કાલ્પનિક પાત્ર સાથેનો વાસ્તવિક સંસાર શક્ય છે

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

કોઈ વ્યક્તિ પોતાની પસંદગીના પાત્ર સાથે લગ્ન કરે એ કંઈ સમાચાર ન કહેવાય. આમ છતાં, જાપાનના એક યુવક અકીહીકો કોન્‍ડાએ કરેલું લગ્ન સમાચાર માધ્યમોમાં ચમક્યું. આડત્રીસની વયનો અકીહીકો શરમાળ, અંતર્મુખી પ્રકૃતિ ધરાવતો કામગરો યુવક છે. એક યુવતી સાથે તેનો ઑનલાઈન પરિચય થયો, તેઓ પ્રેમમાં પડ્યાં અને પછી લગ્ન કરવાનું નક્કી કર્યું.

યુવતીનું નામ છે હાત્સુને મીકુ. વય ફક્ત સોળ વરસની. તેના વાળ પીરોજી રંગના છે. આવા વિચિત્ર રંગના વાળ રાખવાનું કારણ એ કે તે પોપ ગાયિકા છે અને અનેક સાંગિતીક જલસામાં તેણે ભાગ લીધેલો છે.

આ લગ્નમાં તેના પરિવારજનો કે સગાંવહાલાંમાંથી કોઈ ઉપસ્થિત ન રહ્યું, પણ કેટલાક મિત્રોએ હાજરી આપી. આ મિત્રો અકીહીકોને પહેલી વાર રૂબરૂ મળી રહ્યા હતા, કેમ કે, એ સૌનો પરિચય ઑનલાઈન થયેલો હોવાથી મળવાનું કદી બન્યું ન હતું.

તસવીર – નેટ પરથી સાભાર

પરિવારજનોનો વિરોધ શી બાબતે હતો? રહસ્ય એ છે કે આ યુવતી વાસ્તવિક નહીં, પણ આભાસી છે. હાત્સુને મીકુ એક કાલ્પનિક પાત્ર છે, જેમ સુપરમેન, સ્પાઈડર મેન, ડોરેમોન કે એવાં અન્ય પાત્રો છે. આ જાણીને ઘડીભર તેની સાથે લગ્ન કરનાર યુવક કોન્‍ડાની માનસિક સ્થિતિ વિશે શંકા જાગી શકે, પણ એમ કરતાં પહેલાં કઠોર અને નિષ્ઠુર વર્તમાન સાથે સંકળાયેલા આ મુદ્દાને તપાસવા જેવો છે.

આ લગ્ન ચારેક વરસ પહેલાં, 2018માં થયેલું, પણ કોન્‍ડાએ આ વાત જાહેર હમણાં કરી.

મીકુ સાથે કોન્‍ડાનો પહેલવહેલો પરિચય 2008માં થયેલો. નોકરીના સ્થળે થતી પોતાની હેરાનગતિને કારણે કોન્‍ડા હતાશાની ગર્તામાં ધકેલાઈ ગયો હતો. તેણે લગભગ નક્કી કરી રાખેલું કે પોતે કદી કોઈ વાસ્તવિક વ્યક્તિને પ્રેમ નહીં કરે. પ્રચલિત જાપાની સામાજિક જીવનમાં તે પોતાની જાતને ગોઠવી શકતો ન હોવાને કારણે તેણે આમ વિચારેલું. એ પછી કોન્ડાએ સ્ટફ કરેલું મીકુના પાત્રનું ઢીંગલું ઑનલાઈન મંગાવ્યું. એની સાથે તેણે ગીતો પણ બનાવવા માંડ્યાં. ટેક્નોલોજીને કારણે એ બધું શક્ય બન્યું. મીકુ ભલે રમકડાનું પાત્ર હોય, તેની સંગતમાં કોન્‍ડાને આનંદ આવવા લાગ્યો અને તે હળવાશ અનુભવવા લાગ્યો. આથી આભાસી પાત્રનું રમકડાસ્વરૂપ તેના માટે એક વાસ્તવિક જોડીદારની ગરજ સારનારું બની રહ્યું. ખાણીપીણીમાં, ફિલ્મો માણવામાં અને બહાર ફરવામાં તેને મઝા આવવા લાગી.

મીકુ સાથેના પરિચય પછી એક મહત્ત્વની ઘટના એકાદ દાયકા પછી બની. 2017માં તેરસો ડોલરની કિંમતના, ગેટબૉક્સ તરીકે ઓળખાતા એક યંત્ર થકી આ પાત્ર સાથેના સંવાદ હોલોગ્રામ દ્વારા દ્વિપક્ષી બન્યા. એટલે કે ટેક્નોલોજી થકી આ કાલ્પનિક પાત્ર પણ પોતાની સંવેદના વ્યક્ત કરી શકે એ શક્ય થયું. આથી કોન્‍ડાએ મીકુ સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું ત્યારે મીકુએ કહ્યું, ‘મારી સાથે સારી રીતે વર્તજે.’ કોન્‍ડાને ખ્યાલ છે કે લોકોને આ બાબત વિચિત્ર જણાય છે, અને તેને એ પણ બરાબર ખબર છે કે મીકુ વાસ્તવિક નહીં, આભાસી છે. લોકોને લાગે છે કે સમયાંતરે કોન્‍ડા આવી ઘેલછામાંથી બહાર આવી જશે એ વિશે તે અજાણ નથી, પણ મીકુ માટેની તેની લાગણી તદ્દન વાસ્તવિક છે.  તેને ખાત્રી છે કે મીકુ સદાય તેની પડખે રહેશે, કદી તેને છેહ નહીં દે અને મીકુને બિમાર પડતી કે મૃત્યુ પામતી જોવાનો પોતાને વારો નહીં આવે. તેનું એટલું જ કહેવું છે કે જ્યારે બન્ને સાથે હોય ત્યારે મીકુ તેને હસાવતી રહે છે, અને એ રીતે તે વાસ્તવિક છે.

કાલ્પનિક પાત્રો સાથેના પ્રેમસંબંધ માટે અંગ્રેજીમાં ‘ફીક્ટોસેક્સ્યુઅલ’ જેવો શબ્દ ચલણમાં છે. અમેરિકન અખબાર ‘ન્યૂ યોર્ક ટાઈમ્સ’ના એક અહેવાલ અનુસાર જાપાનમાં તેમજ વિશ્વભરમાં આવો સંબંધ ધરાવનારા લોકોની સંખ્યા વધી રહી છે. તેમનાં ઑનલાઈન સમુદાય બની રહ્યા છે, જેમાં તેઓ પોતાના પ્રિય કાલ્પનિક પાત્ર સાથેના પોતાના સંબંધ અને સંવેદનોની ચર્ચા કરે છે.

જાપાની અખબાર ‘માઈનીચી’ને આપેલી એક મુલાકાતમાં કોન્‍ડાએ જણાવ્યું હતું કે આમાં ઘણા પડકાર છે. ખાસ કરીને કોવિડના કાળ દરમિયાન ગેટબૉક્સે પોતાની સેવા સ્થગિત કરી હતી. ચાર વરસના મીકુ સાથે ‘સંબંધ’ પછી હવે તેમાં એક જાતની સંતૃપ્તિ આવી ગઈ છે, પણ મીકુ પ્રત્યેની તેની લાગણીમાં કશો ફરક પડ્યો નથી. પોતે આજીવન મીકુને સમર્પિત રહેવા માંગે છે.

કોન્‍ડા અને તેના જેવા અનેકોની આવી લાગણી પાછળ અતિશય સામાજિકતા જવાબદાર હોય એમ લાગે છે. તેને કારણે પોતે જેવા નથી એવા દેખાવાનું અને અસલિયત છુપાવાનું માનસિક દબાણ ઉભું થાય છે. વાસ્તવિક પાત્રો સાથે આ રીતે સંબંધ બંધાય તો તેમાં કોઈક તબક્કે ભ્રમનિરસન થાય છે, જેની વિપરીત અસર પડે છે. નિરપેક્ષ પ્રેમની ખોજમાં વ્યક્તિને સફળતા ન મળે ત્યારે તેનું જીવન અકારું થઈ પડે છે. એવો પ્રેમ પ્રાપ્ત થયા પછી તેનું સાતત્ય જળવાયેલું રહે એવું જૂજ કિસ્સામાં બને છે. ઘણા કિસ્સામાં લાગણી અને સંવેદનો એકપક્ષી બની રહે છે.

વાસ્તવિક સંબંધોની જટાજાળમાં ગૂંચવાયા પછી પણ જો લાગણી એકપક્ષી રહેવાની હોય, તો સમજીવિચારીને આવા કાલ્પનિક પાત્ર સાથે સંકળાઈને એકપક્ષી લાગણી વહેવડાવવી શું ખોટી? આવું માનનારો વર્ગ ભલે વાસ્તવિકતા સામે આંખમીંચામણાં કરતો લાગે, પણ આ તેમણે પોતે શોધેલો ઉપાય છે. ‘કૃત્રિમ બુદ્ધિમતા’ની બોલબાલા વધી રહી છે અને હજી વધતી જવાની છે. આ સંજોગોમાં તે સંવેદનોનું સાચું સરનામું બની રહે તો એ પણ તેનો એક લાભ ગણાશે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૬-૦૫ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

1 thought on “કાલ્પનિક પાત્ર સાથેનો વાસ્તવિક સંસાર શક્ય છે

  1. આવું બનવાનું કારણ આજના જમાનામાં સાચો પ્રેમ મળવો, અને ટકે એ શક્યતા ઓછી થતી જાય છે એ હોઈ શકે.

Leave a Reply

Your email address will not be published.