આ સોનાટાનો સૌથી અગત્યનો મધ્યભાગ. મા મોડી રાતે દુ:સ્વપ્ન જૂએ છે. એને એવો ભાસ થાય છે જાણે નાની દીકરી હેલેના એના હાથ અને ચેહરા પર પોતાના હાથ ફેરવતી હોય. એ ચીસ પાડીને સફાળી જાગી જઈ નીચે દીવાનખંડમાં દોડી જાય છે. ઈવા પણ માની ચીસ સાંભળી દોડી આવે છે. માત્ર દોઢેક કલાકની ફિલ્મમાં હવે પછીની પાંત્રીસેક મિનિટ ચાલતો મા – દીકરીનો ગજગ્રાહ (ફ્લેશબેક સહિત) આ ફિલ્મનો સૌથી અગત્યનો હિસ્સો, ફિલ્મનું પ્રાણ અને સમગ્ર કથાની ધરી છે. એ સંવાદ (બલ્કે વિસંવાદ !) માંથી એ સાબિત થાય છે કે બહારથી સામાન્ય દેખાતા માણસો પોતાની ભીતરે કેવું – કેવું ધરબીને ફરે છે !

અડધી રાતે અનાયાસ જાગી ગયેલી મા-દીકરી વચ્ચેની દ્વંદ્વની જામગરી ચાંપે છે મા, એક નિર્દોષ જેવા સવાલથી, ‘ ઈવા, તું મને ચાહે છે તો ખરીને ? ‘ અને પછી, ‘ મેં તારા અને તારા પિતા ખાતર કેટલો ભોગ આપ્યો! ‘ બસ. ઈવાથી રહેવાતું નથી. એ સહસા ત્રાટકે છે, ‘ તારા પ્રોગ્રામોની નિષ્ફળતાનો દોષ અમને ? તેં તો મારી અને પપ્પાની જિંદગી ઝેર બનાવી મૂકેલી. ‘  ” પણ તારા પપ્પાને હું તો સુખી હતા ? ”  ‘ તું પેલા માર્ટીનના પ્રેમમાં પડીને આઠ મહિના ઘર છોડી ગયેલી એ ભૂલી ગઈ ? તને તારી ઉપલબ્ધિઓ અને પરાક્રમોના ગાણા ગાયા સિવાય અમારામાં ક્યાં રસ હતો ! અને હું તો નાનપણમાં તારા માટે એક ઢીંગલી-માત્ર હતી. સમય મળે ત્યારે રમી લેવાનું. માંદી હોઉં ત્યારે આયાને સોંપીને પિયાનો પર બેસી જવાનું.

ફ્લેશબેકમાં આવતી નાનકડી ઈવાનું પાત્ર બર્ગમેન – લિવ ઉલમાનની પુત્રી લિન ઉલમાન ભજવે છે.

ઈવાના આરોપનામાની ઝડી ચાલુ રહે છે. ‘ હું તારા કમરામાં આવું ત્યારે પિયાનોમાં ડૂબેલી તું મારી સામું પણ જોતી નહીં. તારા લાંબા પ્રવાસો પર જતાં પહેલાં તું મને ચૂમતી ખરી પણ તારા ગયા પછી હું અને પપ્પા અમારી સહિયારી એકલતા વહેંચતા રહેતા. તારા પાછા ફરવાના દિવસો નજીક આવે ત્યારે એ ઉત્તેજનામાં મને તાવ ચડી આવતો અને હું જાણું કે તને માંદા માણસો ગમતા નહીં. ‘ શાર્લોટ સ્વભાવત: પલાયનવાદી છે. એને માંદગી અને મૃત્યુનો સામનો કદાચ એટલા માટે પસંદ નથી કે એ એને ખુદની નશ્વરતાની યાદ અપાવે છે !

ઈવા માના ચહેરા પર આક્ષેપોનો કાદવ થોપતી હોય એ દરમિયાન મા શાર્લોટ બચાવની ભૂમિકામાં સતત ચુપ રહે છે પરંતુ એની લાચારી એના ચહેરા દ્વારા વ્યક્ત થાય છે.

‘ હું તને દિલથી ચાહતી પણ તારા શબ્દોમાં મને ભરોસો પડતો નહીં. તારી આંખો જુદું કહેતી, શબ્દો સાવ જુદું ! અવાજ મીઠડો પણ અર્થો નોખા. તું ગુસ્સે થતી ત્યારે સ્મિત કરતી . પપ્પાને ધિક્કારતી ત્યારે એમને ‘ પ્રિયતમ ‘ કહીને સંબોધતી , મારાથી કંટાળતી ત્યારે મને ‘ મારી વહાલી ‘ કહેતી!

મા બચાવ કરે છે, કોઈ આક્રમકતા વિહોણો, જાણે મનોમન પોતાનો ગુનો કબૂલ કરતી હોય, ‘ મારી પીઠનું દરદ, મારા રિહર્સલો, મારી વ્યાવસાયિક જિંદગી હતી. જોકે મને અફસોસ તો હતો જ. અમુક સમયગાળા દરમિયાન આપણે લોકો સુખી પણ હતા. ‘  ” મા, મારા વાળ, દાંત, કપડાંની બાબતોમાં તું સતત તારી મરજી થોપતી રહી. તને મારામાં ચાહવા જેવું ચીંથરાભાર પણ ક્યારેય લાગ્યું નહીં. એટલી હદે કે તારા કારણે મને મારી થોડીઘણી મૌલિકતાઓ ભણી પણ નફરત થવા લાગેલી. ધીમે-ધીમે તારા તરફની નફરતે ભયનું સ્વરુપ લઈ લીધું. ‘ ઈવા બોલતાં-બોલતાં ધ્રુસ્કે-ધ્રુસ્કે રડી પડે છે.

મા ઝઝુમતાં-ઝઝુમતાં એક શસ્ત્ર તરીકે ઈવાને યાદ અપાવે છે કે તને તારા પ્રેમીથી ગર્ભ રહેલો અને મેં સમજદારીપૂર્વક તારો ગર્ભપાત કરાવીને તને છુટકારો અપાવેલો. ‘ ના, એ તારો ખોટો નિર્ણય હતો. અમે બન્ને તો બાળક રાખીને પરણવા માંગતા હતા. મારી ભીતર જે કંઈ સંવેદનશીલ હતું એના પર તેં હમેશા પ્રહાર કર્યો. 

સવાર પડે છે. માની પીઠનું જુનું દર્દ ફરી ઉપડ્યું છે. એ જમીન પર ચત્તીપાટ સુઈ જાય છે, જાણે અપંગ હેલેનાની પ્રતિકૃતિ ! ઉપરના રુમમાં હેલેના  મા આવ, મા આવ ‘ ની ચીસો પાડતી પોતાના પલંગ નીચે ઊથલી પડે છે.

ઈવાની આગ થોડીક મંદ પડતાં મા પોતાનું કથન કહે છે. (કોણ દુખી નથી ?) ‘ મને મારું બચપણ ન જેવું યાદ છે. એમાં હતું પણ શું ? મા-બાપનો સ્પર્શ સુદ્ધાં યાદ નથી. પ્રેમ એટલે શું એ ખબર નથી. કોમળતા, નિકટતા કે ઉષ્માનું નામનિશાન નથી જોયું. સંગીત થકી જ વ્યક્ત થતાં શીખી. પ્રશ્ન થાય, હું સ્હેજે જીવી છું ખરી ? જાણે હોવા ખાતર હોવું. મોટી તો થઈ જ નહીં. એવું લાગે જાણે માત્ર ચહેરા અને શરીરની ઉંમર વધી. માત્ર યાદો અને અનુભવો ઉમેરાયા. કોઈ ચહેરા યાદ નથી. મારી માનો ચહેરો પણ ટુકડે-ટુકડે સાંભરે. તારી અને હેલેનાની પ્રસુતિ યાદ છે. બસ એટલા પૂરતી કે ખૂબ પીડા થયેલી. કેવી પીડા, યાદ નથી. અને હા, મને તારાથી હમેશા ડર લાગ્યો છે. તારી અપેક્ષાઓનો ડર. કદાચ હું એવું અપેક્ષતી કે તું મારી સંભાળ રાખે, પોતીકાપણું જતાવે ! મારે તને જણાવવું હતું કે હું પણ તારા જેવી લાચાર છું.

ઈવાની અંદરનો ચરુ ખદબદતો શમ્યો છે પણ પૂરી રીતે નહીં. ‘ મા, તને ખબર છે, તારો પ્રેમી લિયોનાર્દો અને હેલેના – એ સાજી હતી ત્યારની વાત છે – એકમેકના પ્રેમમાં હતા ? લિયોનાર્દોએ એને છેહ આપ્યો ત્યારથી એની હાલત બગડી છે. એ બધું તું તારા લાંબા-લાંબા પ્રવાસોએ હતી ત્યારે બનેલું. ‘ મા સ્તબ્ધ !  ‘ તારા માટે કોઈ માફી હોઈ જ ન શકે. જિંદગી કોઈ છૂટછાટ આપતી નથી. તારો જિંદગી સાથેનો કરાર એકપક્ષીય છે. ‘ મા ભાંગી પડે છે. ‘ તું મને મારા બધા અપરાધો બદલ માફ કરી ન શકે ? હું સુધરવાનો પ્રયત્ન કરીશ. મને મદદ કર. આમ જીવાશે નહીં. તારી નફરત ભયાનક છે. મારી ફરતે તારા હાથ વીંટાળ. મને સ્પર્શ કર. મને તારી જરૂર છે.

એવું લાગે જાણે રાતભરની કશમકશ પછી દીકરીએ માને નવો જન્મ આપ્યો છે. જગતમાં પ્રેમ અને કાળજીના નામે શું – શું થાય છે ! માના ઝખ્મો દીકરીએ વેઠ્યા, એની નિષ્ફળતાઓની કીમત પણ એણે ચૂકવી. સામે પક્ષે દીકરીને એવું લાગ્યા કરે જાણે મા સાથે જોડાયેલી ગર્ભનાળ ક્યારેય તૂટી જ નથી ! 

દિલચસ્પ વાત એ પણ છે બન્નેમાંથી કોઈ ખલનાયિકા નથી. સત્યજીત રાય હમેશાં કહેતા કે મારી ફિલ્મોમાં કોઈ વિલન નથી. બુરી રીતે વર્તનારા પણ સંજોગોના શિકાર છે. એમની ફિલ્મોમાં નકારાત્મક ભૂમિકા ભજવનાર પાત્રની પૃષ્ઠભૂમિ હમેશાં કરુણાજનક રહેતી અને રાય એ દર્શાવીને એવા પાત્રો માટે પણ હમદર્દી ઊભી કરતા. બર્ગમેન પણ એ કરી શક્યા છે.

શાર્લોટ બીજા દિવસે નીકળી જાય છે. ઈવા પસ્તાય છે. એને લાગે છે, હવે મા ક્યારેય એની પાસે નહીં આવે.  પુત્રને દફનાવ્યો એ કબ્રસ્તાનમાં જઈ એ મૃત પુત્ર જોડે વાતો કરે છે. ‘ હમણાં મરવું નથી. બે જણને સાચવવાના છે.

પેરિસ ટ્રેનમાં પરત જતી શાર્લોટ વિચારે છે કે ઘરે પહોંચીશ ત્યારે વળી એવું લાગશે કે હું બીજું જ કશુંક ઝંખું છું.

ફિલ્મના અંતમાં એ જ શરુઆતવાળું દ્રષ્ય. મા-દીકરી વચ્ચેના વાક્યુદ્ધના કારણે બન્નેની હાલત ડામાડોળ છે એ ઈવાનો પતિ વિક્ટર જાણે છે. ઈવાએ માને પત્ર લખ્યો છે કે ગઈગુજરી ભૂલીને એને માફ કરી દે. નવી શરુઆત તો ગમે ત્યારે થઈ શકે. ભૂલ તો થઈ જ છે પણ આપણે જે ભોગવ્યું એ એળે નહીં જ જાય. ક્યાંક દયા જેવું પણ હશે જ. પ્રેમ કોઈક રસ્તો શોધી જ લે છે . 

વિક્ટર પહેલા પત્રની જેમ આ પત્ર પણ પોસ્ટ કરવા જાય છે.

સમગ્ર ફિલ્મ માનવીય સંબંધોના આટાપાટાની ગાથા છે. કોઈ અપરાધી નથી. કોઈ સાવ નિર્દોષ પણ નથી. માણસ એટલે માણસ વત્તા એના સંજોગો. દરેક માણસ માફીનો હકદાર છે. પ્રેમ હોય તો બધું ભૂલી જઈ શકાય છે પણ એક મુલાકાતમાં કંઈ જીવનભરના ઝખ્મો રુઝાય નહીં.

ફિલ્મમાં ઈંગ્રીડ બર્ગમેનની (શાર્લોટ)ઝળહળતી આભા હેઠળ લિવ ઉલમાન (ઈવા)નો એટલો જ જાનદાર અભિનય ઢંકાઈ ગયો છે. એ એટલા જ યશની અધિકારિણી છે. ઈંગ્રીડ બર્ગમેનના અભિનય માટે કોઈકે લખ્યું છે  ‘ અનેક દ્રષ્યોમાં ડાયરેક્ટર એમને અભિનયના અંતિમ છેડા લગી ખેંચી જતા લાગે અને ઈંગ્રીડ ત્યાં લગી જતાં એક પગલુંય ચૂક્યા વિના ભાવાત્મક નિપુણતાની નવી સરહદો ઓળંગે છે.

ફિલ્મમાં આડકતરી રીતે સર્જક ઈંગમાર બર્ગમેનના પોતાના જીવનનું પ્રતિબિંબ પણ છે. એમણે લખ્યું છે કે એમની પોતાને પોતાના બધા સંતાનોની સાચી ઉંમર યાદ નહોતી. એ વર્ષોની ગણતરી પણ પોતાની ફિલ્મોના પરિપ્રેક્ષ્યમાં કરતા. (ફિલ્મમાં શાર્લોટ બધી ઘટનાઓ – દુર્ઘટનાઓને પોતાના કોંસર્ટ સાથે જોડીને યાદ કરે છે તેમ !) ફિલ્મનું એક તારતમ્ય એ કે શાર્લોટને મા હોવું એટલે શું એ ખબર નથી તો ઈવાને કલાકાર હોવું એટલે શું એ સમજ નથી ! 

સંગીત સાથે સંલગ્ન હોવા ઉપરાંત ફિલ્મના શીર્ષકનું બીજી રીતે પણ મહત્વ છે. ફિલ્મ AUTUMN – પાનખરમાં ફિલ્માવાયેલી છે. પ્રથમ દ્રષ્ટિએ ફિલ્મ આપણને ‘અંત ‘ ની વાત કરતી હોય એવું લાગે પણ અહીં ઋતુઓ અને ઋતુચક્રનો સિદ્ધાંત ધ્યાને લેવો પડે. ફિલ્મના અનેક દ્રષ્યોમાં ફૂલો દેખાય છે. એ એની યાદી છે કે જીવન-ચક્ર ચાલતું રહે છે. આપણા અન્યો સાથેના સંબંધો પણ બદલાતા રહે છે. ‘ શીત – લહર વીતી જશે ‘ ફૂલો કહે છે. ‘ જો આપણે શિયાળો પસાર કરી જવાની ધીરજ રાખીએ તો.

ફિલ્મનું સર્જન નોર્વેના ઓસ્લો શહેરના એક સ્ટુડિયોમાં થયું હતું. ફિલ્મમાં મા-દીકરી ઉપરાંત ઈવાના પતિ વિકટરનુ પાત્ર (હલવાર બ્યોર્ક) પણ રસપ્રદ છે. એ આપણી જેમ પ્રેક્ષક છે જે બધો ઘટનાક્રમ તટસ્થતાથી નીરખે છે અને પોતાની રીતે એનું અર્થઘટન કરે છે.

ઈંગમાર અને ઈંગ્રીડ બન્નેનું આ ફિલ્મ માટે ઓસ્કર એવોર્ડ માટે નામાંકન થયેલું, શ્રેષ્ઠ પટકથા અને અભિનય માટે . જોકે જીત્યા નહોતા.

આપણા ખાલિદ મોહમ્મદની ૨૦૦૩ની ખૂબસૂરત પણ નિષ્ફળ  ફિલ્મ ‘ તહઝીબ ‘ આ ફિલ્મ પર આધારિત હતી. મા – દીકરીના કિરદાર શબાના આઝમી અને ઉર્મિલા માતોંડકરે ભજવેલા.

આ ફિલ્મ એક રીતે ઈંગમાર બર્ગમેનની સાઠ જેટલી ફિલ્મોના વાંકાચુંકા રસ્તાવાળા દુર્ગનું પ્રવેશ-દ્વાર છે. એ સુંદર રીતે સંકીર્ણ છે, કોઈ સોનાટાની જેમ ..


[1] Autumn Sonata/Höstsonaten (1978)


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

7 thoughts on “ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : મણકો ૨ : પાનખરનું સંગીત – Autumn Sonata ( 1978 ) – HOSTOSONATEN ( સ્વીડીશ )

  1. વાહ્હહહ!!!! અદ્ભૂત વાતો અદ્ભૂત શબ્દો ના સહારે અદ્ભૂત સમજણ અને અદ્ભૂત સંકલન!!!! Hatsofff!!!!!
    તહઝીબ ફિલ્મ મેં જોયું છે,,હરદમ અદ્ભૂત!!
    Thank you Sir…
    ફરી એકવાર અદભુતત્તમ!! અનુભવ

  2. અદ્‍ભુત આસ્વાદ ! ફિલ્મની બારીકીઓ તમે જે રીતે ઉઘાડી આપો છો એ ફિલ્મ જોવાના અનુભવને વધુ રસપ્રદ બનાવે એવી છે.

  3. માનવીય સંબંધો અને ખાસ કરીને પારિવારિક સંબંધો ની બારીકાઇ ને સુંદર રીતે પ્રદર્શિત કરતી ફિલ્મ . અને તેને સરળ સ્વરૂપમાં રજુ કરવા બદલ આપને અભિનંદન .

  4. ખુબ જ સરસ. આટલી ઝીણવટ ભરી માનવીય સંબંધોની રજુઆત….તમે ખરેખર સત્ય વાત કહી છે દરેક પાત્ર પોતાની જગ્યાએ પરફેકટ છે. સુપર્બ. તહઝીબ ફિલ્મ જોવા ની ઇચ્છા થઇ ગઇ છે. ખુબ ખુબ અભિનંદન તથા શુભેચ્છાઓ સર અને આટલો સરસ રસાસ્વાદ કરાવવા બદલ ખુબ ખુબ આભાર સર

Leave a Reply

Your email address will not be published.