નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૭૧

જિંદગી પણ તું કેમ અડધી જીવે છે?

નલિન શાહ

ધનલક્ષ્મીની તબિયત સુધરી રહી હતી. માનસીએ એને એમ્બ્યુલન્સમાં મુંબઈ લાવવાની વ્યવસ્થા કરી. રાજુલને રહેવાનું કોઈ પ્રયોજન ન હોવાથી સવિતાનો શોક પ્રગટ કરવા આવેલાં સુનિતા અને સાગરની સાથે તે ગાડીમાં ચાલી ગઈ. જેટલા દિવસ ધનલક્ષ્મી નર્સિંગ હોમમાં રહી એટલા દિવસ માનસી અને શશી ખડે પગે સેવામાં હાજર રહ્યાં હતાં. ધનલક્ષ્મી બોલી શકવાની સ્થિતિમાં નહોતી પણ મનમાં  વિચાર જરૂર આવ્યો કે જિંદગી વહી ગઈ, છતાં પોતે પોતાનાં અને પારકાં વચ્ચેનો ફરક ના સમજી શકી. આ આપત્તિ ના આવી હોત તો શક્ય છે કે મરતાં સુધી એ સમજણ ના આવી હોત.

નર્સિંગ હોમમાં જરૂરી બધી વ્યવસ્થા હતી. સ્થાયી ડૉક્ટરો ઉપરાંત જરૂર લાગે ત્યાં વડોદરાના નિષ્ણાતોના અભિપ્રાયો પણ ઉપલબ્ધ હતા. ધનાઢ્ય પેશન્ટો માટે અનામત રાખેલો ધનલક્ષ્મીનો રૂમ સુશોભિત અને સગવડવાળો હતો. વિદાય લેતી વેળા ધનલક્ષ્મીએ ઇશારાથી માનસીને બિલ ચૂકવવાની સૂચના કરી. શશીના વિરોધ છતાં માનસીએ નિઃશુલ્ક સેવા લેવાનું કબૂલ ના કર્યું.

શિક્ષણ સંસ્થા અને નર્સિંગ હોમ થકી મળેલાં માનપાન અને ત્યાર બાદ અનુભવેલી ગંભીર માંદગીએ ધનલક્ષ્મીનાં મગજમાં વિચારોનો વંટોળ પેદા કર્યો હતો. અત્યાર લગી સેવેલા આડંબર અને ભ્રમની નિરર્થકતાનો ભાસ એને વ્યથિત કરે તેવો હતો. જ્યારે દીકરો ગુમાવ્યાનું દુઃખ એ વિસારે પાડવા મથતી હતી ત્યારે સ્કૂલ અને નર્સિંગ હોમના ડોનેશનનાં કારણે અનાયાસે પ્રાપ્ત થયેલા સુખનો લાભ પણ એ ના લઈ શકી. પક્ષાઘાતની બીમારીએ એને લાચાર બનાવી દીધી હતી.

મુંબઈ પહોંચીને માનસીએ સાસુને ઘરની નજદીક આવેલી હોસ્પિટલમાં દાખલ કરી. પ્રાઇવેટ નર્સની પણ વ્યવસ્થા કરી. નાઇટ ડ્યૂટીનું કામ ફિલોમિનાએ પોતાને હસ્તક લઈને માનસીને સદંતર ચિંતા મુક્ત કરી. ફિલોમિના કાબેલ અને સેવાભાવી નર્સ હતી પણ ધનલક્ષ્મીને એના પર ચીડ હતી તો કેવળ એની માનસી સાથેની નજદીકીના કારણે. એ જ ફિલોમિનાની સારવાર અનુભવીને ધનલક્ષ્મીએ એના માટે સેવેલી માન્યતાઓમાં ફેરબદલી કરવાની ફરજ પાડી.

ધનલક્ષ્મીની બીમારી લાંબી અને કંટાળાજનક હતી. જીભ પર પણ અસર થઈ હોવાથી એ ખાસ બોલી શકતી નહોતી. વાંચવાનો શોખ કેળવ્યો નહોતો અને એની સહેલીઓ પણ શિષ્ટાચાર ખાતર એક વાર ખબર કાઢ્યા પછી દેખાઈ નહોતી દીધી. સુનિતા કેવળ માનસીને ખાતર દર બે-ત્રણ દિવસે આવી જતી. થોડાં ઓળખીતાં સાંજે જોવા મળતાં. જાગૃત પળોમાં કેવળ ટેલિવિઝનનો સહારો હતો. મનમાં  ક્યારેક એને થતું કે થોડું ભણી હોત અને કશું જ્ઞાન લીધું હોત તો આજે એકલતા અનુભવી ના હોત. એની અઢળક સંપત્તિ ભૌતિક સુખ સિવાય કશું આપી શકે તેમ નહોતી. જિંદગી તો હવે ચાર દિવસોની વચ્ચે પથારીમાં પડ્યા પડ્યા જ વિતાવવાની હતી.

સરી જતી રેતીની જેમ સમય પણ એની ગતિથી વીતતો ગયો. દિવસો મહિનાઓમાં ને મહિના વર્ષોમાં પલટાતાં રહ્યાં. લાચારી એક સજાની જેમ ધનલક્ષ્મી ભોગવતી રહી. જ્યારે સહનશીલતા ખૂટી જતી ત્યારે મનનો ઉશ્કેરાટ ઠાલવવા એના દુર્ભાગ્યને કોસતી, તો ક્યારેક એના ઠાકોરજીને, તો ક્યારેક જે નજર સામે આવે એને.

માનસી માટે આજને દિવસ એક રોજિંદો દિવસ હતો. મોર્નિંગ વૉક માટે નીકળી ત્યારે એને એ પણ યાદ નહોતું કે નાની હંમેશાં યાદ રાખીને આજના દિવસની શુભેચ્છા પત્રો દ્વારા માનસીને અચૂક મોકલતી હતી. મોર્નિંગ વૉકમાંથી પાછી ફરી. સાસુની ખબર કાઢીને ચા પીતાં પીતાં મોર્નિંગ પેપર ઉથલાવ્યું, થોડી વાર પગ લાંબા કરી સોફામાં માથું પાછળ ઢાળી પડી રહી. કશ્યપ તૈયાર થઈ બહાર આવી ડાઇનિંગ ટેબલ પર નાસ્તો કરવા બેઠો. એમ.ડી.નું શિક્ષણ પૂરું કરી એ સાર્વજનિક હોસ્પિટલમાં જરૂરી અનુભવ પ્રાપ્ત કરી રહ્યો હતો. એને લેટ થતું હોવાથી ‘બાય મોમ’ કહીને ચાલી ગયો. અનુભવ લેવા સાર્વજનિક હોસ્પિટલ વધુ ઉપયોગી હોવાથી માનસીએ એને ત્યાં જ શિક્ષણ લેવાનું સૂચન કર્યું હતું. માનસીને સંતોષ હતો કે એના જ સંસ્કાર દીકરામાં રેડાયા હતા અને કોઈ પણ પ્રકારનો વિરોધ કર્યા વગર માની સૂચનાઓનું તે અક્ષરશઃ પાલન કરતો હતો. દીકરાના અકાળે મોત અને લાંબી માંદગીના કારણે ધનલક્ષ્મીનો પોતાના વારસમાં પોતાના સંસ્કારો રેડવાનો ઉત્સાહ હવે ઓસરી ગયો હતો. એમ થવાનું બીજું કારણ એ પણ હતું કે એમ કરવા જતાં માનસીના તીવ્ર વિરોધનો સામનો કરવો પડે, જે જીરવવાની એની તાકાત નહોતી.

થોડી વાર આરામ કરીને હોસ્પિટલની વિઝિટ માટે તૈયાર થવા એના ફ્લેટમાં જવા ઊભી થઈ. ઉપર જઈ દરવાજો ખોલતાં જ રાજુલે એને પાછળથી ભીંસ ભરી. શશી પણ હાથમાં ગુલાબનાં ફૂલોનો બુકે લઈને સાથે હતો. ‘હેપી બર્થ ડે માનસી’ બંનેએ સાથે ઉચ્ચાર્યું ત્યારે માનસીને એના જન્મદિવસની યાદ આવી. માનસી ઉમળકાથી એમને ભેટી પડી. ‘તારી ષષ્ઠિપૂર્તિ ઊજવવા દીદી ખાસ મુંબઈ આવી છે.’ રાજુલ બોલી.

‘શું સાઠ પૂરાં કરવા એ જીવનની ઉપલલ્ધિ છે?’ માનસીએ હસીને પૂછ્યું.

‘એ તો અડધી સફર પૂરી કરી એની ઉજવણી છે.’ રાજુલે એને ગાલે ચુંબન કરી કહ્યું.

‘એટલે શું હજી અડધી સફર બાકી છે!’ માનસી હેબતાઈને બોલી, ‘ભગવાન કરે તારો શ્રાપ ના ફળે.’

‘તું શ્રાપ માન કે વરદાન, આજનો દિવસ ઊજવવાનો છે. તું શું માને છે મારી પદ્મશ્રી પ્રાપ્ત દીદી વગર કારણે એનું રાજાપુરનું સામ્રાજ્ય છોડીને આવે અહીં?’

‘માનસી આજના દિવસની ઊજવણી તો બહુ મોટા પાયે થવી જોઈએ, પણ તને કદાચ ના જચે એટલે નાના પાયે જે ડબ્બ્યુ. મેરીયેટ હોટેલમાં રાખી છે. તું, કશ્યપ ને ફિલોમિના ઘરે આવજો. મમ્મી તને મળવા માંગે છે. ત્યાંથી બધાં સાથે જઈશું.’

સુનિતા પૂરી રીતે સ્વસ્થ હતી, પણ પંચાસીને આરે પહોંચી હોવાથી રાજુલે એને નેપિયન સી રોડનો બંગલો છોડી એની સાથે જુહુના બંગલે રહેવાની ફરજ પાડી હતી.

માનસી કાંઈ બોલવા જતી હતી ત્યાં જ રાજુલે હાથ ઊંચો કરી એને અટકાવી, ‘મને ખબર છે તું શું માંગતી હશે. કહેશે કે આ ઉંમરમાં બર્થડેની કાંઈ ઉજવણી હોય! ને તે પણ આવી મોંઘી હોટેલમાં—બીલ તું ચૂકવીશ—વગેરે વગેરે વગેરે. બસ સાંભળી લીધું તારા બોલ્યા વગર. આ ઉજવણી અમે કરીએ છીએ’ રાજુલે અવાજમાં સખ્તાઈનો રણકો લાવી કહ્યું, ‘અમે મેરિયેટમાં કરીએ કે મઢ આઇલેન્ડમાં, એ અમારે જોવાનું છે, તારે નહીં. અમે તો કેવળ તને શુભેચ્છા અને આમંત્રણ આપવા આવ્યાં છીએ; તારી રજામંદી માટે નહીં. તમારે બધાંએ આવવાનું છે; બસ, હવે નીચેથી ચા-ખાખરા મંગાવ.’ કહીને સોફામાં નીચે પગ લાંબા કરી આડી પડી. શશી એની બાજુમાં બેઠી.

માનસીએ ખાખરાનો ડબ્બો અને પ્લેટ સામે ટિપાઈ પર મૂક્યા અને ઇન્ટરકોમમાં બાઈને ચા મોકલવાનું કહ્યું.

‘રાજુલ, તું આજના દિવસની ઉજવણી એટલા માટે કરવા માંગે છે કે હું મોતથી એક વરસ વધુ નજદીક ગઈ છું?’ માનસીએ હસીને કહ્યું.

‘ના’ રાજુલ બોલી, ‘ઉજવણી એટલા માટે કે ગયું વરસ વગર વિઘ્ને પસાર થયું.’

‘ઠીક છે, જેવી તારી મરજી કે હુકમ, જે માને તે. જેને ઉજવણી કરવી છે એને બહાનાંની ખોટ નથી. બાકી તારી સાથે એ બાબતમાં વાદવિવાદ કરવો એટલે વાઘનાં મોઢામાં માથું નાખવા જેવી વાત છે.’

‘હવે મારો વાઘણનો હોદ્દો રાજુલ સંભાળે છે.’ શશીએ કૃત્રિમ ગંભીરતાથી કહ્યું ને બધાં હસી પડ્યાં.

‘માનસી, ફિલોમિનાને સાથે લેતી આવજે. લે, હું જ એને કહી દઉં છું’ કહીને રાજુલે ફોનનું રિસીવર ઉઠાવ્યું ત્યાં જ ફિલોમિના ફૂલનો ગુચ્છો હાથમાં લઈ દાખલ થઈ.

‘લે, હું તો સમજતી હતી કે મારા સિવાય કોઈને તારો બર્થડે યાદ નથી!’

‘હું કેવી રીતે ભૂલું? આજના દિવસે નાની પૂજામાં વધુ સમય ગાળતાં હતાં. છેલ્લાં વરસોમાં જ્યારે નાની બહુ અશક્તિ અનુભવતાં હતાં ત્યારે પૂજા પણ કરી હતી ને પછી ચર્ચમાં પણ ગઈ હતી કેન્ડલ જલાવવા.’

‘ તારે સાંજે માનસી સાથે આવવાનું છે પાર્ટીમાં. હમણાં તને જ ફોન કરતી હતી.

‘માનસીની ગેરહાજરીમાં નીકળવું જરા મુશ્કેલ પડશે.’ ફિલોમિના ચિંતાયુક્ત સ્વરમાં બોલી.

‘ઓ હો હો હો!’ રાજુલે અટ્ટહાસ્ય કર્યું. ‘હું જાણું છું કે માનસીની સાથે રહીને તું પણ અડધી ડૉક્ટર થઈ ગઈ છે, એટલે તું પણ પેશન્ટને અડધા અડધા તપાસતી હશે, નિદાન પણ અડધું અડધું કરતી હશે, ફી પણ અડધી લેતી હશે એટલે માનસીની ગેરહાજરીમાં તારે અડધાં બિઝી રહેવું પડતું હશે.’

‘ચિંતા ન કર.’ માનસીએ હસતાં કહ્યું , ‘હું લઈ આવીશ એને.’

‘ફિલેામિના, એક સવાલ પૂછું? તને ખોટું ન લાગે તો.’ રાજુલે ગંભીર થઈ પૂછ્યું.

‘તમારે જે પૂછવું હોય તે પૂછી શકો છો. ખોટું લગાડવાનો સવાલ આવતો જ નથી.’

‘જિંદગી પણ તું કેમ અડધી જીવે છે?’ રાજુલે કુતૂહલવશ પૂછ્યું.

‘હું સમજી નહીં.’

‘લગ્ન કેમ ના કર્યાં? તું પણ પચાસ વટાવી ચૂકી છે!’ ફિલોમિના ચૂપ રહી.

‘નાનીએ પણ એને બહુ સમજાવી હતી, પણ નાનાં ભાઈ-બહેન અને ઘરડાં મા-બાપને પોષવા ને સંભાળવામાં જાત ખર્ચી નાખી. લગ્ન કદાચ એના રસ્તામાં અવરોધરૂપ બનત.’ માનસીએ કહ્યું, ‘અને એક વાર લગ્નની ઉંમર વહી જાય પછી યોગ્ય પાત્ર મળવું મુશ્કેલ બને છે.’

‘તારું વ્યક્તિત્વ આકર્ષક છે ને તું તારા કામમાં પણ નિપુણ છે. કોઈની તો ઓફર આવી જ હશે ને?’

‘ આવી હતી,’ માનસી બોલી, ‘ને સ્વીકારી હોત તો આજે સુખમાં મહાલતી હોત.’

‘પણ કારણ શું, નહીં સ્વીકારવાનું?’

‘મારા માટે એક ભોગ વધુ આપ્યો.’ માનસીએ કહ્યું.

‘હું કાંઈ સમજી નહીં!’ રાજુલ બોલી.

‘એ લાંબી વાત છે; ક્યારેક કરીશ’ કહીને માનસીએ વાત બદલી.

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.