માંડી વાળેલ

આશા વીરેન્દ્ર

ધડધડ ધડધડ કરતી સુપર ફાસ્ટ ટ્રેન દિલ્હી તરફ ભાગી રહી હતી.પૂનમબેન અને બકુલભાઈએ વર્ષોથી ચારધામની જાત્રા કરવાની ઈચ્છા મનમાં ને મનમાં ધરબી રાખી હતી.કેટલીય વાર જવાનું વિચાર્યું પણ દર વખતે કંઈ ને કંઈ વિઘ્ન આવીને ઊભું જ હોય. કોઈની માંદગી તો કોઈનું મરણ,ધંધામાં મંદી ને પૈસાની તંગી આવા કોઈને કોઈ કારણસર જાત્રાએ જવાનું પાછું ઠેલાયા કરતું હતું.એ તો સારું થયું કે આ વખતે શિવમ અને શિવાની-મોટા દીકરા, વહુએ મક્કમ થઈને કહી દીધું હતું,

‘અહીંનું જે થવાનું હશે એ અમે સંભાળી લઈશું.કંઈ પણ ચિંતા કે મન પર બોજ રાખ્યા વિના તમે બસ, નીકાળી જ જાવ.’

શિવમે તો વળી હસતાં હસતાં કહ્યું હતું,

‘પપ્પા, તમે ઘણી વાર કહો છો ને કે, તરસ લાગી હોય તો ઘોડાએ નદી પાસે જવું પડે, નદી કંઈ ચાલીને ઘોડા પાસે નથી આવવાની.એમ જ પ્રભુના દર્શન કરવા હોય તો જવું તો તમારે જ પડશે ને?ભગવાન પર્વત પરથી ઊતરીને તમારી પાસે નથી આવવાના.તૈયારી કરવા જ માંડો, હું ટિકિટ બુક કરાવી દઉં છું.’

સારામાં સારા ટૂર ઓર્ગેનાઈઝરની ખૂબ સુવિધાભરી ટૂરની ટિકિટ એ લઈ આવ્યો હતો.કેટલાય દિવસોથી શિવાની પણ તૈયારી કરવામાં મચી પડી હતી.નાનામાં નાની ચીજ- વસ્તુઓની એણે બનાવેલી યાદી જોઈને બકુલભાઈ હસી પડ્યા હતા,

‘શિવાની, આમ આખું ઘર જ સાથે લઈને જવાનું હોય તો એના કરતાં ઘરમાં બેઠેલાં શું ખોટાં હતાં?તેં તો તેલ ને શેમ્પૂથી માંડીને સોય- .દોરા ને બટન જેવી વસ્તુ પણ યાદીમાં લખી છે!’

‘બહાર નીકળીએ ત્યારે બધી વસ્તુ સાથે રખેલી સારી.ઓચિંતી જરુર પડે ને એ ચીજ આપણી પાસે ન હોય તો અજાણી જગ્યામાં ક્યાં લેવા નીકળીએ?એના કરતાં થોડો સામાન ભલે વધારે થાય.તમારે કયાં ઉંચકવાનું છે?ટૂરવાળા જ બધી વ્યવસ્થા કરશે.’

‘હા, બધાં તમારી જેમ સીનિયર સીટિઝન જ છે એટલે એ લોકો બહુ સંભાળ રાખે.તમે જરા ય ટેંશન નહીં રાખતાં.’

નાનાં બાળકને પહેલી વાર એકલું ઘરની બહાર મોકલતાં હોય એમ શિવમ અને શિવાનીએ ખાવા –પીવા અને પહેરવા- ઓઢવાથી માંડીને મમ્મી- પપ્પાની દવાઅને બૂટ –ચંપલ સુધીની વ્યવસ્થા હોંશભેર કરી હતી.મુંબઈથી દિલ્હી સુધી સૌ યાત્રીઓએ પોતાની રીતે પહોંચવાનું હતું અને ત્યાંથી ટૂરમાં જોડાવાનું હતું.

કેટલાંય વર્ષો પછી હુતો-હુતી એકલાં આમ ફરવા નીકળ્યાં હતાં એનો આનંદ પૂનમબેન્નના ચહેરા પર પૂનમના ચાંદના પ્રકાશની જેમ પથરાયો હતો.

‘આપણે ઘરમાંથી નીકળ્યાં ત્યારે વિશ્વા અને વત્સલ બેય કેવાં ઢીલાં થઈ ગયાં હતાં નહીં?કોઈ દિવસ આપણાંથી છૂટાં નથી પડ્યાંને,એટલે એમને ગમવાનું નથી જોજોને!’ બંને પગ બર્થ પર લઈ પલાંઠી વાળીને નિરાંતે બેસતાં એમણે કહ્યું.

‘હં…’ બકુલભાઈએ ધીમો હોંકારો પૂર્યો.

‘શિવમ તો બરાબર કે આપણું લોહી એટલે કરે પણ શિવાની પારકી જણી હોવા છતાં આટલી લાગણી અને પ્રેમ રાખે તે આપણે કેટલાં પુણ્ય કર્યાં હશે, નહીં?’

‘હં…’

‘શું ક્યારના હં હં કર્યા કરો છો?કોઈને કોઈ બહાને તમારી સાથે વાત કરવાનો, તમને બોલાવવાનો પ્રયત્ન કર્યા કરું છું  પણ તમે તો બહાર નીકળીનેય ચિંતાનું પોટલું માથે લઈને જ ફરો છો.મનમાં શું ભર્યું છે, કંઈ બોલો તો સમજાય.’

જોશભેર કહેવા જતાં પૂનમબેનનો અવાજ ધીમો પડતાં પડતાં સાવ મંદ પડી ગયો.એ પોતેય ક્યાં નહોતા જાણતાં કે,બકુલભાઈની ઉદાસીનું કારણ શું છે?ભલે કહેવાતું હોય કે જોડો ક્યાં ડંખે છે એ તો પહેરનારને જ સમજાય પણ એમના કિસ્સામાંતો એવું હતું કે બેઉએ એક એક પગમાં એક એક જોડો પહેર્યો હતો એટલે બેઉને ખબર હતી કે એ ક્યાં અને કેટલો ડંખે છે?આ ડંખનાર હતો નાનો દીકરો રુચિર.દેખાવડો, ચબરાક,હોશિયાર રુચિર.ભણવામાંય એટલી તેજસ્વી કારકિર્દી કે મા-બાપે તો માની જ લીધેલું કે, દીકરો ભણી- ગણીને મોટો સર્જન થશે ને સૌ આપણને રુચિરનાં મમ્મી- પપ્પા તરીકે ઓળખશે પણ તે દિવસ એમનાં જીવનમાં ઝંઝાવાત લઈને આવ્યો જ્યારે એકાએક એણે જાહેરાત કરી હતી,

‘મારે આ લાઈનમાં આગળ નથી ભણવું.’

‘એટલે?આ લાઈનમાં નહીં તો બીજી કઈ લાઈનમાં?તું તો મોટો ડૉક્ટર થવા જ સર્જાયો છે.થાક્યો કે કંટાળ્યો હોય તો નાનકડો બ્રેક લઈ  લે.’ બકુલભાઈએ હળવાશથી કહ્યું હતું.

‘ના, મારે આ બધું છોડીને ફિલ્મ મેકીંગમાં જવું છે.ભલે મોડો તો મોડો પણ મને ખ્યાલ આવ્યો છે કે, મારા રસનો વિષય કયો છે?”

પૂનમબેનનાં આંસુ, બકુલભાઈનો આક્રોશ કે શિવમની સમજાવટ-કશુંય કામ નહોતું લાગ્યું.ફિલ્મ મેકીંગના કોર્સ માટે એડમીશન લીધા પછી ધીમે ધીમે એ બધાથી અતડો થતો ગયો.જો કે, પૂનમબેનનું-એક માનું હૈયું બરાબર સમજતું હતું કે એને દૂર કરતો જવામાં એ સૌ હિસ્સેદાર છે.સૌનું એની સાથે ખપ પૂરતું બોલવું,એણે બહુ મોટી ભૂલ કરી છે અને બધાંનાં હૈયાં દુ:ભવ્યાં છે એવો વગર બોલ્યેય અનુભવ કરાવ્યા કરવો,એને વહેલું- મોડું થાય તો એનાં ખાવા-પીવાની ચિંતા કર્યા વિના રસોડું ચોખ્ખું કરીને સૂઈ જવું -આ બધું જાણે એની સામે રચાયેલો ત્રાગડો હતો.શિવાનીને નાના દિયરિયા માટે ખૂબ લાગણી હતી..ઘરમાં જે મૂંગો અસહકાર ચાલી રહ્યો હતો એનાથી એ ખૂબ અકળાતી,

“મમ્મી, રૂચિર એનું ભલું-બુરૂં બરાબર સમજી શકે છે.પોતાની પસંદનું કામ કરવું એ શું ગુનો છે?એ થાક્યો પાક્યો આવીને ભૂખ્યો સૂઈ જાય ને આપણે કોઈ એને પૂછીયે પણ નહીં કે, તેં કંઈ ખાધું છે કે નહીં?મારાથી આ બધું સહન નથી થતું મમ્મી, તમે પપ્પાને સમજાવો.”

‘વિશ્વા અને વત્સલ ન સમજતાં હોય તો એમને સમજાવાય પણ જે બધું સમજતા હોય એને કઈ રીતે સમજાવું?’પૂનમબેન પાલવથી આંખો લૂછતાં કહેતાં,’શું કરું બેટા, લાચાર છું,બાકી પેટના જણ્યાની ચિંતાની હૈયાસગડી મને દિવસ રાત કેવી બાળ્યા કરે છે એ હું જ જાણું છું.’

બકુલભાઈએ તો રુચિરની હાજરીની,એના આવવા-જવાની નોંધ લેવાનું ય છોડી દીધું હતું.એક છત નીચે રહેતી બે અજાણી વ્યક્તિ જેવો બેઉ વચ્ચેનો વહેવાર આખા ઘર પર ઓથાર બનીને ઝળુંબતો હતો.દીકરાની સદંતર અવગણના કરતા હોવા છતાં એણે વાળ વધારવા માંડ્યા એ એમની નજર બહાર નહોતું રહ્યું.એ જે કંઈ કરે એ માટે પૂનમબેન જ જવાબદાર હોય એમ એમણે કહ્યું હતું,

‘આ શું વેશ કાઢ્યા છે તમારા રાજકુંવરે?કાનમાં બુટ્ટી,ચિત્ર વિચિત્ર કપડાં ને એ બધું ઓછું હોય એમ હવે છોકરીઓની જેમ પોની વાળવા માંડી છે.મને તો કોઈને કહેતાં ય શરમ આવે છે કે એ મારો દીકરો છે.’

પૂનમબેનની જીભ સુધી કંઈ કેટલીય વાતો આવી જતી,’આ ઉંમર છે એની, કરી લેવા દો ને શોખ પૂરા.હજી તો એ બાવડા પર ટેટૂ ચીતરાવવાનું ય કહેતો’તો. મેં કહ્યુંકે, તારે તો ઠીક છે,આખો દિ’ ઘરની બહાર રહેવાનું પણ તું ટેટૂ ચીતરાવશે તો સાંભળવાનું તો મારે જ આવશે.તારા પપ્પા તો મને જ કહેશે કે, મેં તને ફટવી મૂક્યો છે.ત્યારે વળી મારે ખાતર એ માની ગયો પણ હું તમને પૂછું કે, આપણાં લગ્ન વખતે તમે થોભિયા વધારેલા ને?(બળ્યું હું તો ભૂલી ગઈ,એને શું કહેતા?હા…સાઈડ લોગ્સ) એ થોભિયા બાપુજીને જરાય નહોતા ગમતા.કહેતા કે, આ વળી કઈ જાતની ફેશન?બે બાજુના થોભિયા વધારી વધારીને છેક દાઢી સુધી લઈ આવવાના ને વળી એવી કટ કરાવવાના હજામને બમણાં પૈસા આપવાના.ભુંડા લાગો છો ભુંડા.બાપુજી બોલતા રહેતા ને તમે તમારું ધાર્યું જ કરતા.હવે એ બધું ભૂલી ગયા?’

પણ આવા બધા સંવાદ એમનાં મનમાં જ ચાલતા,એક હરફેય બહાર ન નીકળતો.અત્યારે પૂરપાટ ભાગતી ટ્રેનના એ. સી. કોચની બર્થ પર પતિની પડખે

બેસી,એમના હાથ પર હાથ મૂકી, રીસાયેલા બાળકને સમજાવતા હોય એમ એમણે કહ્યું,

‘રુચિર તો છોકરું છે.પોતાનું ધારેલું,મનગમતું કરે એ કદાચ ન પણ ગમે પણ એમાં આપણાં જ ફરજંદ માટે આટલો બધો ગુસ્સો અને રોષ રાખવાના?’

‘મહેરબાની કરીને મને શિખામણ ન આપીશ.બહુ બચાવ કરી લીધો તેં એ માંડી વાળેલનો.’

‘આવા શબ્દો ન બોલો.એ માંડી વાળેલ નથી.હવે જે વાત કહું છું  એ તમને ન કહેવાનું રુચિરે મારી પાસે વચન લીધું હતું પણ જિંદગીમાં પહેલી વખત આવી પવિત્ર જાત્રા કરવા જઈએ ત્યારે પણ તમે મનમાં રાગ-દ્વેષ ભરી રાખો એ મને મંજુર નથી એટલે વચનભંગ કરીનેય મારે તમને સાચી વાત કરવી છે.’

‘ઓહો, એવી તે તમારા કનૈયા કુંવરની શું વાત કરવાની છે?’

‘આપણને ચારધામની જાત્રાએ મોકલવાનો વિચાર રુચિરનો જ છે.જાત્રાનો બધો ખર્ચ પણ એ જ કરવાનો છે.આવું જાણો તો કદાચ તમે ના જ પાડી દો એટલે પડદા પાછળ રહીને એણે બધું શિવમ અને શિવાની પાસે કરાવ્યું.’

‘બાપ દીકરા વચ્ચે સમાધાન કરાવવા વાર્તા તો સારી ઘડી કાઢી છે પણ મને એ તો સમજાવ કે,આટલા પૈસા એણે કાઢ્યા ક્યાંથી?’

‘આ વાર્તા નથી,હકીકત છે.એ એટલો મહેનતુ છે અને પોતાનાં કામની એનામાં એટલી આવડત છે કે આજે દસ્તાવેજી ફિલ્મો બનાવવામાં એનાં નામની બોલબાલા છે.મારા ખોળામાં માથું મૂકીને રડતાં રડતાં એણે કહ્યું હતું કે,મારી ઈચ્છા કે શોખ પૂરાં કરવા જો મેં તમારાં સૌનું અને ખાસ તો પપ્પાનું મન દુ:ભાવવાનું પાપ કર્યું હોય તો એના પ્રાયશ્ચિત રૂપે મારા તરફથી આ યાત્રાનો સ્વીકાર કરો પણ મમ્મી,તું પપ્પાને આ વાત ન કરીશ.’બોલતાં બોલતાં પૂનમબેનની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતાં.

ક્યારના આ બધી વાતો સ્તબ્ધ બનીને સાંભળી રહેલા બકુલભાઈએ ચૂપચાપ મોબાઈલ હાથમાં લઈ ટાઈપ કરવાનું શરુ કર્યું’,

‘આટલા વખતથી વાત નથી કરી એટલે આજે તારી સાથે કેવી રીતે અને શું વાત કરું એ સમજાયું નહીં એટલે આ મેસેજ કરું છું.ગંગોત્રી અને યમનોત્રીના દર્શન કરવાના તો હજી બાકી છે પણ અત્યારે તારી મમ્મીની આંખોમાં એના દર્શન કરીને પાવન થયો છું. તારાં મનગમતાં ક્ષેત્રમાં તું ખૂબ ખૂબ પ્રગતિ કરે એવા અંતરના આશીર્વાદ.પપ્પાએ તારી સાથે કરેલી સખ્તાઈને,એમની ભૂલોને ભૂલી જઈશ?ભૂલી શકીશ?’

જાત્રા કરીને પાછાં ફર્યા ત્યારે મુંબઈ સેંટ્રલ સ્ટેશને એમને લેવા આવેલો વ્યવસ્થિત રીતે  કપાવેલા વાળ વાળો,કાનમાં બુટ્ટી વિનાનો,સાદા ટી-શર્ટ અને પેંટમાં સજ્જ છોકરો રુચિર જ છે એમ માનવામાં જેમ બકુલભાઈને તકલીફ પડી એમ સામે હસુ હસુ થતા ચહેરે,ઝળઝળિયાં ભરેલી આંખે,બંને હાથ ફેલાવીને એને પોતાના આગોશમાં લેવા તત્પર પપ્પા છે એવું રુચિર પણ માની નહોતો શકતો.

એક અસંભવિત લાગતું દ્રશ્ય પ્રત્યક્ષ નિહાળી રહેલાં પૂનમબેન મનોમન સતત એક જ વાતનું રટણ કરી રહ્યાં હતાં,’મારી તો જાત્રા ફળી.હે ભોલેનાથ,મારી પર તારી કૃપા ઉતરી.હર હર મહાદેવ…’


સુશ્રી આશા વીરેન્દ્રનો સંપર્ક  avs_50@yahoo.com   વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “માંડી વાળેલ

Leave a Reply

Your email address will not be published.