સમય સમય બલવાન હૈ…

સોરઠની સોડમ

ડો. દિનેશ વૈષ્ણવ

સમય પાણીના પ્રવાહની જેમ અવિરત વહ્યા કરે છ ને એની હારે જૂની પેઢી ઘણીવાર કમને અને નવી પેઢી ખુશીખુશી બદલાય છ અને એટલે વગર મને બદલાતો આગલી પેઢીનો વડીલ “મહાભારત” આધારિત પંક્તિઓ

સમયસમય બલવાન હૈ નહીં પુરુષ બલવાન
કાબે અર્જુન લુટીયો વોહી ધનુષ વોહી બાન”

દરેક બીજીત્રીજી પેઢીને જરૂર પડે કે’છ. હવે આજથી પંદરવીસ વરસ પે’લાં એમ મનાતું કે દર દસ વરસે બે પેઢી વચ્ચે અંતર માપનીય વધે છ, અર્થાત પેઢીઅંતર કે જનરેસનગેપ ઉભો થાય છ પણ છેલ્લા એકાદ દાયકામાં તો આ અંતર દર પાંચ કે ઇથી ઓછા વરસોમાં ઉભું થાતું દેખાય છ ને એનું પ્રમુખ કારણ ઈ ટેક્નોલાજીની હરણફાળે ગતિ. બદલાતા સમય હારે માણસ, એનું ઘર, ગામ, સમાજ, સામાજીક મૂલ્યો અને વારસાની વિરાસત એવાં પ્રણાલી અને રીતરીવાજ એમ બધું જ બદલાય છ. આ બદલાવ, એનાં ટેક્નોલોજી અને ઈતર કારણો ને એનાં પરિણામો વિષે તો મહાનિબંધ લખી સકાય પણ મારે તો એમાંથી થોડાક દાખલા જ કે જે મેં અનુભવ્યા છ કે વજુદ મોએ સાંભળ્યા છે ઈ જ મારી રીતે દેવા છ.

પે’લાં તો જાણે મારા વ્યક્તિગત જીવનમાં તો આ પંક્તિઓ ઘણીવાર મારા સંદર્ભમાં કે’વાંતાં, મને મોઢે કે’તાં કે મેં પોતે કીધી હોય ઈ મને યાદ છે ને એના થોડાંક ઉદાહરણોમાં: હું છઠ્ઠા ધોરણમાંથી સાતમામાં આવ્યો ત્યારે અમારો ઈ ખાખી ચડ્ડી ને ધોળા પાણકોરાના પે’રણનો તાલુકાશાળાનો પોષાક બંધ થ્યો ને અમને મનપસંદ પાટલૂન ને ખમીસ પે’રવાની છૂટ મળી. એટલે મેં મારાં માંને કીધું, “મારે જુદાજુદા રંગના ત્રણ પાટલૂન ને બુશ્કોટ કાંતિ દરજી આગળ સીવડાવાં છ એટલે હું આવતી સાલ નિશાળે વારાફરતી પેરી સકું.” ત્યારે માંનો જવાબ, ભાઈનાં દસમાં-મેટ્રીકનાં ટૂંકા કરાવીને પેરો એનાં કેટલાંય જુનાં પડ્યાં છ.” હવે મારાથી દસેક વરસ મોટો મારો ભાઈ હાઈસ્કુલમાં કે.એલ. સાયગલ જેવાં ધોળાં પોળાં પાટલૂન ને ખમીસ પે’રતો ને મારે તો જમનાગત રાજકપૂર, દેવાનંદ, દિલીપકુમાર, ધર્મેન્દ્ર ને રાજેન્દ્રકુમાર જેવાં રંગબેરંગી પે’રવાંતાં. એટલે ટૂંકમાં હું નારાજ થ્યો, મારા અને માં વચ્ચે ચર્ચા હાલી ને ત્યારે પપ્પાએ માંને ઉપરોક્ત પંક્તિઓ કીધીતી.

બીજા ઉદાહરણમાં એકવીસમાં વરસે જયારે હું યુ.એસ. પે’લીવાર આવ્યો ત્યારે પપપ્પાએ મને કીધું, બેટા, પોંચીને ને પછી પણ નિયમિત કાગળ લખજો.” ત્યારે મારા જુવાન મગજના આદેશે કુકડા જેમ છાતી ફુલાવીને મેં કીધું, પપ્પા, હું યાં પોંચીને ને પછી પણ બીઝી જ હોઇસ એટલે ટાઈમ મળસે ત્યારે લખીસ.” મારા આ જવાબે પપ્પાના મોઢે એક ગ્લાનીનું મોજું ફરીવળ્યું ને એને હળવાસથી ઉપરની કડીઓ કીધી ને પછી મને કીધું, “બેટા, જયારે તમારાં સંતાનો બા’ર જાશે ત્યારે તમને આનો મર્મ સમજાશે” ને હકીકતે ઈ બન્યું પણ ખરું, ફક્ત ફેર એટલો જ હતો કે કાગળ ને બદલે મારાં બાળકોએ એના “ફ્લિપ સેલફોન” જ મને કરવાના હતા.

બીજા મેં જોયેલા આ જમાનાના વંટોળના દાખલાઓમાં: મેંદરડામાં મારા ત્રીજા ધોરણનો મિત્ર તો બા’રગામ નોકરી અર્થે હતો પણ હું એનાં વયોવૃદ્ધ માંને મળવા ૨૦૦૭માં ગ્યો. મેં ઓળખાણ કાઢી એટલે ઈ જયાબેનને યાદ પણ આવ્યું કે હું કોણ ને ઈ કેવાં અમને ચોમાસે “ખીલ્લા ખુતામણી” કે ઉનાળે “આંબલી પીપળી” રમીને એને ઘેર તેલ-મસાલો ચડાવેલ મમરા કે ખારીસીંગ-દાળીયાનો નાસ્તો આગ્રહ કરીને ખવરાવતાં. અમે આવી જુની વાતો વાગોળતાંતાં એવામાં અચાનક જ પાડોસના ઘેરથી એક બારતેર વરસનો છોકરો ઘરમાં આવ્યો ને પૂછયું, દાદીબા, અમારું ટી.વી. નથી હાલતું ને મારે મેચ જોવો છ એટલે હું તમારું ચાલુ કરું છ.” એમ કઇને કાનમાં ધાક પડે એમ ઈ ટી.વી. ચાલુ કરીને બેઠો ને જયાબેન બોલ્યાં, આજના આ નફ્ટ છોકરાંઉને ન તો વાત કરવી છે કે ન કોઈને કરવા દેવી છ. મારા રોયાઉને આખો દીઆ ડબલું જ જોયા કરવું છ.” જયાબેનના આ ઉદ્દગારે ઉપરોક્ત પંક્તિઓ મેં મનોમન કીધી.

મારા પપ્પા ૧૯૬૦ના દાયકે વિસાવદર સરકારી દવાખાનામાં દાક્તર હતા એટલે અમારો પરિવાર પણ યાં જ. પછી ૨૦૦૯માં હું વિસાવદર ઈ દવાખાને આંટો મારવા ગ્યો ને અમારા નિવૃત કમ્પાઉન્ડર વજુભાઈને ઘેર એને મળવા ગ્યો. હું બેઠો તો એવામાં એના દીકરાનો દીકરો જૂનાગઢથી એક ટંક સારું આવ્યો. આવીને ઈ વજુભાઇ કે એના એનાં વહુ મુકતાબેનના “કેમ છો કેમ નહીં” એમ કાંઈ પણ સમાચાર પૂછે ઈ પે’લાં જ ઈ બોલ્યો, દાદીબા ચાર્જર ક્યાં છે મારે ફોન ચાર્જ કરવો છ.” ત્યારે વજુભાઇ મૂછમાં મરક્યા ને કીધું, “ભાઈ, આ બધાં વખતનાં તોફાન છે બાકી આ મારો આ પૌત્ર અમને ગયા અઠવાડીયે તાવ આવ્યોતો તે અમારી ખબર કાઢવા આવ્યો છ.” હું ૨૦૧૬માં અમદાવાદમાં નવરો બેઠૉતો એવામાં મારા એક સગા હું જે ઘેર બેઠૉતો યાંથી પસાર થ્યા એટલે મેં એને જોયા ને તરત જ ફોન કર્યો, “આવો ઘરમાં તો હારે ચાપાણી કરીયેં.” તો એને એના સેલફોનથી ઠાવકી રીતે જવાબ દીધો, સોરી દિનેશ. હું એક અગત્યની મિટિંગમાં બાર ગામ છું.” એક ક્ષણ માટે મેં વિચાર્યું પણ ખરું કે હારે અમે બાળપણ કાઢ્યું ઈ માણસ આ ટેક્નોલોજીનો કેટલો ખોટો ઉપીયોગ કરે છ ને ફરી મેં મનોમન ઉપરોક્ત કડીઓ કઇને મનને મનાવ્યું.

મારા મતે તો આ સેલફોને દાટ વાળ્યો છ કારણ એનું છોકરું કોની હારે કેવી વાતો કરે છ, વિચારની આપ-લે કરે છ કે ઈ ફૉનિયા-પ્રેમમાં પડીને કેવા / કેવી હારે લગન કરે છ ઈ માબાપને તો છેલ્લે “વેગડી વિયાય જાય” પછી જ ખબર પડે છ. હું ૨૦૧૨માં દેશ આવ્યો ત્યારે મુંબઈ રાતના અગિયારેક વાગે પૂગ્યો ને મારી વડોદરાની ફ્લાઈટ વે’લી સવારની એટલે સમય કાઢવા હું એરપોર્ટ પાસે જ “બાલાજી” ધાબામાં ચાપાણી માટે ગ્યો. તો યાં પાંચસાત છોકરીછોકરાનું ઢુંગું રાતમાં બેએક વાગે મારા ટેબલ સામે જ એકબીજાને બથમાં લઈ, એલફેલ ને અડપલાં કરતું બેઠુંતું. એવામાં એક છોકરી ઉપર એની માનો ફોન આવ્યો ઈ જાણવા કે કાલે પરીક્ષા છે એટલે એની દીકરી વાંચે છ ને તૈયાર છે. ત્યારે દીકરીએ કીધું, મોમ હું રૂમમાં જ છું, એકદમ વાંચું છ, એક કલાકમાં રીવીઝન પણ શરૂ કરીશ.” ફોન પત્યો એટલે ઈ જ છોકરીએ એના મિત્રવૃંદને કીધું, માય મોમ વરીઝ ફોર નો રીઝન એન્ડ હીઅર આઈ એમ ટેકિંગ એ ડ્રોપ. શી મેઈકસ મી સો સીક ધેટ આઈ વૉન્ટ ટુ પ્યુક.” આ તો મેં કુંવારા છોકરાછોકરીની વાત કરી પણ યુ.એસ.માં જયારે ૧૯૯૦ પછી ઇન્ટરનેટે જોર પકડ્યું ત્યારે હું ભણાવતો ઈ યુનિવરસીટીમાંથી ને મારાં પત્ની પ્રાઇવેટ કમ્પનીમાં નોકરી કરતાં એમાંથી બેપાંચ યુગલોની પત્નીઓ વીસત્રીસ વરસના લગન પછી એના પતિઓ હરેના વરસો જુના જોઈન્ટ બેન્ક એકાઉન્ટો સાફ કરી, સેંકડો માઈલ આઘા કોક ઓટીવાળ હારે ઈન્ટરનેટ-પ્રેમમાં અટવાઈ, ઈ અજાણ ઇન્ટરનેટિયા હારે ભાગી ને બાર દી’માં ખાલી હાથે પાછી ફરતી ઈ તો અમે બેયે જોયું છ.

એક વધુ દાખલો મારે ટી.વી. ને સેલફોન બેય ભેગાં થ્યાં ને ભવાડો ઉભો થ્યો એનો દેવો છ. મારા યુ.એસ. સ્થિત અમદાવાદના મિત્રનાં માસી-માસા અમદાવાદમાં બોડકદેવ વિસ્તારમાં જજીઝ બંગલોઝના એક રો-હાઉસમાં રે’. સૌને ખબર જ છે કે રો-હાઉસમાં બે ઘર વચ્ચે એક સૈયારી દીવાલ હોય ને આ માસી-માસાની પડખે એવી દીવાલે પાટણના નાગર પરિમલભાઈ-ઇલાબેનનો પરિવાર રે’. મારા મિત્રના માસા નિવૃત પી.ડબ્લ્યુ.ડી.ના સિવિલ એન્જીનીયર પણ દિવસના ચારપાંચ કલાક નવાં બાંધકામમાં સુપરવાઈઝર તરીકે ફરજ બજાવે, માસી આખો દી’ ટી.વી.માં સિરિયલો જોવે ને નોકર રામદાસ ઘર-રસોડું એમ સઘળું સંભાળે. તો પાડોસી પરિમલભાઈ રીઝર્વબેંકમાં ને ઇલાબેન ઈ વિસ્તારની એક શાળામાં શિક્ષિકા.

હવે આ રો-હાઉસમાં મોટાભાગનાએ કિફાયત ભાવે લીધેલ સરખું ઘરનું રાચરચીલું હતું ને ગોઠવણ પણ ખોબા જેવડા રૂમોમાં લગભગ સરખી જ હતી. એમાં એક દી’ પરિમલભાઈ સાંજના સેલફોન ઉપર મેસેજો કરતાકરતા નીચી મુંડીએ ઈ માસીના ઘરના ઉઘાડા બાયણામાં ઘુસ્યા ને દીવાન ઉપર ગોઠવાણા. ટી.વી.માં વ્યસ્ત માસીએ બૂમ પાડી, “રામદાસ, સાહેબ આવી ગ્યા છ તે ચા-નાસ્તો લઈ આવ.” રસોડામાં વ્યસ્ત રામદાસે નીચે માથે ચા બનાવ્યો, નાસ્તાની ડીશ ભરી ને બા’ર બેઠકરૂમમાં લઈને આવ્યો. રામદાસ પણ હુશીયાર એટલે બોલ્યો, આવો પરિમલભાઈ” ને ત્યારે માસીએ ટી.વી.માંથી મીટ ફરવી ને છેલ્લે બેયે એકબીજાને “સોરી, સોરી” કઈ છુટાં પડ્યાં. પણ વાત “સોરી”એ ન અટકી ને પવનવેગે આડોસપાડોસમાં પુગી, બોડકદેવ વિસ્તારમાં પુગી ને હવે તો યુ.એસ. પણ પુગી ગઈ છ. આ વાતના અંતે મારા મિત્રએ પણ આ જ પંક્તિઓ ટાંકી.

હા, આ સેલફોન ને અન્ય ઈ-યુગના સાધનોથી જયારે મન થાય ત્યારે આંગળીના ટેરવે વાતચીત કરવાનું બેશક વધ્યું છ પણ એને લીધે વાતો પણ દમદાટ વીનાની ઉપરછલ્લી ને ઉભડમથી થઇ ગઈ છ. દર કલાકે ઈ હધીપાદી વાતોમાં માં એની સાસરે વળાવેલ દીકરીને પૂછે કે “આજ એની દીકરીએ સું ખાધું, વોશરમાંથી કપડાં કાઢી એને સુકવ્યાં કે એની નણંદે, સાસરે પાંચ જણ વચ્ચે ૨૦૦ગ્રામ શાક લે છ તે દીકરીને ભાગે નકરો રસો આવ્યો કે એકબે ફોડવાં પણ આવ્યતાં” ને પછી ઈ જ માં એના દીકરાની વહુને પેટભરીને વગોવે. તો કેટલાક ફોરવર્ડ કરેલ મેસેજોથી કે પોતાના પરિવારના હધ્યાપાદયા ફોટાઓ મોકલીને સામાનો ફોન કોલસાની વખાર જેમ ભરી દે તો કેટલાક “ગુડ મોર્નિંગ,” “સુપ્રભાત” ને “શુભરાત્રી”નાં સુત્રોથી ભરી મૂકે. રાતોરાત થયેલ ધર્મધુરંધરો તો અઠવાડિયાના જે તે દી’ અનુસાર દી’ આખો સુવિચારો જ મોકલ્યા કરે કેમ જાણે આપણે ડોંગરે મહારાજના ભત્રીજા હોંયે.

માનો કે આ સેલફોનનું સામરાજ્ય સૌના જીવનમાં હું કમને પણ સ્વીકરી લઉં પણ મારાં માંની ૨૦૦૩માં પ્રાર્થનાસભામાં અમારા અંગત પરિવારના કેટલાક સભ્યોને ટેક્ષ મેસેજમાં વ્યસ્ત જોયાનું મને યાદ છે. ઈ જ રીતે અમારા પરિવારના એક વડલા સમાન વડીલની ઉત્તરક્રિયા બાદ દીકરો એના સેલફોનમાં રમતો રમતો’તો. કમનસીબે આ અને આવા કરુણ પ્રસંગોએ આમ સેલફોનનો દૂરુઉપીયોગ પણ મેં એમ માનીને સ્વીકર્યો કે આજના વાયુનો વંટોળ છે અને જે તે વ્યક્તિની કરુણા ઢાંકવાનો આ એક આધુનિક અંચળો છે. વધારામાં આજકાલ તો હવે “સોસીયલ મીડીયા”માં કોક જુવાનજોધ કે પાકટ ઉંમરના મયણાના સમાચાર લખે એટલે અક્લમઠા વાંચકો અંગુઠા ઊંચા કરી ને પોતાની લાઈક દેખાડે કેમ કે જાણે દેવલોક થયેલ માણસ એનો પઠાણી વ્યાજે લેણિયાત હોય, ને પછી “આર.ઈ.પી.” પાછા અંગ્રેજીમાં લખે.

આજના કોક જુવાનીયાને મેં અને મારા જેવાએ જોયેલા-જીવેલા દિવસોની; દા.ત. સથવારે ચીઠ્ઠી મોકલાવાની, પોસ્ટકાર્ડ, ઇનલેન્ડ, એરોગ્રામ કે પરબીડિયામાં કાગળ લખી મોકલવાની કે તાર મોકલવાની વાત કરો તો ઈ આપણી સામે ટગરટગર જોસે ને આપણને ગાંડામાં ખપાવસે કારણ કે આ યુગ જ “આઈ ડોંટ હેવ ટાઈમ,” “હુ હેઝ ધેટ કાઈંડા ટાઈમ,” ને સેલફોન, ટેક્ક્ષ મેસેજ, વોટ્સએપ ને ઈમૈલનો જ થઇ ગ્યો છ. આજના આ ત્વરિત યુગના ફાયદા ને ગેરફાયદા બેય છે. મોટો ગેરફાયદો ઈ છે કે આજના જણને “અતીથી ઇત્તિ” સામા માણસની આંખમાં આંખ પરોવીને વાત કરતાં નથી આવડતી કે જે એના વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં જરૂરી છે. બીજો ગેરફાયદો ઈ છે કે જયારે કોઈને નોકરી માટે “રેઝ્યુમે” તૈયાર કરવાની હોય કે નોકરીમાં વિગતે રીપોર્ટસ લખવાના હોય ત્યારે પે’લાંતો “માથાથી પૂંછડા લગી”ની વિચારશક્તિનો અને પછી ઈ વિચારોની લેખણીનો અભાવ મોટાભાગના જુવાનોમાં જોવા મળે છ કે જે મેં પણ મારી નીચે ભણતા વિદ્યાર્થીઓમાં ખાસ તો ૨૦૧૦ પછી વધુ જોયો છ. ઉપરાંત “ફેઈસબૂક” જેવા જાહેર ફલકમાં જેની હારે નાવાનીચોવાનો સબંધ ન હોય ઈ તમારા મિત્રો બનવા માંગે કે તમને જ્યાંત્યાં “ટેગ કરે.” ઉપરાંત આવા ફલકોમાં તમે કેવું લખ્યું છ ઈ ગૌણ છે પણ તમને વાંચીને કેટલા અંગૂઠા ઉંચા થ્યા અર્થાત કેટલી લાઈક મળી છ ઈ પ્રાધાન્ય છે ને ઈ આમ તમારા લખાણનું આધુનિક માપદંડ બન્યું છે.

અલબત્ત, આજના આ ઈ-યુગના ફાયદાઓ પણ અમોઘ અને અમાપનીય જેમ કે કામમાં સરળતા, એક્યુરસી, ઓટોમેશન, ઓછી મેહનત, વ. આવ્યાં છ ને પ્રોડક્ટિવિટી પણ ઘણી વધી છ. નિયમિત હેલ્થ મેનેજમેન્ટ અને માંદગીની સારવારથી લઇ ને વેલ્થ મેનેજમેન્ટ વચ્ચેના દરેક જીવન જરૂરી ક્ષેત્રે વિશેષ અને નવીનવી સફળતા જોવા મળે છ. આજ સૌ ક્ષેત્રોની જેમ ચિકિત્સા ક્ષેત્રે પણ પવનવેગે ગતી થાય છ ને એટલે જ માણસનું આયુ સરેરાસ દસપંદર વરસ વધ્યું છ એટલું જ નહીં પણ “ક્વોલીટી ઓફ લાઈફ” પણ સરળતાથી જળવાય છ. આ બધા ઉપરાંત મારી દ્રષ્ટિએ સૌથી વરિષ્ટ ફાયદો ઈ છે કે જો આજ નોકરી મેળવવી હોય કે કોઈ પણ કામમાં સફળ થાવું હોય તો આ ઈ-યુગનું સાચું અને સારું ભણતર અને એની સમજ અનિવાર્ય છે ને એને લીધે દરેક દેશમાં લીટ્રસીનું પ્રમાણ ખુબ વધ્યું છ કે જે વ્યક્તિગત, સામાજિક અને દેશની ઉન્નતિ માટે જરૂરી છે.


ડૉ. દિનેશ વૈષ્ણવનો સંપર્ક  sribaba48@gmail.com   પર થઈ શકે છે

Author: Web Gurjari

1 thought on “સમય સમય બલવાન હૈ…

Leave a Reply

Your email address will not be published.