જ્યારે વિરોધપક્ષના આક્ષેપોએ અમેરિકન પ્રમુખની પત્નીનો જીવ લીધો!

ભાત ભાત કે લોગ

જ્વલંત નાયક

ચૂંટણીઓ ચાલતી હોય એ દરમિયાન ટેલીવિઝન ચેનલો આપણા દીવાનખંડમાં ભ્રષ્ટાચાર, ખુનામરકી, જ્ઞાતિવાદથી માંડીને પ્રાદેશિકવાદનો જે કચરો આપણા દીવાનખંડમાં ઠાલવે છે, એ જોઈને કોઈ પણ સંવેદનશીલ માનવીને ઉબકા આવવા માંડે! પરંતુ અહીં મોરલ ઓફ ધી સ્ટોરી એ છે કે રાજકારણ વિના આપણને ક્યારેય ચાલવાનું નથી. ગમે કે ન ગમે, પણ લોકશાહી તંત્રનું માળખું સુપેરે ચલાવવા માટે આ બધું સહન કર્યે જ છૂટકો. જો જાતને દિલાસો આપવો જ હોય તો એવો આપી શકાય, કે કાગડા બધે જ કાળા છે. ચૂંટણી આવે ત્યારે આખી દુનિયાના રાજકારણીઓ કાદવઉછાળ પ્રવૃત્તિ કરતા જ હોય છે. જો લોકશાહી ગમતી હોય, તો એની સાથે અભિન્ન અંગ તરીકે જોડાયેલા રાજકીય કાવાદાવાઓ અને ચૂંટણી સમયની કીચડઉછાળ પ્રવૃત્તિ સાથે પનારો પાડે જ છૂટકો. ચાલો આજે એ અંગેનો એક રસપ્રદ કિસ્સો જાણીએ.

પેટ્રિક હેન્રીનું ‘જેરીમેન્ડરિંગ’

તમે જો રાજકારણના અભ્યાસુ હોવ તો રાજકારણીઓના મોઢે બોલાતા ખોટા વચનો કે વાયદાઓના ભરમાવામાં આવી જતાં નથી. પણ કેટલાક રાજકારણીઓ એવા રીઢા હોય છે, જેમની ગોળ જેવી ગળી વાતો સાંભળીને ભલભલા પાણી પાણી થઇ જાય. ભારતમાં ય આવા રાજકારણીઓનો તોટો નથી. આવા લોકો તમારી આગળ ‘લોકશાહી બચાવવાની’ વાતો કર્તા જોવા મળે. પ્રજાના મૂળભૂત હકો વિષે જો તમેં એમની સાથે ચર્ચા માંડો તો થોડી જ વારમાં એ તમને ગળગળા કરી નાખે. તમને ગળા સુધી ખાતરી થઇ જાય, કેલોકોનું ભલું ઇચ્છનાર આ એક જ બંધો ધરાતલ પર જીવતો બચ્યો છે! હકીકતે આ એમની ‘મોડસ ઓપરેન્ડી’ હોય છે, જેના દ્વારા લોકોને વશમાં કરી શકાય છે. પેટ્રિક હેન્રી અમેરિકાની ‘એન્ટી ફેડરલિસ્ટ પાર્ટી’નો નેતા હતો. તે બે વખત વર્જિનિયાનો ગવર્નર પણ બનેલો. આજે પણ લોકો એને એના એક સ્ટેટમેન્ટ માટે યાદ કરે છે, “Give me liberty, or give me death!” અર્થાત, મને સ્વતંત્રતા આપો, અથવા મૃત્યુ આપો! સ્વાભાવિક છે કે આવા જોરદાર વાક્યથી તમે અભિભૂત થઇ જાવ.

ઇસ ૧૭૮૮ની ચૂંટણીઓ વખતે પેટ્રિક હેન્રીનો મુખ્ય પ્રતિદ્વંદી હતો જેમ્સ મેડિસન. જેમ્સ કોઈ પણ કાળે ચૂંટાઈને હાઉસ ઓફ રીપ્રેઝન્ટેટીવમાં પહોંચવો ન જોઈએ, એવી પેટ્રિકની ઈચ્છા. આ માટે જે કરવું પડે એ કરવું જોઈએ, એવું વિચારીને પેટ્રિકની સત્તાધારી પાર્ટીએ મતવિસ્તારોનું સીમાંકન એવી રીતે કર્યું, કે જેથી જેમ્સ મેડિસન ચૂંટણીમાં ઉભો હોય, એ વિસ્તારના મોટા ભાગના મતદાતાઓ પેટ્રિક હેન્રીની એન્ટી ફેડરલિસ્ટ પાર્ટીના કટ્ટર સમર્થકો હોય! ચૂંટણીઓમાં આ પ્રકારના હજી આજે ય વાપરવામાં આવે છે. ચૂંટણીમાં વિરોધીઓને પછાડવા માટે કરાતી મતવિસ્તારની આવી છેડછાડને ‘જેરીમેન્ડરિંગ’ (Gerrymandering) તરીકે ઓળખવામાં આવે છે. ‘જેરીમેન્ડરિંગ’નો જનક એક વ્યક્તિ સ્વાતંત્ર્યની હિમાયત કરનારો રાજકારણી હતો, એ એક કમનસીબ બાત ગણાય.

લવસ્ટોરીમાં દાયકાઓ બાદ આવ્યો જીવલેણ ટ્વિસ્ટ

લગ્ન, પરિવાર. પ્રેમસંબંધ… આ બધું કોઈ પણ વ્યક્તિની અંગત બાબત ગણાય. આપણે ત્યાં રાજકારણીઓ જ્યારે એકબીજાના અંગત જીવન ઉપર કીચડ ઉછાળવાની પ્રવૃત્તિ કરે, ત્યારે એ વિષે છાપાના પાનેપાના ભરીને ચટાકેદાર સમાચારો છપાતા રહે છે. અહીં કરુણ વાસ્તવિકતા એ છે કે એક વાર તમે જાહેર જીવનમાં આવો, પછી તમારા જીવનમાં કશું જ અંગત બચતું નથી! તમને ગમે કે ન ગમે, તમારા વિરોધીઓ તમારા લુગડે પડેલા ડાઘનું જાહેરમાં પ્રદર્શન કરવાની એક્કેય તક ચુકતા નથી. આવું માત્ર ભારતમાં જ છે, એવું માનવાની ભૂલ કરશો નહિ. કાગડા બધે જ કાળા છે.

ઇસ ૧૮૨૮માં અમેરિકાના પ્રમુખપદ માટેની ચૂંટણીમાં જ્હોન ક્વિન્સી એડમ્સ અને એન્ડ્રુ જેક્સન નામના પ્રતિસ્પર્ધીઓ વચ્ચે રસાકસીભરી સ્પર્ધા હતી. આ ચૂંટણીને અમેરિકન ઈતિહાસની સૌથી ગંદી ચૂંટણી – Dirtiest elections તરીકે યાદ કરવામાં આવે છે. કારણકે આ ચૂંટણીઓ દરમિયાન એક પ્રતિસ્પર્ધીની અંગત જિંદગી વિષે ‘જીવલેણ’ કીચડ ઉછાળવામાં આવ્યો!

       રાશેલ નામની એક સ્ત્રી પોતાની યુવાનવયે લેવિસ રોબાર્ડ નામના એક યુવાનને પરણી. લગ્ન પછી રાશેલને લાગ્યું કે જીવનમાં જે ધારેલું, એ મુજબ કશું થઇ નથી રહ્યું. આવી બાબતોને લઈને પતિ-પત્ની વચ્ચે ખટરાગ વધતો ચાલ્યો. અનેક વખત એવું બન્યું કે રાશેલ પતિથી અલગ રહેવા જતી રહી. કોઈકની સમજાવટથી વળી થોડા દિવસ બન્ને ભેગા રહેવાની કોશિષ કરી જોતા, પણ અંતે પાછું એ નું એ. આખરે કંટાળીને રાશેલ હંમેશ માટે પોતાના પતિ લેવિસથી દૂર રહેવા માંડી. આ દરમિયાન એનો પરિચય એન્ડ્રુ નામના બીજા એક યુવાન સાથે થયો. અહીં બધું સમૂસુતરું ચાલશે, એવો વિશ્વાસ બેસતા રાશેલે એન્ડ્રુ સાથે લગ્ન કરી લીધા. ફાઈન, દુનિયાના અનેક યુગલોના કિસ્સામાં આવું બનતું હોય છે. અહીં એક ટેકનિકલ સમસ્યા એવી હતી, કે રાશેલે એન્ડ્રુ સાથે લગ્ન કર્યા, એ સમયે હજી લેવિસ રોબાર્ડ સાથે એના છૂટાછેડા થવાના બાકી હતા. જો કે એ સમયે આ મુદ્દાને લઈને કોઈ ઝાઝી ગરબડ નહિ થઇ, અને મેટર ટેકનિકલી સોલ્વ થઇ ગઈ.

પણ નસીબનું કરવું તે રાશેલનો બીજો પતિ બનેલો એન્ડ્રુ જેક્સન રાજકારણમાં પડ્યો. એટલું જ નહિ રાશેલ સાથે લગ્ન થયા, એના દાયકાઓ બાદ એન્ડ્રુ પ્રમુખપદની ચૂંટણીમાં પણ ઉમેદવાર થયો. ચૂંટણીમાં ઉભા રહો એટલે તમારા પ્રતિસ્પર્ધીઓ પાતાળમાં જઈને ય તમારા વિરુદ્ધના પુરાવાઓ ગોતી લાવે! એન્ડ્રુના પ્રતિસ્પર્ધી એવા જ્હોન ક્વિન્સી એડમ્સને ક્યાંકથી ખબર પડી ગઈ, કે એન્ડ્રુની પટને રાશેલે પોતાના પૂર્વ પતિને છૂટાછેડા આપ્યા વિના જ એન્ડ્રુ સાથે લગ્ન કરીને સાથે રહેવાની શરૂઆત કરી દીધેલી! બસ પત્યું! રશેલ અને એન્ડ્રુના લગ્નને વર્ષો વીતી ગયા હોવા છતાં, જૂનો ભૂતકાળ ઉખેડીને એડમ્સના સમર્થકોએ એન્ડ્રુ અને રાશેલના ચારિત્ર્ય વિષે જાતજાતની વાતો ફેલાવવા માંડી! તેઓ રાશેલ માટે ખુલ્લેઆમ bigamist (બે પુરુષો સાથે લગ્ન કરનાર સ્ત્રી) જેવો શબ્દ વાપરવા માંડ્યા. એન્ડ્રુને પણ બીજાની પત્ની પચાવી પાડનાર વ્યભિચારી પુરુષ તરીકે ચીતરવામાં આવ્યો! અંગત જીવન ઉપર આટઆટલા (ખોટા) આક્ષેપો થવા છતાં એન્ડ્રુ જેક્સન ચૂંટણીઓમાં જીતી ગયા અને અમેરિકાના સાતમાં પ્રમુખ તરીકે શપથ લીધા. પણ અહીં ચૂંટણી પ્રચારના ઈતિહાસની સૌથી કમનસીબ ઘટનાઓમાં સ્થાન પામે એવી ઘટના બની. થયું એવું કે પ્રમુખપદની ચૂંટણી દરમિયાન એન્ડ્રુ અને રાશેલ ઉપર જે હીન આક્ષેપો થયા, એની બહુ ઊંડી અસર રાશેલ ઉપર થઇ. પરિણામે એની તબિયત લથડતી ગઈ. એન્ડ્રુ જેક્સન પ્રમુખ તરીકે શપથ લે, એ પૂર્વે જ એની પત્ની રાશેલ મૃત્યુ પામી.


શ્રી જ્વલંત નાયકનો સંપર્ક jwalantmax@gmail.com પર થઇ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.