વૃક્ષોના વિશિષ્ટ વર્તનો અને એની અવનવી આદતો

કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

[ પ્રભુએ કોઇ માનવીઓનાં મન એવા સાહનુભૂતિથી તરબોળ અને પ્રેમભીનાં બનાવ્યાં છે કે તેઓ જડ-બેડોળ પથ્થરમાં પણ સુંદર અને સ્નેહસિક્ત આકારને ભાળી જાય છે. સામાન્ય જનને તેમાં નર્યું વેવલાપણું લાગે, પણ શિલ્પીઓ તેને ઉપસાવી આપે છે ને ! જગદીશચંદ્ર બોઝે વનસ્પતિમાં આપણા જેવો જીવ હોવાનું કહ્યું, તે વખતે મોટા ભાગના લોકોએ તેમને હસી કાઢેલા. અહીં હીરજીભાઇ વનસ્પતિમાં માનવીઓ જેવા સ્નેહ-તિરસ્કાર, સુખ-દુ:ખ જેવી લાગણીઓ પણ હોવાની વાત કરે છે. ત્યારે તેમના વ્યક્તિત્વથી અપરિચિત લોકોને એ વાત લગભગ હસી કઢવા જેવી લાગવાની. પરંતુ તેમને ભલીભાંતી ઓળખનારા જાણે છે કે તેઓ હરકોઇ વનસ્પતિ કે વાડીમાં ઉગાડેલા વૃક્ષો-પાકો સાથે આપણી માફક વાતો કરે છે. વનસ્પતિને જોઇતી વસ્તુ એને પૂછીને પછી આપે છે. પ્રાણીઓ-પંખીઓની નિરર્થક લાગતી હરકતોને તેઓ અર્થપૂર્ણ રીતે સમજે છે. લાગે છે તેમણે કોઇ છઠ્ઠી જ્ઞાનેંદ્રિય વિકસાવી છે.    આ તો અહીંની વનસ્પતિની વાત થઈ. દુનિયા તો અજીબોગરીબ આશ્ચર્યો અને વિચિત્રતાઓથી ભરેલી છે. અહીં લેખકશ્રીએ જણાવ્યાં તેવાં વૃક્ષો આપણને ખૂબ આશ્ચર્યમાં નાખે છે. આપણા ધાર્મિકજનો કીડી પણ ન કચરાઇ જાય એની કાળજી રાખે છે. તો આ રીતે અતિ સંવેદનશીલ જણાયેલી કોઇ વનસ્પતિનું પાંદડું પણ નિરર્થક તોડતાં આપણા દિલને આંચકો લાગવો જોઇએ – સંપાદક]

 

ધ્યાનથી નિરખતાં જણાઇ આવે છે :.  વૃક્ષોમાં એનાં રૂપ-રંગ જોતાં ઊડીને આંખે વળગે એવા બે ભાગ – એકબીજાથી સાવ વિરૂધ્ધાના હોય તેવા દેખાઇ આવે છે. જેમ કોઇ કોઇ વૃક્ષોનું શરીર જ એવું ઘાટીલું હોય, તેના રૂપ-રંગ-આકાર-સુંવાળપ અને કોઇ વાર સુગંધથી પણ એવા મનમોહક હોય છે કે જાણે આપણને વહાલ કરી પાસે બોલાવી ન રહ્યાં હોય ! અને આપણને પણ તેની પાસે જવાનું, તેને અડકવાનું –તેના પર હાથ ફેરવાનું મન થઈ આવે ! તો કેટલાંક પાછાં એવાં હોય છે કે જેનું શરીર હોય અષ્ટાવક્રી-બેડોળ અને કઢંગું, સાવ રૂપ-રંગ વિનાનું, ખરબચડી ચામડીવાળું ! રખેને જો ડાળી પકડાઇ ગઈ હોય તો હાથ છોલી નાખે એવું ! આમ તો તેને જોતાં જ અણગમો ઊભો થાય અને એનાથી દૂર જ રહેવાનું મન થઈ આવે !

વનસ્પતિ-શાસ્ત્રીઓનું માનવું છે કે વૃક્ષોની પણ એક અજબ દુનિયા છે. બીજા જીવોની જેમ તેઓ પણ ભલી-બૂરી ભાવનાઓ પ્રત્યે સંવેદનશીલ હોય છે. તેણે શરીર પર ધારણ કરેલ કાંટા એ તેના પ્રત્યે થતી રહેતી વિશિષ્ટ હરકતોને પરિણામે તેની અંદરની રહેલ પીડાદાયક કાંટાળા દર્દની અભિવ્યતિ જ માનવી પડે તેવું છે.

દુનિયાભરનાં આવાં વિશિષ્ટ રૂપ-રંગ અને વર્તન-વ્યવહારવાળાં વૃક્ષોને આપણે ત્રણ પ્રકારે વિભાજિત કરી શકીએ.

[1]……….પોતાનામાં જ મસ્ત રહેનારાં નિજાનંદી વૃક્ષો :

[1]…….ધ્રુજતાં વૃક્ષો :  આપણે ત્યાંની અંધશ્રદ્ધામાં ગ્રસ્ત લોકોના ક્રિયાકાંડ માંહ્યલા માતાજીના પંડ્યપ્રવેશ અને ધૂણતા ભૂવાઓને જોવામાંથી કોઇક જ બાકાત હશે. પણ ધૂણતાં વૃક્ષો ભાળ્યાં છે કોઇએ ? આફ્રિકાનાં જંગલોમાં આવાં વૃક્ષો છે, કે જે દિવસ દરમ્યાન ભેળી કરી રાખેલી ડાળીઓને રાતની ચાંદનીમાં ચો તરફ ફેલાવીને રીતસર ધ્રૂજતાં જણાય છે. અરે ! સાથે ચિત્ર-વિચિત્ર હરકતો કરી-પોતાનો રંગ પણ બદલી નાખે છે. જાણે પ્રકૃતિના “ઝાડિયા ભૂવા” !

 [2]……અવાજ કરતાં વૃક્ષો : કેનેરી ટાપુઓમાં જોવા મળતું “લાગલા” નામનું આ વૃક્ષ રાત્રિ દરમ્યાન એવો અવાજ કરતું સંભળાય છે કે જાણે દુ:ખમાં ભેળાઇ ગયેલ માણસ દરદભર્યું રૂદન કરી રહ્યું હોય ! ત્યાંના આદિવાસીઓ પણ ઘણી વખત ભ્રમમાં પડી જાય છે કે ખરેખર ! આ કોઇ માણસનો જ રડવાનો અવાજ છે ! અને વેસ્ટઇંડિઝના સૂડાન ઇલોહ જંગલોમાં ઊગતું એક વૃક્ષ આખો દિવસ સંગીતમય અવાજો જ છેડ્યા કરે છે. અને સાંજ પડ્યા ભેળા સૂરો બદલાઇ જઈ, દર્દભર્યા ગીતો ગાવાનું શરૂ કરી દે છે !

[3]………વાતોડિયાં વૃક્ષો : આપણે ભલે સમજીએ નહીં, પણ આપણે સાંભળી શકીએ એવી વાતો વૃક્ષો કરી શકે ખરા ? હા ! આફ્રિકાના બાર્બાડોસની પહાડીઓમાં થતાં વાતોડિયાં વૃક્ષોની તો વાતો જ નિરાળી છે ! એના પાન અને શીંગોનો ઘાટ જ એવા પ્રકારનો હોય છે કે અંદરથી જ્યારે પવન પસાર થાય,ત્યારે જેવી પવનની ગતિ-તેવો સંગીતની સૂરાવલીમાં બદલાવ ! ક્યારેક બાજુમાંથી નીકળનાર માણસ ડરી જાય તેવા બિહામણા અવાજ પણ નીકળે ! તો ક્યારેક ટોળાબંધ લોકો બાતે વળગ્યા હોય એવો બોલાહલ પણ સંભળાય !

આપણે ત્યાં વાડી-ખેતરોમાં વાહોપું કરવા જનાર માણસોને ખબર છે કે શેઢા પરના આંકડાના છોડવા રાતના અજવાળિયામાં દૂરથી જાણે કોઇ કાવરૂ માણસ ઊભો હોય એવો જ ભાસ કરતા હોય છે. બસ, તેના જેવું જ ‘મેડહોક’ નામના વૃક્ષનો આકાર અને દેખાવ દૂરથી નિરખતાં અસ્સલ ગુમસુમ સ્થિતિમાં માણસ ઊભો હોય તેવો જ લાગે ! અને અચંબો તો ત્યારે વધુ પમાય કે તેને ઉખાડતી વેળા – ખેંચી કાઢવા બાબતે નારાજગી બતાવતું હોય તેમ બાળકની જેમ આક્રંદભર્યા અવાજો કરે, બોલો !

[2]…….કલ્યાણકારી વૃક્ષો :

[1]……પાણી આપતાં ઝાડવાં :  વૃક્ષો ફળ આપે, છાંયો આપે, લાકડ-કુકડ ને સેંદ્રીય ખાતર આપે, મીણ અને મધ પણ એના આશરા દ્વારા આપણને મળે. અરે ! માણસોને પીવા લાયક ઉત્તમ પીણું-‘નીરો’ આપતાં ઝાડવાં આપણી વચ્ચે છે જ ને ! પણ માણસોને પીવા લાયક મીઠું પાણી ઝાડવું આપતું હોય એવું જાણ્યું છે ક્યાંય ? માડાગાસ્કર ટાપુ પર “ટેવલર પામ” ઝાડને કેળ જેવાં પાન સીધાં થડ પર ‘આંખ’ ના આકારના લાગેલા હોય છે. એના મોટાં પાંદડાંઓમાં લાગેલી નસો હોય છે જાડી અને પાણીથી ભરપૂર ભરેલી ! ધારદાર ચપ્પુથી શિરા કાપીએ તો પાણીની વછૂટે ધારા ! અને પાણી પણ હોય છે ટોપરા જેવું મીઠું અને તરસ છીપાવે તેવું !

[2]…….સ્નાન કરાવતાં ઝાડવાં :  જ્યાં વરસાદ ઓછો હોય અને કોતરો, નદીઓ કે સરોવરો જ જ્યાં નથી તેવા ‘કેનેરી ટાપુ’ માં કેટલાંક વૃક્ષો એવાં છે કે જો તેની નીચે થોડો સમય ઊભા રહીએ તો તેનાં પાંદ અને ડાળીઓમાંથી  પાણીની રીતસરની એવી ઝણ ઉડાડે કે આપણે પૂરે પૂરા નાહી શકીએ ! ત્યાં ના લોકો આવી રીતે નહાય છે પણ ખરા ! અને પાણી પાછું જેવું-તેવું નહીં હો ! પાણી તો પૂરેપૂરું સ્વચ્છ અને મીઠું ટોપરા જેવું ! જાણે ઝરમરિયો વરસાદ જ સમજો ને !

[3] ………….દૂધિયા ઝાડ :  અમેરિકાના જંગલોમાં બહારથી દેખાતા હોય સૂકાભઠ્ઠ, પણ ડાળી-થડને જો કાપો મૂકીએ તો ગાયના આંચળામાંથી ફૂટતી શેડ્યની જેમ દૂધની ધારા વહેવા માંડે, બોલો  ! પશુઓના દૂધની જેમ ત્યાંના લોકો રીતસર આ ‘વૃક્ષદૂધ’ ને ઉપયોગમાં લે છે.

[4]……. અજવાળું આપતાં ઝાડવાં :  વનસ્પતિ વિજ્ઞાનમાં એવું ભણાવાય છે કે કેલિફોર્નિયાના ઘાટા જંગલમાં ઉગતાં કેટલાંક વૃક્ષોનાં પાંદડાં પોતે એવા ચમકદાર છે અને એટલો બધો પ્રકાશ ફેંકતાં હોય છે કે અંધારી રાત્રિ દરમ્યાન પણ તેના અજવાળે પુસ્તક વાંચી શકાય !

[5]………..દિવેલિયા ઝાડ : મધ્ય અમેરિકાના જંગલોમાં થતા ‘કેંડલ ટ્રી’  ઉપર 3-4 ફૂટ લાંબી ગરમાળાની શીંગો જેવી શીંગો આવે અને એની અંદર દોરો પરોવી સળગાવતાં રીતસર મીણબત્તીની જેમ સળગે ! એની શીંગો અને લાકડામાં એટલું બધું તેલ હોય છે કે લીલેલીલા શીંગ-ડાળાં ભડ ભડ બળવા માંડે !

[6]……….ભોમિયા ઝાડ : સૂર્યમૂખીના ફૂલછોડમાં નામ એવા ગુણ છે. ફૂલ તો ડાંડલીમાં કુણપ હોય ત્યાં સુધી બસ, સૂર્ય સામે જ જોયા કરે ! પણ કોઇ ઝાડ-છોડ હોકાયંત્રની જેમ હોકાયંત્રની માફક દિશા દર્શન કરાવી શકે એવું માન્યામાં આવે ? વનસ્પતિની અદભૂત દુનિયામાં મલાયામાં જોવા મળતાં એવાંય ઝાડવાં છે કે જેની બધીય ડાળીઓ દક્ષિણધ્રુવ તરફ નમેલી હોય,જાણે ઊલટું હોકાયંત્ર ! ભૂલા પડેલા મુસાફરને રસ્તો ચીંધે. અને તમે માનશો ? એવા છોડ છે જેના પાંદડાં ચૂંબકીય સોયની જેમ ઉત્તર-દક્ષિણ બે જ દિશા તરફ નમેલા હોય ! ઉંચાઇ પાછી 6-7 ફૂટની જ, જેથી કરીને અંધારામાં એને સ્પર્શીને દિશાનું ભાન મેળવી લેવાય. આવાં વૃક્ષો ઓસ્ટ્રેલિયા,અમેરિકા તથા દક્ષિણ ગોળાર્ધનાં કેટલાક દેશોમાં જોવા મળે છે.

[3]…….. વિધાતક અસરો ઊભી કરતાં વૃક્ષો

[1]………..ભડકાવતાં વૃક્ષો :આ સૃષ્ટિ પર એવાંયે વૃક્ષો છે કે જે મનુષ્યોમાં કષ્ટ, ડર ને મૃત્યુનો ત્રાસ પણ ઉત્પન્ન કરે. ઉષ્ણ કટીબંધના દેશોમાં ‘ટ્રાવેલર્સ-ટ્રી’ તરીકે ઓળખાતું વૃક્ષ 20-24 ની સંખ્યાવાળાં મોટાં મોટાં પાંદડાં ધરાવતું હોય છે. જે વાવાઝોડા કે વરસાદ વખતે એકબીજા સાથે ટકરાઇને એવા ડરામણા અવાજો કરવા માંડતું હોય છે કે અજાણ્યો માણસ તો ગભરાઇ જ જાય !

[2]……..ખંજવાળ લાવતાં વૃક્ષો : આપણે ત્યાં શેઢે-પાળે ઉગતી “ખાજવણી” નો છોડવો શરીરે ઘસાયો હોય તો કેવી ખજવાળ ઉપડાવે એની આપણને ખબર છે ! પણ મસ મોટાં આખેઆખા ઝાડવાં આવું કામ કરતાં હોય એવું જાણવું હોય તો જાઓ બ્રાઝિલના જંગલોમાં.”મશીનીલ” નામના વૃક્ષો દેખાવે હોય ખૂબ આકર્ષક. વસંતમાં લાલ રંગોથી લચી પડે. પણ દિલનું હોય છે પુરું દગાબાજ ! ફૂલની અંદરની પીળી પરાગરજ હોય છે બીજી ભાત્યની આળવીતરી ! થોડોક પવન વાયો નથી કે આસપાસ ઊડી નથી ! શરીરના જે ભાગ પર પડે, ત્યાં ખંજવાળી ખંજવાળી નાનીને યાદ કરાવી દે ! અરે, શરીર પર ચકામા પડી જાય ! કહોને, આપણી ખાજવણી તો એના સાંધણમાં જાય !

[3]………ઝેરી રસ છોડતાં વૃક્ષો :  આપણે ત્યાં થોરનું દૂધ આંખમાં પડ્યું હોય તો આંખ લાલ થઈ જાય, સોજો ચડે, બળતરા થાય, એ વાત સાચી, પણ એની અસર મટતાં પાછી સાજી-સારી થઈ રહે; નેવકી દ્રષ્ટિ ન ગુમાવે. જ્યારે જમૈકા અને ગુરાનાના અમુક વિસ્તારમાં દેખાતાં વૃક્ષોમાંથી ટપકતા રહેતા ઘટ્ટ પ્રવાહીનું એક ટીપું યે ભૂલમાં પણ આંખમાં પડી ગયું તો ખલાસ ! માણસની આંખ ગઈ જ સમજવી ! એટલે તો એ વૃક્ષને “સ્યુસાઇડ-ટ્રી” કહ્યું છે ! અરે, સીલબીજ, મવા અને મલાયામાં પણ હંમેશા ઝેરી વાયુ છોડતા રહેતા વૃક્ષો થાય છે; જેના અરધો અરધો કિલોમીટરના ઘેરાવામાં ઉપર ઊડતાં પક્ષીઓ ગુંગળાઇ જઈ મોતને ભેટે છે. નીચે કોઇ માણસ સૂએ તો મૃત્યુને આધિન થાય છે.

[4]………બીયાં ફેંકતાં વૃક્ષો :  મગ-અડદ જેવાની સૂકી શીંગ તડકામાં તૂટે અને ફટ….ફટ બીયાં આસપાસ ઊડે તે આપણે જોયું છે. પણ વૃક્ષ પરની લાંબી શીંગો સૂકાયાભેળી ધડાકાભેર ફાટે અને અંદરનાં બીયાં બંદૂકની ગોળીની જેમ છૂટે ! ઝપટે ચડેલ જાનવર-માણસ ઘાયલ થઈ જાય એવું સાંભળ્યું છે કોઇએ ? મેક્સિકોમાં એવાં વૃક્ષો હોય છે કે જેનાં ફળો હોય છે મોટાં-બીલાફળ જેવાં ને ફરતું ચામડું હોય ગેંડાની ઢાલ જેવું સખત ! પાક્યા પછી એવું ધડાકાભેર ફાટે કે દસ-પંદર ફૂટના ઘેરાવામાં ઝપટે ચડ્યું તે ઘાય્લ થયું જ સમજો ! અને પાછો એવો ઝેરી વાયુ છોડે કે જીવ ગુંગળાઇ મરે !

[5]………..ભૂતિયાં વૃક્ષોમેક્સિકોના મોરેલસ રાજ્યમાં ઊગતાં “બેડ વુમન” નામના બીલકુલ પાંદડાં વગરનાં, જેની ડાળીઓ એકબીજાને આલિંગન આપતી આપતી ઊંચી થઈ જાય એ રીતે વર્તે છે. ત્યાંની સરકારે આ વૃક્ષને ખતરનાક ગણાવી, આવા ઝાડ પર “ભય” ની નિશાની લગાવી ચારે બાજુ કાંટાળા તાર બાંધી દીધા છે. જેથી જંગલમાં ફરતાં-ચરતાં ઢોરાં-જાનવર પણ દૂર રહે. અરે ! એની ડાળી જેના પર પડે એને સખત તાવ આવી, મોતને ભેટી ગયાના બનાવો નોંધાયા છે !

[6]………..શિકારી વૃક્ષો : સિંહ- વાઘ કે ચિત્તા-દીપડા જેવા ખુંખાર જાનવરથી આપણે બીતા-ચેતતા જ રહેવું પડે છે. પણ ક્યારે એની દાઢ ડળકે અને એ તરાપ મારી બેસે – કંઇ કહેવાય નહીં ! પણ ક્યાંય ઝાડવાં શિકારી હોય એવી વાત ગળે ઉતરે ? નહીંને ! પણ એવાં ઝાડવાં જાવાના દરિયા કિનારે ઊભાં છે, કે જે કોઇ જાનવર કે માણસ ક્યારે ઝાડ નીચે આવે એની જ રાહમાં હોય છે ! જેવું કોઇ ઝપટે ચડ્યું ? કે ડાળીઓ ચારે બાજુથી ઘેરી વળે અને સોયો ભોંકાવી લોહી બધું ચૂસી જાય,અને જ્યારે ખોખું થઈ જાય ત્યારે ડાળીઓ આપોઆપ છૂટી પડી,ઊંચે જઈ,નવા શિકારની રાહજુએ.

સારાંશ એવો જ નીકળે છે કે કુદરતી વાતાવરણ થકી તેને મળતી અનુકૂળતાઓ કે અગવડતાઓના પ્રતિભાવ રૂપે તેનામાં સુખ-દુ:ખ કે ગમા-અણગમાની અસરો તેના રૂપ-રંગ અને સ્વભાવ ઘડવામાં કારણભૂત બને છે. ધીરજ અને આત્મીય ભાવથી જો કોઇ લાંબો વખત તેના પ્રત્યે માયાળુ વર્તન કરે, તો આશ્ચર્યજનક રીતે તેના શારીરિક બંધારણમાં પણ ફેરફાર લાવી શકાય છે. તમે માનશો ? આ રીતે કાંટાળ ઝાડના કાંટા ઓછા કરી શકાય છે. અને તેનામાં કોમળતા-સુંવાળપ લાવી શકાય છે. એટલે જરૂર માની શકાય કે જે વૃક્ષો ઘાતક દેખાઇ રહ્યાં છે તેની સાથે વર્ષોથી ખરાબ વ્યવહાર જ થયો હશે. અને જે વૃક્ષો સમાજને ઉપયોગી –કલ્યાણકારી કાર્ય કરતાં ભળાયાં છે તે વૃક્ષો સાથે કોઇ આત્મીયતાનો ભાવ રખાયો હશે. આપણે પણ વૃક્ષોની સાથે સંવેદનશીલ સ્વભાવ રાખશું તો વૃક્ષો આપણું પર્યાવરણ સુધારવામાં હોંશે હોંશે મોટો ભાગ ભજવશે.


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: Web Gurjari

2 thoughts on “વૃક્ષોના વિશિષ્ટ વર્તનો અને એની અવનવી આદતો

  1. વૃક્ષ સજીવ છે આવું જૈનીસમ મા અબજો વર્ષ થી પ્રતિપાદિત છે

  2. અદભુત લેખ !
    કોઈ વાર વૃક્ષ ના આટલા બધા લક્ષણો વિશે જાણ્યું નથી .
    ખૂબ આભાર હિરજીભાઈ !

Leave a Reply

Your email address will not be published.