વ્યાવસાયિક આરોગ્ય અને સલામતી :: વિશાખાપટ્ટનમમાં ગેસ લીક પછી નાગરિકોની અને કારખાના કામદારોની સ્થિતિ

જગદીશ પટેલ

બે વર્ષ પહેલાં આંધ્ર પ્રદેશના દરિયાકાંઠાના શહેર વિશાખાપટ્ટનમમાં એલ.જી.પોલીમર્સના પ્લાન્ટમાંથી ૬ અને ૭ મે વચ્ચેની રાતમાં સ્ટાયરીન ગેસ લીક થવાને કારણે થોડા કલાકોમાં જ ૧૨ નાગરિકોના મોત થયા જેમાં બે બાળકો હતા. ૧૦૦૦ નાગરિકોએ તબીબી સારવાર લેવી પડી. ૫૮૫ને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા. હોસ્પિટલો સેંકડો બીમાર લોકો એક સાથે આવે તેને પહોંચી વળવા સક્ષમ ન હતી. સેંકડો ઢોર અને પક્ષીઓ મર્યા, ઝાડપાન, વનસ્પતિ બળી ગયા અને પાણી, જમીન અને હવા પ્રદુષિત થયા. આ અંગે આપણે વેબગુર્જરીમાં તે જ મહિનામાં માહિતી રજુ કરી હતી.

યુવાન મુખ્યમંત્રી જગમોહન રેડ્ડી બીજા જ દિવસે ત્યાં પહોંચી ગયા અને પીડીતોને રુ.૧—૧ કરોડની સહાયના ચેક ચુકવ્યા. ઔદ્યોગિક અકસ્માતો તો ભારતમાં ઘણા થયા પણ એવું પહેલીવાર બન્યું કે મુખ્યમંત્રી બીજા જ દિવસે આવે અને આટલી મોટી રકમ ચુકવે. એમણે મુખ્યમંત્રી રાહતકોશમાંથી આ રકમ ચુકવી કે બીજા કોઇ ખાતે ખતવી તે રામ જાણે. જો કે આ પગલાંને કારણે કોઇ દાખલો બેઠો હોવાનું કહી શકાય તેમ નથી કારણ તે પછી આંધ્ર પ્રદેશમાં જ બીજા અકસ્માતો થયા ત્યાં આવી રકમ ચુકવી હોવાનું ધ્યાનમાં આવ્યું નથી.

હવે મૃત્યુ થયું ત્યાં સહાય કે વળતર ચુકવાય તે યોગ્ય છે અને ત્વરીત ચુકવાય તે પણ યોગ્ય જ છે. પરંતુ જે ઇજા પામ્યા તેમને તો સારવાર જોઇએ. એમને સારવારને નામે થોડા દિવસ જરૂર મુજબ સારવાર આપવામાં આવી પણ મોટાભાગનાને તો ઓપીડીમાં સારવાર આપી રવાના કરાયા. થોડાને થોડા દિવસ આઇસીયુમાં રાખવામાં આવ્યા. જેમના ઢોર મર્યા કે જેમના ખેતરમાં નુકસાન થયું તેમને કોઇ વળતર અપાયું નહી. ઢોર માલિકોને સુચના અપાઇ કે થોડા દિવસ તેમના ઢોરનું દૂધ વેચવું નહી પણ ઢોર માલિકોએ દૂધ કાઢીને દૂરના વિસ્તારોમાં જઇ વેચ્યું. કોને ખબર હોય કે આ દૂધ કયા ઢોરનું છે, એ ઢોર કોનું છે અને કયા વિસ્તારનું છે? ત્રણ નાગરિકોના મોત થોડા દિવસ પછી થયા પણ તેમને વળતર ચુકવવાનો સરકારે ઇન્કાર કરી દીધો! નેશનલ ગ્રીન ટ્રિબ્યૂનલે કંપનીને વળતર પેટે જંગી રકમ જમા કરવા સુચના આપી તો કંપની સીધી સુપ્રિમ કોર્ટમાં અપીલમાં ગઇ. આંધ્ર પ્રદેશ હાઇકોર્ટમાં સ્થાનિક આગેવાને પીટીશન દાખલ કરી છે પણ હજુ સુનાવણી થતી નથી. ગ્રીન ટ્રિબ્યૂનલના આદેશ મુજબ એક તપાસ સમિતિ નીમવામાં આવી જેને એક મહિનાનો સમય આપવામાં આવ્યો અને સમિતિએ સમયસર પોતાનો અહેવાલ રજુ કરી દીધો. જો કે કેટલાક નિષ્ણાતોએ આ અહેવાલની ટીકા કરી છે.

પીડીતોએ અને બીજા નાગરિકોએ આ પ્લાન્ટને બીજે ખસેડવાની માગણી કરી પણ એ બાબત કશું થયું નથી. પીડીતો અને નિષ્ણાતોએ આ ગેસના સંપર્કમાં આવેલા નાગરિકોના આરોગ્ય પર લાંબા ગાળે થનારી અસર પર નજર અને દેખરેખ રાખવાનું સૂચન કર્યું પણ તે બાબત પણ કશું થયું નથી. તેમણે આ વિસ્તારમાં એક હોસ્પિટલ ખોલવાની માગણી કરી અને સરકારે જાહેરાત પણ કરી પણ પછી કશું થયું નથી. કંપનીએ તરત તો રાહત અને બચાવ માટે થોડા દિવસ વિસ્તારમાં ભોજનની વ્યવસ્થા કરી હોવાનું કહેવાય છે પણ એ બાબત કોઇ વિશ્વાસપાત્ર માહિતી મળતી નથી. કોઇ કહે કે કોઇ સંસ્થાએ એ વ્યવસ્થા કરી હતી તો કોઇ કહે છે કે એ સંસ્થાને નાણાંકીય મદદ કંપનીએ પુરી પાડી હતી. કંપનીના અધીકારીઓ ન તો કોઇ માહિતી આપે છે ન કોઇને મુલાકાત આપે છે.

પીડીતોએ પોતાનું સંગઠન બનાવી તેની નોંધણી કરાવી છે. સાથે જ સેન્ટર ઓફ ઇન્ડીયન ટ્રેડ યુનિયન્સ (સીટુ) દ્વારા પણ સતત આ બનાવ અંગે ઉડી તપાસ, ગુનેગારોને સજા તેમજ પીડીતોને વળતર માટે માગણી કરવામાં આવી રહી છે. ૫ર્યાવરણ દિવસ નિમિત્તે ૫ જુન ૨૦૨૧ને રોજ તેમણે રેલી, ધરણા, પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

ઘટના બાદ સત્તાધારી પક્ષ, કંપની અને કંપની સાથે જોડાયેલ બાહુબલીઓએ  સતત એ વાતનું ધ્યાન રાખ્યું કે પીડીતોને કોઇ મળે નહી અને મળે તો તેમને માહિતી ન આપે. પીડીત સંગઠનના આગેવાનોને ડરાવવા, ધમકાવવામાં એમણે પાછું વાળીને જોયું નથી. એમની સામે એવા ગુના દાખલ કરી દીધા કે તેમને રોજ જઇને સરકારી ઓફિસમાં  હાજરી પુરાવવાની અને આખો દિવસ ત્યાં બેસી રહેવાનું. પીડીતો એ કારણે ડરેલા રહે છે અને પત્રકારો કે બીજા સમક્ષ મોં ખોલતાં અચકાય છે. સીટુના સ્થાનિક આગેવાનોને પણ પીડીત નાગરીકોને મળવામાં કે માહિતી મેળવવામાં મુશ્કેલી પડી.

અલ્લુરી સીથારામરાજુ વિજ્ઞાન કેન્દ્રમ એન્ડ રીસર્ચ સેન્ટર નામની સ્વૈચ્છિક સંસ્થા દ્વારા આ ઘટનાને બે વર્ષ પુરા થયા તે પ્રસંગે તા.૭ મેના રોજ વિશાખાપટ્ટનમ પબ્લિક લાઇબ્રેરી ખાતે એક સંવાદનો કાર્યક્રમ રાખવામાં આવ્યો. સ્થાનિક કેન્સર નિષ્ણાત ડો. રઘુનાથ રાવ સાથે મને પણ વકતવ્ય આપવા આમંત્રણ મળ્યું. સવારે ૧૦.૩૦થી ૧.૦૦ સુધી ચાલેલા આ કાર્યક્રમમાં પીડીતો, નાગરિકો, કામદારો અને કામદાર સંગઠનના આગેવાનો અને પત્રકારોએ હાજરી આપી. મારા સિવાયના તમામ વકતાઓ તેલુગુમાં બોલ્યા.

ડો.રાવે સ્ટાયરીનના લાંબા ગાળાના જોખમો અંગે માહિતી આપતાં કહ્યું કે ઇન્ટરનેશનલ એજન્સી ફોર રીસર્ચ ઓન કેન્સર દ્વારા સ્ટાયરીનને સંભવિત કેન્સરજનક હોવાનું જાહેર કરાયું છે. તેમણે સ્ટાયરીન મોનોમર અને તેનું પોલીમરાઇઝેશન થતાં બનતા પોલીસ્ટાયરીન વિષે સમજ આપી. તેમનું “સ્ટાયરીન ગેસ ડીઝાસ્ટર  લેસન્સ ટુ લર્ન એન્ડ ધ વે ફોરવર્ડ” નામનું રમણ ધારા, જી.ઓ.શ્રીધર અને થોમસ ગેસર્ટ સાથેનું એક પેપર જર્નલ ઓફ એનટીઆર યુની ઓફ હેલ્થ સાયન્સીઝના સપ્ટેમ્બર, ૨૧ના અંકમાં પ્રગટ થયું જેને આધારે તેમણે પોતાની રજુઆત કરી. તેમણે જણાવ્યું કે પોલીસ્ટયરીનમાંથી જે વસ્તુઓ બને છે તે બાયોડીગ્રેડેબલ હોતી નથી એટલે કે સડીને તુટી જતી નથી, જેમ છે તેમ વાતાવરણમાં લાંબો સમય પડી રહે છે તે કારણે તે જોખમી બને છે. સમુદ્ર કે લેન્ડફીલમાં પડી રહે  અને ઢોર કે સમુદ્રના જીવો તેને ખાય. સ્ટાયરીન મોનોમરને ૨૨ સેન્ટીગ્રેડ તાપમાન કરતાં ઓછા તાપમાને સંગ્રહ કરવો પડે. તે રંગ વગરનું તૈલી પ્રવાહી હોય છે જે બેન્ઝીનની પેદાશ છે. આ તાપમાને સંગ્રહ ન કરવામાં આવે તો મોનોમરના સ્વરૂપમાં અત્યંત સક્રિય હોય છે. તે મગજ અને ફેફસાં માટે બહુ ગંભીર જોખમ ઉભું કરે છે. જે ટાંકીમાંથી ગેસ લીક થયો તે મૂળે મોલાસીસના સંગ્રહ માટે બનાવાયેલી ટાંકી હતી એટલે કે સ્ટાયરીન ભરવા માટે બની જ ન હતી. તેને ભરવા માટે જે ચોકકસ ડીઝાઇન જોઇએ તે મુજબની ન હતી. ગેસના સંપર્કમાં આવનારા લોકોને આંખ બળવી, ચકકર, મોળ, ઉલટી, રતાંધળાપણું, થાક,મૂંઝવણ જેવી ફરિયાદો હતી. ઉપરાંત નાક, ગળા, ફેફસાંમાં ચચરાટને કારણે ખાંસી આવવી, શ્વાસ ચડવો અને ફેફસાંમાં પાણી ભરાવાની ફરિયાદો હતી. જેમને ચામડી પર સીધો સંપર્ક થયો તેમને ચામડી પર બળતરા અને ચકામા થયા. કેટલાકને સંપૂર્ણ અંધાપાની પણ ફરીયાદ હતી. ડો.રાવે માહિતી આપી કે સ્ટાયરીન મસલ્સ કરતાં વધુ ચરબીમાં જમા થાય છે અને શરીરમાં ગયા પછી ૪૦ મિનિટમાં વિભાજીત થઇ નીકળી જાય છે. પેશાબમાં મેન્ડેલીક એસીડ અને ફીનાઇલ ગ્લાયઓકસીલીક એસીડના રૂપમાં જોવા મળે છે. પોતાના સૂચનો આપતાં તેમણે જણાવ્યું કે જેમને સંપર્ક થયો હોય તે તમામ નાગરિકોની ઓળખથી શરૂઆત થવી જોઇએ. તે સૌની નિયમીત સમયગાળે તબીબી તપાસ થવી જોઇએ. સંપર્કમાં આવેલી બહેનોને જન્મતાં બાળકો વિષે, કેન્સર અને સાયકોસોશીયલ (મનોસામાજીક) અસરોનો અભ્યાસ થવો જોઇએ. તે માટે એક કાયમી માળખું ઉભું કરવા સૂચન કર્યું. દા.ત.મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ અને અથવા પબ્લિક હેલ્થ ભણાવતી કોલેજની સ્થાપના થવી જોઇએ અને તેમાં સંપૂર્ણ સગવડ હોવી જોઇએ.

ડો.પદ્માએ ગેસ લીક પછી સલામતી, આરોગ્ય અને પર્યાવરણ અંગે કરેલા અભ્યાસની વિગત આપી. આ પ્લાન્ટની ૧૯૬૧માં શ્રીરામ ગ્રુપ દ્વારા હિન્દુસ્તાન પોલીમર્સ લી.ની સ્થાપના કરવામાં આવી. ૧૯૭૮માં તેને મેકડોવેલ જુથ દ્વારા ખરીદવામાં આવ્યો. તેની પાસેથી ૧૯૯૬માં એલજીએ પ્લાન્ટ ખરીદી લીધો. ૨૦૦૧માં આંધ્ર પ્રદેશ સરકારે કંપની સામે લેન્ડ સીલીંગ એકટની જોગવાઇઓના ભંગ માટે હાઇકોર્ટમાં ફરિયાદ દાખલ કરી. તે પછી ૨૦૧૦માં ઇન્કમ ટેકસ કાયદાના ભંગ માટે આખા જુથ સામે ફરીયાદ થઇ અને તે પછી ૨૦૨૦માં આ ઘટના બની. પ્લાન્ટ ખરીદ્યા પછી એલજી દ્બારા વારંવાર વિસ્તરણ કરવામાં આવ્યું. ઘટના બાદ તપાસ સમિતિના અહેવાલ મુજબ પ્લાન્ટની એમ—૬ નામની જે ટાંકીમાંથી ગેસ લીક થયો તેની ડીઝાઇન ભુલ ભરેલી હતી. ટાંકીમાં તાપમાનની જાળવણી માટે લગાવવામાં આવેલા સાધનો તેમ જ માપન માટેના સાધનો ખરાબ હતા. તેને ઠંડી રાખવા માટેની વ્યવસ્થા અને તેના રીસકર્યુલેશન માટેની વ્યવસ્થા અયોગ્ય હતી. તેનું કાબુબહારનું રીએકશન થતું અટકાવવા તેમાં ઉમેરવા જરૂરી રસાયણો માટેની સૂચનાઓ ખામી ભરેલી હતી તેમજ તેનો અપુરતો જથ્થો હતો. માનવ સંસાધન પણ ઉચી ગુણવત્તાના ન હતા.

અભ્યાસ માટે ફેકટરીના ૧ કી.મી.ના વિસ્તારમાંથી (તે રેડ ઝોન કહેવાય છે) ૭૦૬ ઘરમાંથી નમુના લેવાયા. ૭૪.૬% ઉત્તરદાતા ફેકટરીથી પા કી.મી. ત્રિજયા વિસ્તારમાંથી હતા, ૧૫.૩% પા થી અડધા કી.મી. ત્રિજયા વિસ્તારમાંથી અને ૯.૩% અડધાથી એક કી.મી.ની ત્રિજયામાંથી હતા. ૮૯% ઘરમાં જ હતા અને ગેસના સંપર્કમાં આવ્યા અને ૧૧% ઘરની બહાર હતા.૫૫.૯%ને ૨૦ મિનિટ કરતાં વધુ સમય સુધી સંપર્ક રહ્યો, ૧૫.૯%ને ૧૦થી ૨૦ મિનિટ, ૧૦.૨%ને ૫થી ૧૦ મિનિટ અને ૧૮%ને ૫ મિનિટ કરતાં ઓછા સમય માટે સંપર્ક થયો હતો. ૪૪.૯%ને માથાના સખત દુખાવાની ફરીયાદ હતી. ૪૨.૫% બેભાન થઇ ગયા, ૪૬.૭% બેભાન ન થયા અને ૧૦.૮%ને એ બાબત પાકી ખબર ન હતી. ૨૯.૨%ને સખત ચકકર આવ્યા, ૩૯%ને આંખોની, ૬૬%ને શ્વાસની, ૩૧%ને ચામડીની બળતરાની તિવ્ર ફરિયાદ હતી. ૩૬% ઉત્તરદાતાને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા, ૫૭%ના ઘરમાંથી એક સભ્યને, ૩૫%ના ઘરમાંથી ૨—૪ સભ્યો અને ૮%ના ઘરમાંથી ૫ સભ્યોને દાખલ કરવા પડયા. મોટાભાગનાને ૧થી ૩ દિવસ સુધી દાખલ રહેવું પડયું અને થોડાને સાત દિવસ સુધી રહેવું પડયું. ૩૯% ઉત્તરદાતાઓએ જણાવ્યું કે તેઓ સંપૂર્ણ સાજા થઇ ગયા છે, ૪૫%એ સાજા ન થયા હોવાનું જણાવ્યું અને ૧૬% એવા હતા જે ચોકકસ જવાબ આપી શકયા નહી. કેટલીક કેસ સ્ટડી રજુ થઇ જેમાં ૩૩ વર્ષના એક પુરુષે કહ્યું કે તેને ફેફસાંમાં કાણું પડી ગયું છે, તેને શ્વાસની તકલીફ છે, એ લાંબો સમય ઉભો રહી શકતો નથી કે બેસી શકતો નથી. તેને ખોરાક પચતો નથી. તે અને તેની માતા બંને બેભાન થઇ ગયા હતા અને તેમને બંનેને મિનિટ હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. ૩ દિવસ એ એપોલો હોસ્પિટલમાં દાખલ હતો. વારંવાર વિનંતી કરવા છતાં એને રીપોર્ટ આપવાનો હોસ્પિટલે ઇન્કાર કર્યો. હોસ્પિટલમાંથી રજા આપ્યા બાદ પણ તેઓ સાજા થયા નથી. સારવાર પાછળ પુષ્કળ ખર્ચ થઇ ગયો છે. તેને ડર છે કે તે પાંચ વર્ષમાં મરી પરવારશે.

મારા વકતવ્યમાં મેં ભારતમાં વ્યવસાજન્ય રોગોની સ્થિતિ અંગે રજૂઆત કરી જેમાં મેં વિવિધ ઉદ્યોગોમાં જે સ્થિતિ છે તેની માહિતી આપી અને પરિસ્થિતિને બદલવા શા પ્રયાસ થઇ રહ્મા છે તેની પણ વાત કરી.ત્યાંના નિવાસ દરમિયાન મને વિઝાગ સ્ટીલ પ્લાન્ટના કામદાર આગેવાનો સાથે  સલામતી અને આરોગ્યની સમસ્યા અંગે ચર્ચા કરવાની પણ તક મળી. એમણે કોક ઓવનમાં કાર્બન મોનોકસાઇડની સમસ્યા, ટાર પ્લાન્ટમાં કેન્સર અને કિડનીની સમસ્યા હોવાની માહિતી આપી. કેન્સરના ૧૦—૧૫ કેસ હોવાનું જણાવ્યું. કોલસો, સીલીકા, કેલ્શિયમ, લોખંડ વગેરેના રજકણોની સમસ્યા, હાયડ્રોજન સલ્ફાઇડ અને હાયડ્રોકલોરીક એસીડની બાષ્પની સમસ્યા, મીથેન ગેસ અને હાયડ્રોજન વાયુની સમસ્યા હોવાનું કહ્યું. કંપનીના રોડ પર અકસ્માતો પણ ઘણા થાય છે. તમે આ બધી સમસ્યાઓ અંગે રજુઆત કરી છે? એવા મારા સવાલના જવાબમાં એક કામદારે જણાવ્યું કે યુનિયને સલામતી અંગેની સમસ્યાઓ અંગે એક પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન

તૈયાર કરી મેનેજમેન્ટ સમક્ષ રજુ કરવા છતાં એમણે કોઇ જાતના પગલાં લીધાં નહી. મેં તેમને પુછયું કે આ બધા માટે કોણ જવાબદાર?

જવાબ મળ્યો કે કામદારોની વ્યક્તિગત જવાબદારી ઉપરાંત મેનેજમેન્ટ પણ જવાબદાર ગણાય. મેં બંધારણની કલમ ૨૧ની યાદ અપાવી સરકારની જવાબદારી સંભારી આપી. આઇએલઓ દ્વારા જે અંદાજો રજૂ

કરવામાં આવ્યા છે તેની વાત કરી. ફેકટરી એકટમાં શિડયુલ— ૨ની જોગવાઇની વાત કરી અને પરમીસીબલ લીમીટસની વાત કરી. તેમાં ટાઇમ વેઇટેડ એવરેજ, સીલીંગ અને ઇમ્મીડીયેટલી ડેન્જરસ ટુ લાઇફ જેવા પ્રકારોની માહિતી આપી. હવે ઓએચએસ કોડમાં આ જોગવાઇ સાવ કાઢી નાખી છે તે પણ જણાવ્યું. વળતરપાત્ર વ્યાવસાયિક રોગોની વાત કરી. કેટલાક એવા ઉદાહરણ રજૂ કર્યા જેમાં કામદારોએ આગેવાની લઇને કામના સ્થળે પ્રદુષણ ઓછું કરવામાં મોટો ફાળો આપ્યો હોય. કાયદા પાલનમાં સરકારો રસ લેતી નથી એટલું જ નહી પણ ઇન્સપેકશન ઓછા કરવા માટે કેવી નીતિ ઘડે છે તેની વાત કરી. આપણે શું કરી શકીએ તેના સૂચન કર્યા. તેમણે કેટલાક સૂચનો પર આગળ કામ કરવાનો નિશ્વય જાહેર કર્યો.

તે પછી સીટુના પુરા સમયના કેટલાક કાર્યકરો સાથે પણ ચર્ચા કરવાની તક મળી. તેમણે આ વિસ્તારમાં સલામતી, આરોગ્ય અને પર્યાવરણની સમસ્યાઓની વાત કરી. અહીં દવા ઉત્પાદન કરતા ઘણા એકમો છે અને તેમાં વારંવાર અકસ્માતો થતા હોય છે એટલે એમાં જે ઇજા પામે તેમને સહાય, વળતર, સારવારમાં કાર્યકરોના ઘણા સમય અને શક્તિ ર્ચાય છે. શહેરથી ૩૫ કીમી દુર પરવડા ખાતે જવાહરલાલ નહેરુ ફાર્મા સીટી નામે ઔદ્યોગિક વિસ્તાર વિકસાવવામાં આવ્યો છે જયાં ૨૦ હાજર જેટલા કામદારો કામ કરે છે. ટોરન્ટ ફાર્મા, રેડ્ડીઝ લેબોરેટરી, હોસ્પીરા, અરબીન્દો, માયલાન વગેરેના પ્લાન્ટ છે. ચીપ્પાડા નામનો બીજો એક વિસ્તાર છે ત્યાં પણ ઘણાં કારખાનાં છે.બીવી લેબોરેટરી નામની કંપનીમાં જ ૧૬ હજાર કામદારો છે. આ એકમમાં અંગત સુરક્ષાના સાધનો આપવામાં આવતા ન હતા તે માટે ૨૦૧૮—૧૯માં યુનિયને ૧૨૦ દિવસ સુધી સંઘર્ષ કર્યો અને છેવટે સફળતા મળી. ત્યાં એક પ્લાયવુડ ઉત્પાદનનું એકમ છે અને સીફૂડ એટલે કે માછલાં સુકવણીનું અને પેકીંગ કરવાના એકમો છે. તેમાં પણ અંગત સુરક્ષા સાધનો આપતા ન હોવાની વ્યાપક ફરિયાદો છે. ત્યાં લઘુતમ વેતન પણ ચુકવતા ન હોવાની ફરિયાદો છે. કોરોના દરમિયાનનો પગાર ચૂકવાયો ન હોય કે કાઢી મુકયા હોવાની પણ ફરિયાદો છે. અહીં આગ લાગવાના બનાવોનું પ્રમાણ વધુ છે. આગમાં ઇજા પામેલા કામદારોને સારવાર આપવા નજીકમાં કોઇ સારી હોસ્પિટલ નથી તેથી એવા કામદારોને ચેન્નાઇ સુધી લઇ જવા પડે છે. આ કામદારોને સારવારનો ખર્ચ પણ ચૂકવવામાં આવતો નથી. એ સાજો થાય તો પછી તેનું વ્યવસ્થિત પુનઃસ્થાપન થતું નથી. તેને ફરી એ જ જોખમી વિભાગમાં કામ કરવા ધકેલવામાં આવે છે. કામ કરવા માટે અનુભવી અને ભણેલા કામદારોને રાખવાને બદલે બીનઅનુભવી અને ઓછું ભણેલા અથવા તાજા ભણેલા કામદારોને કામે રાખવામાં આવે છે. તેમને ઓછા પગારે રાખવામાં આવે છે. આ કામદારોને તાલીમ આપવામાં આવતી નથી. કારખાનામાં જે રીએકટર હોય તેના સમારકામ અથવા જાળવણી (મેઇન્ટેનન્સ)માં કચાશ રાખવામાં આવે છે. બાવા આદમના જમાનાની ટેકનોલોજી વાપરવામાં આવે છે. કામદારોને સલામતી માટે તાલીમ આપવામાં આવતી નથી. કામના જોખમોની માહિતી આપવામાં આવતી નથી. તેમની નિયમીત સમયગાળે તબીબી તપાસ કરવામાં આવતી નથી. આ બધા મુદ્દે સંગઠન સરકાર સામે રજુઆતો કરે છે પણ કામદારો સંઘર્ષ કરવા આગળ આવતા નથી કે સંગઠનને સહકાર આપતા નથી. હવે સ્થાનિક કામદારો કરતાં સ્થળાંતરીત કામદારોનું પ્રમાણ વધી ગયું છે. આ સ્થળાંતરીત કામદારોને સ્થાનિક ભાષા આવડતી નથી તેથી સ્થાનિક સમાજ સાથે તેઓ ભળતા નથી. એ કામદારો સુધી સંગઠન પહોંચી શકતું નથી કારણ ભાષાનો અવરોધ નડે છે. સેફટી ઓડીટ થતું નથી. અહીં ઘન કચરાના નિકાલ માટે એક ડમ્પીંગ સાઇટ કહો કે લેન્ડ ફિલિંગ સાઇટ તૈયાર કરાઇ છે જયાં આખા રાજયમાંથી રસાયણ એકમોનો કચરો ભેગો કરી ઠાલવવામાં આવે છે. તે કારણે ત્યાં એક માનવસર્જીત કચરાનો પહાડ ઉભો થયો છે. તળનાં પાણી પ્રદુષિત થયા છે. ત્યાંના કોમન એફલયુઅન્ટ ટ્રીટમેન્ટ ચલાવવા માટેનો કોન્ટ્રાકટ એક કંપનીને આપવામાં આવ્યો છે જે કશું વ્યવસ્થિત કરતા નથી.


શ્રી જગદીશ પટેલના વિજાણુ સંપર્કનું સરનામું:  jagdish.jb@gmail.com  || M-+91 9426486855

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.