પ્રવાસી હોય કે નિવાસી, વાઘનું રક્ષણ થવું જોઈએ!

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

શાસક બદલાય તેનાથી થોડોઘણો ફેર પડતો હશે, પણ કેટલીક બાબતો અંગે કોઈ પણ પક્ષના શાસકોનો અભિગમ એકસમાન રહેતો હોય છે.

એકાદ દાયકા અગાઉ કેન્‍દ્રીય પર્યાવરણ મંત્રી જયરામ રમેશે ગોવાના તત્કાલીન મુખ્યમંત્રી દિગમ્બર કામથને પત્ર દ્વારા એક દરખાસ્ત સૂચવી હતી. એ અનુસાર ગોવાના મ્હાદેઈ અભયારણ્યને વાઘ અભયરાણ્યનો દરજ્જો આપવાનું તેમણે જણાવ્યું હતું. દિગમ્બર કામથ કૉંગ્રેસ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા હતા. કામથની સરકારના કાર્યકાળમાં આ દરખાસ્ત એમની એમ પડી રહી. એ પછી ૨૦૧૬માં સ્ટેટ વાઈલ્ડલાઈફ બૉર્ડ દ્વારા રાજ્યના તમામ આરક્ષિત વિસ્તારોને વાઘ અભયારણ્ય તરીકે ઘોષિત કરવાની અને એ વિસ્તારોમાં માનવોના આવાસ માટે જરૂરી સહાય કરવાની મંજૂરી આપી. એ મામલો પણ સ્થગિત રહ્યો. હવે ગોવામાં ભા.જ.પ.ની સરકાર છે, અને રાજ્યના વનમંત્રી વિશ્વજીત રાણેએ આમ કરવાની ચોખ્ખી ના ભણી દીધી છે, એટલું જ નહીં, આ માંગણીને સમર્થન આપતાં બિનસરકારી સંગઠનો અને પર્યાવરણવાદીઓ પ્રત્યે તેમણે નારાજગી દર્શાવી છે. આ મામલે મંત્રીશ્રી વિવિધ સંગઠનો અને કર્મશીલોથી આટલા નારાજ શાથી છે? એ જાણવા માટે આખો મામલો સમજવા જેવો છે.

ફોટોગ્રાફ – પીટીઆઈના સૌજન્યથી

વાઘની વસતિ ગણતરી અને ‘કેમેરા ટ્રેપ’ પદ્ધતિ દરમિયાન ગોવા રાજ્યનાં જંગલોમાં અવારનવાર વાઘની ઉપસ્થિતિ નોંધાયેલી છે. આ વાઘ ગોવા રાજ્યનાં વનોમાં વસવાટ નથી કરતા, પણ તે અહીંથી પસાર થાય છે યા ફરતા ફરતા આવી ચડે છે, કેમ કે, નજીકના કર્ણાટક રાજ્યમાં અંશી તેમજ ભીમગડ નામનાં વાઘ અભયારણ્યો આવેલાં છે. ગોવા રાજ્યના મ્હાદેઈ અભયારણ્યને વાઘ અભયારણ્ય ઘોષિત ન કરવા પાછળ સરકારની દલિલ આ જ છે કે આ વાઘ નિવાસી નહીં, પણ પ્રવાસી છે.

જુલાઈ, ૨૦૨૧માં રાજ્યના પર્યાવરણ મંત્રીએ ગોવાના સૂરલા ગામમાં દેખા દીધેલા એક વાઘની તસવીર ટ્વીટર પર મૂકીને લખ્યું હતું કે  લૉકડાઉનના નિયમો સહુ કોઈને લાગુ પડતા નથી. સ્થાનિકો અહીં દેખાતા વાઘ ‘નિવાસી’ હોવાનો દાવો કરે છે. તેમના જણાવવા અનુસાર ગોવાના સૂરલા અને ચોરલા તેમજ કર્ણાટકના હલકુંડ ગામની આસપાસના વનવિસ્તારોને પોતાનો નિવાસ બનાવેલો છે. સૂરલા ગામમાં દેખાયેલા વાઘે અગાઉ ગોળાલી ગામમાં પણ દેખા દીધી હતી. ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી, ૨૦૨૦માં ગોળાલી ગામે કુલ ચાર વાઘ મૃત અવસ્થામાં મળી આવ્યા હતા, જેના કારણમાં સ્થાનિક ખેડૂતોએ તેમના મારણમાં ભેળવેલું ઝેર જવાબદાર હતું. આ વિસ્તારમાં વાઘ અવારનવાર આવીને મારણ કરતા હોવાને કારણે ખેડૂતોએ આ પગલું ભરવું પડ્યું હતું. આથી એક બાબત સ્પષ્ટ છે કે ચાહે પ્રવાસી હોય કે નિવાસી, પણ ગોવાના આ વિસ્તારોમાં વાઘની ઉપસ્થિતિ નિયમિતપણે છે. તો પછી આ વિસ્તારને વાઘ અભયારણ્ય ઘોષિત કરવામાં શો વાંધો?

ચાર મૃત વાઘને પગલે ‘નેશનલ ટાઈગર કન્‍ઝર્વેશન ઓથોરિટી’(એન.ટી.સી.એ.) દ્વારા આ વિસ્તારને વાઘ અભયારણ્ય ઘોષિત કરવા માટેની ભલામણ કરી હતી. આ અંગે તૈયાર કરાયેલા એક અહેવાલમાં તેણે જણાવ્યું હતું કે ગોવાના રક્ષિત વિસ્તારો પશ્ચિમ ઘાટનો એક હિસ્સો છે, જે વિશ્વભરમાં વાઘની સૌથી વધુ સંખ્યા ધરાવે છે. આ વિસ્તારમાં એકમેક સાથે સંકળાયેલાં હોય એવા વાઘના અનેક આરક્ષિત તેમજ રક્ષિત વિસ્તારો છે. અલબત્ત, અહીં વૃક્ષરોપણ, ખેતીવાડી, ઔદ્યોગિક અને માળખાકીય સવલતોના વિકાસની ગતિવિધિઓ ચાલતી રહે છે. માર્ગ પહોળા કરવા અને રેલ્વે લાઈન નાખવી વગેરે જેવાં વિકાસકાર્યોથી વનવિસ્તારોનું એકમેક સાથેનું જોડાણ જોખમાય છે. ગોવાના રક્ષિત વિસ્તારોને વાઘ અભયારણ્ય તરીકે ઘોષિત કર્યા વિના તેમજ આ સ્થળે ચુસ્ત રક્ષણની પ્રણાલિ અમલી નહીં બનાવવામાં આવે તો આ વિસ્તાર વાઘના મોત માટે મૂકાયેલા છટકા સમાન બની રહેશે.

કેન્‍દ્ર સરકારની, ખાસ વાઘની જાળવણીના હેતુ માટે જ રચાયેલી આ સંસ્થાના અધિકૃત અને ગંભીર અહેવાલને અવગણીને ગોવાના વનમંત્રીએ અહીં વાઘ અભયારણ્ય ઘોષિત કરવાનો ધરાર ઈન્‍કાર કર્યો છે. તેમણે કહ્યું, ‘આ પર્યાવરણવાદીઓને હું એમ પૂછવા માંગું છું કે વન વ્યવસ્થાપન શી રીતે કરવું જોઈએ એ કહો છો તો તમે એ અંગેનું સ્ટેટમેન્‍ટ કે અભ્યાસને કેટલી વાર વાંચ્યા છે? હું આ બાબત એકદમ વ્યાવસાયિક ધોરણે કરવાનો છું. આવીને સલાહ આપતી બિનસરકારી સંસ્થાઓ (એન.જી.ઓ.) તેમજ પર્યાવરણવાદીઓની મારે કશી જરૂર નથી.’

પર્યાવરણના સંરક્ષણ માટે કાર્યરત વિવિધ કર્મશીલો અને સંગઠનોની માંગણી આ વિસ્તારને વાઘ અભયારણ્ય તરીકે ઘોષિત કરવાની છે, કેમ કે, તેમનો વિરોધ કોઈ મંત્રી કે શાસક પક્ષ સામે નથી, બલ્કે વાઘ પ્રત્યેની નિસ્બતને કારણે છે.

રાજેન્‍દ્ર કેરકર નામના એક કર્મશીલના જણાવ્યા મુજબ, વાઘ અભયારણ્ય બને કે ન બને, વાઘને રક્ષણ આપવું જરૂરી છે. વાઘ હોય એવા વિસ્તારમાં રહેતા લોકોના જીવનને કે તેમની ખેતીવાડીની પ્રવૃત્તિઓને અસર ન થાય એમ પણ એ કરી શકાય છે. મુખ્ય મુદ્દો એ છે કે વાઘ અતિ મહત્ત્વની પ્રજાતિ છે અને તેની જાળવણી થવી જ જોઈએ. વાઘની જાળવણી થશે તો સમગ્ર પશ્ચિમ ઘાટની પર્યાવરણ પ્રણાલિનું રક્ષણ થશે. અન્ય એક સંગઠનના જણાવ્યા અનુસાર ગોવાના રક્ષિત વિસ્તારોનું વાઘના સંવર્ધન માટે લાંબા ગાળાનું મહત્ત્વ છે, જે વનમંત્રી સમજી શકતા નથી. આ વનવિસ્તારને ‘એન.ટી.સી.એ.’ દ્વારા ભારતભરના બત્રીસ ‘ટાઈગર કોરિડોર’ (વાઘની આવનજાવનના માર્ગ) તરીકે ઓળખાવ્યો છે. આથી તેનું રક્ષણ પ્રાથમિકતાના ધોરણે થવું જોઈએ.

વાઘ આવનજાવન કરે ત્યારે તેને ખબર નથી હોતી કે એ કયા રાજ્યની સરહદને ઓળંગે છે! એ રાજ્યમાં પોતે પ્રવાસી ગણાય છે કે નિવાસી! કેમ કે, એ સરહદો મનુષ્યોએ આંકેલી છે. મનુષ્યો વાઘ માટેના વિસ્તારમાં ઘૂસણખોરી વધારી રહ્યા છે, પણ આક્ષેપ એવો છે કે વાઘ મનુષ્યોના વિસ્તારમાં ઘૂસણખોરી કરે છે.

એમ લાગે છે કે વાઘના સંરક્ષણ માટે ગમે એ પ્રકલ્પ બનાવાય કે સંસ્થાઓ બનાવાય, વિકાસની દોડમાં તેનો પરાજય નિશ્ચિત છે.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૦૫-૦૫ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

Author: Web Gurjari

1 thought on “પ્રવાસી હોય કે નિવાસી, વાઘનું રક્ષણ થવું જોઈએ!

  1. જયરામ રમેશની જેમ વર્તમાન કેન્દ્ર સરકારના પ્રધાને રાજ્ય સરકારને આગ્રહપૂર્વક ભલામણ કરવી જોઈએ. ગોવાનો આ વિસ્તાર અભયારણ્ય બનાવવા માટે પૂરતાં કારણ છે. આથી ઉલટું, ક્યારેક કાયમી નિવાસના વિસ્તારમાંથી પ્રાણીઓ કોઈ અગવડને કારણે કે જરૂરિયાત પૂરી ન પડવાને કારણે કામચલાઉ સ્થળાંતર કરતાં હોય છે. ગીરના સિંહ આસપાસના ગામોમાં વારંવાર જોવા મળે છે પણ ગત વર્ષે એક પછી એક એમ બે સિંહ પરિવાર છેક રાજકોટના આજી ડેમ વિસ્તાર સુધી આવી ગયા અને થોડા દિવસ મુકામ કર્યા પછી પરત એમના સ્થાયી વિસ્તારમાં પાછા ફર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.