બાળ ગગન વિહાર : મણકો – ૧૨ – કાર્લા

શૈલા મુન્શા

વાત અમારી કાર્લાની

“પંખી બનુ ઉડતી ફિરું મસ્ત ગગનમે,
આજમેં આઝાદ હું દુનિયાકે ચમનસે !”

રવિવારની સવારે રેડિયો પર આવતો “ગાતા રહે મેરા દિલ” કાર્યક્રમ મારો મનગમતો કાર્યક્રમ. સવારની કોફી પીતા પીતા જુના જમાનાના ગીતો સાંભળવાની મજા કાંઈ ઓર જ હોય છે.

લતા મંગેશકરના મધુર કંઠે ગવાયેલું ફિલ્મ “ચોરીચોરી” નુ આ ગીત વાગતું હતું અને અચાનક મને કાર્લા યાદ આવી. અમારી કાર્લા પણ મસ્ત મોજીલી પંખિણી જેવી જ હતી.

અમેરિકા આવી મેં શાળામાં જ સહ શિક્ષીકાનુ કામ શરૂ કર્યું, અને પહેલેથી જ હું સ્પેસિઅલ નીડ વાળા બાળકો સાથે કામ કરતી આવી છું. શરૂઆત મેં “Life skill” ના ક્લાસથી કરી, જ્યાં એકથી પાંચ ધોરણના માનસિક દિવ્યાંગ બાળકો એક જ ક્લાસમાં સાથે હોય.

આ ક્લાસમાં પહેલા ધોરણનુ બાળક પણ હોય, અને પાંચમા ધોરણનુ બાળક પણ હોય. કાર્લા અમારા ક્લાસમા આવી ત્યારે એની ઉંમરના હિસાબે એને પાંચમા ધોરણના લેબલ પર દાખલ કરી. લગભગ દશ વર્ષની કાર્લા પણ બોલે કાંઈ નહિ, એક માસુમ સી મુસ્કાન ચહેરા પર હમેશા છલકતી હોય. માનસિક પ્રગતિ સાવ ધીમી, પણ જાણે એની કોઈ અસર નહિ. હાથ પકડીને જમવા લઈ જઈએ તો ચાલવા માંડે, ક્લાસમા રંગ પુરવા કાગળ પેન્સિલ આપીએ તો આડાઅવળા લીટા, કુંડાળા કર્યા કરે. બીજા મોટાભાગના માનસિક દિવ્યાંગ બાળકોની જેમ કાર્લાને પણ સંગીત ખૂબ ગમે. એ સમયે એનો ચહેરો ઝગમગી ઉઠે.

પાર્કમાં રમવા લઈ જઈએ ત્યારે તો ચંચળ પંખીની જેમ કાર્લા પોતાની મસ્તીમાં ઝુમતી કોઈ ને કોઈ પંખીની પાછળ દોડતી હોય, અથવા તો આકાશે ઉડતા પંખી જોઈ હાથ ઊંચા કરી જાણે આ દુનિયાથી દુર પોતાની કોઈ દુનિયામાં ખોવાઈ ગઈ હોય.

એક અનુભવ કાર્લા સાથેનો અહીં ટાંક્યા સિવાય રહી શકતી નથી. અમેરિકામાં સ્પેસીઅલ નીડના બાળકોને ખૂબ સગવડ મળે છે એ જગજાહેર વાત છે. આ બાળકોને પણ સામાન્ય બાળકોની જેમ જ સ્કૂલમાંથી પિકનીક પર લઈ જવામાં આવે, અને દરેક જગ્યાએ  ખાસ મહિનામાં એક દિવસ મોટાભાગે આ બાળકો માટે ફાળવવામા આવે જેથી કોઈની મજાક કે મશ્કરીનો ભોગ આ બાળકો ન બને, શાંતિથી રમી શકે અને મજા કરી શકે.

જાન્યુઆરી મહિનામાં અમે બાળકોને Children’s museum જોવા લઈ ગયા હતા. મહિનાનો પહેલો સોમવાર ફક્ત સ્પેસીઅલ નીડ બાળકો માટે હોય, એટલે વ્હીલ ચેરના બાળકો અથવા બીજા બાળકોને અંદર ફરવા ફરવામાં બહુ તકલીફ ન પડે. અંદર જ્ઞાન સાથે ગમ્મતના ઘણા સાધનો હતા. નાનકડો ગ્રોસરી સ્ટોર જ્યાં બાળકો રમકડાના શાકભાજી, દુધ, ફળ, બ્રેડ બધુ ખરીદે અને કેશ રજિસ્ટર પર આવી ખોટી ડોલરની નોટ આપી વસ્તુ ખરીદે. ફેસ પેન્ટીંગ હોય, નાનકડી હોસ્પિટલ હોય, રમતના સાધનો હોય, લસરપટ્ટીને હીંચકા, રેતીમાં રમવાનુ વગેરે. બાળકોને ખૂબ મજા પડે.

હ્યુસ્ટનમાં જાન્યુઆરી મહિનામાં સારી ઠંડી હોય, એટલે બધા બાળકો જેકેટ પહેરીને આવ્યા હતા, પણ મ્યુઝિયમ ની અંદર હીટર ચાલતું હતું, એટલે અમે બધા બાળકોના જેકેટ કાઢી એક મોટી પ્લાસ્ટીકની બેગમાં ભરી અમારી સ્કૂલનુ નામ અને ટીચરનુ નામ લખી ઓફીસના ક્લાર્કને સાચવવા આપ્યું.

આવી જાહેર જગ્યાએ મોટાભાગે તો બાળકોના માતા પિતામાંથી કોઈ એક અમારી સાથે હોય જ એટલે સાચવવાનુ સહેલું પડે, નહિ તો બે શિક્ષક વચ્ચે બાર બાળકો સાચવવા અઘરા પડે. બે ચાર બાળકોના માતા પિતા ન હોય તો અમે સતત એમનો હાથ પકડી અમારી સાથે જ રાખીએ, જેથી ક્યાંક ખોવાઈ ના જાય. સ્કૂલના નામના ખાસ જર્સી બનાવડાવ્યા હોય જે અમે જ્યારે પણ પિકનીક પર જઈએ ત્યારે બધા બાળકોને પહેરાવીએ જેથી કદાચ કોઈ બાળક ખોવાઈ જાય તો દરેક જગ્યાનો સ્ટાફ અમને મદદરુપ થઈ શકે.

લગભગ બપોર સુધી બધા બાળકોને જાતજાતની પ્રવૃતિમાં ખૂબ મજા આવી અને શાળાના સમય પહેલા સ્કૂલે પહોંચવું જરુરી હોવાથી કારણ ઘણા બાળકો સ્કૂલ બસમાં ઘરે જતાં હોય એટલે મીસ હોપેકે ફોન કરી બસને મુખ્ય દરવાજે આવી જવા કહ્યું, અને કાર્લાનો હાથ મને સોંપી એ ઓફીસમાં બધાના જેકેટ લેવા ગયા. હું બાળકો સાથે કેવી મઝા આવી અને કોને શું ગમ્યુ એમ વાત કરતી હતી અને હોસે બોલી ઉઠ્યો “મીસ મુન્શા પ્લીઝ મારા બુટની દોરી બાંધી આપો”

ક્ષણવાર માટે કાર્લાનો હાથ છોડી વાંકા વળી મેં હોસેના બુટની દોરી બાંધી આપી ને ઉભા થતાં જોયું કે કાર્લા મારી બાજુમાં નહોતી. મારો જીવ અધ્ધર થઈ ગયો, હાંફળા ફાફળાં મેં આજુબાજુ જોયું,  એક ક્ષણમાં કાર્લા ક્યાં જતી રહી? મીસ હોપેક આવી ને અમે બંને ચારેબાજુ શોધાશોધ કરવા માંડ્યા. અમે ઊભા હતા ત્યાં થોડે દુર જ કાચનો મોટો દરવાજો હતો અને ત્યાંથી બહાર ખુલ્લું આકાશ દેખાતું હતું.

એક ક્ષણમાં કાર્લા ત્યાં પહોંચી ગઈ હતી.

અમે સહુ ચિંતામાં હક્કાબક્કા થઈ ગયા હતા. મુઝિયમનો સ્ટાફ પણ ચારે તરફ કાર્લાને શોધી રહ્યો હતો અને અમારી કાર્લા નચિંત ભાવે દુનિયાથી બેખબર માસુમિયતભરી મુસ્કાન સાથે “પંખી બનુ ઉડતી ફિરૂં મસ્ત ગગનમેં” ના ખયાલોમા ડુબી ઉંચે ઉડતા પંખીઓને નિર્દોષ હાસ્ય સાથે મનભર માણી રહી હતી!!!!

આવા માસુમ બાળકો મને જીવવાની પ્રેરણા આપે છે, એમનુ નિર્દોષ હાસ્ય દિવસભરનો થાક ઉતારી દે છે.

મારી આ બેફિકર પંખિણી સદા હસતી રમતી રહે એ જ ઈશ્વરને પ્રાર્થના!!

અસ્તુ.


સુશ્રી શૈલાબેન મુન્શાનો સંપર્ક smunshaw22@yahoo.co.in  સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “બાળ ગગન વિહાર : મણકો – ૧૨ – કાર્લા

Leave a Reply

Your email address will not be published.