માણસ તાણે સ્વાર્થ ભણી

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

સંયુક્ત કુટુંબોને સ્થાને વિભક્ત કુટુંબની સંખ્યામાં વૃદ્ધિ થવા લાગી, તેમજ શહેરીકરણ સતત વધતું રહ્યું તેને પગલે માણસમાં પાલતૂ પશુઓ રાખવાનું પ્રમાણ પણ વધતું ચાલ્યું છે. એમાંય કોવિડની મહામારી દરમિયાન આ સંખ્યામાં અનેકગણો ઉછાળો આવ્યો હોવાનું કહેવાય છે. આનું કારણ સ્પષ્ટ છે. માણસને કોઈક સાથની જરૂર હંમેશાં રહેતી હોય છે. પાલતૂ પશુઓ- ખાસ કરીને વિવિધ પ્રજાતિનાં કૂતરાં આ સંજોગોમાં લગભગ આદર્શ સંગાથી બની રહે છે. તે કહ્યાગરાં હોય છે, તેમની પર પ્રેમ ઢોળી શકાય છે, બદલામાં તે બહુ ઓછી અપેક્ષા રાખે છે. કૂતરાંની વિવિધ પ્રજાતિઓ, અલબત્ત, આગવી લાક્ષણિકતાઓ ધરાવતી હોય છે. જેમ કે, રોટવાઈલર પ્રકારનાં કૂતરાં ખતરનાક ગણાય છે. લાબ્રાડોર કૂતરાં પારિવારિક માહોલમાં સમાઈ જાય એવાં હોય છે. જર્મન શેફર્ડ સંરક્ષણ કરવાનો ગુણ ધરાવે છે. આમ અસંખ્ય પ્રજાતિનાં આગવાં લક્ષણ હોય છે. કેટલાક કિસ્સામાં ચોક્કસ પ્રજાતિના કૂતરાને વિશેષ હેતુપૂર્વક ઉછેરવામાં આવે છે. જેમ કે, ગુનાશોધન, બૉમ્બ શોધવા, શિકાર, રાહતકામગીરી વખતે બચાવ માટે વગેરે…ખાનદાની લક્ષણના આધારે કૂતરાંની પ્રજાતિઓને સારી કે ખરાબ ગણવામાં આવે છે, પણ એ દૃષ્ટિકોણ માનવનો પોતાનો છે. કૂતરાંની ઉપયોગિતાને આધારે એ તેને સારા કે ખરાબની શ્રેણીમાં મૂકે છે.

અમેરિકાની મેસેચ્યુસેટ્સ યુનિવર્સિટીની યુમેસ ચેન મેડિકલ સ્કૂલના ડૉ. ઈલીનોર કાર્લસન દ્વારા સંયુક્તપણે કરવામાં આવેલા એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કૂતરાં તેમના જાતિગત લક્ષણો અનુસાર વર્તે એ જરૂરી નથી. બીજા શબ્દોમાં કહીએ તો ‘સારા કૂતરાં કે ખરાબ કૂતરાં જેવું કશું હોતું નથી.’ હા, સારા કે ખરાબ માલિક હોઈ શકે, અને એમ જ હોય છે. આશરે અઢાર હજાર કૂતરાંના અભ્યાસ પછી નીકળેલું મહત્ત્વનું તારણ એ છે કે કૂતરાંની પ્રજાતિગત લક્ષણો અને તેમની વર્તણૂક વચ્ચેનો સંબંધ સાવ લઘુત્તમ છે. એટલે કે કૂતરું તેની પ્રકૃતિ મુજબ વર્તે ખરું, પણ એથી વધુ તેને જે પ્રકારનો ઉછેર મળ્યો હોય તે પ્રમાણે વર્તે છે.

કૂતરાંની પ્રજાતિઓ વિકસાવવાનો અને તેના વ્યાપારનો આખો ઉદ્યોગ ધમધમે છે. પોતાની ધૂન અનુસાર કે જરૂરિયાત મુજબ લોકો કુદરત સાથે છેડછાડ કરીને અનેકવિધ પ્રજાતિઓ વિકસાવતા રહ્યા છે. પોતાના ખાનદાન વિશે જાણતા હોય એથી વધુ વિગતો તેઓ કૂતરાના ખાનદાન વિશે જાણવા માંગે છે, જે તેમને મળી પણ રહે છે. ભારતનાં શેરી-કૂતરાંની પ્રજાતિઓ શ્વાનપ્રેમીઓમાં ખાસ ચલણી નથી તેનું મુખ્ય કારણ એ છે કે તેમના ખાનદાનનો કોઈ અતોપતો હોતો નથી. આથી તેઓ ગમે ત્યારે અણધાર્યું વર્તન કરી બેસે તો? કમનસીબે કૂતરાં પાસે માલિકની પસંદગી માટે આવો વિકલ્પ હોતો નથી. કૂતરાં પાસે પોતાને અનુકૂળ વર્તણૂકની અપેક્ષા રાખનાર માલિકો ઘણા કિસ્સામાં તદ્દન મતલબી કે સ્વાર્થી પુરવાર થતા હોય છે. ખાસ કરીને પોતાનું કૂતરું બીમારીનો ભોગ બને ત્યારે તેના ઈલાજને બદલે તેઓ તેને ત્યાગી દે છે. અતિ સુરક્ષિત માહોલમાં જીવન વીતાવ્યું હોય એવા કૂતરાની આવી સ્થિતિ અત્યંત દયનીય બની રહે છે, કેમ કે, તે આત્મરક્ષણ માટે સક્ષમ હોતું નથી.

માણસો ઘણી વખત સોબત માટે અને ઘણી વખત પોતાના મોભા માટે થઈને કૂતરાં પાળે છે. અલબત્ત, કૂતરાંનો પોતાના માણસ પ્રત્યેનો પ્રેમ એકધારો રહે છે. ભલે સંજોગો બદલાય, માણસના મિત્રો કે પ્રિયજનો યા સહકર્મીઓ સાથેના સંબંધમાં ચડાવઉતાર આવતા રહે, તેના પ્રેમમાં ઓટ આવતી નથી. એટલે જ કોઈ જાણીતી વ્યક્તિએ ત્યાં સુધી કહ્યું છે કે જ્યાં સુધી તમે કોઈ પ્રાણીને ચાહ્યું નથી ત્યાં સુધી તમારા આત્માનો એક હિસ્સો અજાગ્રત રહે છે.

શ્વાનની આધુનિક મનાતી પ્રજાતિઓ ‘બનાવવાનો’ આરંભ વિક્ટોરિયન યુગમાં થયો, જેમાં મોટા ભાગના કૂતરાં પોતાના શારીરિક બાંધાથી અલગ પડે છે. એક પ્રદેશવિશેષની પ્રજાતિને વિપરીત હવામાન ધરાવતા પ્રદેશમાં લઈ જવાથી તેને થતી હેરાનગતિનો અંદાજ માનવને આવવો મુશ્કેલ છે. કોઈ પણ પ્રજાતિનું હોય, કૂતરું પ્રકૃતિએ માણસવલું હોય છે, આથી માનવ સાથેનો સહવાસ અને તેની સાથેનું અનુકૂલન તેનું જનીનગત લક્ષણ છે એમ કહી શકાય. ડૉ. કાર્લસને એ બાબત પર ખાસ ભાર મૂક્યો છે કે શ્વાનમાલિકોએ પોતે પાળેલા શ્વાનની વર્તણૂક અંગે તેના વડવાઓ અને ખાનદાનને લગતી કથાઓ પર ધ્યાન આપવાને બદલે પોતાની સામે જે કૂતરું રહેલું છે તેની પર ધ્યાન આપવું જોઈએ.

આ અભ્યાસ સાથે નહીં સંકળાયેલાં, યુનિવર્સિટી ઑફ કેલિફોર્નિયાનાં સંશોધક એમ્મા ગ્રીગે આ જ વાત જુદી રીતે જણાવતાં કહ્યું: ‘તમને ગમતા શ્વાનને પસંદ કરો, નહીં કે તેની પ્રજાતિને.’એ યાદ રાખવું અગત્યનું છે કે ચાહે કોઈ પણ પ્રજાતિનું હોય, પ્રત્યેક શ્વાનનું આગવું વ્યક્તિત્વ હોય છે. મનુષ્યની જેમ જ તેની પોતાની ખૂબીઓ અને ખામીઓ, ગમાઅણગમા હોય છે.’

ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઑફ મેલ્બોર્નનાં સંશોધક મીઆ કોબ આમાં સૂર પૂરાવતાં કહે છે: ‘વિશ્વના વિવિધ ખૂણે થયેલા કૂતરા અંગેના અભ્યાસ સૂચવે છે કે કૂતરાંની પ્રજાતિ અંગેની વિવિધ પ્રચલિત પૂર્વધારણાઓ અને તેને આધારે ચોક્કસ પ્રજાતિ માટે ઘડાયેલા નિયમો વિજ્ઞાન આધારિત નથી. કોઈ પણ શ્વાનને તેના દેખાવ કે પ્રજાતિના આધારે ખતરનાક માનવો ભૂલભરેલું છે. વ્યક્તિગત રીતે જ તેનું મૂલ્યાંકન થવું જોઈએ.’

શ્વાનનો મનુષ્ય સાથેનો સહવાસ, માનવની તેની પાસેની અપેક્ષાઓ, એ અપેક્ષા અનુસાર શ્વાન સાથે તેનું વર્તન વગેરે પરિબળો એવાં છે કે તેમાં સરવાળે જવાબદારી માણસની જ બને છે. અલબત્ત,આ જવાબદારી નૈતિક છે, કાનૂની નહીં, આથી મન ફાવે ત્યારે માણસ તેનો ઉલાળિયો કરી દે છે. જો કે,  પશ્ચિમી દેશોમાં આ જવાબદારીને કાનૂની ઠેરવવામાં આવી  છે. કૂતરાંની પ્રજાતિ અને વર્તણૂક પર થયેલા, થઈ રહેલા અને થનારા તમામ અભ્યાસમાં લઘુત્તમ સાધારણ અવયવ તરીકે માણસની આ વિશેષતા અચળ રહેશે એમ માનવની વૃત્તિ જોતાં લાગે છે.


(પૂરક માહિતી: ક્ષમા કટારિયા)


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૨-૦૬ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.