અમાનુષ (૧૯૭૫)

ટાઈટલ સોન્‍ગ

બીરેન કોઠારી

જે મિત્રો સિત્તેરના દાયકામાં બિનાકા ગીતમાલાના અઠંગ બંધાણીઓ રહી ચૂક્યા હશે એમને ‘અમાનુષ’ ફિલ્મનું કિશોરકુમારના સ્વરે ગવાયેલું ગીત ‘દિલ ઐસા કિસીને મેરા તોડા’ બરાબર યાદ હશે. બિનાકાના સાપ્તાહિક કાર્યક્રમોમાં આ ગીત નિયમીતપણે ‘ચોટી કી પાયદાન’ પર રહેતું. નિર્માતા-દિગ્દર્શક શક્તિ સામંતે બંગાળી અને હિન્દીમાં સમાંતરે ‘આનંદ આશ્રમ’ બનાવી, એ અગાઉ તેમણે ‘અમાનુષ’ ફિલ્મ બનાવી હતી. બન્ને આવૃત્તિઓમાં આ ફિલ્મને પ્રચંડ સફળતા મળી. કદાચ એથી પ્રેરાઈને તેમણે એ જ કલાકાર-કસબીઓને લઈને ‘આનંદ આશ્રમ’નું નિર્માણ કર્યું હશે.

મારી બાર-તેર વર્ષની વયે હું મુંબઈ રહેતા મારા કાકાને ત્યાં એકાદ મહિનાના વેકેશનમાં ગયેલો. કાકા સાન્તાક્રુઝ (પૂર્વ) માં રહેતા અને તેમના ઘરથી સાવ પાંચ મિનીટના અંતરે ‘રૂપ ટૉકિઝ’ હતી. અસલ, જૂની શૈલીનું મકાન. એમાં મારા પિતરાઈ ભાઈઓ કિશનભાઈ અને મયુરભાઈ મને ફિલ્મો જોવા લઈ જતા. ‘અમાનુષ’ ફિલ્મ મેં એ અરસામાં જોયેલી, પણ એ સમયગાળો એવો હતો કે ઘણા બધા કલાકારને હું ઓળખી શકતો નહોતો. ફિલ્મમાંનું માત્ર એક દૃશ્ય મારા મનમાં છપાઈ ગયું છે. ફિલ્મમાં ડૉક્ટર બનતા અભિ ભટ્ટાચાર્યને ત્યાં મહીમ ઘોષાલ એટલે કે ઉત્પલ દત્ત કેટલીક વસ્તુઓ આપવા આવે છે અને રેખા (શર્મિલા ટાગોર) વિશે પૂછપરછ કરે છે. રેખા શાળાએ (ભણાવવા માટે) ગઈ હોય છે. ઉત્પલ દત્ત હસીને કહે છે, ‘યે ઉન્હેં દે દિજીયે ઔર કહ દિજીયે કિ મૈં આયા થા.’ આમ કહીને તે ઊભા થાય છે, અને બારણાની બહાર નીકળીને પાછું જુએ છે અને એકદમ ખોફનાક શૈલીમાં બોલે છે, ‘રેખાજી સે જરૂર કહ દિજીયે કિ મૈં આયા થા’. આમ બોલતી વખતે વાગતું સંગીત અને તેમની ડરામણી આંખો – આ સિવાય મને ફિલ્મનું કશું યાદ નથી. એ વખતે મારા અરવિંદમામા-અરવિંદ દેસાઈ કલકત્તામાં રહેતા અને નોકરી કરતા હતા. ત્યાંથી તે વરસે એકાદ બે વાર આવતા. આવી એક મુલાકાત દરમિયાન તેમણે જણાવેલું કે પોતે ‘અમાનુષ’ બંગાળીમાં જોયું છે. આ સાંભળીને તેમના માટે એક જુદો અહોભાવ થતો.

૧૯૭૫માં રજૂઆત પામેલી, શક્તિ ફિલ્મ્સ નિર્મિત, શક્તિ સામંત નિર્દેશીત ‘અમાનુષ’માં ઉત્તમ કુમાર, શર્મિલા ટાગોર, પ્રેમા નારાયણ, ઉત્પલ દત્ત, અનિલ ચેટરજી, અભિ ભટ્ટાચાર્ય, અસિત સેન જેવા કલાકારોની મુખ્ય ભૂમિકા હતી.

શ્યામલ મિત્રા અને કિશોરકુમાર (જમણે)

આ ફિલ્મમાં ગીતો ઈન્દીવરનાં અને સંગીત શ્યામલ મિત્રાનું હતું. ફિલ્મનાં કુલ છ ગીતો હતાં. ‘કલ કે અપને ન જાને ક્યોં‘ (આશા), ‘ગમ કી દવા તો પ્યાર હૈ‘ (આશા), ‘ન પૂછો કોઈ હમેં જહર ક્યું પી લિયા‘ (કિશોરકુમાર), ‘દિલ ઐસા કિસી ને મેરા તોડા‘ (કિશોરકુમાર), ‘તેરે ગાલોં કો ચૂમું ઝુમકા બન કે‘ (કિશોર, આશા) અને ‘નદિયા મેં લહરેં નાચેં’ (શ્યામલ મિત્રા). બધાં જ ગીતો કર્ણપ્રિય અને જાણીતાં હતાં. આમાંના ‘નદિયા મેં લહરે નાચેં’ ગીતનો ઉપયોગ ટાઈટલ સોન્ગ તરીકે કરવામાં આવ્યો હતો.

(ઈન્‍દીવર)

ફિલ્મના ટાઈટલમાં જ શ્યામલ મિત્રાનો બુલંદ સ્વર અને ઈન્દીવરના શબ્દો બંગાળી માહોલ ઊભો કરી દે છે.

ગીતના શબ્દો આ મુજબ છે.

नदिया में लहरें नाचे
लहरों पे नाचे नैया
किसके ईशारों पे दुनिया नाचे
कोई न जाने भैया
कोई न जाने भैया
किसके ईशारों पे दुनिया नाचे
कोई न जाने भैया
कोई न जाने भैया

नाच रहे हम कठपूतली से
कोई हम को नचाये
नाच रहे हम कठपूतली से
कोई हम को नचाये
किस के हाथ में डोर हमारी
वही नजर नहीं आये
जीवननैया ले के चली है
जीवननैया ले के चली है
जाने कहां पुरवैया
कोई न जाने भैया

जाने कहां से आते है सब
जाने कहां जाते है
जाने कहां से आते है सब
जाने कहां जाते है
ना हमें जोडे ना हम तोडे
बडे अजब नाते है
बादल है किस दुल्हन का आंचल
किरनों में किसकी छैयां
कोई न जाने भैया

नदिया में लहरें नाचे
लहरों पे नाचे नैया

पुरवैया = પૂર્વ તરફથી વાતો પવન, જેને ‘પુરવાઈ’ પણ કહે છે.

આ આખું ગીત આ લીન્ક પર સાંભળી શકાશે.

(તસવીરો: નેટ પરથી સાભાર, લીન્‍ક યૂ ટ્યૂબ પરથી સાભાર)


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.