એક ઉભયમુખી વ્યક્તિ તરીકે મારી સાથે થતા અજાયબ બનાવો

યું કિ સોચનેવલી બાત

આરતી નાયર

મૂળ અંગ્રેજી લેખ The Curious Lives of Extroverted Introvertsનો અનુવાદ

અનુવાદ: સુજાત પ્રજાપતિ

એક છેડે

આપણે ક્યારે સહેલાઈથી જોડાણ અનુભવી શકીએ છીએ, અને શું આપણને ખાસ ઉત્સાહજનક નથી લાગતું, તેના પરથી આપણું અંતર્મુખી (introversion) કે બહિર્મુખીપણું (extroversion) નક્કી થતું હોય છે. મને યાદ છે કે બાળપણમાં મને કોઈ મિત્રના જન્મદિવસની પાર્ટીમાં જવું નહોતું ગમતું. કોઇ ચોક્કસ કારણ નહોતું, પણ મને આવા મેળાવડા કાયમ અસહજ લાગતા.

Image Source: https://bit.ly/3OgMF3A

મારા પિતાએ બાળપણમાં મારુ શરમાળપણું જોયું હશે. મારું એ પાસું તેમને ઓછું ગમતું. તેમણે મને બોલકી, ખુશમિજાજ અને નિડર બનાવવી હતી. એ માટે તેઓ મને દુકાનમાં ખરીદી કે ભાવતાલ કરવા મોકલતા, તેમના વિવિધ મિત્રો સાથે વાતો કરવાનું કહેતા, અને મને સતત નવા મિત્રો બનાવવા માટે પણ પ્રેરતા. આવી ખાસી પ્રેક્ટિસ પછી જ મારામાં રહેલું શરમાળપણું ગયું.

એમના નજીકના વર્તુળમાં મારા પિતાની હાજરી સતત વર્તાય. તેઓ મળતાવડા તો ખરાં, ઉપરાંત પોતાની વાતમાં સામેવાળાને જકડી લેવાનું પણ એમને ફાવે. મને એમની આ આવડત પર માન છે, પણ આ તેમનામાં કુદરતી આવ્યું છે. મારે આ ગુણ પ્રયત્નપૂર્વક વિકસાવવા પડ્યા. નિશાળમાં મારા વજન કે ચહેરા પરના ખીલને કારણે મારી ખિલ્લી ઉડતી, ત્યારે મારા પિતા મને સ્પષ્ટ કહી દેતા, “મોઢું લટકાવીને ઘરે નહિ આવી જવાનું. ત્યાં જ જવાબ આપીને હિસાબ પૂરો કરી દેવાનો.”

બીજા છેડે

ઘરે આવીને મને એવા સો જવાબો યાદ આવતા હશે, જે હું મારા વિશે આવી ટિપ્પણી કરનાર વ્યક્તિને કહી શકી હોત. એમાંના કેટલાક જવાબ પસંદ કરીને એ કયા ટોનમાં કહી શકાય એની પ્રેક્ટિસ પણ હું કરતી. એક વાર એક છોકરાએ મને જાડી કહીને બોલાવી, તો મેં તરત જવાબ આપ્યો હતો, “તારો બાપ ખવડાવવા આવે છે?” બધા જ એના પર હસ્યા હતા, અને તેને કશું બોલવાનું સૂઝ્યું નહોતું. એ મારી પહેલી જીત હતી. એ ઘટનાએ મને ઘણો સંતોષ અને ઉત્સાહ આપેલા.

મને ઓળખતા હોય એવા મોટા ભાગના લોકોને ખબર હશે કે શબ્દોમાં હું પાછી પડું એવી નથી. એ રીતે ખીજવીને તમે મને દબાવી નહિ શકો. જનાવર અન્ય જનાવરમાં ડર જોઇને જ હુમલો કરતું હોય છે એમ માણસોમાં પણ આવો કાંકરીચાળો કેટલાક અવલોકનો પછી જ થતો હોય છે. તેઓ આપણામાં ભય, શરમ-સંકોચ કે આત્મવિશ્વાસનો અભાવ જોયા પછી જ એવું કશું બોલતા હોય છે. તેનો એકમાત્ર ઉપાય છે, સામા થવું:તેમની મજાક કરીને કે તેમના વર્તનની ટીકા કરીને, કોઇ પણ રીતે. સામાન્ય રીતે કટાક્ષ કે હાજરજવાબી કામ કરી જતાં હોય છે. આવા ટીખળબાજો કોઇ તેમના પર હસે એ જીરવી શકતા નથી. કારણ કે તે પોતે જ આવા ભય કે સંકોચના શિકાર હોય છે, જેને ઢાંકવાના ઠાલા પ્રયત્નો તેઓ આવી ટિપ્પણીઓ વડે કરી રહ્યા હોય છે.

સારું વાંચન ધરાવતી, કટાક્ષ કરી જાણતી અને હાજરજવાબી મહિલાઓને આપણા સમાજમાં સારી નજરે જોવામાં નથી આવતી. મારી સાથે સારું બનતું હોય તેવા ઘણાં છોકરાઓ પણ કોલેજમાં મારાથી થોડું અંતર રાખવામાં માનતા હતા. જોકે તેમનું એવું વર્તન જ મારા માટે તેમના સ્ત્રીદ્વેષી કે ઘમંડી સ્વભાવનું સૂચક બની રહેતું. મહિલા તમારા પર એક જોક કરે એમાં તમારું પૌરુષત્વ હણાઈ જતું હોય તો મનેય શો રસ છે તમારી પાછળ સમય બગાડવામાં!

મશ્કરી તો ઠીક, હું કોઇની અજાણતા થયેલી ભૂલનો પણ જવાબ આપી દેવામાં માનું છું. મારી ઓળખ એ રીતે અપાય કે “તે હેમિલની પત્ની છે”, ત્યારે હું કહીશ કે “બસ, એટલું જ? ના ના, એ ઉપરાંત પણ હું કંઇક છું!” લોકો મોટે ભાગે હસી કાઢે છે, અને આગળ આવી બાબતોમાં વધુ ધ્યાન રાખતા થાય છે. સ્વબચાવની આ પણ એક તરકીબ જ છે.

બે છેડાની વચ્ચેનું બધું

હું સ્વભાવે ઉભયજીવી છું, એટલે કે મૂળ અંતર્મુખી, પણ ઘણી લાક્ષણિકતાઓ બહિર્મુખી જેવી. પોતાના અંતર્મુખી કે બહિર્મુખીપણા વિશે સ્પષ્ટ ન થઈ શકો તો મારા બહુ પ્રિય પુસ્તક “Quiet: Power of Introverts in a World that Can’t stop talking”ના લેખિકા સુઝાન કેઈને પોતાનો સ્વભાવ ઓળખવાની એક પદ્ધતિ આપી છે. મારા સ્વભાવની મને પણ એ રીતે જ ખબર પડી. એમાં એક કલ્પના કરવાની છે કે તમે એવી પાર્ટીમાં છો, જ્યાં તમારી પસંદગી મુજબનું જ સંગીત વાગે છે, તમારા ગમતાં લોકો ત્યાં છે અને તમને ભાવતું ભોજન ત્યાં પીરસાઈ રહ્યું છે. યાદ રહે, બધા ભેગા મળીને માત્ર વાતો જ કરી રહ્યા હોય એવી આ શાંત પાર્ટી નથી. અહીં તમારે તમારી જાતને રજૂ કરવાની છે. માનો કે તમે ડાન્સ કરી રહ્યા છો, અથવા લોકો સાથે વાત કરીને પાર્ટીની મજા માણી રહ્યા છો, અને આ રીતે બે કલાક નીકળી જાય છે. હવે તમને કેવુંક લાગે છે? તમે અંતર્મુખી હશો તો એક પ્રકારનો થાક કે અકળામણ અનુભવશો. એનો અર્થ એ નહિ કે તમે પાર્ટી નહોતા માણી રહ્યા કે ત્યાંના લોકો તમને પ્રિય નથી. આવી પાર્ટીમાં કોઇને પણ મજા જ આવે, પણ એનો ઓવરડોઝ અંતર્મુખી વ્યક્તિ માટે સહેવો અઘરો હોય છે. એને બદલે તમે બહિર્મુખી હો તો આવી પાર્ટી જેમ જામતી જશે તેમ સમય સાથે તમને વધુ ને વધુ આનંદ આવતો જશે. તમે ઘરે પાછા ફર્યા પછી પણ તદ્દન તાજગીભર્યાં અને પ્રફુલ્લિત હશો.

Image Source: https://bit.ly/3OgMF3A

મારા અંતર્મુખીપણા સાથે મારે સૌપ્રથમ કોલેજકાળમાં પનારો પડ્યો. મારા પિતાનું પ્રોત્સાહન રહેતું કે હું કાયમ સ્પર્ધાઓમાં આગળ પડતો ભાગ લઉં. કોઇ જાહેરહિતના વિષય પર વાત કરવાની હોય, કોલેજની સમાજસેવા પાંખનું નેતૃત્વ કરવાનું હોય, કે વકતૃત્વ સ્પર્ધા હોય, તમામમાં મારી કાયમી ભાગીદારી રહેતી. જોકે આ બધાની પાછળ મારો એક અદૃશ્ય સંઘર્ષ રહેતો, જે મારા સિવાય કોઇ જોઇ ન શકતું.

શરમાળ લક્ષણો ધરાવતા અંતર્મુખીઓને તો આસપાસના લોકો વહેલાંમોડાં સ્વીકારી લેતા હોય છે, કે “એ એવા જ છે. આપણે એમને બદલી નહિ શકીએ.” એવુંય નથી કે તેમના કોઇ સંઘર્ષ નથી. તેમના વિશે પણ ઘણી ગેરમાન્યતાઓ છે. તેમને નબળા, ઉદાસ કે ‘દુઃખી આત્મા’ જેવા ગણવામાં આવે છે. પણ મારા જેવી ઉભયમુખી વ્યક્તિ સામે ઓર મોટી મુશ્કેલી છે. અમારું અંતર્મુખીપણું લોકો ક્યારેય સમજી શકતા નથી. લોકોને એમ જ થાય, “હજી કાલે જ એ પાર્ટી માણી રહી હતી, અને આજે કહીએ તો ના પાડે છે!”

ઉભયમુખી (extroverted introvert) વ્યક્તિની કેટલીક લાક્ષણિકતાઓ આ મુજબ છે:

  • લોકોની હાજરી એક રીતે પોષક, તો બીજી રીતે અકળાવનારી લાગવી.
  • પોતે હજી સહજ ન થઈ શકી હોઉં એવા વાતાવરણમાં અજાણ્યા લોકો સાથે વાતચીત કરવાની થાય, તો માનસિક અને શારીરિક રીતે નખાઈ પડવાની હદે થાકી જવું.
  • બહુ થોડાં, નિશ્ચિત લોકો સાથે જ ભળી શકવું.
  • શરમાળ હોવાને લીધે નહિ પણ પ્રકૃતિગત જ, લોકો વચ્ચે છવાઈ જવામાં કશો રસ ન હોવો.
  • તમારા વિશે લોકો ધારી લેતા હોય કે તમે બહિર્મુખ (extroverted) છો.
  • તમારી હજી વધારે કશું કરવાની જરૂર છે એવો મન પર સતત ભાર રહેવો.
  • લાંબો સમય માનસિક રીતે સ્વસ્થ અને ઠરેલ ન રહી શકવું.
  • વિવિધ બાબતો વિશેના દૃષ્ટિકોણ અન્યો કરતા અલગ હોવા (એવું મને કહેવામાં આવે છે).

હું પોતે સહજ રહી શકું તો બેજાન લાગતી પાર્ટીમાં પણ પ્રાણ પૂરી દઉં. કદાચ મારા એ રીતના ઉછેરને લીધે કે પછી મારા અનુભવો પરથી કહેવા માટે મારી પાસે અનેક રસપ્રદ વાતો હોવાને કારણે આમ હોઇ શકે. જોકે આટલા વર્ષોમાં મને સમજાયું છે કે હું અઠવાડિયામાં બેથી વધુ પાર્ટી/સંમેલન નથી માણી શકતી. મારા અંતર્મુખીપણાને લીધે હું સતત એવી જગ્યાની જરૂર અનુભવતી હોઉં છું જ્યાં મારી અંગતતા જળવાય. મેં જાતસંભાળ માટે રુચિ મુજબ મારી અલગ દિનચર્યા પણ બનાવી છે. મને રાતે આઠ કલાકની ઊંઘ જોઇએ. ઉપરાંત, હું આવતીકાલે જમવામાં શું બનાવીશ તે સહિતનો કાર્યક્રમ પહેલેથી નક્કી કરી લઉં તો મને માનસિક ઘણી શાંતિ રહેતી હોય છે. અવનવા મુદ્દાઓ પર ચર્ચા થઈ શકે એવી સરસ, શાંત માહોલમાં યોજાતી પાર્ટીમાં મનેય મજા આવે, પણ સામે એવી પાર્ટીમાં જવાનું હોય, જ્યાં હું સામેવાળાની વાતમાં રસ ન લઈ શકું કે વ્યક્તિ સાથે જોડાણ ન અનુભવી શકું, તો મને સતત બેચેની થાય કે હું શું કામ અહીં આવી!

Image Source: https://bit.ly/3JJ1WXy

હું કશે જાઉં ત્યારે બધા મારી હાજરીની નોંધ લે એને બદલે હું સહજ રીતે ભળી જાઉં એ મને સૌથી વધુ ગમે. છતાં, મારે જે ક્ષમતામાં હાજરી આપવાની આવે એનો તકાજો જ એવો રહેતો હોય છે કે મારી નોંધ લેવાય. આ વાત માત્ર ત્યાં હાજર હોવા પૂરતી સીમિત નથી. મારા શહેરમાં હું એક નાગરિક ચેતના સમૂહની સહસ્થાપક હતી. મેં અનેક દેખાવો અને પ્રદર્શનો યોજ્યા છે. મારે જાહેર પ્રવચન પણ કરવાના થયા છે અને પાંચ વરસ સુધી તો હું આન્ત્રપ્રિન્યોર રહી ચૂકી છું. માંડ વીસેક વરસની મહિલા આન્ત્રપ્રિન્યોર તરીકે મારે આશરે બમણી વયના પુરુષ રોકાણકારો સાથે મિટિંગ કરવાની થતી. આ સંજોગોમાં એ શક્ય જ નહોતું કે હું ભીડમાં સરકી જાઉં અને મારી નોંધ ન લેવાય.

એક મહિલા તરીકે પહેલેથી જ તમારે તમારી જગ્યા ઊભી કરવા કે ટકાવવા અનેક યુદ્ધો લડવાના થાય છે. એમાંય અંતર્મુખી તરીકે આ વધારે મોટો પડકાર બની રહે છે. જોકે ત્યારે હું સ્વબચાવના ઉપાય તરીકે એક કારગત યુક્તિ અજમાવતી: “સહજ રીતે ન આવે ત્યાં સુધી દેખાડો કરીનેય નકલી આત્મવિશ્વાસ તો બતાવવો જ.”

આઠ-નવ વરસ પછી હું હવે એક પર્યાવરણવાદી નોન-પ્રોફિટ સંસ્થામાં સંદેશાવ્યવહાર અને માહિતી શાખા ચલાવી રહી છું. વ્યાપક સમાજહિતનો આધાર તમારા પ્રદર્શન પર હોય, તો એનું વધારાનું ભારણ તમારા પર રહે છે. મારે સાવ અજાણ્યા લોકો સાથે પણ સંપર્ક ઊભા કરવાના થાય છે. હું જેમ વધુ સંપર્કો ઊભા કરી શકું, એટલી સારી રીતે મારું કામ થઈ શકે. જોકે હવે ઓનલાઈન મીટિંગ થઈ શકતી હોવાનો મોટો હાશકારો છે, તેમ છતાં એમાંય થાકી જ જવાય છે.

હાલની દુનિયાનું માળખું બહિર્મુખી લોકોને વધુ અનુકૂળ છે. બહિર્મુખી લોકો એટલે “જોરદાર”! આ બધા વચ્ચે કોઇ અંતર્મુખી વ્યક્તિ કેવી રીતે પોતાની જગ્યાએ ટકી રહી શકે? અંતર્મુખી વ્યક્તિને નેતાગીરી કરવાની થાય તો એક અખતરો સુઝાન કેઈને સૂચવ્યો છે: ઊંડા શ્વાસ લેતા રહો, તમારું ધાર્યું કામ પાર પડશે તો પોતાની જાતને કોઇ ભેટ આપશો એમ નક્કી કરો, અને પછી આત્મવિશ્વાસ સાથે આગળ વધો.

હું મારી અસહજતાથી ઉપરવટ જઈને પણ મારું કામ પૂરું કરી બતાવું, તો હું પોતાને નવરાશનો એક દિવસ ભેટ આપું છું. ત્યારે હું મને ગમતી વેબ સીરીઝ જોઈશ કે પુસ્તકો વાંચીશ. એ ન કરી શકું તો મને બહુ ભાવતો કોઇ આઈસક્રીમ ખાઈ આવીશ, કે પછી મારા કોઇ ખાસ મિત્રને મળવા જઈશ. આનું કારણ એ કે કોઇ મહત્વની વાત કહેવાનો અથવા જરૂરી કામ પતાવવાનો વખત આવે ત્યારે પાછા પડો એ ચાલવાનું નથી. તમારે એ ગમે તે રીતે કરવાનું જ છે. પણ એ ઉત્સાહથી કરવાનું કારણ તમે આ રીતે ઊભું કરી શકો.

કોઇ અંતર્મુખી વ્યક્તિના ઉપરી (senior) હોવું એ એક અંતર્મુખી તરીકે નેતા હોવા જેટલું જ અઘરું છે. કમ-સે-કમ એનું સન્માન જળવાઈ રહે, તમે ત્યાંથી શરૂઆત કરી શકો. મારી પહેલાની નોકરીમાં મારો જુનિયર સાવ અંતર્મુખી હતો. અમારી મીટિંગ વખતે એ વિડિયોકેમેરા પણ ચાલુ ન રાખતો. અમે ભેગા મળીએ તો એ ભાગ્યે જ કશું બોલતો. પણ એનામાં કળાસૂઝ પુષ્કળ હતી. અને તમે એના વિશ્વાસુ અંગત વર્તુળમાં હો તો એની વિશિષ્ટ હાજરજવાબીનો પરચો પણ મળી રહેતો. એના પર અમારા વિચારો થોપવા કે એના વર્તન પર નકારાત્મક ટિપ્પણી કરવાને બદલે અમે તેને એના સ્વભાવ મુજબ છૂટથી વર્તવા દેતા. બદલામાં, એ પૂરા ઉત્સાહથી અમને સુંદર ડિઝાઇન્સ તૈયાર કરી આપતો.

અંતર્મુખી લોકો જીવનમાં બહુ ગણ્યાગાંઠ્યા શોખ ધરાવતા હોય છે. તેમનામાં કર્તવ્યનિષ્ઠા વધુ હોવાને કારણે તેઓ ઘણાં આગળ વધે છે. ત્યારે તેઓ અંતર્મુખી હોવાને કારણે નહિ, તેમ હોવા છતાં આગળ વધી શક્યા છે એ યાદ રાખવું બહુ જરૂરી છે. તેમના સંઘર્ષને માન આપો. તેમને બીબામાં ઢાળવાનો પ્રયત્ન કરવાને બદલે તેમની વાસ્તવિક્તા સ્વીકારો. અંતર્મુખીપણાને વધુ સમજવામાં આ વિડિયો પણ કામ લાગશે.


સુશ્રી આરતી નાયરનો સંપર્ક rtnair91@gmail.com વીજાણુ સરનામે થઈ શકશે

Author: Web Gurjari

2 thoughts on “એક ઉભયમુખી વ્યક્તિ તરીકે મારી સાથે થતા અજાયબ બનાવો

  1. પ્રકૃતિની સુંદર છણાવટ. નિરીક્ષણો અને ઉદાહરણો પણ સચોટ છે.

Leave a Reply

Your email address will not be published.