તેરે બાદ-૩

પારુલ ખખ્ખર

હા…ક્યારેક બહુ કળે, સબાકાં મારે , અંદર અંદર લવક્યા કરે, પણ સાચું કહું? હવે આદત પડી ગઇ છે એ ઘાવની. એ તકલીફ નથી આપતો ઉલ્ટાનો જીવનનો એક ભાગ બની ગયો છે અનાયાસ. જેમ ગળા પરનો તલ છે, કમર પરનું લાખું છે, અંગુઠા પરનો ઉઝરડાનો ડાઘ છે કંઇક એમ જ આ ઘાવ હવે મારી જાતનો એક હિસ્સો બની ગયો છે તારા ગયા પછી…અને કોઇ ફરિયાદ નથી સાચ્ચેક….

ખબર છે ? તારા પછી કેટલા વિશ્વો ખુલી ગયા છે મારામાં !હવે હું પણ પ્રકૃતિને સંવેદવા લાગી છું. તે જ કહ્યું હતું ને? વૃક્ષોને ઓળખ, ફૂલોની નજીક જા,પક્ષીઓને બોલાવ,આકાશને બાથમાં લે. હવે એવું જ કરું છું. કુદરતને શ્વસી રહી છું અને કદાચ એ રીતે તારો અહેસાસ લીલોછમ રહે છે મારામાં.

તને ખબર છે ? પેલો ગુલમ્હોર હવે નથી- તારી જેમ જ ! એ ખિલ્યો, ખર્યો,સૂકાયો અને છેવટ કપાયો પણ હવે તો એનો ય રંજ નથી. કદાચ એ રાતોચોળ રંગ કટાણે આવ્યો હતો જીવનમાં ! મને રંગવા જ શાયદ. એણે તારેતાર રંગી છે મને ! મારા બધાં જ રંગો એ લાલચટ્ટાક રંગમાં વહીને લોહીમાં ભળી ગયા. એ ગુલમ્હોરની રંગછટાઓ ,એની માદક ખૂશ્બુ , એના છાંયડા, એના વિસામા,એનાં ટહૂકાં અને એની પાનખર સહિત એ મારામાં સાંગોપાંગ સમાઇ ગયો. એ ગાલની ગુલાબીમાં, હોઠની રતાશમાં,અને ઉજાગરા ભરેલી આંખોમાંથી ડોકાતી રક્તિમ આભામાંથી છલકતો રહે છે હવે…સતત…તારા ગયા પછી.

એય, સાંભળ..પેલી ખિસકોલીઓ રોટલી-ભાત ખાતી બંધ થઇ અને તે કહ્યું હતું’ તારી રસોઇ ખિસકોલા ય નથી ખાતા !’એ સાંભળી ગઇ હતી શાયદ અને એટલે જ એ ફરી આવે છે અને મોજથી આરોગે છે. પેલા શક્કરખોરા એ આ વખતે આસોપાલવમાં માળો બાંધ્યો છે. આખું ફેમિલી રહેવા આવ્યું છે. રોજ સવારે કાળો ચળકતો નર ટહુકા કરે અને બેરંગ માદાને લાઇનો માર્યા કરે !પેલી પટી જાય એટલે…એય..ને મોજથી ઉડે ત્યારે તારું વાક્ય યાદ આવે’પાગલ, એ કંઇ માણસની જેમ હાથમાં હાથ લઇ ન ચાલે, એ તો પોતપોતાની મસ્તીમાં રહે. પોતાની દુનિયામાં વ્યસ્ત રહે અને તો ય ભેગા ને ભેગા સમજી?’ જ્યારે જ્યારે એ યુગલને જોઉ ત્યારે એક મલકાટ આવી જાય..

અરે હા…થોડા દિવસ પહેલા એક અજાણ્યું પક્ષી આવ્યુ મારે આંગણે,લીલાશ પડતું શરીર,કાળી ચાંચ,લાંબી પૂંછડી અને ખૂબ દેખાવડું..પણ સાલ્લું..મારી સામે જોઇને સીટીઓ મારે બોલ !ગુગલ સર્ચ કર્યુ તો એ ‘પતરંગો’ હતો. તું માનીશ? એણે મારા પર એવો કબ્જો જમાવ્યો કે જાણે તું જ આવ્યો પતરંગા રુપે !પણ હવે તો તું ક્યાંથી હોય ? ખૈર..એક ગીત લખ્યું તારા માટે..અરે..ના ના એ પતરંગા માટે.

હમણાં એક દિવસ ખેતરમાં ગઇ હતી અચાનક પાણીનું મશીન ચાલતું હોય એવો અવાજ આવ્યોને કાન સરવા થયા, આસપાસ નજર કરીતો કંસારો ટૂક ટૂક કરતો ચહેંકતો હતો અને તું યાદ આવી ગયો. પેલાં વનલેલાં માથા પરથી પસાર થયાં અને તારો ડાયલોગ યાદ આવ્યો

‘ વનલેલાંને ક્યારેક પૂછજે,
રુસણાં કોણે લીધા? જવાબ મળશે ..તે…તે..તે..!
ગુસ્સો કોણે કર્યો? જવાબ મળશે તે…તે…તે..!
સંબંધ કોણે પૂરો કર્યો? જવાબ મળશે તે..તે..તે..!’

અને આંખમાં ભરાયેલા પાણી  લૂંછી નાંખું છું.આવડી લાંબી ઉંમર રડી રડી ને કેમ પસાર થશે ? અને હું મનોમન બોલું છું ‘પાગલ,એ વનલેલાં તે..તે..તે નહી પણ લે..લે..લે કહે છે સમજ્યો !’ અને હું એકલી એકલી હસી પડું છું. હા…મે હસતાં પણ શીખી લીધું છે તારા ગયા પછી.

એક વાત કહું? તારે ત્યાં વરસાદ પડે ને હું ભીજાઉ ! તારે ત્યાં ઠંડી પડે ને હું ઠૂંઠવાઉ ! તારે ત્યાં તડકાં પડે ને હું કરમાઉ ! મને ખબર છે તું મને સાયકો સમજે છે પણ આ એક અદ્રશ્ય દોર છે જેનાં તાંતણે મને પ્રકૃતિ તારી સાથે જોડી રાખે છે.હવે સ્થૂળ જોડાણ નથી તો શું થયું? આપણે તો આમ પણ જોડાયેલાં જ રહીશું. તું અહીંયા આવે કે હું ત્યાં આવું અને ચહેરો જોઇએ એને જ મળવું કહેવાય એ વ્યાખ્યા મને સાચી નથી લાગતી. હવે ‘મળવું છે’ નાં રાગમાંથી અને ‘નથી જ મળવું’ નાં દ્વેષમાંથી  બહાર આવી જવાયું છે. કદાચ આ જળકમળવત્ રહેવું ક્યારેય ન આવડ્યું હોત , જો તું ન મળ્યો હોત !કોઇ તો એવું તત્વ છે જે તારાથી દૂર રાખીને પણ તારા સુધી જ પહોંચાડે છે.બસ…બીજું તો શું જોઇએ મારે !

ખરેખર તો જેમ તું અને તારી યાદો અનેક રૂપમાં વિસ્તરી ગઇ છે એમ જ હું અને મારી ચેતના વિસ્તરી રહ્યાં છીએ.હવે મને ગુલમ્હોર જેવો જ ગરમાળો ય વહાલો લાગે છે,એવો જ વહાલો આસોપાલવ અને લીમડો ! મારે મન જેવો ગુલાબ એવો જ ચંપો, મોગરો અને રાતરાણી. હવે કોઇ ભેદ ન રહ્યો.હવે પતરંગો હોય કે કલકલિયો, શક્કરખોરો હોય કે નવરંગ, ખિસકોલી હોય કે કાબર બધાંને સમાન ભાવે ખોરાક-પાણી આપું છું. હું આવી ક્યારેય ન હતી જેવી આજે છું.

તારા ગયા પછી એક ડગલું યુ-ટર્ન લીધો છે મે મારા તરફ ! અને સાચું કહું બહુ મજા આવે છે.હું મને જડી ગઇ છું કદાચ ફરીથી.હું મને સમજાવા લાગી છું ધીમેધીમે.પેલી મસ્તીખોર છોકરી જે તારા નામ બગાડતી હતી એ હવે શાંત થઇ છે, પેલી વાતે વાતે વાંધા પાડતી ગર્વિષ્ઠ યુવતીનો ગર્વ હવે ઓગળીને ક્યાંય વહી ગયો છે, પેલી બાંડા બૂલબૂલ જેવી માથાફરેલ સ્ત્રી હવે ધીરગંભીર થતી જાય છે.તું ખુશ થશે આ બદલાવથી ચોક્કસ. હા…હું પણ ખુશ રહું છું હવે. તને માફ નહી કરી શકવાની મારી ધૃષ્ટતાને તે સ્વીકારી છે એનો આનંદ છે મને.સાચું કહું છું કોઇ ફરિયાદ નથી,કોઇ અફસોસ નથી સાચ્ચેક મજ્જાની લાઇફ છે તારા ગયા પછી પણ !


સુશ્રી પારુલબહેન ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com  વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “તેરે બાદ-૩

Leave a Reply

Your email address will not be published.