કુદરત પ્રશ્ન થઈ તમને પૂછે તો તમે ક્યું વરદાન માંગશો ?

વાત મારી, તમારી અને આપણી

ડૉ. મૃગેશ વૈષ્ણવ.
એમ.ડી.(મનોચિકિત્સક)

બાળક જન્મે છે ત્યારે તેની જન્મકુંડળી બનાવી તેનું ભવિષ્ય કેવું હશે તે જાણવાની કોશિષ કરાય છે.

         હકીક્તમાં બાળક સફળ થશે કે નિષ્ફળ તેનો આધાર તેના બાલ્યાવસ્થાના ઉછેર અને અનુભવોને અનુરૂપ તેના મનમાં કંડારાયેલ તેની સેલ્ફી પર હોય છે.

         બાલ્યાવસ્થામાં ઘડાયેલ સેલ્ફીનો પ્રભાવ બાળકના સમગ્ર વ્યક્તિત્વ અને અસ્તિત્વ પર પડે છે. બાલ્યાવસ્થાની તેની આ સેલ્ફ-ઈમેજ ભવિષ્યમાં તેનો જાનીદોસ્ત કે કટ્ટર શત્રુ બની શકે છે.

વ્યક્તિત્વ વિકાસ અને સ્વવિકાસ તથા જીવનમાં બદલાવ લાવવા અંગે યોજાતા મારા સેમિનારોમાં તથા વર્કશોપ્સમાં ભાગ લેવા આવતા યુવાનો, વાલીઓ, વયસ્કોને જ્યારે મેં પ્રશ્નો કર્યા છે કે કુદરત તમારા પર પ્રસન્ન થઈને તમને એમ કહે કે કર્યા છે કે કુદરત તમારા પર પ્રસન્ન થઈને તમને એમ કહે કે “માંગ… માંગ… માંગે તે આપું… તો તમે નીચેનામાંથી કયું વરદાન માંગશો ?”

૧. પરીક્ષા આપ્યા વિના તમને મનગમતી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી.

૨. પચાસ કરોડ રૂપિયાની સંપત્તિ કે રોકડ રકમ.

૩. અત્યંત સ્વરૂપવાન પત્ની/પતિ જેની તોલે દીપિકા પાદુકોણે કે રણવીર સિંહ પણ ન આવે.

૪. તંદુરસ્ત કે હકારાત્મક “સેલ્ફ-ઈમેજ” – “સેલ્ફી”.

આટલા વિકલ્પો આપ્યા પછી કુદરત તમને એમ કહે કે તમારે જે વિકલ્પની પસંદગી કરવી હોય તે કરી લો. તમને એ વરદાન મળી જશે. તો બોલો વાચકમિત્રો તમે શેની પસંદગી કરશો ?

આમ તો ચારેય વિકલ્પ લોભામણા છે ને ?

પરીક્ષાના ટેન્શન વિના મનગમતી પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી મળી જાય. હાર્ટ સ્પેશીયાલીસ્ટ, ડાયબિટોલોજીસ્ટ, મનોચિકિત્સક, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, જિયોલોજીસ્ટ, કોમ્પ્યુટર એન્જિનિયર…  વગેરે જે ઇચ્ચાએ તે ડિગ્રી મળી જાય પછી જિંદગીમાં જોઈએ શું ?

પણ એ ડિગ્રીનું શું કરશો ? નિષ્ણાત તરીકે પ્રેક્ટિસ કરવાની તાલીમ અને આત્મવિશ્વાસ ક્યાંથી લાવશો ? તમારા ફિલ્ડમાં ખ્યાતનામ માત્ર ડિગ્રીથી નથી થવાતું, પણ તેમાં પારંગતતા મેળવી તમારી “સેલ્ફી”થી થવાય છે.

તો પછી પચાસ કરોડ રૂપિયા માંગી લઈએ તો કેવું સારું ? કારણ દુનિયામાં પૈસો જ બધું છે. પચાસ કરોડના વ્યાજમાંથી જ બેઠા બેઠા ખવાય. આરામદાયક જિંદગી જીવાય. પણ પછી ? જીવન હેતુવિહીન, કંટાળાજનક બની જાય અને બેઠે-બેઠે કુબેરના ભંડાર પણ ખૂટવા માંડે.

તો પછી સ્વરૂપવાન પત્ની કે હેન્ડસમ પતિ માંગવો શું ખોટો ? દુનિયાને બતાવી દેવાય કે શું ચીજ લઇ આવ્યો છું ભાઈ ? અને ચાર ફૂટ અધ્ધર ચલાય. પરંતુ આમાં તમારું મૂલ્ય ક્યાં ? થોડા સમય પછી તમારા બંનેની સરખામણી કરી કાગડો દહીથરું તાણી ગયો એમ કહી તમારી મશ્કરી લોકો નહીં કરે ? સ્વરૂપવાન પત્નીથી ઉછીનો લાવેલો આત્મવિશ્વાસ ક્યાં સુધી ટકી રહેશે ?

હવે ચોથો વિકલ્પ છે “સેલ્ફ-ઈમેજ”નો. “સેલ્ફી” વિશે તમને પહેલાં આછો ખ્યાલ આપી દઉં.

તમારા પાડોશીની ખામીઓ, ખૂબીઓ અને ખાસિયતોનું તમને પૂરેપૂરું જ્ઞાન છે. પણ તમારા મનમાં તમારા પોતાના વિશેના ખ્યાલ સ્પષ્ટ છે ?

તમે તમારા વિશે શું વિચારો છો ?

તમે તમને કેવા માનો છો ?

તમારી ક્ષમતા, કાર્યકુશળતા અને પ્રભાવ કેવો છે ?

તમારામાં આત્મવિશ્વાસ કેટલો છે ?

તમે તમને કેટલા ચાહો છો…? કેટલા ધિક્કારો છો ?

સીગમેન્ડ ફ્રોઈડ કહે છે, “પ્રત્યેક માણસ કોરી સ્લેટ સાથે આ જગતમાં જન્મે છે. જન્મ સમયે તેને તેની જાય માટે કોઈ અભિપ્રાય હોતો નથી.”

હું સારો છું કે ખરાબ, દુનિયા માટે કામનો છું કે નકામો એ વિશે કોઈ જ માહિતી નથી હોતી. પોતાની જાત વિશેનો ખ્યાલ, છાપ કે છબિ જન્મ પછી થતા વિવિધ અનુભવો પછી તેને થાય છે.

પ્રત્યેક વ્યક્તિને જન્મ પછી આજદિન સુધી સારા-માઠા. કડવા-મીઠા, પ્રેમાળ કે આઘાતજનક અનુભવ થાય છે. રોજબરોજના આ અનુભવોની છાપ તેના મનમાં છપાતી રહે છે.

જો સારી અને હકારાત્મક છાપ છપાતી રહે અર્થાત્ સારા અનુભવો થતા રહે તો વ્યક્તિ માને છે કે, “આ જગત મારા માટે સારું છે, મારી આસપાસના લોકો મને આવકારે છે, સ્વીકારે છે એટલે હું સન્માનનીય, પ્રભાવશાળી, હોશિયાર વ્યક્તિ છું.”

આથી તદ્દન વિપરિત જો કડવા અને નકારાત્મક અનુભવો વધારે પ્રમાણમાં થાય તો તેની કડવી અને નકારાત્મક છાપો મગજમાં છપાતી રહે જેથી વ્યક્તિ એમ માનવાને મજબૂર બને છે કે આ જગત તારા માટે સારું નથી. અહીયા તને કોઈ આવકારતું નથી કે સ્વીકારતું નથી, કારણ તું પ્રેમ અને વહાલને લાયક નથી. તું નકામો છે. તારો કોઈ પ્રભાવ પડતો નથી. તું ધીક્કારવાને, વખોડવાને યોગ્ય વ્યક્તિ છું.

એટલે જ તમે તંદુરસ્ત “સેલ્ફી” ધરાવો તે જરૂરી છે. કારણ વ્યક્તિ પોતાના વિશે જે અભિપ્રાય ધરાવે છે તે મુજબ જ વર્તન કરે છે. પોતાને પ્રભાવશાલી માનનારી વ્યક્તિનું વર્તન પ્રભાવશાલી હોય છે. પોતાને કાબેલ સમજનાર વ્યક્તિ ગમે તેવા વિપરીત સંજોગોમાં માર્ગ કાઢે છે અને પોતાને ડફોળ સમજનાર વ્યક્તિ મૂર્ખતાપૂર્ણ વર્તન કરે છે.

તમે આજે જે પ્રકારનું જીવન જીવી રહ્યા છો તેની સ્ક્રિપ્ટ બાલ્યાવસ્થામાં જ લખાઈ ગઈ હતી. કોઈ માણસ તેના ભૂતકાળથી સહેલાઇથી વિખૂટો પડી શક્યો નથી.

એટલે જ પ્રખર મનોચિકિત્સકો અને મોટીવેશનલ ગુરુઓ “પોઝીટિવ થીંકીંગ”ની સલાહ આપે છે, કારણ નકારાત્મક વિચારો કરી હકારાત્મક પરિણામો મળી શકતા નથી.

પોઝીટિવ થીંકીગના અથાગ પ્રયત્નો કરતા સેંકડો લોકોએ મને ફરિયાદ કરી છે કે તેઓ ગમે તેટલું હકારાત્મક વિચારે છે તોપણ તેમણે સફળતા મળતી નથી.

આનું શું કારણ ?

વ્યક્તિમાં કુદરતે બક્ષેલ યોગ્યતા, હોશિયારી અને આવડતનો ઉપયોગ ગમે તેટલું પોઝીટિવ થીંકીંગ કરવા છતાં વ્યક્તિ કેમ કરી શકતી નથી ?

આનું કારણ છે “સેલ્ફી” એટલે કે “સેલ્ફ-ઈમેજ”. વ્યક્તિના મનમાં પોતાની તંદુરસ્ત સેલ્ફી ન કંડારાઈ હોય તો તેની બુદ્ધિશક્તિ કે કાબેલિયતનો તે પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરી શકતો નથી.

બાલ્યાવસ્થામાં તમારી જીવનની સ્ક્રિપ્ટ લખાઈ ગઈ હોય તો તમે હજી પણ જ્યારે નક્કી કરો ત્યારે તમારા લાભમાં તે બદલી શકો છો.

એ માટે જરૂર છે સશક્ત અને આત્મવિશ્વાસથી ભરપૂર “સેલ્ફ-ઈમેજ”ની.

એટલે જ તમે અત્યારે ગમે તે વયના હોવ પણ કુદરત જો તમને વરદાન માંગવાનું કહે તો તમે બધા જ વિકલ્પ ફગાવી દઈ તંદુરસ્ત “સેલ્ફી” – “સેલ્ફ-ઈમેજ”ની માંગણી કરજો.

કારણ ?

મોટા ભાગના લોકો પોતાના દિલમાં કંઈક કરવાની ઈચ્છા સાથે જ મૃત્યુ પામે છે. જેનું કારણ નબળી “સેલ્ફી” – “સેલ્ફ-ઈમેજ” હોય છે.

તમે એ લોકોની પંગતમાં ક્યારેય ન જોડાશો.

ન્યુરોગ્રાફ:

તમારો જીવન લેખ; કોઈ ગ્રહ, નંગ, બાધા, વિધિ, વાસ્તુશાસ્ત્ર, તાવીજ, તંત્ર કે મંત્ર નહિ પણ તમે અને માત્ર તમેજ બદલી શકો છો. જે શક્ય છે તમારી તંદુરસ્ત “સેલ્ફી” ઘડવા થી.


સંપર્ક – ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.
ઈ-મેલ ઃ mrugeshvaishnav@gmail.com
Website: www.drmrugeshvaishnav.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.