નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૬૮

એ પચાસ-સાઠ વરસનાં ઊગેલાં ઝાંખરાં સાફ કરવાં શક્ય નથી

નલિન શાહ

શશીને શિક્ષણક્ષેત્રે એનું સપનું સાકાર થયાનો પારાવાર આનંદ થયો. માનસીએ સત્કાર વગેરેની શરતો બહુ જ સિફતથી રજૂ કરી હતી. એને બહુ હસવું આવ્યું. દાતાનું બહુમાન કરવાનો શિરસ્તો એ વગર કહે એની ફરજ સમજીને જાળવત. માનસી આથી વધુ શું કરવા ધારતી હતી, એની કલ્પના પણ ના કરી શકે, પણ કુતૂહલ જરૂર થયું. એણે મનોમન માનસીને આશીર્વાદ આપ્યા.

સુનિતાએ હસતાં હસતાં કહ્યું, ‘ધન્ય છે તને, માનસી. તારાં એ સાસુને સાધવા કાંઈ જેવી તેવી ઉપલબ્ધિ ના કહેવાય!’

રાજુલ માનસીને ભેટીને કહ્યું, ‘તેં અશક્યનું શક્ય કરી બતાવ્યું. એક અભણને પી.એચ.ડી.ની ડિગ્રી આપાવ્યા જેવું ભગીરથ કામ કર્યું છે.’

માનસીની વાતોએ ધનલક્ષ્મીને સપનાં જોતી કરી. ‘મમ્મી, તમને કલ્પના છે કે તમે કેટલું મોટું કામ કર્યું છે? એ હવેલીની કોઈ ખાસ ઉપજ થાય એમ નહોતું ને એ તૂટવા માંડે એ પહેલાં આપણે એની જવાબદારીમાંથી મુકત થયાં.’ માનસીએ તક સાધીને ધનલક્ષ્મીને પાનો ચઢાવ્યો, ‘સ્કૂલ સ્થાપવાની જવાબદારી ઉઠાવશે શશીબેન અને વાહ વાહ થશે તમારી. લોકો જાણશે કે શશીબેનની સફળતા અને પ્રસિદ્ધિમાં તમારો પણ હાથ છે. પણ મને વિચાર આવે છે કે મુંબઈમાં પરાગનું ડૉક્ટર તરીકે બહુ મોટું નામ હતું, પણ ગામમાં બધાંને એ વાતની કદાચ જાણ ના હોય કે તમારો દીકરો પ્રખ્યાત ડૉક્ટર હતો; ને એની સફળતામાં તમારો ફાળો કાંઈ જેવોતેવો નહોતો.’ માનસીનું છેલ્લા વાક્યમાં કટાક્ષની છાંટ હતી, જે ધનલક્ષ્મીની સમજની બહાર હતી. ‘મને એમ થાય છે…’ માનસીએ કહ્યું, ‘કે એક જ પ્રાંગણમાં મા-દીકરા બંનેનાં નામ કોતરાય તો આખું કુટુંબ તરી જાય. કશ્યપ પણ અભિમાનથી કહી શકે કે એની દાદી ને પિતા કોણ હતા.’

‘હું કાંઈ સમજી નહીં.’ ધનલક્ષ્મીએ મૂંઝવણ અનુભવી. ‘હું એમ કહેવા માગું છું કે ધર્મેશભાઇ પરાગની સંપત્તિનો જે હિસાબ આપી ગયા છે એમાંથી પરાગનું નામ જળવાય એવું કાંઈક કરીએ.’

‘પણ એ તો બધું તારાં નામે હશે ને!’

‘તો શું થયું? હું કાંઈ એટલી સ્વાર્થી નથી કે તમારા દીકરાની મહેનતની કમાણી ભોગવવાનો આનંદ લઉં. હું વિચારું છું કે હવેલીની બાજુમાં વિશાળ ખાલી જગ્યા છે જ્યાં ઝાડીઓ ઊગી છે ને ઢોર ચરે છે. એ જગ્યા સાફ કરીને પરાગના નામનું એક નર્સિંગ હોમ બનાવ્યું હોય તો આખું ગામ તમને આશીર્વાદ આપશે. આપણે તો એ મિલકતનો એક મામૂલી ભાગ વાપરશું. બીજું એની બીજી મિલકત છે જે ઇન્કમટેક્ષમાં એણે જાહેર નથી કરી એ આમાં સહેલાઈથી વપરાઈ જાય. આપણે માથે તો એ બોજો છે. કારણ એ ગેરકાયદેસર કહેવાય. મને એમ પણ થાય છે કે તમે હવેલીની બાબતમાં ભોગ આપ્યો હતો, હું પણ થોડો કેમ ના આપું? તમારી જેમ મારે પણ પુણ્ય કમાવવું છે. કશ્યપ મોટો થઈને જો કદાચ ડૉક્ટર થાય તો ક્યારેક ક્યારેક ત્યાં જવામાં કેટલો ગર્વ અનુભવશે!’

કચવાટ અનુભવતી હતી છતાં માનસીના વિચારો સાંભળીને ધનલક્ષ્મી મનોમન કબૂલ કર્યા વગર ના રહી કે એના દીકરાએ લગ્ન માટે કરેલી પસંદગી તદ્દન યોગ્ય હતી. બીજી કોઈ મોટા ઘરની છોકરી હોત તો હાથમાં આવેલી વરની સંપત્તિ પોતાના એશોઆરામ અને આનંદપ્રમોદમાં ઊડાવી શકી હોત, કદાચ વરના બાપ-દાદાની સંપત્તિમાંથી એનો ભાગ પણ પડાવ્યો હોત. એ પણ શક્ય છે કે બીજાં લગ્ન કરી કુટુંબના નામને લાંછન લગાવ્યું હોત અને એના દીકરાને પણ મારાથી દૂર રાખ્યો હોત. પણ આ તો કોઈ જુદી માટીની ઘડાયેલી લાગે છે. સામે ચાલીને આવેલી સંપત્તિને પણ અડવા નથી માંગતી!

‘તારી વાત સાચી છે.’ ધનલક્ષ્મી વિષાદમય વદને બોલી, ‘પરાગ એટલું મોટું નામ કમાયો તો એ નામ પણ જળવાશે. તને જે યોગ્ય લાગે તે કર. કાંઈ ખૂટે તો માંગતાં અચકાતી નહીં.’

‘તો હું ગામમાં ખબર કરી દઉં છું એટલે ત્વરિત કામ આગળ વધે ને ધર્મેશભાઇને પણ કાલે આવી જવાનું કહું છું એટલે જગ્યાનો કબજો આપવાનું કાયદેસર કામ વગર વિલંબે પૂરું પાડે.

ધનલક્ષ્મીએ હકારમાં ડોકું હલાવ્યું.

રાત્રે જ માનસીએ શશી અને સુનિતાને ફોન પર ખબર આપ્યા. શશીને અતિશય આનંદ થયો. આટલી મોટી શાળા ને અદ્યતન નર્સિંગ હોમ એનાં સપનાં જેવા કાર્યો સાકાર થતાં લાગ્યાં. એને કોઈ માન-પાનની લાલચ નહોતી. ભલે બધો શ્રેય ધનલક્ષ્મીને ફાળે જાય. માનસીએ ખાસ તાકીદ કરી હતી કે કોઈ પણ પ્રકારના સન્માનની બાબતમાં એને બહાર રાખે. કેવળ એની સાસુને જ આગળ કરે ને નર્સિંગ હોમનું ઉદ્‌ઘાટન સાસુના હસ્તક થાય.

બીજે જ દિવસે શશીએ એના કાર્યકર્તાને કાગળ આપી મુંબઈ રવાના કર્યો, જે એક ફૂલના બુકેની સાથે ધનલક્ષ્મીને સુપરત કરે. સંસ્થાના લેટર-પેડ પર લખાયેલા કાગળમાં સંસ્થાવતી શશીએ ધનલક્ષ્મીનો ભારપૂર્વક આભાર વ્યકત કર્યો હતો. ગામની બહુ જ જરૂરી અને અગત્યની નિઃસ્વાર્થ સેવા કરવાનો શ્રેય પણ એને જ આપ્યો હતો ને ભવિષ્યમાં યોજાનારા ઉદ્‌ઘાટન સમારંભમાં મુખ્ય અતિથિના રૂપમાં હાજર રહી પ્રસંગની શોભા વધારવાની નમ્ર વિનંતી કરી હતી. વાંચીને આશ્ચર્ય અને આનંદની લાગણીઓ ધનલક્ષ્મીના હૃદયમાં ઉભરાઈ આવી. ભૂતકાળ ભૂલીને શશી એનો જાહેરમાં સત્કાર કરે એ એની કલ્પનાની બહારની વાત હતી. પણ આશ્ચર્યની વાત એ હતી કે ક્યાંક માનસીના નામનો ઉલ્લેખ નહોતો. માનસી આગળ જ્યારે એનું આશ્ચર્ય વ્યક્ત કર્યું ત્યારે માનસીએ સાહજિક રીતે કહ્યું, ‘જે નિર્ણયો લીધા છે એ તમે લીધા હતા. મેં તો કેવળ તમારી સૂચનાઓનો અમલ કર્યો હતો. તો દાનવીર તમે કહેવાઓ, હું નહીં.’ થોડી વાર થંભીને માનસી બોલી, ‘સ્કૂલનું ઉદ્‌ઘાટન શિક્ષણમંત્રીના હસ્તક થાય તો પ્રસંગ વધારે દીપી ઊઠે ને દાનવીર અને મુખ્ય અતિથિ તરીકે છાપાં અને ટી.વી. બંનેમાં તમારા નામનો ઉલ્લેખ થાય. ફોટા પણ લેવાય ને ટી.વી.વાળા તમારો ઇન્ટરવ્યુ લે તો ડરવાનું કોઈ કારણ નથી. હું તમારી પડખે જ રહીશ એ લોકોને જવાબ આપવા માટે. શશીબેનનો પણ આગ્રહ છે કે નર્સિંગ હોમનું ઉદ્‌ઘાટન તમારે હસ્તક થાય. શશીનો પ્રસ્તાવ લલચાવે એવો હતો. એના હાથે ઉદઘાટન થાય અને મિનિસ્ટરની હરોળમાં બેસવા જેવું ગણાય. એના નામનું મોટું બોર્ડ સ્કૂલનાં પ્રાંગણમાં લાગે. એ ભલે અભણ જેવી રહી, પણ હવે આટલી મોટી સ્કૂલને એનુ નામ અપાય એ ઉપલબ્ધિ કાંઈ નાનીસૂની નહોતી. ગામમાં એના નામનો ડંકો વાગશે. છાપાંઓમાં એના ફોટા છપાશે. ટી.વી.તો હવે ઘરે ઘરે આવી ગયાં હતાં ને એમાં પણ એ દેખાશે. આ બધું થવાની શક્યતા એણે કદી કલ્પી નહોતી. મનોમન આવું સૂચન આપવા માટે એણે માનસીને ધન્યવાદ આપ્યા ને દીકરાના મોતનું દુઃખ પણ વિસારી દીધું.

મોડી રાત સુધી મગજમાં એના થનારા બહુમાનના વિચારો ઘુમતા રહ્યા. એને મળનારી પ્રસિદ્ધિ ને સમાજમાં થનારી વાહ વાહના વિચારો આવતા રહ્યા. સવારે માનસી સાથે ચા પીતાં પીતાં ધનલક્ષ્મીએ એની મૂંઝવણ રજૂ કરી.

‘માનસી, જો જાહેરમાં મારો સત્કાર થાય તો કદાચ મારે ભાષણ પણ આપવું પડે ને?’

‘અરે!એમાં શું છે?’ માનસીએ સાહજિકતાથી કહ્યું. ‘હું તમને કાગળ પર ચાર-છ લાઇનો લખી આપીશ એ વાંચી જવાની. છાપાંવાળાઓ પણ હશે ને તમે જે બોલો એ છાપે પણ ખરા; આવો મોકો તમને ક્યારે મળવાનો હતો!’

‘બહારથી પણ લોકો આવશે ને?’

‘મિનિસ્ટર હશે, સુનિતાબેનનું આખું કુટુંબ હશે, તમારી સહેલીઓને પણ આવવાનું આમંત્રણ અપાશે. બીજાં કોઈને બોલાવવાં હોય તો કહેજો, વ્યવસ્થા થઈ જશે.’

‘મને ફૂલનો હાર પણ પહેરાવશે ને? જો કે, મને એવો કોઈ અભરખો નથી, પણ પ્રસંગને અનુરૂપ કદાચ પહેરવો પણ પડે! પણ એ સમારંભ થશે ક્યારે?’

‘તમે જગ્યાનો કબજો આપવાની કાયદેસર વિધિ પતાવો એટલે હવેલીની મરમ્મત અને નર્સિંગ હોમનું બાંધકામ હાથમાં લેવાશે. તમારા કરતાં એ લોકોને વધુ ઉતાવળ છે.’

‘એ બધો ખર્ચો કોણ કરશે?’

‘ એ લોકો જ કરે ને?’

‘એ કયાંથી લાવશે?’

‘મોટો ખર્ચો તો તમે કરવાનાં જ છો. જે ખૂટશે એ ભરપાઈ કરવા ડોનેશન આપનારાં મળી રહેશે.’

ધનલક્ષ્મી વિચારમાં ગરકાવ થઈ ગઈ. અચાનક ફોનની ઘંટડી રણકી. માનસીએ ફોન ઉઠાવ્યો ને તરત રિસીવર સાસુ સામે ધર્યું. ‘કોણ છે?’

‘સુનિતાબેન છે. તમારી સાથે વાત કરવા માંગે છે.’

ધનલક્ષ્મીએ રોમાંચ અનુભવ્યો. જેની સાથે કદી વાત કરવાનો મોકો પ્રાપ્ત નહોતો થયો એવી આટલાં મોટા ઘરની ખ્યાતિપ્રાપ્ત બાઈ સામેથી એને ફોન કરે એ વિચારે એના દિલની ધડકન તેજ થઈ ગઈ. ધ્રુજતા હાથે એણે રિસીવર લઈ કાને અડાડ્યું. ‘ધનલક્ષ્મીબહેન, સુનિતા બોલું છું.’ સામેથી અવાજ આવ્યો.

‘કેમ મને યાદ કરી આજે?’ ધનલક્ષ્મીએ અચકાતાં અચકાતાં પૂછ્યું. ‘અરે, કાલે રાતથી તમને યાદ કરુ છું. વાટ જ જોતી હતી કે ક્યારે સવાર પડે ને તમને ફોન કરું. તમે એટલું મોટું ભલાઈનું કામ કર્યું છે કે મારી પાસે વર્ણવવાને શબ્દો ઓછા પડે છે. રાજુલ કહેતી હતી કે તમે શશીનાં વર્ષોનાં સપનાં પૂરાં કર્યાં. એ તમને ફોન કરવાની હતી પણ મેં કહ્યું કે હું મોટી છું એટલે હું જ કરીશ. ગામમાં બધાં તમારાં ગુણગાન કરશે. હવેલીની મરમ્મત માટે ને નર્સિંગ હોમનાં બાંધકામ માટે મેં શશીને જણાવ્યું છે કે સાગરની મદદની જરૂર હોય તો વિના સંકોચે જણાવે. તમે તમારી પસંદ જણાવો એટલે વિલંબ કર્યા વગર કામ શરૂ થઈ જાય.’

‘હવે એ બધું તો માનસીએ નક્કી કરવાનું છે. મને શું સમજાય!’

‘મેં તો એને કહ્યું કે તારાં સાસુએ બહુ કર્યું છે, હવે વધારે તકલીફ ના આપતી. કાંઈ વધારેની જરૂર હોય તો મારી પાસે લઈ લે.’

‘ના, હું છું ને જરૂર હોય તો. તમે તો અત્યાર લગી બહુ કર્યું છે. હવે મારો વારો. ખરું ને?’ ધનલક્ષ્મીએ કહ્યું.

સુનિતાએ હસીને કહ્યું,    ‘એ તો તમારી ઉદારતા કહેવાય. ફરી એક વાર ધન્યવાદ આપું છું ને આવજો ક્યારેક ઘરે.’

‘તમે પણ આવજો.’ કહીને ધનલક્ષ્મીએ ફોન મૂક્યો.

સુનિતા ડાઇનિંગ ટેબલની ખુરશી પર બેસતાં બોલી, ‘કેમ રાજુલ, કાંઈ ખોટું તો નથી કહ્યું ને તારા વતી ધન્યવાદ આપ્યા તે?’

‘ના, જરા પણ નહીં. એને ખુશ રાખવી જરૂરી છે. બિચારી માનસી! શું શું વીત્યું હશે એના પર આ બધું સાધવા.’

ફોન બંધ કરીને ધનલક્ષ્મીએ માનસીને પૂછ્યું, ‘મને કાંઈ સમજાયું નહીં કે સુનિતાએ શશીને એમ કેમ કીધું હશે કે વધારાની જરૂર હોય તો એની પાસે લે! હવે શું બાકી હોય?

‘તમારો કરેલો ભોગ કાંઈ મામૂલી બાબત નથી ને એ વાત તો સુનિતાબહેન, શશીબહેન ને રાજુલ બધાં સ્વીકારે છે ને એ જ કારણે સુનિતાબહેન કહેતાં હશે કે તમારા પર વધારે બોજો ના નાખવો જોઈએ. પણ મને એ વાત ના જચી કેવળ એટલા માટે કે આટલું કરીને થોડા માટે શું કામ બાકી રાખવું જોઈએ!’

‘હું કાંઈ સમજી નહીં.’

‘કહેવાનો ભાવાર્થ એમ કે તમે સ્કૂલની અને નર્સિંગ હોમની સ્થાપના તો કરી આપશો પણ એ બંને ઇમારતો વ્યવસ્થિત રીતે કામમાં લેવા જે ખર્ચો કરવો પડશે એની જોગવાઈ કરવા એ લોકોએ સુનિતાબહેન જેવાં કોઈ દાનવીર સામે હાથ લંબાવો પડશે. દાખલા તરીકે સ્કૂલનું ફર્નિચર, કબાટો પલંગો, દવાઓ ને બીજી જરૂરી સામગ્રી. હું નથી ઇચ્છતી કે તમારા સત્કારમાં બીજું કોઈ ભાગીદાર બને. દાનવીર તરીકેની ઓળખ અને પ્રચાર કેવળ તમારો જ હોવો જોઈએ. શાળા કેવળ તમારા નામની ને નર્સિંગ હોમ કેવળ પરાગના નામનું જ હોવું જોઈએ. બીજા કોઈ દાન આપનારનો ઉલ્લેખ થાય તો તમારી મહત્તા ઓછી થાય. બસ, એ જ મારા મનને ખૂંચે છે. બાકી તો જેવી તમારી મરજી.

‘તો હજી કેટલું આપવું જોઈએ?’ ધનલક્ષ્મીએ મૂંઝવણ અવુભવી.

‘ના ના, આ તો મને જરા વિચાર આવ્યો એટલે કહ્યું. બીજી ચિંતા એ હતી કે ખૂટતા પૈસાની જોગવાઈ કરવામાં સમયનો વ્યય થાય ને ઉદ્‌ઘાટનનો પ્રસંગ લંબાય.’

‘વધુ કેટલો ખર્ચો થાય?’ ધનલક્ષ્મીએ વિચારીને પૂછ્યું.

‘એ તો ખબર નથી, એસ્ટિમેટ કઢાવવું પડે.’

‘ખરાબ ના લાગે એવું પૂછવું?’

‘ખરાબ તો નહીં, પણ સંકોચજનક જરૂર લાગે. ખાસ કરીને આટલું બધું કર્યા પછી.

‘તો જણાવી દે કે બાકીનો ખર્ચો પણ આપણે જ કરશું, લઈ લેજે મારી પાસેથી.’

માનસી જાણતી હતી કે બાકીનો ખર્ચો મામૂલી નહોતો, પણ એને ખાતરી હતી કે એક વાર સાસુ પાસે કબુલાવ્યા પછી કટકે-કટકે મેળવી શકાશે.

માનસીએ વિલંબ કર્યા વગર શશીને ફોન કરીને ખબર આપ્યા ને કામનો આરંભ કરવાનું કહ્યું.

સુનિતાએ હસીને કહ્યું, ‘માનસી મેં નહોતું કહ્યું કે તું સાઇકિયાટ્રિસ્ટ પણ છે. બાકી તારી સાસુના મગજમાં સાફસફાઈ કરવાનું જેવા તેવાનું કામ નથી.’

‘એ પચાસ-સાઠ વરસનાં ઊગેલાં ઝાંખરાં સાફ કરવાં શક્ય નથી.’ માનસીએ ઉચ્ચાર્યું. ‘આ તો મેં એમની નબળાઈ પારખી ને તીર માર્યું હતું,જે નિશાના પર લાગ્યું. આ દાન તો એમને માટે સાગરમાંથી ખોબો ભરી પાણી આપ્યા બરાબર છે, પણ શશીબેન માટે એનું મહત્ત્વ ઘણું છે. ને એ સાધવા મારે સાસુને બસ થનારા સત્કારની લાલચ આપવી પડી. મારા જમીનદાર સસરાની સંપત્તિમાં ગામની કેટલીય ગરીબ પ્રજાનું લોહી રેડાયું હશે. મારે એ શા ખપની? એના પર સાચો હક્ક તો ગામની ગરીબીમાં પીડાતી પ્રજાનો છે. મેં તો સાસુને સમાજમાં અને એની ચાર-છ સહેલી સામે એની વાહવાહના બણગાં ફૂંકવાનો મોકો પ્રાપ્ત કરી આપ્યો છે ને એની કિંમત વસૂલી છે. બાકી તો એના મગજમાં સાફસફાઈ કરવાનું કે એને બદલવાનું શક્ય નથી ને કદાચ હોય તો એ સમય અને સંજોગોના હાથમાં છે, મારા નહીં.’

 

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.