મન્ના ડે – ચલે જા રહેં હૈ… – ૧૯૫૬

સંકલન અને રજૂઆત:  અશોક વૈષ્ણવ

મન્ના ડે – મૂળ નામ: પ્રબોધ ચંદ્ર ડે, (૧ મે, ૧૯૧૯ – ૨૪ ઓક્ટોબર, ૨૦૧૩)ની બાળપણમાં તાલીમ કુસ્તીદાવોમાં મહારથ માટે થયેલી. પરંતુ કુસ્તીના કોશેટાનાં સખત આવરણને ભેદીને મન્ના ડેનાં કુટુંબની સંગીતની અસર તેમને ગાયક બનવા ભણી ખેંચી ગઈ. તે સાથે તેમને શાસ્ત્રીય સંગીતના ગાયકી અંગની ઘનિષ્ઠ તાલીમ પણ મળી. આવા સુસજ્જ ગાયકની હિંદી ફિલ્મ સંગીતની શરૂઆતની કારકિર્દી પર નજર કરીએ તો એવું જણાય કે એક કોશેટાનાં કોચલામાંથી બહાર નીકળ્યા પછી નિયતિએ તેમને અમુકતમુક ગીતોના ગાયક તરીકેના જડબેસલાક ફાંસલામાં કેદ રાખવાનું નિર્ધાર્યું હશે. પરંતુ કુસ્તીદાવોની તેમની બાળપણની તાલીમે તેમને હવે દરેક પરિસ્થિતિ સામે લડવાની શક્તિ પ્રદાન કરી હતી. એટલે ફિલ્મ ઈન્ડસ્ટ્રી તેમને જે તક આપે તેને તેઓ અવનવા પ્રયોગાત્મક સ્વરૂપે રજુ કરતા ગયા અને તેમનાં આગવાં સ્થાનને મજબુત બનાવતા રહ્યા. અનિલ બિશ્વાસ કે એસ ડી બર્મન જેવા સંગીતકારો ચોક્કસપણે એમ માનતા કે ગમે તે ગીત મન્ના ડેને આપો, તો  પણ મન્ના ડે એ સહજતાથી ગાઈ બતાવશે. એટલું જ નહીં પણ એમના એ સમયના અન્ય ગાયકો જે કંઈ ગાઈ શકે તે મન્ના ડે તો ગાઈ જ શકે, પરંતુ મન્ના ડે જે ગાય, અને જે રીતે ગાય, તે બધા ન કરી શકે, એવી પણ માન્યતા બહુ વ્યાપક હતી.

‘૪૦ના દાયકાના અંત સુધીમાં મન્ના ડે ભક્તિ ગીતો કે પ્રેરણાભાવનાં ગીતો ઉપરાંત રોમેન્ટીક ગીતોનાં ક્ષેત્રમાં પણ પોતાનું સ્થાન બનાવી ચુક્યા હતા. આ પરિસ્થિતિને વધારે મજબૂત કરવામાં શંકર જયકિશને મન્નાડેના સ્વરમાં રજુ કરેલ ૧૯૫૧ અને ૧૯૫૩નાં ગીતોની ભૂમિકા પણ અદકેરી રહી. મન્નાડેના રોમેન્ટીક, શાસ્ત્રીય ગીતોની સાથે કવ્વાલી, પાશ્ચાત્ય ઢાળનાં કે હશીમજાકનાં લોકપ્રિય ગીતો તો ફિલ્મ સંગીત ચાહકોની દરેક પેઢીને મનમોહિત કરતાં જ રહ્યાં છે. પરંતુ મન્ના ડેનાં જે ગીતોને લોકપ્રિયતા ન મળી, તે ગીતોમાં પણ મન્ના ડેના સ્વરે જીવન રેડ્યું છે અને તે ગીતોને પણ કાલાતીત કરેલ છે.

મન્ના ડેના જન્મમહિનામાં તેમનાં આ ઓછાં સાંભળવા મળેલ, ઓછાં લોકપ્રિય થયેલ ગીતોની યાદને તાજી કરવાનો ઉપક્રમ આપણે ચલે જા રહેં હૈ લેખમાળામાં કરી રહ્યાં છીએ. અત્યાર સુધીમાં આપણે

૨૦૧૮માં મન્ના ડેનાં ૧૯૪૩થી ૧૯૪૬નાં વર્ષનાં ગીતો,

૨૦૧૯માં તેમનાં ૧૯૪૭-૧૯૫૦નાં ગીતો

૨૦૨૦માં તેમનાં ૧૯૫૧-૧૯૫૩નાં ગીતો, અને,

૨૦૨૧માં તેમનાં ૧૯૫૪-૧૯૫૫નાં ગીતો

સાંભળી ચૂક્યાં છીએ.

પહેલાં આપણે એ વાતની જરૂર નોંધ લઈશું કે ૧૯૫૬નાં વર્ષમાં મન્ના ડેની કારકિર્દીના શ્રેષ્ઠ ગીતોમાં ગણાય એવાં જા તો સે નહીં બોલું કન્હૈયા (પરિવાર- લતા મંગેશકર સાથે – ગીતકાર: શૈલેન્દ્ર – સંગીત:  સલીલ ચૌધરી); ચલે સિપાહી ધુલ ઉડાતે કહાં કિધર કોઈ ક્યા જાને  (રાજહઠ – ગીતકાર:: શૈલેન્દ્ર – સંગીત:: શંકર જયકિશન); નૈન મિલે ચૈન કહાં સાંવરે (બસંત બહાર – લતા મંગેશકર સાથે – ગીતકાર: શૈલેન્દ્ર – સંગીત: શંકર જયકિશન) જેવાં રોમેન્ટીક ગીતો, નિર્બલ સે લડાઈ બલવાનકી (તૂફાન ઔર દિયા – ગીતકાર: ભરત વ્યાસ – સંગીત: વસંત દેસાઈ) જેવાં પ્રેરણાત્મક બેકગ્રાઉન્ડ ગીત, કે ભય ભંજના વંદના સુન હમારી, સુર ના સજે ક્યા ગાઉં મૈં અને કેતકી ગુલાબ જુહી – ભીમસેન જોશી સાથે – (બસંત બહાર- ગીતકાર: શૈલેન્દ્ર – સંગીત: શંકર જયકિશન) જેવાં શાસ્ત્રીય ગીતો પણ હતાં.

આજના આ મણકામાં આપણે વર્ષ  ૧૯૫૬ માટેનાં મન્ના ડેનાં ઓછાં સાંભળવા મળતાં ગીતોને યાદ કરીશું.

જોડી મિલે ના મિલે શાદી રચાયે ચલે – ગૌરી પૂજા – ગીતકાર: જી એસ નેપાલી – સંગીત: મન્ના ડે

એ સમયમાં પોતાના પિતાની લાજ રાખવા દીકરીઓએ પોતાની પસંદને બાજુએ કરીને જે પાનું પડ્યું તે ખુશી ખુશી નિભાવી લેવાનું રહેતું હતું તે ભાવ પણ અહીં આપણને સ્પર્શે છે.

કહ દો જી કહ દો છુપાઓ ન પ્યાર, કભી કભી આતી હૈ ઝુમતી બહાર – કિસ્મત કા ખેલ – લતા મંગેશકર સાથે – ગીતકાર: હસરત જયપુરી – સંગીત: શંકર જયકિશન

શંકર જયકિશનનો મન્ના ડેના સ્વર માટેનો ખાસ ભાવ આ એક્દમ ભાવવાહી રોમેન્ટીક ગીત માટેની પસંદ દ્વારા છતો થઈ રહે છે. ‘૫૦ના દાયકાનાં હવે પછીનાં વર્ષોમાં નવા ઉભરતા અભિનેતાઓ માટે મન્ના ડેના સ્વરમાં રોમેન્ટીક ગીતો મુકવાનું ચલણ વધારે વ્યાપક બન્યું, તેમ છતાં જ્યારે એ અભિનેતાઓ સફળ થયા ત્યારે મન્ના ડે તેમનો પાર્શ્વસ્વર ન બની શક્યા એ પણ નસીબની બલિહારી છે.

એ વર્ષોમાં શંકર  જયકિશન આટલી જીવંત ધડકનો ઝીલતાં, પ્રેમભીના ભાવનાં, રોમેન્ટીક ગીતો કેટલી આસાનીથી બનાવી લેતા હતા !

એક દિન તેરા ભી સવેરા આયેગા – સતી અનસુયા – ગીતકાર: ભરત વ્યાસ – સંગીત: શિવરામ કૃષ્ણ

ફિલ્મના પર્દા પર અદાકાર સામાજિક કે અંગત મુશ્કેલીઓથી હતાશ થઈ ચુકેલ હોય ત્યારે તેની હતાશાને ખંખેરી કાઢવા માટે બેકગ્રાઉન્ડમાંથી સંભળાતાં પ્રેરણાત્મક ગીતનો આ પ્રકાર મન્ના ડે, અથવા તો મોહમમ્દ રફી, ને ફાળે જ હોય, માત્ર બન્નેની અદાયગીની શૈલી અલગ હોય.

વો દેખો ઉધર ચાંદ નિકલા ગગનમેં, ઈધર આ ગયી ચાંદની મુસ્કરાતી – રૂપ કુમારી – ગીતા દત્ત સાથે – ગીતકાર: બી ડી શર્મા – સંગીત: એસ એન ત્રિપાઠી

હિંદી ફિલ્મ સંગીતમાં ઘણાં પ્રતિભાશાળી કલાકારોને ભાગે બી કે સી ગ્રેડની ફિલ્મો જ આવતી રહી છે. એસ એન ત્રિપાઠી પણ આવા જ એક અનેક કૌશલ્યો ધરાવતા કલાકાર હતા. આ યુગલ ગીત તેમની પ્રતિભા શક્તિનો સંગીતમય નમૂનો કહી શકાય તેમ છે.

આડવાત: યુટ્યુબ પરના જાણકાર શ્રોતાએ આ ગીતની કોમેન્ટમાં જણાવ્યું છે કે આ જ ધુન ફરી એક વાર એસ એન ત્રિપાઠીએ નિગાહોંમેં તુમ હો (જાદુ નગરી – લતા મંગેશકર સાથે – ગીતકાર હસરત જયપુરી) માટે પ્રયોગ કરી છે.

ખેલ ખિલાડી જિસસે ન ખેલ અપની જાનસે – બાદશાહ સલામત – ગીતકાર: વિનય કુમાર- સંગીત: બુલો સી રાની

ગીતના બોલ પરથી તો એવું જણાય છે કે આ ગીત કોઈ ‘ફકીર’ પર્દા પર ગાતા હશે આ પ્રકારનાં ગીતો ગાવાની મન્ના ડેની પોતાની આગવી શૈલી હતી.

છોડ ભી દે આકાશ સિંગાસન, ફિર ધરતી પર આ જા રે – ૨૬ જાન્યુઆરી – ગીતકાર: રાજેન્દ્ર ક્રુષ્ણ – સંગીત: સી રામચંદ્ર

ગીતના બોલ પરથી આ પણ પ્રેરણાત્મક ગીત છે તેટલું જણાય છે, પણ ગીત કે ફિલ્મ વિશે મારી પાસે અન્ય કોઈ માહિતી નથી.

આજ કી બાતેં રાજા ભુલ મત જૈયો જી…..હમ તો નહીં ભૂલે તુમ ના ભૂલ જૈયો – ઢોલા મારૂ – આશા ભોસલે સાથે – ગીતકાર: ભરત વ્યાસ – સંગીત: એસ કે પાલ

રાજસ્થાની લોક ગીતોની શૈલીમાં સંગીતબધ્ધ થયેલ આ સરળ ગીતને આશા ભોસલે અને મન્ના ડે પુરતું રસપ્રચુર બનાવી લે છે.

બહતા પાની બહતા જાય રાહ તકે ન તેરી, એજી સમય કા હાલ હૈ ન કર દેર ઘનેરી – ઢાકે કી મલમલ – આશા ભોસલે અને કિશોર કુમાર  સાથે – ગીતકાર: ડી એન મધોક – સંગીત: રોબિન બેનર્જી

આ ફિલ્મના બીજાં બધાં ગીત ઓ પી નય્યરે સંગીતબધ્ધ કરેલ છે.  ગીતની સીચ્યુએશનનો  સંબંધ નાવ પર ગવાતાં ગીત સાથે હશે એટલે રોબિન બેનર્જીને પસંદ કર્યા હશે કે જેથી બંગાળી લોક ધુનના સહજ આધાર પર ગીતની રચના થઈ શકે? ગીતમાં પ્રયોજાયેલ વિવિધ લય ગીતને અનોખી ભાતમાં રજુ કરે છે.

મુડકર ભી ન દેખ સુહાગન મહલોંકી યે શાન,ઈસ દુનિયામેં અબ તેરા બસ પતી હી ભગવાન…. ઉધર ચલી જા જાનકી જીધર ચલે તેરે રામ – દેવતા – ગીતકાર: રાજેન્દ્ર કૃષ્ણ – સંગીત: સી રામચંદ્ર

ફિલ્મોમાં જે વાત સંવાદોથી સમજાવી શકાય તેમ ન હોય તેને બેક્ગ્રાઉન્ડ ગીતની મદદથી શ્રોતાને સમજાવી દેવાની આ પ્રથા પણ બહુ મહત્ત્વની ગણાતી હતી.

નિયતિએ જે અને જેવા પતિ સાથે લગ્નબંધન સર્જ્યું તે હવે સ્વીકારી લેવું  તે એક સમયની રાજકુમારી માટે કેટલું દુષ્કર હશે તેમ છતાં એક આદર્શ પતિવ્રતા નારી તરીકે તે સંજોગની સાથે કેમ  કામ પાર પાડે છે તેવી વાર્તાને આ ગીત દ્વારા સમજાવાઈ છે. (જોકે, આજના સમયમાં તો આ વાત કેમે કરતાં ગળે ન જ ઉતરે!)

૧૯૫૬નાં વર્ષ માટે મન્ના ડેએ ગાયેલાં પણ ઓછાં સાભળવા મળતાં આટલાં ગીતો ઉપરાંત https://mannadey.weebly.com/  અને http://www.mannadey.in/  પર લાલ-એ-યમન, કર ભલા, જંગલ ક્વીન, ઈન્દ્રલીલા, ગ્રાંડ હોટેલ, ઝરીના, સુદર્શન ચક્ર, સ્કાઉટ કેમ્પ, સતી નાગકન્યા, રાજરાણી મીરા, અયોધ્યાપતિ, અનુરાગ અને દયાર-એ-હબીબ જેવી બીજી ફિલ્મોમાં પણ મન્ના ડેનાં એક એક ગીતોનો ઉલ્લેખ છે. પરંતુ એ ફિલ્મોની ઘોર નિષ્ફળતાને કારણે આ ગીતો પણ નામશેષ થઈ ગયાં હશે તેમ માની શકાય. સંખ્યાત્મક રીતે થયેલાં નુકસાન કરતાં મન્ના ડેનાં ગીતોનાં વૈવિધ્યનાં ગુણાત્મક સ્તરે જે નુકસાન થયું હશે તે કળી શકાય તેમ નથી.

આટલી સખેદ નોંધ સાથે આજના આ મણકાને અહીં પુરો કરીએ અને હવે પછીનાં વર્ષોનાં ભાવિમાં શું સમાયું હશે તેની રાહ જોઈએ.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.