હોંકારાવિહોણો સાદ

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

‘શુકન જોઇને સંચરજો, હો માણારાજ !’ એવી જાન જોડીને જતા વરરાજા માટેની શિખામણ એક જૂના લગ્નગીતમાં છે એ સંદર્ભ મને યાદ આવી ગયો અને મેં કહ્યું: ‘તમે શુકન જોઈને નહિ સંચર્યા હો, ટંડેલ અર્જુન ગોપાલ !’

‘તમારા હાથમાં કલમ અને કાગળ હોય છે, સાહેબ! અમારા હાથમાં વહાણ અને હલેસાં હોય છે. તમે કાગળ પર વંટોળ અને વાવાઝોડું શબ્દો લખીલખીને રોમાંચ અનુભવો છો. કાગળ પર તોફાન લાવો છો. અમે મધદરિયે ૩૧મી ઓક્ટોબરની રાતે અને ૧લી નવેમ્બરની સવારોસવાર વાવાઝોડા સાથે બાથ ભીડીને મોતને સાવ નજીકથી અડકીને પાછા આવ્યા છીએ. અમારી હોડી કાગળની હોડી નથી હોતી. પચીસ લાખ રૂપિયાની કિંમતનું લોખંડ-લાકડાનું બનેલું માલવાહક જંગી જહાજ હોય છે. છતાં તમે એમ માનો છો કે અમે શુકન જોઈને નહિ નીકળ્યા હોઈએ ?’

વેરાવળના ટંડેલ અર્જુનગોપાલ મારી સામે ઊભા છે. બાજુમાં ઊભા છે એ ડૂબી ગયેલા વહાણના માલિક ખારવા મોનાભાઈ કાળાભાઈ વણિક. એની પાછળ એક મદ્રાસી મરદ ઊભો છે. એ યાંત્રિક વહાણનો ડ્રાઈવર બાલકૃષ્ણ. ત્રણેના ચહેરા ઉપર સ્મશાન છવાયેલું છે.

‘મોનાભાઈ,’ મેં પૂછ્યું,‘તમે તો એક વખત ખારવા જ્ઞાતિના પટેલ પણ રહી ચૂક્યા છો. મત્સ્યોદ્યોગ સહકારી મંડળીના પ્રમુખ પણ રહી ચૂક્યા છો. તમારા માટે દરિયાઈ તોફાનો પેદા થવાની અને વહાણો ડૂબવાની ઘટના નવી નથી, છતાં આ વખતે આટલો આઘાત કેમ ?’

‘સાહેબ, મૃત્યુની ઘટના નવી હોય છે ?’

‘ના.’

‘તો પછી દરેક સ્વજનના મૃત્યુ વખતે તમને કેમ આઘાત લાગે છે ?’

હું નિરુત્તર થઈ ગયો. સો રૂપિયાની નોટ ખોવાઈ જાય તો પણ જીવ ઘડીભર ચચરે છે. આ તો પંદર લાખના વહાણ અને ત્રણ અમૂલ્ય માનવજીવનનો સવાલ હતો. મોના કાળા વણિક મારી સામે  વીંધી નાખનારી નજરે તાકી રહ્યા.

‘પણ…’ થોડી વાર રહીને મેં કહ્યું : ‘હવામાનખાતું એટલે વેધશાળા કચેરીએ વાવાઝોડાની આગાહી તો પહેલાં કરી જ હશે ને ?’

વીતી ગયેલા વાવાઝોડાનો પીછો પકડતા હોય એવી નજરે ટંડેલ અર્જુન ગોપાલે આકાશ તરફ જોયું. એના હોઠ જરા કટાક્ષમાં વંકાયા. પછી એણે જમીન પર થૂંકી દીધું. બોલ્યા : ‘૩૦મી ઓક્ટોબરે શુક્રવારે બપોરે બરાબર સાડા અગિયાર વાગ્યે અમે વહાણને મુંબઈ તરફ હંકાર્યું. ત્યાં સુધી તો હવામાન ખાતાની કોઈ આગાહી અમે સાંભળી નહોતી. અગાઉ તો આવાં તોફાનોની આગાહી ૪૮ થી ૬૦ કલાક પહેલાં થતી, એવા અનેક દાખલા છે. જંગી ખર્ચે ચલાવાતી વેધશાળાએ જો અગાઉથી જ ચોકસાઈપૂર્વક આટલી ચેતવણી આપી હોત તો અમે આ પહેલા જ કદમ ઉપર ઠોકર ન ખાત.’

‘પહેલા કદમ ઉપર એટલે ?’

મત્સ્યોદ્યોગ તાલીમ કેન્દ્રના અધિકારી શ્રી ગિરીશભાઈ વસાવડા બાજુમાં જ ઊભા હતા. એમણે કહ્યું : ‘મત્સ્યગંધા’ નામના આ વહાણની તો પહેલી જ સફર હતી. એમાં ચૂનાના પથ્થરો ભરીને મુંબઈ પહોંચાડાતા હતા.’

‘એટલે કે આ વહાણ તદ્દન નવું જ હતું ?’

‘તદ્દન, તદ્દન.’ મોના કાળા વણિક ‘તદ્દન’ શબ્દને બેવડાવીને ભારપૂર્વક બોલ્યા. પછી જે વાક્ય એ બોલ્યા એમાં નિ:શ્વાસની ગંધ ભળેલી હતી : ‘અમે ધનતેરસના દિવસે શ્રીફળ નાખીને એ વહાણનું ખાતમુર્હૂત કરેલું. મચ્છીમારી ખાતાએ એના ઉપર અમને સાડા નવ લાખનું ધિરાણ અગિયાર ટકા વ્યાજે આપેલું. એક વર્ષે બાંધકામ પૂરું થયું અને પછી એને પાણીમાં ઉતારીને એની અંદરનાં નાના-મોટા કામો અમે ચાલુ કર્યા. દોઢસો હૉર્સપાવરનું યાનમાર મશીન દોઢ લાખની કિંમતે બંદર ખાતા પાસેથી ખરીદીને એમાં બેસાડ્યું. એમાં મત્સ્યદ્યોગ ખાતાના યાંત્રિક ઈજનેરનું પૂરું માર્ગદર્શન લીધું. પછી એની ત્રણ વાર તો અમે દરિયામાં ટ્રાયલ લીધી. આમ અમારું કમાઉ દીકરા જેવું વહાણ તૈયાર થયું હતું.’

આ વહાણ તૈયાર કરીને એમણે અર્જુનગોપાલ ટંડેલને ભારે હોંશથી સોંપ્યું. બત્રીસ વરસનો ખારવો અર્જુનગોપાલ કુશળ ટંડેલ ગણાય છે. મશીન ઑપરેટર તરીકે મદ્રાસી ડ્રાઈવર બાલકૃષ્ણને એણે પસંદ કર્યો. સાથમાં પંદર ખલાસી અને એક માલમ- એમ કુલ અઢાર જણા એ વહાણમાં નીકળ્યા. ત્યારે કોઈ જાતની ચેતવણી કે વાવાઝોડા અંગેની નિશાની બંદર કચેરી ઉપર જોવામાં નહોતી આવી કે કોઈ જાતની રેડિયો ચેતવણી નહોતી.

‘વહાણ વેરાવળના બારામાંથી ઊપડ્યાના માત્ર બાર કલાક પછી જ…’ અર્જુનગોપાલ ટંડેલે વિખરાયેલા વાળ અને વધી ગયેલી દાઢીવાળા ચહેરે કહ્યું. ‘પવન અને વરસાદ શરૂ થયા અને પછી વધતા જ ગયા.’

‘માત્ર પવન અને વરસાદ?’

‘હા,’ એણે કહ્યું : ‘પહેલાં માત્ર પવન અને વરસાદ સાધારણ હતા, પણ રાતના બાર પછી એનું જોર વધતું ગયું. એની થપાટો વધતી ગઈ. આમ છતાં વહાણ અને એંજિન સલામત જ હતાં, પણ..’

ડ્રાઈવર બાલકૃષ્ણ, જે અત્યાર સુધી મૂંગો હતો, તે બોલ્યો: ‘૩૧મીની વહેલી સવારના છ પછી તો વધતા જતા પવનને કારણે અમારા ઉપર મોજાંનો મારો વધતો ગયો અને ચારે બાજુથી પાણી વહાણની અંદર મોજાં વડે ફેંકાવા લાગ્યું. વહાણ પાણીપાણી થઈ ગયું.’

‘પાણી બહાર કાઢવા માટે વોટર પમ્પ કે ડંકી નથી હોતાં ?’

‘હોય છે,’ અર્જુન ગોપાલ બોલ્યા : ‘પણ કિસ્મત પાંસરાં હોય ત્યારે જ બધું પાંસરું હોય છે. પાણીના મારાથી અમારો વોટર પમ્પ બગડી ગયો : હાથડંકી ચાલુ રહી. એટલે અમે વહાણને વેરાવળ તરફ પાછું લેવા એનો મોરો ફેરવ્યો અને ગતિ કરી. આખો દિવસ કાતિલ પવન અને કાન ફાડી નાખતા વરસાદમાં અમે મધદરિયે ઝોલાં ખાતાં રહ્યા. અમે વહાણમાં હતા, પણ કમરસમાણા પાણીમાં હતા. આમ, આખો દિવસ ચાલ્યું. સાંજની ખબર જ ન રહી, પણ રાતના અઢી સુધી અમે હાથડંકીથી વારાફરતી વહાણની બહાર પાણી કાઢી નાખવા માટેનાં માનવ-મશીનો બની ગયાં હતા. બધા જ જાણે પોતાનું નામ અને ઓળખ ભૂલી ગયા હતા.’

‘અને માલનું શું થયું હતું ?’

અર્જુનગોપાલ આટલી વેદનાના વર્ણન વચ્ચે પણ થોડું મલકાયા. એ બોલ્યા : ‘આ તો ચૂનાના પથ્થરો હતા,પણ સોના-રૂપાની પાટો હોય તોય દરિયામાં વામી દેવી પડે. અમે તો સવારથી જ માલ દરિયામાં વામી (ફેંકી) દીધો હતો. વહાણમાં પોતાના વજન સિવાય માત્ર બે જ જાતનાં વજન રહ્યાં હતાં. અમારું અને પાણીનું…’

‘આ પરિસ્થિતિમાં તમને ભૂખતરસ સાંભરતાં હતાં ?’

‘કશું જ સાંભરતું નહોતું.’ બાલકૃષ્ણ બોલ્યો. ‘પેટ ભુલાઈ ગયું હતું, ફક્ત….’ એ છાતી પર હાથ મૂકીને બોલ્યો : ‘દિલ ધબકતું હતું. અને એ દિલના ટુકડામાં પુરાયેલાં સ્વજનો સાંભરતાં હતાં. દૂર દેશમાં અને અહીં વેરાવળના કિનારા ઉપર અમને યાદ કરતાં સ્વજનોની યાદની એક ઝલક આવતી અને પાણીની જોરદાર ઝાપટથી તરત વિલાઈ જતી હતી. પછી માત્ર ઈશ્વર અને માત્ર ઈશ્વર સાંભરતો હતો.’

૧લી નવેમ્બરે સવારના છ વાગ્યે તો વહાણ કાબૂની બહાર જઈને વાવાઝોડામાં ઘસડાવા માંડ્યું. કારણ કે પાણી ભરાઈ જવાના કારણે એંજિન તદ્દન બંધ પડી ગયું હતું. વહાણ વહાણ મટીને પાણી ભરેલું એક મોટું પીપ બની ગયું. હવે એ મરેલા શરીર જેવું હતું. એને છોડી દેવું જ બહેતર હતું. અમે બધા અઢારે અઢાર જણાએ મછવો ઉતાર્યો અને વહાણ છોડીને એમાં બેઠા.’

‘સલામ મત્સ્યગંધા !’ બાલકૃષ્ણને એની એ વખતની સલામને  ફરી શબ્દો અને આંખો વડે જાણે કે જીવતી કરી.

‘મછવામાં પાણી નહોતું આવતું ?’

‘આવતું હતું..’ અર્જુનગોપાલ બોલ્યા, ‘પણ જાન બચાવવામાં મછવો જ વધારે મદદરૂપ થાય તેમ હતો, કારણ કે પ્રમાણમાં વજનમાં હલકો હોય છે. મછવામાં ઊતર્યા ત્યારે વહેલી સવારના અજવાળામાં અમને દૂર જે કિનારો ઝાંખો દેખાયો તે કદાચ ચોરવાડનો હશે, પણ પછી બધું ઘનઘોર થઈ ગયું. અમે આખો દિવસ અથડાયા-કુટાયા… છેક સાંજે ચાર વાગ્યે અમારો એ મછવો પણ ઊંધો વળી ગયો અને અમે સૌ પાણીમાં ફેંકાઈ ગયા. અને આઠથી દસ વામ પાણીમાં તરવાનું એ તરવાનું નથી હોતું, ઝઝૂમવાનું હોય છે. અમે ઝઝૂમ્યા અને ઝઝૂમીને સાંજના સાડા છથી સાતની આસપાસ હું (અર્જુન ગોપાલ) કાંઠે ફેંકાયો. ફેંકાતાવેંત હું બેશુદ્ધ થઈને ઢળી પડ્યો. એ માધવપુરથી આગળ, ગોરસરથી પણ આગળ મોચા ગામનો કિનારો હતો.’

‘પછી ?’

‘અર્ધો જ કલાક આમ બેભાન રહ્યો હોઈશ, પણ પછી ધીરે ધીરે આંખ ખૂલી અને સૌ પ્રથમ મારા સાથીઓની યાદ આવી. મેં દોઢ- બે ગાઉના કિનારા ઉપર લગભગ દોટ દીધી. પંદરેક જણા તો બેશુદ્ધ હાલતમાં મળી આવ્યા. અને એક જણ ભોવાન મૂળજીની લાશ મળી આવી. બીજા બે સાથીઓ તો લાપતા જ રહ્યા. દરિયાલાલે એના ખોળામાં સમાવી લીધા. એમનાં શરીર પાતાળમાં અને આત્મા આકાશમાં હશે. શોકનો અર્થ નહોતો. અમે માધવપુરને રસ્તે ઊભા રહ્યા. જતી બસ આંતરીને સાડા આઠે માધવપુર પહોંચ્યા. કસ્ટમ અને પોલીસને જાણ કરી. ફોજદાર ફાટકસાહેબે અમને ઘણી મદદ કરી. ગામલોકોએ ચા-નાસ્તો કરાવ્યો. ડોક્ટરને બોલાવ્યા. સારસંભાળ લીધી.’ અર્જુનગોપાલ બોલતાં બોલતાં થંભી ગયા. લાપતા સાથીઓની યાદે એમની આંખમાં ઝળઝળિયાં આવ્યાં. હું પણ ઘડીભર મૌન થઈ ગયો.

‘મોનાભાઈ,’ વહાણના માલિકને મેં થોડી વારે પૂછ્યું : ‘વહાણનો વીમો તો હશે ને ?’

‘વીમો સરકારને મળશે,’ એ બોલ્યા :‘અમારો તો કમાઉ દીકરો ગયો. લોન સામે વીમો જશે. અમે બાવાના બાવા જ રહ્યા. અકસ્માતની તારીખથી લોનનું વ્યાજ ચડતું બંધ થાય એવું સરકારે તાત્કાલિક કરવું જોઈએ.’

‘બીજું શું થાય એમ ઈચ્છો છો ?’

‘આવા અકસ્માતી વહાણના માલિકને ફરી બેઠા કરવા માટે સરકારે સહાય કરવી જોઈએ. વહાણવટીના ધંધામાંથી કોઈ માછીમારના ધંધામાં પડવા માગતા હોય તો તેમાં એને ઓછા વ્યાજે ધિરાણ આપવું જોઈએ. તોફાનોની આગાહી સમયસર થાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ.’

‘શહીદ થયેલાના કુટુંબને તો સરકારે થોડી રાહત આપી હતી,’ ટંડેલ બોલ્યા : ‘પણ લાપતા ખલાસીઓને જીવતા ગણીને કંઈ પણ રાહત કોઈએ આપી નથી – ને હવે તો વર્ષો થયાં.’

અમે ઊભા હતા ત્યાંથી થોડે જ દૂર દરિયો હતો. એનું ગર્જન સંભળાતું હતું, ઘેરું અને ગંભીર. અર્જુનગોપાલ ટંડેલ અને મોના કાળા વણિક એના અફાટ વિસ્તાર પર દૃષ્ટિ દોડાવતા હતા. લાપતા સાથીઓના કોઈ શબ્દ? કોઈ સંકેત ?

****

વધારાની નોંધ: હોનારતમાં જાન ગુમાવનારાઓનો કશો જ દોષ નહોતો. એને આપણે નિયતિનો એક ખેલ જ ગણી શકીએં. પૂર્વયોજિત ઘટનાઓમાં જેઓ ના માનતા હોય એવા રેશનલિસ્ટો એને આકસ્મિકતા ગણી લે કે જેના ઊપરથી ‘અકસ્માત’ શબ્દ આવ્યો છે.

હવે તો સ્વર્ગસ્થ એવા ગિરીશભાઇ દવે નામના એક મુંબઇના મોટા બૌધ્ધિક એડ્વોકેટ વાચક મિત્ર એના અનુસંધાને એક અંગત મેસેજમાં મને લખતા હતા કે એમના એક સ્વજન ફ્લાઇટ ચૂકી ના જવાય તે વાસ્તે અંધેરી-પાર્લા વચ્ચેનું બંધ રેલ્વે ક્રોસીંગ એના લાઇનમેનને નાનકડી લાંચ આપીને પણ ઓળંગી ગયા અને એરપૉર્ટ સમયસર પહોંચીને એમણે ફ્લાઇટ પકડીને સંતોષનો શ્વાસ લીધો. પછી એ જ ફ્લાઇટ્ના જીવલેણ અક્સમાતમાં એમણે જીવ ખોયો. જીવન જવાની કે બચવાની બાબતમાં આપણે કોઇ એક ચોક્કસ  તર્કસરણી પકડી શકતા નથી.

તો આ વખતે એક એવી જ દરિયાઇ હાદસાની વાત !  ૧૯૭૯-૧૯૮૨ દરમિયાન જૂનાગઢ વિજયા બેંકમાં મેનેજર હતો ત્યારે વચ્ચે વચ્ચે વેરાવળ બ્રાંચના ચેકીંગ માટે પણ જવાનું થતું કે જ્યાં હું પોતે ૧૯૭૬-૭૮ના અરસામાં મેનેજર હતો. એવી એક મુલાકાત દરમિયાન 1981માં થોડા ખારવા ગ્રાહકોના ચહેરા પર ઘોર ગમગીની જોઇ અને તે અંગે મેં ઝીણવટથી પૃચ્છા કરી તેના ફલસ્વરૂપ આ લેખ.

(તસવીરો પ્રતીકાત્મક છે)


લેખકસંપર્ક :
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક, મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.