આપણે કેટલા પ્રાચીન ? – લેખાંક ૧૯

પ્રવાસી યુ. ધોળકિયા

બ્રિટિશ શાસનની ધુરા ફેંકી દેવા માટેનો, ગાંધીજીની દોરવણી હેઠળ, અનોખો પ્રયોગ

એ સમયે બ્રિટિશ સામ્રાજ્ય વિશ્વવ્યાપી હતું. દક્ષિણ આફ્રિકા પણ તેઓનો જ એક ઉપનિવેશ હતો. અહીં ઘણા ભારતીયો વસતા હતા. બૅરિસ્ટર થયા પછી તેઓને કાયદાકીય મદદ આપવા માટે ગાંધીજીએ ત્યાં નિવાસ સ્વીકાર્યો હતો. ભારતીય મુળના લોકો તરફ બ્રિટિશરો બહુ ચુસ્તપણે રંગભેદી નીતિનો અમલ કરતા હતા. આ નીતિનો કડવો અનુભવ ગાંધીજીને પણ અનેક વાર થયો. જેમ બહુ જ ખ્યાત છે તેમ એક વખત તો ગાંધીજી ફર્સ્ટ ક્લાસના કંપાર્ટમેન્ટમાં મુસાફરી કરવા બેઠા હતા, ત્યારે એ જ કંપાર્ટમેન્ટમાં બેઠેલા અન્ય બ્રિટિશ મુસાફરોએ ગાંધીજીને ખૂબ હડધૂત કર્યા. ગાંધીજીએ વિરોધ કર્યો તો તેમને કંપાર્ટમેન્ટની બહાર ફેંકી દેવડાવાયા. એ સમયે બ્રિટિશરોને કલ્પના પણ શેની હોય કે આ દુબળો પાતળો ભારતીય સમય જતાં બ્રિટિશ સામ્રાજ્યને જ ફેંકી દેશે !

ઇ. સ. ૧૯૧૫માં ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત આવ્યા. અહીં આવીને તેમણે સૌ પ્રથમ તો ગરીબ ભારતીયોની સાચી દશા અને વ્યથા જાણવા માટે રેલ્વેના ત્રીજા વર્ગમાં સમગ્ર ભારતની મુલાકાત લીધી. પ્રથમ વખત જ ગાંધીજીએ સત્ય, અહિંસા અને માનવતાના ભારતીય સંસ્કૃતિનાં સનાતન મૂલ્યો પર પોતાની ચળવળને આગવું રૂપ આપ્યું. તેથી જ રવિન્દ્રનાથ ઠાકુરે તેમને ‘મહાત્મા’નું બિરૂદ આપ્યું.

હસ્ત ઉદ્યોગને ટેકો આપવા ગાંધીજીએ હવે પછી જીવનભર ખાદીનાં વસ્ત્રો જ અપનાવ્યાં. હિંદુ સમાજનાં કલંક સમાન દલિતોની અવદશા જોઈને તેમણે પોતાનું સમગ્ર જીવન આ વર્ગના ઉદ્ધાર માટે સમર્પિત કરી દીધું. સ્ત્રીઓમાં જાગૃતિ આવે અને તેમની દશા સુધરે તે માટે પણ તેઓ જીવનભર લડતા રહ્યા.

અત્યાર સુધી બ્રિટિશરો વિરુદ્ધ જે કંઇ રાજકીય ચળવળો ભારતમાં ચાલતી હતી તેનો આધાર કોઈ નક્કર સિદ્ધાંત કે મૂલ્યો નહોતાં. એવું પણ ન હતું કે ગાંધીજીના આવ્યા પહેલાં ભારતીય નેતાઓએ વિદેશી માલનો બહિષ્કાર, હડતાલો અને બંધોનાં આહ્‍વાન નહોતાં આપ્યાં. પરંતુ તેમનાં આવાં આહ્‍વાનોનો પડઘો  શહેરો પુરતો જ મર્યાદિત રહ્યો હતો. આ નેતાઓ સામાન્ય ગ્રામ્ય પ્રજા સાથે સંપર્ક સાધવામાં સફળ થયા ન હતા. ગાંધીજીએ જે રીતે સ્વાતંત્ર્ય ચળવળને વ્યાપક સ્વરૂપ આપ્યું તેને પરિણામે સમગ્ર દેશમાંથી હજારો યુવાનોએ પોતાનું ભણતર, સારી નોકરીઓ, ઘરબાર વગેરે છોડીને આ ચળવળ માટે ભેખ લીધો. આવા સ્વાતંત્ર્યવીરોની ઇતિહાસને ચોપડે પણ કોઈ નોંધ ચડી નથી.

ગાંધીજીએ બહુ જાણીતા કહી શકાય એવા ફક્ત બે જ સત્યાગ્રહોથી આપણી સ્વતંત્રતાના આંદોલનની લડતને  અનોખું, દેશવ્યાપી, રૂપ આપી દીધું હતું.  ઇ. સ. ૧૯૧૭માં તેઓએ બિહારમાં ચંપારણનો સત્યાગ્રહ કરીને દેશના દરેક ભાગમાં વસતા ભારતીયો સાથે અતૂટ સંપર્ક જોડી દીધો. આ સત્યાગ્રહ પછી જ તેમને રાજેન્દ્રબાબુ, પંડિત નહેરૂ, સરદાર પટેલ જેવા અનેક સાથી શિષ્યો મળ્યા. ઇ. સ. ૧૯૩૦માં ગાંધીજીએ અમદાવાદ ખાતે સાબરમતી આશ્રમની સ્થાપના કરી. એ જ વર્ષે તેમણે દાંડીકૂચ કરીને મીઠાં પર લગાવાયેલા કર વિરુદ્ધ સત્યાગ્રહ છેડ્યો. માત્ર એક ચપટી મીઠું ઉપાડીને સ્વતંત્રતા માટેની આપણી લડતને તેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે મુકી દીધી. હવે સમગ્ર યુરોપ અને અમેરિકા ભારતની લડતમાં રસ લેતાં થયાં.

બ્રિટિશરો દ્વારા બોલાવાયેલી ત્રણ ગોળમેજી પરિષદોમાંની બીજી પરિષદમાં ગાંધીજીએ લંડનમાં હાજરી નોંધાવી હતી. એ સમયે પણ તેઓ મજૂર વસ્તીના ગરીબ વિસ્તારોમાં ગયા અને લોકોને પ્રેરણા આપી. એટલું જ નહીં, પણ ભારતીયોની ગરીબી અને દુર્દશાનાં જાણે કે દર્શન કરાવતા હોય તેમ પોતાની પોતડીના “અર્ધનગ્ન” પહેરવેશમાં જ તેમણે બ્રિટનના રાજા સાથે મુલાકાત કરી.

ગોળમેજી પરિષદો યોજીને બ્રિટિશરો ભારતીયોને કંઈક રાજકીય છુટછાટો આપવા પ્રયત્ન કરી રહ્યા છે તેવો એક દેખાવ માત્ર હતો. ભારતમાં ભાગલાવાદી પરિબળોને ઉત્તેજન મળે તે માટે આ ગોળમેજી પરિષદોમાં દરેક રાજકીય પક્ષને, અલગ અલગ દેશી રાજ્યોને અને દરેક ધર્મ અને સમાજના પ્રતિનિધિઓને જુદાંજુદાં આમંત્રણ આપવામાં આવતાં. કોંગ્રેસ સિવાય અન્ય બધા વર્ગોને બ્રિટિશ શાસનમાં કોઈને  કોઈ લાભ મળતા હતા તેથી તેઓને આ શાસન સામે કોઈ વાંધો ન હતો.

ઇ. સ. ૧૮૫૭ના પ્રથમ ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ પછી બ્રિટિશ સરકારે મુસ્લિમો તરફ કડક વલણ દાખવ્યું હતું. તેથી મુસ્લિમોએ પણ પોતાની નીતિરીતિમાં ફેરફાર કરી બ્રિટિશ હકુમતનો વિરોધ કરવાનું ટાળ્યું. મુસ્લિમોને આધુનિક શિક્ષણ મળી રહે તે માટે અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી. મુસ્લિમોને એવો પણ ભય સતાવવા લાગ્યો કે ભારત પરનાં બ્રિટિશ શાસનનો અંત આવે તો તેઓને હિંદુ બહુમતી નીચે રહેવું પડશે. તેથી પોતાનો અલગ રાજકીય અવાજ રજૂ  કરવા માટે ઇ. સ. ૧૯૦૬માં મુસ્લિમ લીગની સ્થાપના કરવામાં આવી. આમ, જ્યારે ગાંધીજીએ ભારતમાં પ્રવેશ કર્યો ત્યારે તેમણે મુસ્લિમ લઘુમતીનો પણ વિશ્વાસ સંપાદન કરવાનો હતો. બન્ને કોમોમાં ઐક્ય બન્યું રહે તે માટે ગાંધીજીએ પોતાનું જીવન બલિદાન કરી દીધું પણ મુસ્લિમોનો વિશ્વાસ તેઓ સંપાદન ન કરી શક્યા. રાજકીય વિચારકો એમ માને છે કે ઇ. સ. ૧૯૩૭ની રાષ્ટ્રીય ચુંટણીઓ પછી કોંગ્રેસની નેતાગીરી પંડિત જવાહરલાલ નહેરૂ, સરદાર પટેલ  અને રાજગોપાલાચારી જેવા પીઢ છતાં મુત્સદી નેતાઓના હાથમાં આવી તથા રાજકીય રીતે ગાંધીજી પ્રમાણમાં હાંસિયામાં મુકાઈ ગયા.

બીજું એક પરિબળ દલિતોના જુદા જુદા હક્કો અને આરક્ષણ માટે લડત ચલાવી રહેલા બાબાસાહેબ આંબેડકરનાં આંદોલનનું હતું. દલિતોની આ પ્રકારની લડતને ગાંધીજીનો પણ ટેકો હતો પણ તેમનો અભિગમ તેને વિશાળ હિંદુ સમાજના કચડાયલા વર્ગના સમુહ તરીકે રજુ કરવાનો હતો. સ્વતંત્રતા માટેની ગંધીજીની અહિંસક લડત ચાલી રહી હતી તે સમયે પણ ઘણા ઉગ્રવાદી ભારતીય યુવાનોએ અંગ્રેજો અને તેમનાં હિતો પર હુમલા ચાલુ રાખ્યા. આવા મહદ કિસ્સાઓમાં આ યુવાનો પકડાઈ જતા  અને તેમણે ફાંસીની સજા ભોગવવી પડતી. વીર સાવરકર અને શ્યામજી કૃષ્ણવર્મા જેવા ઉગ્રવાદીઓને આવી લડત વિદેશની ધરતી પરથી પણ ચાલવવી પડતી. ગાંધીજી અને તેમની શાંત નીતિઓનું સુભાષચંદ્ર બોઝ પણ સમર્થન કરી ન શકયા. તેઓએ કોંગ્રેસ પક્ષ છોડી દઈને સિંગાપુર, જર્મની અને જાપાન જઈને પોતાની અંગ્રેજ શાસન વિરોધી લડતને ચાલુ રાખવી પડી. આપણે જાણીએ છીએ તેમ, તેઓએ વિદેશમાં જ ભારતીય રાષ્ટ્રીય ફોજની સ્થાપના કરી અને ભારત પર આક્રમણ કર્યું. પરંતુ બીજાં વિશ્વયુદ્ધના સમયમાં તેમનું આ પગલું સફળ ન રહ્યું. કહેવાય છે કે ઇ. સ. ૧૯૪૫માં એક વિમાની અકસ્માતમાં તેમનું મૃત્યુ થયું. જો તેમના લશ્કરી પ્રયાસો સફળ રહ્યા હોત, કે તેઓ કોંગ્રેસમાં પણ ચાલુ રહ્યા હોત, તો ભારતનો સ્વતંત્રતા પછીનો ઇતિહાસ જુદો જ હોત.

સુભાષચંદ્ર બોઝની જેમ મોહમ્મદ અલી જિન્નાહએ પણ નારાજ થઈને કોંગ્રેસ છોડી દીધી. આ તકનો લાભ લઈને મુસ્લિમ લીગે પોતાની સંસ્થાનું સુકાન જિન્નાહને સોંપી દીધું. આને પરિણામે, ભારતીય રાજકારણમાં હિંદુ-મુસ્લિમ વચ્ચે એક અભેદ્ય કહી શકાય એવી દિવાલ ખડી થઈ ગઈ. આ સમયમાં જ હિંદુઓના રક્ષક તરીકે રાષ્ટ્રીય સેવક સંઘ (આર એસ એસ)ની સ્થાપના થઈ. તેમજ મજુરો અને કચડાયેલા વર્ગના નેતા તરીકે ભારતીય સામ્યવાદી પક્ષની પણ સ્થાપના થઈ. રશિયાની સામ્યવાદી ક્રાંતિમાંથી પ્રેરણા લઈને આ પક્ષે પણ ભારતીય રાજકારણમાં પોતાનો પ્રવેશ નોંધાવ્યો.

પ્રથમ વિશ્વયુદ્ધ પછી ભારતીયોને પોતાના શાસનમાં વધારે સ્થાન મળે એ માટે બ્રિટિશ પાર્લામેન્ટે  સાઈમન કમિશન ભારત મોકલ્યું. પરંતુ આપણા ક્રાંતિવીરોની માંગને એ પુરો સંતોષ આપતું ન હોવાથી તે નિષ્ફળ ગયું. કોંગ્રેસ અધિવેશનમાં ૨૬મી જાન્યુઆરી ૧૯૩૦ના રોજ પંડિત જવાહરલાલ નેહરૂએ દેશનાં સંપૂર્ણ સ્વાતંત્ર્ય માટેની ઘોષણા કરી દીધી. ઇ. સ. ૧૯૩૯માં બ્રિટને બીજાં વિશ્વયુદ્ધનો સામનો કરવો પડ્યો. પ્રથમ વિશ્વયુદ્ધની માફક આ વિશ્વયુદ્ધમાં આપણને પુછ્યા વિના જ ભારતને વિશ્વયુદ્ધનાં અભિયાનમાં જોતરી દેવામાં આવ્યું. બ્રિટનને બચાવવા આપણું લશ્કર વિવિધ યુદ્ધ મોરચે વીરતાથી લડ્યું.

આ રીતે વિશ્વયુદ્ધમાં જોતરી દેવાના બ્રિટનના નિર્ણયનો ભારતમાં જોરદાર વિરોધ થયો. ગાંધીજીએ ઑગસ્ટ ૧૯૪રમાં બ્રિટિશરોને ‘ભારત છોડો’ની ચેતવણી આપી, અને બ્રિટન વિરોધી ચળવળમાં આખો દેશ જોડાઈ ગયો. અસહકાર અને વિદેશી માલસામાનના બહિષ્કારોએ બિટિશ શાસનને હચમચાવી નાખ્યું. આમ છતાં, ભારતીયોને કંઇક અંશે શાંત પાડવા એક તરફ તેમણે ક્રિપ્સ મિશન મોકલ્યું અને બીજી તરફ  દેશમાં ચાલી રહેલી ચળવળોને લશ્કરી તાકાતને જોરે દબાવી દેવા અત્યાચારોનો કોરડો વીંઝ્યો. હજારો લોકોએ ગાંધીજી અને અન્ય નેતાઓ સાથે બ્રિટિશ પોલીસની લાઠી ખાધી અને રાજીખુશીથી જેલવાસ પણ સ્વીકાર્યા.

હવે બ્રિટિશરોએ હિંદુ અને મુસ્લિમ જુદાઈની ખાઈને વધારે પહોળી કરી. તે પહેલાં અલામા ઇકબાલ અને અન્ય મુસ્લિમ નેતાઓએ અહીના મુસ્લિમોને ભારતીય ઉપખંડમાં પોતાની બહુમતીનું શાસન મળે તેને સમર્થન આપીને મુસ્લિમ પ્રજાને પોતાની તરફ કરી લીધી. ગાંધીજીની ‘ભારત છોડો’ ચળવળને સમર્થન આપવાને બદલે જિન્નાહએ હિંદુ બહુમતી સામે “સીધાં પગલાં દિવસ”નું એલાન કર્યું. હુલ્લડો, બળાત્કારો અને એકબીજાની સંપત્તિના નાશથી આખા દેશમાં ગૃહયુદ્ધ જેવી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ.

બીજાં વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી અમેરિકાએ બ્રિટન પર ભારતને સંપૂર્ણ સ્વતંત્રતા આપવા દબાણ કર્યું. છેવટે, ઇ. સ. ૧૯૪૬માં કેબિનેટ મિશને ભારતને સ્વતંત્રતા મળે તે માટે રૂપરેખા તૈયાર કરી.  ઓગસ્ટ ૧૯૪૭માં ભારતને સંપૂર્ણ સ્વરાજ્ય મળે એ માટેની જાહેરાત બ્રિટને બહુ જ ઉતાવળમાં કરી દીધી. આ જાહેરાતમાં અખંડિત ભારતના બે ટુકડા કરી મુસલમાનોને પાકિસ્તાનના સ્વરૂપમાં અલગ રાષ્ટ્ર આપવું પડશે એવી કબૂલાત રાષ્ટ્રીય કોંગ્રેસે કરવી અને થોડાં વરસોમાં પોતાનું લેખિત બંધારણ તૈયાર કરવું પડશે એ બે મુદ્દાઓ મહત્ત્વના હતા. ગાંધીજીની અસંમતિ છતાં નેહરૂ અને સરદાર પટેલે આ બન્ને માગણીઓ સ્વીકારી લીધી.

રેડક્લિફ નામના બ્રિટિશ વકીલને ભારતનાં બે દેશોમાં ભૌગોલિક વિભાજન માટેની જવાબદારી સોંપવામા આવી. એ મહાશય ક્યારે પણ ભારત આવ્યા ન હતા. પણિકર નામના ભારતીય સનદી ઑફિસરની મદદથી આ ભગીરથ કાર્ય પુરૂં કર્યું. અખંડ ભારતનો ૨૫ % ભૂભાગ જિન્નાહ પ્રેરિત મુસલમાનોને આપી દેવો પડ્યો. આઝાદી પછીથી આંબેડકર અને કનૈયાલાલ મુનશી અને એમ સી સેતલવડ જેવા બાહોશ વકીલોની ટુકડીએ બહુ ટૂંકા ગાળામાં સ્વતંત્ર ભારતનું લેખિત બંધારણ તૈયાર કરી દીધું. આ બંધારણ લખવામાં બી એન રાવ નામના એક અન્ય નિષ્ણાતની સહાયની પણ નોંધ લેવી જોઈએ.

દેશને ૧૯૪૭ના ઓગસ્ટની ૧૫મી તારીખે મધ્યરાત્રીએ આઝાદી મળી. એ પ્રસંગે બંધારણ સભા સમક્ષ પંડિત નેહરૂએ ઘોષણા કરતાં કહ્યું કે, “Long years ago… we made a tryst with destiny, and now the time comes when we shall redeem our pledge, not wholly or in full measure, but very substantially….At the stroke of the midnight hour, when the world sleeps, India will awake to life and freedom……” [1]  સમગ્ર દેશે આખી રાત જાગીને, દિવાળીની માફક, સ્વતંત્રતાના મહોત્સવને ઉજવ્યો.

બ્રિટિશ શાસનકાળ દરમ્યાન બે ઘટનાઓ બની, જેમાં વિલિયમ જ્હોન્સ, પ્રિન્સેપ અને એલેક્ઝાંડર કનિંગહમ જેવાઓએ ભારતમાં, બ્રિટિશ સનદી સેવાઓમાં રહીને, પ્રાચીન ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિનાં મહાન પાસાંઓને બહાર લાવવાનો સ્તુત્ય પ્રયાસ કર્યો. અત્યારે પાકિસ્તાન સ્થિત મોહેં-જો-દડો સભ્યતાની શોધ જોકે ભારતીય સંશોધકોએ કરેલી, પરંતુ તેને વિશ્વફલક ઉપર માર્શલ નામના વિદ્વાન લાવ્યા. આ પ્રક્રિયાને પરિણામે અત્રે ચાલી રહેલ સ્વાતંત્ર્ય ચળવળમાં નવા પ્રાણ ઉમેરાયા. કેટલાક અપવાદો બાદ કરતાં, આપણાં સમાચારપત્રોએ પણ સ્વાતંત્ર્ય ચળવળને સમર્થન આપીને દેશપ્રેમની ભાવના ઉજાગર કરી.

ભારતને સ્વતંત્રતા આપવા પહેલાં બ્રિટને કોઈ પણ જાતની તૈયારી ન કરવાની ગંભીર ભૂલ કરી. ક્યાં તો તેઓ હિંદુ-મુસલમાન વચ્ચેના વૈમનસ્યને સમજી ન શક્યા અથવા તો જાણી જોઇને બન્ને પક્ષોને લડાવી મારીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આપણી બદનામી થાય તેમ જાણે કે બધું રેઢું મુકીને નાસી છૂટ્યા.

બે દેશોનાં વિભાજનના એ દિવસો દરમ્યાન અવર્ણનીય રક્તપાત સર્જાયો. એક અંદાજ પ્રમાણે હત્યાકાંડની એ હોળીમાં ખેલાયેલાં હુલ્લડોમાં આશરે ૧૦ લાખ નિર્દોષ લોકો માર્યા ગયા. પશ્ચિમ પાકિસ્તાનમાંથી લગભગ એક કરોડ હિંદુ શરણાર્થીઓ ભારત આવ્યા અને અહીંથી લગભગ ૭૫ લાખ મુસ્લિમો પાકિસ્તાનમાં વિસ્થાપિતો તરીકે જઈ વસ્યા. આમ છતાં આપણા દેશમાં કરોડોની સંખ્યામાં મુસ્લિમો રહી ગયા. ખરી રીતે પાકિસ્તાનને વસ્તીના અનુપાતમાં ૨૫ % પ્રદેશ પાકિસ્તાનને અપાવ્યો તો પોતાના શાસનકાળ દરમ્યાન વાતવાતમાં પોતાનાં લશ્કરી બળનો પ્રયોગ કરનાર બ્રિટને બધા મુસલમાનોને પાકિસ્તાન મોકલવાની જવાબદારી પણ ઉઠાવવી જોઈતી હતી. પરંતુ આવું કોઈ જ કાર્ય હાથ ધરવામાં ન આવ્યું. જેની એક આડપેદાશ પેટે દેશમાં સ્વતંત્રતા પછી પણ હુલ્લડો થતાં રહ્યાં અને દેશનું નામ ખરડાતું રહ્યું.

મુસ્લિમ શાસનનાં ક્રૂર ૬૫૦ વર્ષ અને ૨૦૦ વર્ષનાં આર્થિક શોષણવાળાં બ્રિટિશ શાસન બાદ આપણને જે મહામૂલી સ્વતંત્રતા મળી, તે મા ભારતીનાં વિચ્છેદિત દેહનાં રૂપમાં હતી. ભારત-પાકિસ્તાન વિભાજનની શાસકીય પ્રક્રિયા દરમ્યાન પાકિસ્તાનને મળવા પાત્ર રોકડ રકમનો હિસ્સો ગાંધીજીનાં દબાણ હેઠળ ચુકવવો પડ્યો એવી કડવાશ પણ પેદા થઈ. વિભાજનની ગરમાગરમી દરમ્યાન ગાંધીજીનાં આગવાં મુલ્યો અને સિદ્ધાંતો ઘણાં લોકોને સ્વીકાર્ય ન જણાવા લાગ્યાં અને ૩૦મી જાન્યુઆરી ૧૯૪૯ના રોજ ભારતના રાષ્ટ્રપિતાની હત્યા થઈ. સમગ્ર ભારત દેશના આત્માની જ્યોતિ જ જાણે બુજાઈ ગઈ.

આપણી લેખમાળાના હવે પછીના, અંતિમ, મણકામાં સ્વતંત્ર  ભારતે શું મેળવ્યું અને શું ખોયું તેનાં લેખાંજોખાં જોઈશું.


મુખ્ય સંદર્ભ સ્રોત –  A Children’s History of India – Subhadra Sengupta


ક્રમશ : ભાગ ૨૦ અને અંતિમમાં


શ્રી પ્રવાસી ધોળકિયાનો સંપર્ક pravasidholakia@yahoo.com.વીજાણુ સરનામે થઈ શકે છે.


[1]

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.