વનવૃક્ષો : નાળિયેરી

ગિજુભાઈ બધેકા

પક્ષીઓમાં મોરને માથે કલગી છે એમ ઝાડમાં નાળિયેરીને માથે મુગટ છે. પવન આવે છે ત્યારે મુગટ ભજન કરતા ભજનિકના તંબૂર ઉપર જેમ મોરપીછાં ડોલે છે, તેવી રીતે ડોલે છે.

તમે ચિત્રકાર હો તો ભૂરા આકાશ નીચે અને દરિયાના ભૂરા ધોળા પાણી નજીક ઊગેલા નાળિયેરીના ઝાડને આબાદ ચીતરવાનું મન થઈ જાય. તમે તેનું થડ રાખોડિયું કાઢી લીલી પટ્ટીથી તેને શણગારશો.

મોમ્બાસામાં આવેલી મ્નાજીમોજાની જગા હું કદી ભૂલ્યો નથી. મ્નાજી એટલે નાળિયેરી અને મોજા એટલે એક : એક નાળિયેરી. અસલ આ જગાએ એક નાળિયેરી હતી. પછીથી ત્યાં અનેક નાળિયેરીઓ થઈ, પણ એ જગાનું નામ તો મ્નાજીમોજા જ રહી ગયું.

એસ્કાર્પમેન્ટના મોટા શામ્બા (ખેતર)માં આવેલાં નાળિયેરીનાં ઝાડો નીચે બેસી ધરાઈ ધરાઈને નાળિયેરીનાં મીઠાં પાણી પીધેલાં એ કેમ ભુલાય ?

મારા ભાઈબંધો કાચા નાળિયેરમાંથી પાણી પીધા પછી તેમાંથી ધોળું કાચું ટોપરું મને વહાલ કરી ખવરાવતા હતા. તે વાતને આજે વીશ વર્ષો વીતી ગયાં છે.

જંગબારનાં મહાફળો એટલે લીલાં નાળિયેર ઉપર મેં એક વાર કવિતા કરેલી. પણ એ ખોવાઈ ગઈ, એટલે દિલગીર છું કે અહીં લખી શકતો નથી.

જંગબાર અને પૂર્વ આફ્રિકાનો કિનારો એ નાળિયેરીનાં ઘર છે.

મહારાષ્ટ્ર, કર્ણાટક, સહ્યાદ્રિ એ બધાં પણ નાળિયેરીના માહેરઘર છે. માહેરઘર એટલે પિયર. એટલે જ દક્ષિણી લોકોને નાળિયેર બહુ વહાલું હશે.

ટોપરાને દક્ષિણી લોકો શાકભાજીમાં સ્થળે સ્થળે વાપરે છે. ચટણીમાં ટોપરું, દાળમાં ટોપરું, શાક ઉપર ટોપરું, ખીચડી ઉપર ટોપરું. દક્ષિણી રસોઈનો ટોપરું એ શણગાર ને સ્વાદ બંને છે.

કાઠિયાવાડ-ગુજરાતમાં નળિયેરી થોડી એટલે એ લોકોએ નાળિયેર પોતાને બદલે દેવને માટે રાખ્યું : માતા પાસે નાળિયેર મૂકો, શંકર પાસે નાળિયેર વધેરો, મંગલ કલશ ઉપર નાળિયેર મૂકો, રાંદલમાતા નાળિયેરનાં બનાવો.

તોપણ કાઠિયાવાડ-ગુજરાતનાં કોઈ કોઈ રાનોમાં નાળિયેરીઓ થાય છે ખરી.

હુતાશનીમાં ખજૂરટોપરું ખાવાનો કાઠિયાવાડમાં સારો મહિમા છે. કાઠિયાવાડના લોકો છોલાસોતા નાળિયેરમાં અંગૂઠે દબાવી અંદર સોપારી પેસારી દેવાની બળવાન રમત રમે છે. હુતાશનીમાં નાળિયેર ફેંકવાની રમતો ચાલે છે.

યજ્ઞોમાં નાળિયેર હોમવાનો રિવાજ છે. દેવીઓનાં મંદિરે આખાં નાળિયેરનાં તોરણો બંધાય છે. પિતૃ અથવા દેવરૂપે નાળિયેર મૂર્તિ તરીકે મૂકવામાં આવે છે.

નાળિયેર ઉપરનાં છોલાંનાં દોરડાં, કાથી, શીકાં વગેરે બનાવાય છે, ત્યારે કાચલીમાંથી આફ્રિકાના લોકો પ્યાલા અને ચમચા બનાવે છે. આપણા લોકો એના પાણી કાઢવાના ડોયા બનાવે છે.

કાચલીને આખી રાખી આંખ આગળ કાણું પાડી તેને હોકાનું પાણી ભરવાનું વાસણ બનાવવામાં આવે છે. ગુડગુડ થતા હોકાની નીચે જે લંબગોળ આકારનું કાળા રંગે રંગેલું અને રૂપાની કે સોનાની બેઠકવાળું વાસણ હોય છે, તે આ કાચલી છે. દરબાર લોકો હોકાને બહુ સરસ રીતે શણગારે છે.

તમારે નાળિયેરી ઉપર ચડવું હોય તો ચડતાં શીખવું પડશે. રોજના ચડવાવાળાઓ તો વાંદરા જેમ તેના ઉપર ચડી જાય છે; કેડે ચામડાનો પટ્ટો બાંધીને અગર પગને બે દોરડેથી બાંધી સરક સરક કરતા તેઓ ઉપર ચડી જાય છે. ઉપર ચડવાનું તમે તેમની પાસેથી શીખી લેજો.

તમને દાદર થઈ હોય તો કાચલીને સળગાવી થાળીમાં મૂકી તેના ઉપર ભરેલ પાણીની બીજી થાળી ઢાંકજો. ઢાંકેલી થાળીની પાછળ ચોંટેલો રસ દાદરે લગાડજો; પણ જ્યારે એકદમ બળવા લાગે ત્યારે ‘ઓયવોય’ ન કરતા !

તમે આજકાલનાં ગ્યાસલેટિયાં તેલોના શોખીન ન હો તો ચોખ્ખું કોપરેલ તેલ જ માથામાં નાખજો. સૂકાં ટોપરાંમાંથી કોપરેલ તેલ કાઢવામાં આવે છે.

તમારે ત્યાં ઢોર હોય તો તમારા બાપુને કહેજો કે ટોપરાનો ખોળ પણ થાય છે. આપણે ત્યાં તલનો ખોળ ઢોરને મળે છે, અને મલબાર વગેરે દેશોમાં ટોપરાનો ખોળ અપાય છે. તેલ કાઢી લીધા પછી જે કૂચો રહે તેનું નામ ખોળ કહેવાય છે, તે તો તમે જાણતા જ હશો.

તમારે નાળિયેરી વાવવી હોય તો તમે શું કરશો? સારું મજાનું પાકું ત્રોફા સહિતનું નાળિયેર લઈને પ્રથમ કેટલા ય દિવસ સુધી કૂવાના પાણીમાં પલાળજો. કોઈ કૂવામાં સાચાં નાળિયેર તરતાં જુઓ ત્યારે તે વાવવા માટે છે એમ સમજજો.

લાંબો વખત પલાળેલું નાળિયેર જમીનમાં વાવજો એટલે નાળિયેરી ઊગશે. ધીમે ધીમે વધતાં પાંચછ વર્ષે ઝાડ ઊંચું થશે, અને વધતાં વધતાં ચાળીશ પચાસ હાથ જશે. પછી એક દિવસ નાળિયેરો બેસશે. સારી એવી નાળિયેરીને દર વર્ષે આશરે ચારસો નાળિયેર બેસે છે. એક નાળિયેરનાં પાંચસો નાળિયેર! નાળિયેરીના રાનમાં આટલાં બધાં નાળિયેર થતાં હશે ત્યારે જ એવા લોભિયાઓને ત્યાં જઈને મફત લેવાનું મન થયું હશે ને ? એ લોભિયાની વાર્તા પણ જાણતા હશો.

નાળિયેરીનાં પાદડાં તમે માપશો તો તે સોળ સોળ ફૂટ લાંબાં જણાશે. તમે જોશો તો દેખાશે કે તેનાં પાંદડાં ચિરાયેલાં છે. એનું કારણ તો એમ છે કે જો પાંદડાં ચિરાયેલાં ન હોત તો નાળિયેરી પવનથી નીચે પડી જાત. પણ આ ચિરાડોને લીધે પવન પાંદડાંમાંથી સોંસરો ચાલ્યો જાય છે ને નાળિયેરી બચી જાય છે.

તમને થશે કે નાળિયેરી વિષે ઘણી વાતો કહી. અને તમે પૂછશો : “ત્યારે ખજૂરી વિષે કંઈક કહો ને ?”

લ્યો ત્યારે ખજૂરી વિષે આવતા અંકમાં ……


માહિતીસ્રોત – વિકિસ્રોત

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.