હરશ્રૃંગાર પારિજાત

ફરી કુદરતના ખોળે

જગત કીનખાબવાલા

પારિજાત/ સંસ્કૃત: પારિજાતક/ Night Jasmine / Coral Jasmine / Nyctanthyes Arbar –Tristis

પારિજાત અથવા પારિજાતકના સંસ્કૃત નામથી ઓળખાતું આ મધ્યમ કદનું વૄક્ષ છે. આ વૃક્ષ માટે સુંદર અથવા અતિ સુંદર શબ્દ નાનો પડે.

હકીકતમાં પારિજાત, એક એવું વૃક્ષ છે જેનો પુરાણોમાં પણ ઉલ્લેખ મળે છે. પુરાણોમાં ઉલ્લેખ છે તેવા સમુદ્ર મંથન વિશે તો સૌએ સાંભળ્યું જ હશે, સમુદ્ર મંથન દરમિયાન પારિજાત વૃક્ષની ઉત્પત્તિ થઇ હતી. જેને દેવરાજ ઇન્દ્ર દ્વારા સ્વર્ગમાં રોપવામા આવ્યું હતું. દેવપૂજામાં પારિજાતના ફૂલોનું પણ વિશેષ મહત્વ છે. આ વૃક્ષ સાથે ભગવાન રામ અને દેવી સીતાના વનવાસની યાદો પણ જોડાયેલી છે. સીતામાતા વનવાસના દિવસોમાં આ વૃક્ષના ફૂલોની જ માળા બનાવતા હતાં. જળમાંથી ઉત્પત્તિ થવાના કારણે પારિજાતનાં ફૂલ દેવી લક્ષ્મીના ફેવરીટ છે, કેમ કે દેવી લક્ષ્મીની ઉત્પત્તિ પણ સમુદ્ર મંથન દરમિયાન પાણીમાંથી જ થઇ હતી. પારિજાતને હરશ્રૃંગાર ઉપરાંત શેફાલી, પ્રાજક્તા અને શિઉલીના નામથી પણ ઓળખવામા આવે છે. આ ફૂલ પશ્ચિમ બંગાળનું રાજકીય પુષ્પ છે.

પારિજાતની ડાળી પણ ખુબજ વિશિષ્ટ પ્રકારની અને અસામન્ય હોય છે. સામાન્ય રીતે દરેક વૃક્ષ-વનસ્પતિની ડાળી એ ગોળાકાર હોય છે, પરંતુ પારિજાતની ડાળીઓનાં કાંડ ચતુષ્કોણ/ ચોરસ હોય છે, જે તેની સૌથી વિશેષ ઓળખ છે અને બીજા ઝાડની ડાળીઓ કરતાં અલગ પડે છે.

તેની બીજી ઓળખ તેનાં ખુબજ મોટી સંખ્યામાં બેસતાં સુગંધવાળા મધુર અને દેખાવડાં ફૂલો છે. સાહિત્ય અને કવિતામાં, કંપનીના નામ તરીકે, કૃષ્ણ ભગવાનની સાથે ચિત્રમાં, સોસાયટીના કે ઓફિસના નામ તરીકે પણ રૂપકડા પારિજાતનાં પુષ્પોનો ઊલ્લેખ અને નામાવલી વ્યાપક રીતે જોવાં મળે છે.

પારિજાતનાં ફૂલો હળવા અને નાજુક હોય છે. સહેજ ડાળી હલાવીએ તો નીચે ઢગલો ફૂલો ખરી પડે છે. પારિજાતના ફૂલોની સુવાસ એ પવનની લહેરખીની સાથે દૂર સુધી પ્રસરે છે.  પારિજાતના ફૂલ રાત્રે જ ખીલે છે અને ફૂલ સૂર્યોદય પહેલા ખરી જાય છે. સવારે વૃક્ષ નીચે તેના ફૂલોની ચાદર પથરાઈ જાય છે અને તે ફૂલો ઘરમાં કે આંગણામાં સજાવટ તરીકે વાપરતાં ધરાતાં નથી. સામાન્ય રીતે  પૂજામાં જમીન પર પડેલા ફૂલ વાપરવામાં આવતા નથી પરંતુ પારિજાતના ફૂલો અપવાદ છે. સુંદર કેસરી દાંડી ઉપર સફેદ રંગની પાંચથી આંઠ પાંદડીથી ફૂલ બનેલું હોય છે. તેમાંથી સપાટ બીજ બને છે જે ગોળાકાર કે હૃદય જેવા આકારનું હોય છે અને તેની અંદરથી એક બીજ નીકળે છે.

પારિજાત (પારિજાતક, હરશ્રૃંગાર)ના ઝાડ ૨૫ થી ૩૦ ફુટ ઊંચાઈના, નવી ડાળીઓ ચોરસ, પેચી, છાલવાળા પોચી, રાખડી, ખરબચડા બંને તરફ રુંવાટી વાળા થાય છે. આ ઝાડ ભારતમાં સર્વત્ર થાય છે. તેને પાણીની જરૂરિયાત ખુબ ઓછી હોય છે અને વધારે પડતાં પાણીમાં મરી જાય છે.

ખાસ કરીને હિમાલયની આજુબાજુમાં પારિજાતનાં અસંખ્ય વૃક્ષો મળી આવે છે. દવા બનાવવા માટે આ વૃક્ષના ફૂલ,પત્તાં અને છાલનો ઉપયોગ કરવામાં આવે છે.

તેમાં અનેક દિવ્ય ઔષધિય ગુણ પણ મળી આવે છે. નાડીતંત્રના સોજાને દૂર કરીને ન્યુરોલોજિકલ ઈલાજમાં ખુબજ વપરાય છે. પારિજાતના પાનમાં આયુર્વેદિક વિશિષ્ટાઓ  ભરેલી છે. સંધિવા/ સાંધાનાં વા નો તથા અપાનવાયુનો નાશ કરનાર છે. પારિજાત સ્વાદે રુક્ષ છે છતાં પણ તેના ઊષ્ણ સ્વાભાવને કારણે વાયુનો નાશ કરનાર છે. તે પચવામાં તીખી છે. તે સ્વાદે કડવું છે તેમજ કફવાત શામક છે.

આયુર્વેદ અનુસાર પારિજાતના 15થી 20 ફૂલ અથવા તો તેના રસનું સેવન કરવાથી હૃદય સંબંધિત મુશ્કેલીઓથી રાહત મળે છે. માથામાં ટાલ હોવી, વાળ ખરવા  – ખરતાં વાળમાં તેના બીજને પાણીમાં પીસીને તેનો લેપ કરવાથી વાળ ખરતાં ઓછાં થઈ જાય છે. અને ખરેલા વાળ ફરીથી ઊગી નીકળે છે.

રાંઝણ – સાયેટીકા –Sciatica નું ઊત્તમ ઔષધ છે. વાયુના કારણે સાંધાના દુઃખાવા જેવા તમામ રોગોમાં પારિજાતના પાનનો ઊકાળો કરી તેમાં દિવેલ ઊમેરીને નિયમિત રીતે સેવન કરવાથી કમરનો દુઃખાવો Sciatica ઝડપભેર મટે છે.

ચામડીના ખરજવાના હઠીલા રોગના ઉપચારમાં પારિજાતના પાંદડાનું ચૂર્ણ તથા નાચણીનો લોટ સમભાગે લઈને તેને ખરજવા પર લગાવવાથી ખરજવું મટે છે તેની બીજી રીત છે કે પારિજાતના પાંદડાને દૂધમાં વાટીને લેપ કરવાથી પણ ખરજવામાં ફાયદો થાય છે.

માથામાં થતો ખોડોની તકલીફ દૂર કરવા માટે પારિજાતના બીને પાણીમાં લસોટીને તેને નિયમિત માથા પર લેપ કરવાથી ખોડો મટે છે.

વિવિધતા સભર વૃક્ષ છે, જાણો, વાવો અને માણો.


(ફોટોગ્રાફ્સ: જગત કીનખાબવાલા અને શ્રી રીતેષ. આઝાદ)


*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
*Love – Learn  – Conserve*


લેખક: જગત.કિનખાબવાલા – Ahmedabad
Author of the book: – Save The Sparrows
Email: jagat.kinkhabwala @gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.