ફિલ્મસંગીતના નકશીકારો – (૨૪) ગૂડી સીરવાઈ

પીયૂષ મ. પંડ્યા

હિન્દી ફિલ્મી ગીતોના વાદ્યવૃંદોમાં પાશ્ચાત્ય વાદ્યોનો ઉપયોગ ૧૯૪૩ અને તે પછીનાં વર્ષોમાં શરૂ થયો. વાયોલીન, ગીટાર, ચેલો અને ટ્રમ્પેટ જેવાં પશ્ચીમી વાદ્યોની સરખામણીએ એકોર્ડીયન પ્રમાણમાં મોડું દાખલ થયું. એ બાબતનું શ્રેય બે દિગ્ગજ સંગીતનિર્દેશકો – નૌશાદ અને સી. રામચન્દ્રને આપવું રહ્યું. આ સંગીતનિર્દેશકો સાથે ૧૯૫૦ના અરસામાં બે વરિષ્ઠ વાદકો, અનુક્રમે કાવસ લોર્ડ અને એન્ટોનીયો વાઝ ઉર્ફે ચીક ચોકલેટ ગાઢ રીતે સંકળાયેલા હતા. એ બન્ને લગભગ એક જ અરસામાં તે સમયે મુંબઈની તેમ જ મહાનગરોની હોટેલોમાં અને ક્લબોમાં સંગીત પીરસતાં બેન્ડ્સમાં એકોર્ડીયન વગાડતા ગૂડી સીરવાઈ નામના એક વાદકના પરિચયમાં આવ્યા. આ વાદ્ય તેમ જ તેના હોનહાર વાદકથી પ્રભાવિત થયેલા કાવસ લોર્ડે તેમ જ ચીક ચોકલેટે તેની ભલામણ જે તે સંગીતનિર્દેશકને કરી.  આથી બન્ને સંગીતકારોએ ગૂડી સીરવાઈને પોતપોતાનાં વાદ્યવૃંદમાં સમાવી લીધા.

એમ મનાય છે કે  ‘દાસ્તાન’(૧૯૫૦)નું નૌશાદે સ્વરબદ્ધ કરેલું આ ગીત હિન્દી ફિલ્મી સંગીતના ઈતિહાસમાં પહેલું એવું ગીત છે, જેમાં ગૂડીએ વગાડેલા એકોર્ડીયનના અંશો ખુબ જ પ્રભાવક અંદાજમાં સાંભળવા મળે છે. ગીત માણીએ.

૧૯૫૧ની ફિલ્મ ‘જાદૂ’ના આ ગીતમાં પણ નૌશાદે ગૂડી પાસે એકોર્ડીયનનો અત્યંત રોચક ઉપયોગ કરાવ્યો હતો.

એકોર્ડીયન ઉપર ગૂડી પાસે સૌ પ્રથમ રેકોર્ડીંગ સી.રામચન્દ્રએ ફિલ્મ ‘સમાધિ’(૧૯૫૧)ના આ ગીત માટે કરાવ્યું હોવાનું પણ કહેવાતું આવ્યું છે. જો કે નૌશાદની ફિલ્મ ‘દાસ્તાન’ પહેલાં પ્રદર્શિત થઈ ગઈ હતી. ‘સમાધિ’નું આ ગીત આજે સાત દાયકા પછી પણ એકદમ તરોતાજા અને સ્ફૂર્તીલું લાગે છે.

યોગાનુયોગે એ જ સમયગાળામાં શંકર-જયકિશનની બેલડીનો ઉદય થઈ રહ્યો હતો. આ સંગીતકારોએ કેટલાંક ગીતોમાં ગૂડી પાસે એકોર્ડીયનનું યાદગાર વાદન કરાવ્યું છે.

શંકર-જયકિશનના નિર્દેશનમાં વગાડી રહેલા ગૂડી

 

તે પૈકીનાં અમુક ચુનંદાં ગીતો પ્રસ્તુત છે.

ફિલ્મ ‘આવારા’(૧૯૫૧)નું એક ગીત માણીએ, જેમાં 1.20 થી 1.31 દરમિયાન એકોર્ડીયન વગાડતા ગૂડી નજરે પડે છે.

૧૯૫૩ની ફિલ્મ ‘પતિતા’નાં શંકર-જયકિશને સ્વરબદ્ધ કરેલાં ગીતો ખુબ જ લોકપ્રિય થયાં હતાં. એ પૈકીના તલત મહમૂદના ગાયેલા ગીતને ગૂડીના એકોર્ડીયન વાદને અનોખો ઉઠાવ આપ્યો છે.

ફિલ્મ ચોરીચોરી (૧૯૫૬)નું મન્ના ડે અને લતા મંગેશકરે ગાયેલું ગીત સાંભળીએ.

ફિલ્મ ‘લવ મેરેજ’ (૧૯૫૯)નાં બે ગીતો ગૂડીના વાદન થકી યાદગાર બની ગયાં છે.

૧૯૫૯માં પ્રદર્શિત થયેલી ફિલ્મ ‘અનાડી’નાં બે ગીતો માણીએ, જેમાં ગૂડીનું અત્યંત પ્રભાવક વાદન કાને પડતું રહે છે.

 

નીચેની છબીમાં ગૂડી શંકરની હાજરીમાં તલત મહમૂદ અને લતા સાથે તૈયારી કરી રહ્યા છે.

આ છબી ૧૯૬૧ની ફિલ્મ ‘રૂપ કી રાની ચોરોં કા રાજા’ના પ્રસ્તુત યુગલ ગીતની તૈયારી દરમિયાન લેવાયેલી હોવાની પૂરેપૂરી શક્યતા છે.

ફિલ્મ ‘હમ સબ ચોર હૈ’(૧૯૫૬)ના ઓ.પી. નૈયરના નિર્દેશનમાં બનેલા આ ગીતમાં ગૂડીનું એકોર્ડીયનવાદન જાણે કે આશા ભોંસલેની ગાયકી સાથે હરીફાઈ કરી રહ્યું હોય તેમ અનુભવાય છે.

ઓ.પી. નૈયરના સંગીતનિર્દેશનમાં બનેલાં ફિલ્મ ‘હાવરા બ્રીજ’(૧૯૫૮)નાં બે ગીતો – ‘આઈયે મેહરબાન’ અને ‘મેરા નામ ચીં ચીં ચૂં’ એટલાં લોકપ્રિય થઈ ગયાં કે એની અસરમાં એ જ ફિલ્મનું એક અસાધારણ ગીત લગભગ અંધારામાં જ રહી ગયું. આ લખનારના મતે તે ગીતમાં ગૂડીએ વગાડેલ એકોર્ડીયનના અંશો આજે પણ એકોર્ડીયનવાદકો માટે પોતાની કુશળતાની કસોટી કરવા માટે મિસાલરૂપ છે. ગીતના પૂર્વાલાપ(Prelude), મધ્યાલાપ (Interludes) તેમ જ ઓબ્લેગેટોઝ પણ એકોર્ડીયનના કર્ણપ્રિય અંશોથી સભર છે. આ ક્લીપમાં પણ શરૂઆતમાં તેમ જ વચ્ચે વચ્ચે એકોર્ડીયન છેડી રહેલા ગૂડી દેખા દે છે.

ગૂડીએ તેમના એક ગાઢ મિત્ર એવા કેરસી મિસ્ત્રી નામના વાદક સાથે મળીને ફિલ્મી ગીતોની ધૂન ધરાવતી લોન્ગ પ્લે રેકોર્ડ તૈયાર કરી હતી, જે ખુબ જ લોકપ્રિય બની હતી. તેમાં ગૂડીએ એકોર્ડીયન ઉપરાંત ફરફીસા ઓર્ગન અને મિસ્ત્રીએ સોલોવોક્સ નામનાં ઈલેક્ટ્રોનીક વાદ્યો છેડ્યાં હતાં આ આલ્બમનું એક ગીત અહીં સાંભળી શકાશે.

આવી ક્ષમતા અને ફિલ્મોના વાદ્યવૃંદમાં આટલી સફળતા મળી હોવા છતાં ગૂડીની પ્રાથમિકતા હંમેશાં હોટેલોમાં, ક્લબોમાં અને ખાનગી કાર્યક્રમોમાં રજૂઆત કરતાં બેન્ડ્સ સાથે વગાડવાની જ રહી. આથી તેઓ ઘણી વાર રીહર્સલમાં ખુબ જ મોડા પહોંચતા અથવા પહોંચતા જ નહીં. પરિણામે ઘણા સંગીતકારોની ખફગી તેમણે વહોરવી પડતી. એક વાર શંકર-જયકિશનના રેકોર્ડીંગમાં તે મોડે સુધી પહોંચ્યા નહીં. શંકર પોતાના તેજ મિજાજ માટે જાણીતા હતા. ગૂડી ન આવવાથી તેમણે સુમિત મિત્રા નામના એક યુવાન અને પ્રમાણમાં નવા એવા કલાકાર પાસે એકોર્ડીયનના તે અંશ રેકોર્ડ કરાવી લીધા. મિત્રાના વાદનથી સંતુષ્ટ થઈ ગયેલા એ સંગીતકારોએ ત્યાર પછી ક્યારેય ગૂડીને પોતાના વાદ્યવૃંદમાં સ્થાન આપ્યું નહીં. આટલું ઓછું હોય એમ પોતાની વાદનક્ષમતા માટેનો ગૂડીનો આત્મવિશ્વાસ એટલો બુલંદ હતો કે તેઓ માનતા હતા કે પોતાની વગર સંગીતનિર્દેશકોને ચાલશે જ નહીં. એમના અંગત મિત્રવર્તુળમાંના અને શુભેચ્છકોમાંના એક એવા ખ્યાતનામ વાદક કાવસ લોર્ડે આખરે ગૂડીનો વિકલ્પ તૈયાર કરવાનું વિચાર્યું. તેમણે પોતાના દીકરા કેરસીને એકોર્ડીયનવાદનની તાલિમ આપવાનું શરૂ કરી દીધું. ત્રણ જ વર્ષમાં કેરસીએ એકોર્ડીયનવાદનમાં એવી મહારત મેળવી લીધી કે તે ગૂડીના પર્યાયરૂપ બની ગયા. આ ઉપરાંત ત્યારે એનૉક ડેનીયલ્સ, સુમિત મિત્રા અને ધીરજ ધાનક જેવા સક્ષમ વાદકોએ પોતાનું સ્થાન જમાવવા માંડ્યું હતું. આમ, હિન્દી ફિલ્મસંગીતનાં અનેક ગીતોને પોતાના વાદનથી અમર બનાવવા છતાં ગૂડી સીરવાઈની પૂરેપૂરી ક્ષમતાથી વંચિત હિન્દી ફિલ્મી સંગીત વંચિત રહી ગયું એમ કહી શકાય.

ગૂડી સીરવાઈ અને કેરસી મિસ્ત્રીના વાદનની રેકોર્ડનું કવર

૧૯૭૮ની ૧૬મી જાન્યુઆરીના રોજ અવસાન પામનાર આ મહારથી કલાકાર એકોર્ડીયનના ચાહ્કો અને ફિલ્મી સંગીતના ભાવકો માટે કેટલીયે યાદગાર ધૂનો પાછળ છોડી ગયા છે.


નોંધ……                 ગૂડીની જન્મતારીખ ઉપલબ્ધ નથી. તેમના જન્મવર્ષ બાબતે પણ વિસંગતી છે. કોઈ જગ્યાએ તે ૧૯૧૩ જણાવી છે અને ક્યાંક ૧૯૧૫ જાણવા મળે છે.


તસવીરો અને માહિતી નેટ ઉપરથી સાભાર.

વીડિઓ ક્લીપ્સ એનો વ્યવસાયીક ઉપયોગ નહીં થાય એની બાહેંધરી સહ યુ ટ્યુબ ઉપરથી સાભાર.

મૂલ્યવર્ધન…. બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.