રાષ્ટ્રીય યુવા નીતિથી યુવાનોનું દળદર ફીટશે ?

નિસબત

ચંદુ મહેરિયા

૧૯૮૪નું વરસ આંતરરાષ્ટ્રીય યુવા વરસ તરીકે મનાવાયું હતું. તેના અનુસંધાને ૧૯૮૮માં દેશની પહેલી રાષ્ટ્રીય યુવા નીતિ ઘડાઈ હતી. તે પછી ૨૦૦૩ અને ૨૦૧૪માં પણ યુવા નીતિ આવી હતી. હાલમાં રાષ્ટ્રીય યુવા નીતિ ૨૦૨૧નો મુસદ્દો જાહેર વિમર્શ માટે દેશ સમક્ષ રજૂ કરવામાં આવ્યો છે. રાષ્ટ્ર નિર્માણમાં યુવાનોને જોડવા અને તેમના વ્યક્તિત્વ અને નેતૃત્વને નિખારવાના હેતુસર ઘડાતી રાષ્ટ્રીય યુવા નીતિથી યુવાનોને કેટલો લાભ થાય છે તે સવાલ તો રહે જ છે.

કવિ ઝવેરચંદ મેઘાણી  જેના ઘટમાં ઘોડા થનગનતા હોય, જેનો આતમ પાંખ વીંઝતો હોય અને જેની આંખ અણદીઠેલી ભોમ પર મંડાયેલી હોય તેને યુવાન ગણે છે. પરંતુ સંયુક્ત રાષ્ટ્રસંઘની યુવાનની પરિભાષા ઉમર કે વય સાથે સંકળાયેલી છે.૧૫ થી ૨૪ વરસની વયની વ્યક્તિને તે યુવાન ગણે છે. ભારત સરકારની યુવા નીતિમાં આ વય બદલાતી રહી છે. ૨૦૦૩માં ૧૩ થી ૩૫  વરસ અને ૨૦૧૪માં ૧૫ થી ૨૯ વરસની વય યુવાન માટે ઠરાવી હતી. ૨૦૨૧ની યુવા નીતિના મુસદ્દામાં ૧૫ થી ૨૯  અને ૧૩ થી ૩૫ એમ બંને વયનો ઉલ્લેખ છે.

જેમ સરકારી યુવા નીતિમાં યુવાનની ઉમર બદલાતી રહે છે તેમ તેના ઉદ્દેશો પણ બદલાતા રહે છે. યુવાનોને આર્થિક રીતે ઉત્પાદક અને સામાજિક રીતે ઉપયોગી બનાવવા માટે તેમના વ્યક્તિત્વ અને કાર્યાત્મક ક્ષમતાઓને વિકસિત કરવાના અવસર પેદા કરવાનો ઉદ્દેશ ૧૯૮૮ની પ્રથમ યુવા નીતિનો હતો. તે કેટલો ફળીભૂત થયો છે તેની ચર્ચા વિના તે પછીની યુવા નીતિના ઉદ્દેશો ઘડાતા રહ્યા છે. ૨૦૧૪ની નીતિનો ઉદ્દેશ યુવાઓની ક્ષમતાનો વિકાસ સાધી તેમના થકી ભારતને અન્ય રાષ્ટ્રોમાં મોભાનું સ્થાન અપાવવાનો હતો.

૨૦૧૪ની નીતિની પાંચ વરસે સમીક્ષા કરવાની હતી. પણ હવે આઠેક વરસે નવી નીતિ આવી રહ્યાના પડઘમ સંભળાય છે. ભારતને આગળ વધારવા માટે યુવાનોની ક્ષમતાઓને મોકળું મેદાન પૂરું પાડવાનો ઉદ્દેશ ધરાવતી ૨૦૨૧ની યુવા નીતિમાં આગામી દસ વરસ માટે યુવા વિકાસનો દ્રષ્ટિકોણ અને સંકલ્પ વ્યક્ત થયા છે. ૨૦૧૪ની યુવા નીતિના પ્રાથમિકતાના ક્ષેત્રો અગિયાર હતા પણ  હાલની નીતિમાં પાંચ જ પ્રાથમિકતાના ક્ષેત્રો છે. શિક્ષણ, યુવા નેતૃત્વ અને વિકાસ, રોજગાર અને ઉધ્યોગ સાહસિકતા, તંદુરસ્તી અને રમતગમત તથા સામાજિક ન્યાયની પાંચ પ્રાથમિકતા સાથે ૨૦૩૦ના વરસને લક્ષ્યાંક સિધ્ધિનું વરસ નવી યુવા નીતિમાં ઘોષિત કરવામાં આવ્યું છે.

ડેમોગ્રાફિક ડિવિડન્ડ  કહેતા યુવા ધનથી ભારતવર્ષ છલકાઈ રહ્યું છે.દેશની કુલ વસ્તીમાં ૧૫ થી ૨૯ વરસના લોકોનું પ્રમાણ ૨૭.૫ ટકા અને ૧૩ થી ૩૫ વરસનું ૪૧.૩ ટકા છે.દેશમાં ૧૫ થી ૨૪ વરસના યુવાનો ૨૩.૨૧ કરોડ છે. ઉત્તરપ્રદેશમાં ૬.૩૭ કરોડ અને ગુજરાતમાં ૧.૭૮ કરોડ લોકો ૧૪ થી ૨૩ વરસની વયના છે.દેશમાં ૧૫ થી ૨૯ વરસના લોકોનો સાક્ષરતા દર ૭૪.૦૪ ટકા અને દેશની સામાન્ય રાષ્ટ્રીય આવકમાં યોગદાન ૩૪ ટકા છે.ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને બંગાળમાં યુવા વસ્તી વધારે છે. કેરળ અને તમિલનાડુમાં યુવાનો કરતાં વૃધ્ધોની વધુ વસ્તી હોવી એ હકીકતનો નિર્દેશ કરે છે કે ઉત્તરના પછાત રાજ્યોમાં યુવા અને દક્ષિણના વિકસિત રાજ્યોમાં વૃધ્ધ વસ્તી વધુ છે.

લગભગ દરેક યુવા નીતિમાં શિક્ષણ અને રોજગારનો પ્રાથમિકતાના ક્ષેત્રમાં સમાવેશ થયો છે. છતાં આ બંનેની બાબતમાં દેશનો યુવા સૌથી વધુ અજંપ છે. શિક્ષણના ખાનગીકરણનો વ્યાપ વધ્યા પછી ઉચ્ચ શિક્ષણ વધુ દોહ્યલું બન્યું છે.એવું જ રોજગાર અંગે કહી શકાય. કૌશલ વિકાસ અને વ્યવસાયલક્ષી શિક્ષણના થીગડાથી ન તો શિક્ષણનો સવાલ ઉકલે છે કે ન તો રોજગારનો. આ વરસના બજેટમાં કોરોના મહામારીના અનુભવને આધારે ડિજિટલ શિક્ષણ પર ભાર મુકાયો છે. પરંતુ ભૂતકાળના અનુભવો પરથી સફળતાની શક્યતાઓ વર્તાતી નથી. યુવા વિકાસની પ્રત્યક્ષ યોજનાઓ હેઠળ કેન્દ્ર સરકાર યુવા દીઠ વાર્ષિક રૂ.૧૧૧૦ ખર્ચતી હોય તો તેનાથી યુવાનોનું દળદર કઈ રીતે ફીટે ? દેશમાં ૩૦ ટકા યુવા શ્રમિકો રોજગારવિહોણા બન્યા હોય અને ૩ કરોડ યુવાનો બેકાર હોય ત્યારે રોજગાર અને ઉધ્યોગસાહસિકતાની વાત પણ ઠાલી લાગે છે.

યુવા નેતૃત્વ પણ શબ્દફેરે તમામ યુવા નીતિમાં જોવા મળે છે. વહીવટના તમામ ક્ષેત્રોમાં યુવા નાગરિકોની ભાગીદારી, સહાયક વહીવટી તંત્ર ઉભું કરવું અને શહેરી વહીવટમાં યુવા ભાગીદારીને પ્રોત્સાહન જેવી બાબતોના અમલ અંગે ભાગ્યેજ નક્કર વિચારણા થતી હોય છે. રાજકીય પક્ષોની યુવા પાંખો નેતાઓની સભાઓની ભીડ એકઠી કરવાનું સાધન માત્ર છે. દેશમાં યુવા વસ્તી વધે પણ અઠાર વરસના મતાધિકાર પછી સંસદ અને ધારાસભાઓમાં વૃધ્ધો વધે તે ભારતીય લોકતંત્રની બલિહારી છે. ભારતની પહેલી લોકસભામાં ૬૬ થી ૭૫ વરસના સભ્યો માત્ર ૧૧(૨.૩૮ ટકા) જ હતા.પરંતુ વર્તમાન લોકસભામાં ૬૦ વરસથી વધુ ઉંમરના ૧૭૭ સાંસદો છે. પહેલી લોકસભામાં ૨૫ થી ૩૫ વરસના યુવા સાંસદો ૮૨ (૧૭.૭૫ ટકા) હતા. જે સોળમી લોકસભામાં ઘટીને ૧૯(૩.૬ ટકા) છે. પહેલી લોકસભાના સભ્યોની સરેરાશ વય ૪૬.૫ ટકા હતી. પરંતુ સોળમીમાં ૫૬ વરસ હતી. વડીલોના ગૃહ રાજ્યસભાના સૌથી યુવા સભ્યની ઉમર ૩૩ વરસ છે જે યુનોએ યુવાનની ઠરાવેલી ઉમર કરતાં નવ વરસ વધુ છે !આ વરસે જ યોજાયેલી યુ.પી. વિધાનસભાની ચૂંટણીમાં  વિજયી બનેલા ભારતીય જનતા પક્ષના ધારાસભ્યોની સરેરાશ ઉમર ૫૨.૭ વરસ છે. આ વાસ્તવિકતા યુવા નીતિમાં દર્શાવેલ યુવા નેતૃત્વની પ્રાયોરિટીની પોલ ખોલી નાંખે છે.

યુવા નીતિમાં તમામ યુવાનોને એક જ સરખા ગણવાનું વલણ છે. પરંતુ ગ્રામીણ અને શહેરી, ગરીબ અને તવંગર, અભણ અને ભણેલા, યુવક અને યુવતી જેવા ભેદ ધ્યાનમાં રખાતા નથી.  યુવા નીતિમાં ક્યારેક જ લૈંગિક ન્યાય, બાળવિવાહ, સ્ત્રીઓ પ્રત્યે દુર્વ્યવહારનો ઉલ્લેખ છે. જે  અર્ધી આબાદીની ધરાર ઉપેક્ષા છે.

રાષ્ટ્રીય કક્ષાએ ૨૦૩૦ના લક્ષ્યાંક સાથેની નવી યુવા નીતિ ચર્ચામાં છે ત્યારે રાજ્યકક્ષાએ  ગુજરાતની સ્થાપનાના શતાબ્દી વરસ ૨૦૬૦ની યુવા નીતિની તૈયારીઓ ચાલી રહી છે. વિકાસનું ગુજરાત મોડેલ યુથ પોલિસી અંગે પણ ઘણું ઘણું આગળનું વિચારે છે.નહીં ? ૨૦૦૨ના બીજેપીના ચૂંટણી ઢંઢેરામાં બજરંગ યુવા ઉત્કર્ષ યોજનાનું વચન અપાયું હતું. હવે રાજ્યમાં મુખ્ય મંત્રી યુવા સ્વાવલંબન યોજના અમલી છે.! આ પ્રગતિ કંઈ સાધારણ છે ?.

યુવાન એટલે રમતગમત એ બાબત સરકારોના મનમાં એવી ઠસી ગઈ છે કે કેન્દ્ર અને રાજ્યોમાં યુવા બાબતના મંત્રાલય અને વિભાગ સાથે જ રમતગમત પણ હોય જ છે.યુવાન એટલે માત્ર રમતગમત જ નહીં શિક્ષણ અને રોજગાર પણ એ સ્વીકારીને  યુવા બાબતો સાથે  શિક્ષણ કે  રોજગારનો વિભાગ કે મંત્રાલય પણ જોડાય એટલું પણ યુવા નીતિમાં હોય તો ભયો ભયો.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.