ચેલેન્જ.edu
રણછોડ શાહ
કર્યું નહીં કંઈ જ જીવનમાં, છતાં પણ સ્થાન શોધે છે,
સરળતાથી મળે એવું ઘણા સન્માન શોધે છે,
જવું છે ક્યાં ખરેખર, એ ગતાગમ છે જ નહીં જેને,
મને આશ્ચર્ય છે કે માર્ગ એ આસાન શોધે છે.
સુનીલ શાહ
આ જીવસૃષ્ટિ ઉપર જન્મ લેતું પ્રત્યેક બાળક જન્મ સમયે તદ્દન કોરી સ્લેટ હોય છે. બાળક સદ્ગુણ કે દુર્ગુણ સાથે જન્મતું જ નથી. તદ્દન નિર્દોષ બાળક જેમ જેમ મોટું થતું જાય તેમ તેમ તેનામાં રહેલી નિર્દોષતા, ભોળપણ, નિષ્કપટ, નિષ્પાપ, નિરાપરાધીપણું, નિષ્કલંકતા વગેરે જેવા સદ્ગુણો ધીમે ધીમે અદૃશ્ય થતા હોય તેવું જોવા મળે છે. બાળક સદ્ગુણોથી વિમુખ થઈ દુર્ગુણો તરફ પ્રયાણ કરે તો તેના માટે જવાબદાર કોણ? પ્રત્યેક બાળક સમાજમાં કોઈકની સાથે એક યા બીજા સંબંધે જોડાયેલ હોવાથી તેમનામાં રહેલ સ્વભાવગત ખામીઓ અને ખૂબીઓથી પોતાની જાતને અલગ રાખી શકે નહીં. પરંતુ પ્રત્યેક બાળકના જીવનમાં પ્રથમ બે દસકામાં તે મમ્મી-પપ્પા અને શિક્ષકોની સૌથી વધુ નજીક હોય છે. તે સતત ઘર અને શાળાના પ્રભાવમાં રહેતો હોય છે. આ ઉંમરે પ્રત્યેક બાળકના આદર્શ (Role Model) કયાં તો મમ્મી-પપ્પા અથવા શિક્ષક હોય છે. આ સંજોગોમાં બાળક ઉપર આ બે વડીલોનો પ્રભાવ રહે તે સ્વાભાવિક છે. ત્યાર બાદની ઉંમરે વ્યકિત જાતે નિર્ણય લેતી હોવાથી તેમાં કોઈ વડીલની ભૂમિકા ભાગ ભજવે છે તેવું કહી શકાય નહીં. બાળક નીચેના જેવા દુર્ગુણોનો ભોગ કેવી રીતે બને છે તે જોઈએ :
(૧) ટીકાત્મક વલણ: કુટુંબ અને શાળા સમાજની લઘુ આવૃત્તિ છે. સગાંઓ અને મિત્રો અવારનવાર ઘરે મળતા હોય છે તો જુદા જુદા સ્વભાવવાળા શિક્ષકો શાળામાં શૈક્ષણિક કાર્ય માટે આવતા હોવાથી બાળકો તેમના સીધા સંપર્કમાં આવે છે. ઘરમાં વડીલો ભેગા મળે ત્યારે જાણેઅજાણે અન્ય મોટી ઉંમરના સગાઓની ટીકા કરતાં જોવા મળે છે. ‘કાકાનો સ્વભાવ તો ચીડિયો અને ગુસ્સાવાળો છે’ તેવું વિધાન બાળક સાંભળે છે; ‘ફોઈ તો સતત મમ્મી વિરુદ્ધ દાદાને કાનભંભેરણી કરે છે; માસાને તો દારૂનું વ્યસન છે; મામા તો અત્યંત ઉડાઉ છે.’ આ તમામ વિધાનો ટીકાત્મક છે. બાળકના કાને પડતાં તે જાણેઅજાણે તેને ગ્રહણ કરી લે છે. તો શાળામાં શિક્ષકો એકબીજા વિશે બોલતા સાંભળવા મળે છે. ‘અ’ સાહેબ તો જૂઠ્ઠાબોલા છે, ‘બ’ સાહેબને ભણાવતાં આવડતું નથી, ‘ક’ સાહેબ તો વર્ગખંડમાં ભણાવતાં ભણાવતાં ગપ્પાં મારે છે વગેરે જેવાં વિધાનો બાળકને ટીકાખોર ન બનાવે તો જ નવાઈ. વડીલોની વાણીમાં ઉચ્ચારતા
ટીકાત્મક વિધાનો બાળકને પણ તે દિશામાં લઈ જાય છે. શરૂઆતમાં તે પોતાના સાથી મિત્રો વિશે ટીકાત્મક બને છે. ધીમેધીમે આ સ્વભાવ તેના જીવનનો એક ભાગ બની જાય છે. સમાજમાં બનતી પ્રત્યેક ઘટના બાબતે વાંકી નજરે જોવાની તેને ટેવ પડી જાય છે. તમામ મિત્રો વિશે તેનો અભિગમ ટીકાત્મક બનતાં ધીરે ધીરે બાળક એકલું પડી જાય છે. વડીલો તેમના અભિપ્રાયો આપતી વખતે બાળકની હાજરીની નોંધ લેવાનું ચૂકી જાય તો આવું બનવું સ્વાભાવિક છે.
(૨) જુઠ્ઠુ બોલવું : નાનપણમાં બાળકને સાચું શું અને ખોટું શું તેની સમજ હોતી જ નથી. તેને સત્ય-અસત્ય વચ્ચેના ભેદની જાણ હોતી નથી. જેમ જેમ મોટું થતું જાય તેમ તે ઘરમાં ખોટું સાંભળે છે અને પછી બોલે છે. પાડોશી કોઈક વસ્તુ માંગવા આવે તો ઘરમાં હોવા છતાં તે વસ્તુ ખલાસ થઈ ગઈ છે તેવું મમ્મીને કહેતાં સાંભળે છે. પપ્પા ખોટું બોલીને ઓફિસે જતા નથી. ભાઈ ઘરમાં હોવા છતાં તેના મિત્રનો ફોન આવે તો તે ટયૂશને ગયો છે તેમ મમ્મી કહે છે. કોઈક વાત છુપાવવા મમ્મી પપ્પાને ખોટું કહેતાં બાળક સાંભળી જાય છે. શાળામાં એક શિક્ષક બીજા શિક્ષકને ઉતારી પાડવા તેમના વિશે ખોટી વાતો વર્ગમાં કરે છે. વિદ્યાર્થીએ શિક્ષકને વરઘોડામાં ફરતા જોયા હોય અને બીમાર હોવાનું કારણ આપી રજા લેતા જુએ છે. આવી અનેક ઘટનાઓ બાળકો જુએ અને સાંભળે છે. ધીરે ધીરે તેઓ પણ તેવું જ વર્તન કરે તે સ્વભાવિક છે. બાળક જાતે પણ કારણ સાથે અથવા કારણ વિના જુઠ્ઠું બોલતો થઈ જાય છે. ધીમે ધીમે માતાપિતા કે શિક્ષકનું કહ્યું ન કરવું હોય તો શું કરવું જોઈએ? તે જાતે ખોટું બોલવા માંડે છે. ત્યારે આ વડીલો તેના ઉપર ગુસ્સે થાય છે. ‘જુટ્ટાડો’ છે તેમ કહી તેને નવાજવાની શરૂઆત કરી દે છે. સાચી વાત તો એ છે કે બાળક જે કાંઈ કરે છે તે અન્યો પાસેથી શીખે છે તેવું સ્વીકારવાની વડીલોની તૈયારી હોતી નથી. કોઈક કવિએ સાચું જ કહ્યું છે.
સાચું બોલવાની સલાહ આપે છે બધા, સાહેબ
કોઈ એવું કેમ નથી કહેતું કે
સાચું સાંભળી પણ લેજો, હોં!
(3) સરખામણી : શાળા અને ઘરમાં સતત થતી આ પ્રવૃત્તિ છે. શિક્ષક વર્ગમાં હોંશિયાર વિદ્યાર્થીને વારંવાર પ્રશ્નો પૂછી જવાબ પ્રાપ્ત કરી પ્રોત્સાહન આપે છે. નબળા વિદ્યાર્થીઓ તરફ તે બેઘ્યાન રહે છે. પરીક્ષાનું પરિણામ જાહેર થતાં જે બાળક સારી સફળતા પ્રાપ્ત કરે તેનાં વખાણ થાય છે. ઘરમાં પણ અન્ય મિત્રો તથા સગાનાં સમવયસ્ક બાળકો સાથે સતત તુલના થયા કરે છે. ધીમે ધીમે બાળકમાં પણ આ ટેવ પડવા લાગે છે. કોઈ પણ બે વ્યકિત સરખી હોઈ શકે નહીં તેવી સામાન્ય સમજનો પણ વડીલોમાં અભાવ જોવા મળે છે. ઘરનાં બે સંતાનોની સતત સરખામણી કર્યા કરતા મમ્મી-પપ્પા અનેકવાર નજરે પડે છે. ‘અમારો નાનલો તો ખૂબ હોશિયાર છે, તે હંમેશા વર્ગમાં પ્રથમ આવે છે. મારા ભાઈનો દીકરો કોઈ પણ હરીફાઈમાં ભાગ લે તો ઈનામ લીધા વિના તો આવે જ નહીં. કાકા પરદેશથી આવે તો છોકરાંઓ માટે ચોકલેટ લઈને જ આવે પરંતુ ફોઈ મુંબઈથી આવે ત્યારે હાથ હલાવતાં આવે છે.’ વડીલો બાળકમાં સતત બે વચ્ચેની સરખામણીના વિચારોનાં બીજ આવા વિધાનો કરીને રોપતાં હોય છે.
(4) ગંદકી કરવી : આ રાષ્ટ્રીય રોગ છે. સમાજમાં થતી ગંદકી માટે આપણે જવાબદાર છીએ તેમ સ્વીકારવા કોઈ તૈયાર નથી. બસ, ટ્રેન કે કારમાં પ્રવાસ કરતી વ્યકિત કચરો ગમે ત્યાં ફેંકી દે છે. ગાડીનો કાચ ઉતારી કે ટ્રેનની બારીમાંથી ચોકલેટનું રેપર, કેળાની છાલ કે નાસ્તો કરેલી પ્લેટ જાહેર રસ્તા ઉપર ફેંકી દેતા અસંખ્ય લોકો નજરે પડે છે. પરદેશમાં પિકનિક અથવા અન્ય જગ્યાએ જતા લોકો સતત પર્સમાં કચરાની કોથળી (Garbage bag) રાખે છે. તેઓ ભાગ્યે જ જાહેર જગ્યાઓ ઉપર કચરો ફેંકે છે. વાલીઓ શાળાનો સાંસ્કૃતિક કાર્યક્રમ માણતાં માણતાં નાસ્તો કરે છે અને બાળકોને પણ કરાવે છે. છેવટે ફાટેલી પ્લાસ્ટીકની કોથળી, તેયાર નાસ્તાનું ફાટેલું રેપર, ચોકલેટનું રેપર વગેરે ત્યાં જ નાંખીને જતા રહે છે. શાળામાં કોઈ પણ કાર્યક્રમના બીજા દિવસે સવારે શાળાના ગ્રાઉન્ડની મુલાકાત લઈએ તો ગંદકી નજરે પડે છે. મેદાન ઉપર મૂકેલી મોટી મોટી સાઈઝની કચરા પેટીનો ઉપયોગ બહુ જ થોડા વાલીઓ કરે છે. સિનેમા કે જાહેર સમારંભો પૂર્ણ થાય ત્યારે ત્યાં જે ગંદકી નજરે પડે છે તે જોઈને શરમથી માથું ઝૂકી જાય છે. ભોજન સમારંભના અંતે આખા ગ્રાઉન્ડ ઉપર જયાં અને ત્યાં ખાદ્યપદાર્થ વેરાયેલો નજરે પડે છે. હવે તો ઘણા શહેરોમાં ઘેરેઘેર (Door to door) કચરો ઉઘરાવવાની વ્યવસ્થા હોવા છતાં મોટાભાગની સોસાયટીઓના રસ્તાઓ ઉપર ઠેરઠેર કાગળના ટુકડા, પ્લાસ્ટિકની કોથળીઓ, પાણી પીને ફેંકેલી બોટલો, શાક સુધારતાં વધેલો કચરો વગેરે જોવા મળે છે. શાળામાં કોઈ વિદ્યાર્થીનો જન્મદિવસ હોય તો વર્ગખંડમાં કચરાની ટોપલી હોવા છતાં ચોકલેટના રેપર આખા વર્ગમાં પડેલાં જોવા મળે છે. આ બાબતે શાળાના શિક્ષકમાં પણ જાગૃતિનો અભાવ જોવા મળે છે. જાહેર રસ્તાઓ ઉપરની ગંદકી માટે વડીલો જવાબદાર છે. તેઓ જ બાળકોમાં આ કુટેવનું આરોપણ કરતા સ્પષ્ટ દેખાય છે.
(પ) સ્વાર્થીપણું : અન્યોના ભલા વિશે વિચારવાને બદલે માત્ર ‘સ્વ’ તરફ વિચારવાની ટેવ બાળકને વડીલો પાસેથી વારસામાં મળે છે. શાળામાં યોજાતા કાર્યક્રમોમાં આ અનુભવ અનેક વખત જોવા મળે છે. વાલીઓ પોતાના સંતાનની કૃતિની રજૂઆત પૂર્ણ થાય એટલે તરત જ કાર્યક્રમ અધવચ્ચેથી છોડીને જતા રહે છે. આ પરિસ્થિતિને ટાળવા કેટલીક શાળાઓ કાર્યક્રમ શરૂ થઈ જાય એટલે શાળાનો ગેટ બંધ કરી દે છે. કેટલીક વાર બાળકોને અન્ય રૂમમાં બેસાડી રાખી કાર્યક્રમ સંપૂર્ણ પૂરો થાય ત્યાર બાદ બાળકો વાલીઓને સોંપવામાં આવે છે. આ રીતે વડીલો બાળકને માત્ર ‘સ્વ’ તરફ દોરી જાય છે. માત્ર પોતે જ ઉત્તમ છે તેવું વિચારતો કરવા પ્રેરે છે. બાળકો તો ઘણીવાર મમ્મી-પપ્પાને તેના મિત્રોની કૃતિઓ જોવા દબાણ કરતાં હોય તેવું જોવા મળે છે. પરંતુ વડીલો તેને ગાંઠતા નથી. કોઈપણ સમારંભમાં કોઈ વસ્તુ વહેંચવામાં આવતી હોય તો વડીલો એક કરતાં વધારે વસ્તુઓ પ્રાપ્ત કરી લેવા પડાપડી કરતા નજરે પડે છે. જરૂર ન હોવા છતાં કાર્યક્રમના પેમ્ફલેટો લઈ રસ્તા ઉપર ફેંકી દેતા લોકોને જોઈએ ત્યારે દુ:ખ થાય છે.
(૬) ઈર્ષા: વ્યકિતના જીવનના આનંદને સર્વનાશ તરફ નોંતરી જતો આ દુર્ગુણ ભયંકર ખતરનાક છે. માનવ સ્વભાવ બીજા સાથે પોતાની સરખામણી કરી અન્યોની ઈર્ષા કરવા માટે મજબૂર કરે છે. બાળકો આ બાબતની નોંધ લેતા હોય છે. ફોઈ કે મામાને ત્યાં કાર આવે તો આનંદિત થવાને બદલે વડીલો તેઓ અયોગ્ય રસ્તે કમાણી કરીને કાર લાવ્યા છે તેની ચર્ચા બાળકોની ઉપસ્થિતિમાં કરે છે. બાળકનું મન હજુ તો પૂર્ણ વિકસીત થયું હોતું નથી. તે કાર જોઈને તેમાં બેસવા લલચાય તે સ્વાભાવિક છે. આ સંજોગોમાં તેને વડીલોની ટીકા અયોગ્ય લાગે છે. વડીલો જાણેઅજાણે બાળકોમાં ઈર્ષાનું બીજારોપણ કરે છે. શાળામાં પણ આવું જ થાય છે. કોઈ ધનવાન બાળક ખૂબ મોંઘી ચોકલેટ જન્મદિવસે વહેંચે તો જેની આર્થિક સ્થિતિ નબળી છે તેવા બાળકોમાં ઈર્ષાનો ભાવ આવવો સ્વાભાવિક છે. ઘર અને શાળાએ બાળકમાં આ ભાવને આગળ વધતો અટકાવવા ખૂબ કાળજીપૂર્વક વ્યવહાર કરવો જોઈએ. ઈર્ષા આગળ વધતાં ધીમે ધીમે તે હિંસામાં પરિવર્તિત થઈ જાય છે. જે વસ્તુ બાળકને સહેલાઈથી પ્રાપ્ત ન થાય તે ગમે તે રસ્તે મેળવવા પ્રયત્ન કરે ત્યારે તે હિંસા અને અસત્યના રસ્તે ચાલે તેવું પણ બને.
શાળા અને ઘરની જવાબદારી છે કે ઉપરના જેવા દુર્ગુણોથી બાળકો દૂર રહે તેવી પ્રવૃત્તિઓનું આયોજન કરે. સંસ્કાર, મૂલ્યો અને નીતિપૂર્વકના આચરણ માટે બાળકોને શિક્ષણ આપે. સદ્ગુણોના વિકાસ માટે પ્રોત્સાહન આપે. વડીલો દુર્ગુણોથી દૂર રહે તેટલું જ નહીં, પરંતુ બાળકોમાં સદ્ગુણો સ્થાપિત કરવાનો સજાગ રહી પ્રયત્ન કરે. સદ્ગુણોનું આરોપણ પુસ્તકો વાંચવા કે વંચાવવાથી થશે નહીં. તેનું તો આચરણ કરી ઉદાહરણો દ્વારા શિક્ષણ આપવાની જવાબદારી વડીલોએ નિભાવવી પડશે.
આચમન:
મુજ વીતી તુજ વીતશે,
એવું શા માટે કહેવું?
મેં માણ્યું તું માણશે,
એમ ન કહી શકાય?
(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )
(તસવીર નેટ પરથી)