દરેક નવું કામ એક નવી શરૂઆત

મંજૂષા

વીનેશ અંતાણી

રશિયામાં જન્મેલાં અને અમેરિકામાં સ્થિર થયેલાં નવલકથાકાર, ફિલોસોફર ઍન રેન્ડની વિશ્ર્વપ્રસિદ્ધ નવલકથા “ફાઉન્ટહેડ”માં હાવર્ડ રૉર્ક નામનો યુવાન આર્કિટેક્ટ એના ક્ષેત્રમાં પરંપરાથી જુદી રીતે કામ કરવા માગતો હતો. સામાન્ય રીતે બને છે તેમ એની નવા જ પ્રકારની પ્રયોગશીલ વિચારસરણીને લીધે જૂનવાણી માનસ ધરાવતા લોકો એનો વિરોધ કરે છે અને એને નિષ્ફળ બનાવવા માટે શક્ય એટલા બધા જ કાવાદાવા અને પ્રપંચો કરે છે. રૉર્ક પૈસા કમાવા માટે નહીં, પણ પોતાના આગવા કન્સેપ્ટ પ્રમાણે ઈમારતો બનાવવા માગતો હતો. એ કૉલેજમાં હતો ત્યારથી એને વિરોધ ખમવો પડ્યો હતો. એના વિશિષ્ટ પ્રકારના અભિગમથી નારાજ થયેલા ડીન એને બોલાવે છે અને કહે છે: “તું તારી ઇચ્છા મુજબ જ બિલ્ડિન્ગ્સ બનાવવા માગે છે, પણ તને એવી બિલ્ડિન્ગ બાંધવા કોણ આપશે?” રૉર્કનો જવાબ હતો: “મુદ્દો મને કોણ બિલ્ડિન્ગ બાંધવા આપશે એ નથી, મુદ્દો એ છે કે મને કોણ રોકી શકશે!” રૉર્કનો આ જવાબ એના આત્મવિશ્ર્વાસ, ધ્યેય વિશેની સ્પષ્ટ સમજણ અને પોતાનું ધ્યેય કોઈ પણ રીતે પાર પાડવાની તૈયારીને વ્યક્ત કરે છે.

પ્રશ્ર્ન આપણે જે કામ કરવા માગતા હોઈએ કે કરતા હોઈએ એમાંથી મળતા સાચા આનંદનો પણ છે. જે કામ કરવામાં આનંદ જ આવતો ન હોય એ કામ પાછળ જિંદગી ખરચી નાખતા ધ્યેયહીન લોકોની સંખ્યા બહુ મોટી હોય છે. “ફાઉન્ટહેડ”નો હાર્વડ રૉક એક જગ્યાએ કહે છે: “ધારી લઈએ કે મારી પાસે જીવવા માટે સાઠ વરસ છે. હું મોટા ભાગનો સમય કામ કરવામાં વિતાવીશ. મારા કામની પસંદગી મેં કરી છે. મને મારું કામ કરવામાં આનંદ આવતો ન હોય તો હું સાઠ વરસ સુધી મારી જાતને ટોર્ચર કરતો રહીશ – અને હું મારી બધી શક્તિ કામે લગાડીને કરું તો જ મને સાચો આનંદ મળી શકે. મૂળ વાત ઉચ્ચ ધોરણ નક્કી કરવાની છે – અને મારાં ધોરણ હું જ નક્કી કરું છું. મારા કામના સંદર્ભમાં મારી પાસે કોઈ વારસો નથી, હું કોઈ પરંપરાને અનુસરતો નથી. કદાચ હું મારા દરેક કામની સાથે નવી શરૂઆત કરતો રહીશ.”  હાવર્ડ રૉર્ક નામનો આત્મવિશ્ર્વાસથી છલોછલ ‘માથાફરેલો’ યુવાન જીવનમાં કશુંક નવું કરી જવા માગતા દરેક લોકોનો આદર્શ બની શકે.

એક બિઝનેસમેનને એના ધંધામાં બહુ મોટી ખોટ ખમવી પડી હતી. એ આર્થિક રીતે સાવ તળિયે બેસી ગયો હતો. સપ્લાયર્સ એને માલ આપતા નહોતા, કોઈ જગ્યાએથી નવું ધિરાણ મળતું નહોતું. પુષ્કળ દેવું થઈ ગયું હતું. ચારે બાજુથી ઘેરાયેલો બિઝનેસમેન એક સવારે બગીચામાં બેસીને શું કરવું એના વિચારો કરતો હતો અને એને કોઈ માર્ગ દેખાતો નહોતો. એ માનસિક રીતે સાવ ભાંગી પડ્યો હતો. ત્યાં એક વૃદ્ધ પુરુષ એની પાસે આવ્યો અને કહ્યું: “હું ક્યારનો જોઉં છું કે તું કોઈ ચિંતામાં છે. શી વાત છે?” બિઝનેસમેને બધી વાત કરી. એની વાત સંભળીને વૃદ્ધે કહ્યું: “કદાચ હું તને મદદ કરી શકીશ.” એટલું કહીને એણે ગજવામાંથી ચેકબુક કાઢીને બિઝનેસમેનના નામનો ચેક લખ્યો. એને ચેક આપતાં વૃદ્ધ બોલ્યો, “આ ચેક લઈ જા, બરાબર એક વરસ પછી તું મને આ જગ્યાએ મળજે અને મારા પૈસા પાછા આપજે.”

એ ચાલ્યો ગયો. બિઝનેસમેન ચેક સામે ફાટી આંખે જોઈ રહ્યો. પાંચ લાખ ડોલરનો ચેક. સહી જોઈ. એ ચેક પર જોહ્ન ડી. રોકફેલર નામના વિશ્ર્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિની સહી હતી. બિઝનેસમેન ચેક લઈને ગયો, પણ એણે તે એની તિજોરીમાં મૂકી દીધો. એણે વિચાર્યું કે એને જ્યારે જરૂર પડશે ત્યારે એ આ પૈસાનો ઉપયોગ કરી જ શકશે, પરંતુ તે પહેલાં એણે જાતે પોતાની મુશ્કેલીમાંથી બહાર નીકળવાના પ્રયત્ન કરવા જોઈએ. એ અકલ્પ્ય આશા સાથે ફરી કામ કરવા લાગ્યો. થોડા મહિનામાં એને નવાં કામ મળવા લાગ્યાં, એણે બધું દેવું ચૂકતે કર્યું અને કમાણી કરવા લાગ્યો.

એક વરસ પછી એ ન વટાવેલા ચેક સાથે બગીચામાં ગયો. વૃદ્ધ પુરુષ ત્યાં આવ્યો. બિઝનેસમેન એને ચેક પાછો આપે તે પહેલાં જ એક નર્સ દોડતી આવી અને વૃદ્ધને પકડી લીધો. નર્સે બિઝનેસમેનને કહ્યું, “સારું થયું, મેં એને પકડી પાડ્યો. એ દર સવારે પાગલખાનામાંથી ભાગી જાય છે અને બધાંને કહેતો ફરે છે કે એ જોહ્ન ડી. રોકફેલર છે!” બિઝનેસમેન આભો થઈ ગયો. એ આખું વરસ નવા જ પ્રકારના આત્મવિશ્ર્વાસ સાથે એનો ધંધો કરતો રહ્યો હતો કે બીજું કંઈ નહીં થાય તો એની પાસે પાંચ લાખ ડોલરનો ચેક તો પડ્યો જ છે! પછી એને સમજાયું, વાત સાચા કે બનાવટી ચેકની નહોતી, વાત એ કારણે એનામાં જાગેલા નવા આત્મવિશ્ર્વાસ અને પોતાની મુશ્કેલીમાંથી બહાર નીકળવાની ધગશની હતી, જેને લીધે એ સફળ થઈ શક્યો.

***

શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.