નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૨

મારા કરતાં તારામાં એ વધુ રસ ધરાવતો લાગે છે

નલિન શાહ

આજે માનસીની નિદ્રા ગાયબ હતી. મધ્યરાત્રીના નીરવ વાતાવરણમાં એનું મન વિચારે ચઢ્યું હતું. સાઠ વર્ષની ઉંમરનું મહત્ત્વ હતું, જેની લોકો ઉજવણી કરતાં હતાં! રાજુલે યોજેલી પાર્ટી એના ધાર્યા કરતાં વધુ ભવ્ય હતી. અમિતકુમાર એના કુટુંબ સહિત આવ્યો હતો. એના જેવા જ મહત્ત્વના માનસીના ઘણા પ્રશંસકો હાજર હતા. ભેટ-સોગાદો માનસીને સંકોચ ના પમાડે એટલે પાર્ટીનો ઉદ્દેશ કોઈને નહોતો જણાવ્યો. એક મોટી સજાવેલી કેક ઉપર એક જ કેન્ડલ મૂકી હતી. રાજુલે મજાકમાં કહ્યું ‘માનસી, એક અંગ્રેજી લેખકે કહ્યું છે કે જ્યારે કેક કરતાં કેન્ડલનો ખર્ચો વધુ થાય ત્યારે સમજવું કે તમે વૃદ્ધ થયાં છો. જ્યારે તારામાં વૃદ્ધતાનો કોઈ પણ અણસાર વર્તાતો નથી એટલે એક જ કેન્ડલ રાખી છે.’

‘એક રીતે એ યોગ્ય છે.’ માનસીએ પ્રત્યુત્તર વાળ્યો, ‘તેં મારી અક્કલની ઉંમર દર્શાવી છે ને.’ બધાં હસી પડ્યાં. અમિતકુમાર સહિત ઘણાંએ માનસીના બર્થડેની વાત છુપાવવા માટે રાજુલને ઠપકો આપ્યો. પાર્ટીમાં આવતાં પહેલાં માનસી સુનિતાના આર્શિવાદ લઈને આવી હતી, સાગરે શેમ્પેઈનની બોટલ ખોલી ને બધાંએ એમના ગ્લાસ ઊંચા કરી માનસીને શુભેચ્છા આપી. બહુ વખતે માનસી અને ફિલોમિનાએ ફુરસદની પળોનો આનંદ ઉઠાવ્યો.

મોડી રાત્રે ઘરે આવી માનસી પથારીમાં પડી વિચારતી રહી. ભગ્ન થયેલા સપનાના અવશેષો નજર સામે તરવરતા હતા. બુઢાપો નજર સામે હતો. સાઠ વરસમાં વ્યાવસાયિક સફળતા સિવાય કશું પ્રાપ્ત ના કર્યું. મગજમાં વિચારોનો વંટોળ ઉઠ્યો હતો. આસિતથી વિખૂટા પડ્યાને વર્ષો વીતી ગયાં હતાં. એને ફરી મળવાની આશા પણ સમયની સાથે ક્ષીણ થતી ગઈ. નાની યાદ આવી. એની ગેરહાજરીમાં નાનીને સૌથી મોટો સહારો બનેલી ફિલોમિનામાં હંમેશાં એને નાની નજર આવતી હતી. માનસી અને ફિલોમિનાને એકબીજાનો સહારો બનેલાં જોઈ નાનીનો આત્મા કેટલી શાંતિ અનુભવતો હશે. ફિલોમિનાનાં સુખનો વિચાર એને માટે સર્વોપરી હતો. રાજુલે સવારે ફિલોમિના સાથે કરેલી ચર્ચા એને યાદ આવી ગઈ. પરિવારની જવાબદારી નિભાવવા એણે લગ્ન ના કર્યાં ને દુઃખની વાત એ હતી કે પુખ્ત વયે જ્યારે લગ્નનો યોગ આવ્યો ત્યારે માનસીના કારણે જતો કર્યો. ચાર-પાંચ મહિના પહેલાં ફિલોમિના સાથે થયેલી વાત માનસીના મગજમાં ઉપસી આવી. ત્યારે એણે જાણ્યું કે ગૌહાટીથી સ્થળાંતર કરી આવેલા હાર્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટર મલ્લિકે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો હતો, જે ફિલોમિનાએ અંતે ના સ્વીકાર્યો. જ્યારે જ્યારે ફિલોમિના એની જૂની મિત્ર હેડ નર્સ  લિઝાને મળવા હોસ્પિટલમાં જતી હતી ત્યારે ડૉ. મલ્લિક સાથે સાહજિક મુલાકાતો થતી હતી. ફિલોમિના એક જ નજરમાં જોનારને આકર્ષે એવી હતી. શક્ય છે કે મલ્લિકને એના પ્રત્યે આકર્ષણ જાગ્યું હશે ને એ બાબતમાં એણે લિઝાને વિશ્વાસમાં લીધી હશે. એ જ કારણે લિઝાએ પોતાની દીકરીના લગ્ન પ્રસંગે હોસ્પિટલ સ્ટાફ માટે યોજેલી પાર્ટીમાં ફિલોમિના અને મલ્લિકને ગાઢ સંપર્કમાં આવવા માટે એની પ્રયોજેલી યોજના પ્રમાણે મોકો પ્રદાન કર્યો હતો. ફિલોમિના મલ્લિકનું આકર્ષણ પામી ગઈ હતી. એવું પણ નહોતું કે ફિલોમિના ડૉ. મલ્લિક પ્રત્યે નહોતી આકર્ષાઈ, પણ એને સંકોચ એ વાતનો હતો કે એક કાબેલ નિષ્ણાત હોવા ઉપરાંત મલ્લિક એનાથી ચાર-પાંચ વરસ ઉંમરમાં નાનો હતો. એણે માનસીને કોઈ વાતથી અજાણ નહોતી રાખી. માનસીને પણ ફિલોમિનાના ભવિષ્યની ફિકર હતી એટલે એણે પણ એને એ બાબતમાં પ્રોત્સાહન આપ્યું ને ઉંમરના તફાવતને અવગણવાની સલાહ આપી. માનસીએ જાણ્યું કે ડૉ. મલ્લિકની પત્ની દસ વર્ષ પહેલાં મરણ પામી હતી. કોઈ બાળક પણ નહોતું. મલ્લિકે પુનર્લગ્નમાં કોઈ રસ નહોતો દાખવ્યો અને એની એકલતા વિસારવા એના વ્યવસાયમાં વ્યસ્ત રહ્યો. જ્યારે ફિલોમિનાને જોઈ ત્યારે એણે પુનર્લગ્નની ભાવના અનુભવી. લિઝાની મધ્યસ્થી મલ્લિક અને ફિલોમિનાને એમની ભાવનાઓ એકબીજાની સામે વ્યક્ત કરવામાં કારણભૂત બની. પણ વાતનો સુખદ અંત આવે તે પહેલાં જ એમના આશાસ્પદ સંબંધમાં અડચણરૂપ થાય એવી સ્થિતિ ઊભી થઈ અને તે પણ કેવળ ફિલોમિનાની માનસી પ્રત્યેની નિષ્ઠાના કારણે.

બે-ચાર વાર ડૉ. મલ્લિકની વાતોમાં માનસીના અંગત જીવનની બાબતો જાણવાની એની ઉત્કંઠાનો અણસાર ફિલોમિનાને આવ્યો હતો, પણ એણે એ વાતને ખાસ મહત્ત્વ નહોતું આપ્યું.

એક દિવસ લિઞ્નને વાતેવાતે માનસીનો ઉલ્લેખ આવ્યો ત્યારે ફિલોમિનાને કહ્યું કે શરૂઆતમાં મલ્લિકે માનસીનાં અંગત જીવનની બાબતમાં જાણકારી મેળવવા એની સાથે ઘણી ચર્ચા કરી હતી. એ ચર્ચા એણે વિસ્તારથી વર્ણાવી અને હસીને કહ્યું કે માનસી ખ્યાતિપ્રાપ્ત ડૉક્ટર હતી ને દેખાવડી પણ,  એટલે એની બાબતમાં કોઈને પણ ઉત્કંઠા થવી સ્વાભાવિક હતું. માનસી ઉંમરમાં મલ્લિક કરતાં ઘણી મોટી હોવાથી કોઈ પણ પ્રકારની ગેરસમજને અવકાશ નહોતો, છતાં આ વાતો જાણીને ફિલોમિનાનું મન ખાટું થઈ ગયું.

એક દિવસ ફિલોમિનાને નિરાશ વદને બેઠેલી જોઈ માનસીએ એની પૃચ્છા કરી, પણ કોઈ પ્રત્યુત્તર ના મળ્યો.

‘કેમ બોલતી નથી? મલ્લિક સાથે કાંઈ થયું છે?’

થોડી વારની ચુપકીદી પછી ફિલોમિના તીખા સ્વરમાં બોલી, ‘માનસી, મારા કરતાં તારામાં એ વધુ રસ ધરાવતો લાગે છે.’

‘શું!’ માનસી ચમકી ગઈ. ‘તું શાના ઉપરથી કહે છે? તું એની પસંદગી છે. એમાં હું વચ્ચે ક્યાં આવી? ને આમેય ઉંમરમાં હું એનાથી ઘણી મોટી છું!!’

‘એ ગમે તે હોય, પણ લિઝા પાસે હમણાં જાણ્યું કે એે જ્યારે આવ્યો ત્યારે મુંબઈથી સાવ અજાણ હતો. શરૂઆતમાં બીજું કાંઈ પણ જાણ્યા પહેલાં એણે તારા માટે ઘણું ઘણું જાણવા પ્રયત્ન કર્યો હતો. કેવળ તારી બાબતમાં જ.’

‘એ તો એનું સાહજિક કુતૂહલ હશે!’ માનસીએ કહ્યું. ‘એને આટલું બધું ગંભીર સ્વરૂપ શાને આપે છે?’

‘તારી પર્સનલ લાઈફની ઇન્ક્વાયરીને તું સાહજિક વાત કહે છે? જેમ કે તારું લગ્નજીવન કેવું હતું, તું ક્યારે વિધવા થઈ, તેં બીજા લગ્ન કેમ ના કર્યાં, બીજું કોઈ તારી જિંદગીમાં નહોતું આવ્યું, હજી પણ તું સુંદર છે, તો બીજા લગ્ન કેમ નથી કરતી, તું સુખી છે ખરી? વગેરે વગેરે. આવી બધી ઇન્ક્વાયરી એ કોઈ ખાસ કારણ વગર કરતો હોય એ હું માનવા તૈયાર નથી. મને બહુ ગુસ્સો આવ્યો. મેં એને એ બાબતમાં પૂછ્યું તો એણે વાતને ઉડાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારે મેં વાત ના છોડી ત્યારે થાકીને એણે કહ્યું કે કોઈ ખાસ અંગત કારણોસર, એ એની ઇન્ક્વાયરીનું કારણ નહોતો કહેવા માંગતો. શું અંગત કારણ હોઈ શકે? આવી તારી બાબતમાં પૂછપરછ તારું માનભંગ સમજું છું જે હું ના સાંખી લઉં. એણે મને સમજાવવાનો યત્ન કર્યો, એનામાં વિશ્વાસ રાખવાની વાત કરી, પણ મારું મન ના માન્યું અને એની સાથેના સંબંધને આગળ ના વધવા દીધો.’ માનસી આભારવશ થઈ સાંભળી રહી. ફિલોમિનાએ એક અમૂલ્ય તક જતી કરી હતી કેવળ એને ખાતર!

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.