ચલ દરિયા મેં ડૂબ જાયેં…

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

આપણા પોતાના કે આપણી આસપાસના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક ચોમાસા દરમિયાન જોવા મળે છે કે વરસાદને કારણે નવા નવા વિસ્તારોમાં પાણી ભરાવા માંડ્યું છે. આનું કારણ સાવ સાદું છે. જે તે નગરના નૈસર્ગિક ભૂપૃષ્ઠમાં પરિવર્તન કરવાને કારણે મુખ્ય માર્ગ પર થર વધતા જાય છે, જે પાણીને કુદરતી ઢાળ મુજબ વહી જતું રોકે છે. વિવિધ કારણોસર સતત થઈ રહેલા જલવાયુ પરિવર્તનને કારણે વરસાદની પદ્ધતિ બદલાઈ છે, જેને કારણે પાણી ભરાવાની ઘટનાઓ નિયમીત બની છે.

જળવાયુ પરિવર્તન માટે મનુષ્યે કુદરતનું ખોરવેલું સંતુલન જવાબદાર છે એ હકીકત હવે સંશોધનનો વિષય રહી નથી. હવે એ જોવાનું રહે છે કે તેને કારણે ક્યારે, કયું પરિબળ અસરગ્રસ્ત બનશે અને તેનાથી માનવજાતને કેવું અને કેટલું નુકસાન થશે. સંસદમાં પૂછાયેલા એક સવાલના જવાબમાં સરકારના પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી ચિંતાજનક કહી શકાય એવી છે. એ અનુસાર વિવિધ રાજ્યોના સમુદ્રતટ પર ઓછેવત્તે અંશે થઈ રહેલા સતત ધોવાણનું પ્રમાણ વધ્યું છે. દેશના આશરે ૬,૯૦૭ કિ.મી. લાંબા સમુદ્રતટ પૈકી ૩૪ ટકા વિસ્તારમાં વિવિધ પ્રકારે ધોવાણ થતું રહ્યું છે, ૨૬ ટકા તટીય વિસ્તારમાં વૃદ્ધિ થઈ છે, તેમજ બાકીનો ૪૦ ટકા વિસ્તાર જેમનો તેમ છે. આ અભ્યાસ ૧૯૯૦ થી ૨૦૧૮ દરમિયાનના સમયગાળાનો છે.

રાજ્યવાર ટકાવારીમાં પશ્ચિમ બંગાળના સમુદ્રતટનું સૌથી વધુ ૬૦.૫ ટકા ધોવાણ થયું છે. એ પછી ૫૬.૨ટકા ધોવાણ સાથે પુડ્ડુચેરી દ્વિતીય ક્રમે છે. કેરળમાં ૪૬.૪ટકા, તમિલનાડુમાં ૪૨.૭ટકા, તેમજ કર્ણાટક, ગુજરાત તથા મહારાષ્ટ્રમાં તે સરેરાશ ૨૫ ટકા જેટલું છે.

આઈ.આઈ.ટી.-મુમ્બઈ અને નેશનલ સેન્‍ટર ફોર અર્થ સાયન્‍સ સ્ટડીઝ દ્વારા ૨૦૧૬માં હાથ ધરાયેલા એક સંયુક્ત અભ્યાસ અનુસાર છેલ્લા ત્રણ દાયકામાં થયેલા આ ધોવાણની ગતિ આગામી ત્રણ દાયકામાં દોઢ ગણી વધુ હશે. ભારતના તટીય વિસ્તારનાં શહેરો ૨૦૫૦ સુધીમાં પાણીમાં ગરક થવા અંગેના અનેક અભ્યાસ થઈ ચૂક્યા છે. અલબત્ત, આ જોખમ કેવળ તટીય વિસ્તારનાં શહેરો પૂરતું મર્યાદિત રહેવાનું નથી. દરિયા સાથે આજીવિકા સંકળાયેલી હોય એવા અનેકવિધ લોકો પણ આને કારણે અસરગ્રસ્ત થશે.

તટીય વિસ્તારના થતા જતા ધોવાણને કારણે અહીં વસવાટ કરતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. તેની અસર તેમની આજીવિકા તેમજ આશ્રયસ્થાન પર પડી છે.

સવાલ એ છે કે તટીય વિસ્તારનું આવું ધોવાણ શા કારણે થાય છે? આના માટે કુદરતી અને કૃત્રિમ એમ બન્ને પરિબળો જવાબદાર છે. વાવાઝોડાં તેમજ અન્ય કુદરતી આપત્તિઓનું વધી રહેલું પ્રમાણ આ પૈકીનું એક કારણ છે. અન્ય કારણોમાં માળખાકીય સુવિધાઓમાં વૃદ્ધિ, રેતીનું ખનન તેમજ મેન્‍ગ્રોવ વૃક્ષોનો વિનાશ જવાબદાર છે.

અલબત્ત, કુદરતી આપત્તિઓના વધી રહેલા પ્રમાણ માટે જળવાયુ પરિવર્તન જવાબદાર છે, અને જળવાયુ પરિવર્તન માટે આખરે માનવ જ જવાબદાર છે. આથી કુદરતી ગણો કે કૃત્રિમ, બેય પ્રકારનાં પરિબળો છેલ્લે માનવ તરફ જ આંગળી ચીંધે છે. તટીય વિસ્તારના નિયમન માટે નક્કી કરાયેલા નીતિનિયમોનો કાં અમલ થતો નથી, કે પછી અમલમાં શિથિલતા જોવા મળે છે. તટીય વિસ્તારના રક્ષણ અને ધોવાણને કારણે અસરગ્રસ્ત બનેલા લોકોના પુનર્વસન માટે મોટા પ્રમાણમાં નાણાંની ફાળવણી કરવામાં આવે છે, છતાં મૂળ સવાલ ધોવાણ રોકવા માટે ઉપયોગમાં લેવાનારી યોગ્ય અને અસરકારક પદ્ધતિઓનો છે.

દરિયાઈ મોજાંના આક્રમણને રોકવા માટે સામાન્ય રીતે દીવાલ તેમજ આડબંધ બનાવવામાં આવે છે. મોટે ભાગે એવું જોવા મળ્યું છે કે આવી આડશો હોય એ સ્થળે મોજાંનો પ્રહાર રોકાય છે, પણ તે આડશો ન હોય એવા આસપાસના અન્ય વિસ્તારોને અસર કરે છે. ‘ઈન્‍ટરગવર્ન્મેન્‍ટલ પેનલ ઑન ક્લાઈમેટ ચેન્‍જ’ (આઈ.પી.સી.સી.) આવી આડશો અંગે સાશંક છે અને તેણે એ બાબતે ચેતવણી આપેલી છે. આડશ આ સમસ્યાના ઊકેલને બદલે ખુદ એક સમસ્યા બની રહે એવી સ્થિતિ મોટે ભાગે જોવા મળે છે. આ સંજોગોમાં તટીય વિસ્તારના ધોવાણને રોકવા અને તેના રક્ષણ માટે વધુ સંશોધન તેમજ વૈજ્ઞાનિક અભ્યાસ દ્વારા બહેતર અને અસરકારક પદ્ધતિઓ વિકસાવવી જરૂરી બની રહે છે.

એવું નથી કે આવી પરિસ્થિતિ કેવળ ભારતમાં જ છે. કુદરત સાથે ચેડાં કરવાનું પ્રમાણ વિકસીત ગણાતા દેશોમાં વધુ રહ્યું છે. વિવિધ દેશોના અનેક સાગરતટને દરિયો ગળી જશે એવી ભીતિ સેવાઈ રહી છે. તટીય વિસ્તારના ધોવાણને અટકાવવા માટે વિવિધ દેશો અલગ અલગ પ્રકારનાં પગલાં લઈ રહ્યા છે, પણ તેની સામે જળવાયુ પરિવર્તનનો દર એટલો ઝડપી છે કે આ પગલાંની દશા સાપસીડીની રમતના ચોકઠામાં સાપના મોં પાસે આવતી કૂકરી જેવી થાય છે.

આની વિપરીત અસર કેવળ માનવ પૂરતી મર્યાદિત રહે છે એવું નથી. અન્ય જીવસૃષ્ટિ પર પણ તેને લઈને જોખમ તોળાઈ રહ્યું છે. અમુક દેશોમાં ધોવાણ થયેલા સાગરતટ પર રેતી ઠાલવવામાં આવે છે. આ પ્રકારનાં પગલાં ઘણા ખરા કિસ્સામાં ખર્ચાળ હોવાને કારણે વિવિધ દેશોની સરકાર તેનો અમલ ટાળે છે.

આ સમસ્યાનો કોઈ ચોટદાર ઉપાય હોય તો એ છે કાર્બન ઉત્સર્જનને ઘટાડવાનો. મુખ્યત્વે અશ્મિજન્ય બળતણના ઉપયોગને કારણે પેદા થતો અંગારવાયુ પૃથ્વીના તાપમાનમાં વૃદ્ધિ કરનાર અને એ રીતે સમગ્ર જળવાયુ પરિવર્તન માટે જવાબદાર મુખ્ય ખલનાયક છે. તેના ઉત્સર્જન પર નિયંત્રણ આવે તો પરિસ્થિતિમાં કંઈક ફેર પડે. કોવિડની મહામારીને પગલે લદાયેલા લૉકડાઉન દરમિયાન કાર્બન ઉત્સર્જનમાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. એનો અર્થ એમ કરવો કે કોવિડ જેવી મહામારી આવે તો જ એ ઘટી શકે? સ્વયંશિસ્તથી આપણે એ ઘટાડી શકીએ એમ નથી? સરકારે તો ખરું જ, પ્રત્યેક નાગરિકે પણ આ વિચારવા જેવું અને પોતાના ભાગનું કાર્બન ઉત્સર્જન ઘટાડવા જેવું ખરું.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૧૯-૦૫ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.