મંજૂષા
વીનેશ અંતાણી
નિવૃત્તિનો સમય નજીક આવતો જાય તેમ તેમ ઘણી વાર નિવૃત્ત થનાર વ્યક્તિ એના કામમાંથી રસ ગુમાવી દે છે. વરસો સુધી જે કામ નિષ્ઠાપૂર્વક કર્યું હોય એ જ કામ છેલ્લા સમયમાં રસ વિના કરવા લાગે છે. એવા લોકો માટે એક કથા: એક કડિયાએ વરસો સુધી એક બિલ્ડર પાસે કામ કર્યું. પોતાના કામમાં નિપુણ કડિયાએ બિલ્ડરને સફળ બનાવવામાં મોટો ફાળો આપ્યો હતો. ઉંમર થઈ એથી કડિયાએ નિવૃત્ત થવાનો નિર્ણય કર્યો. બિલ્ડરને પહેલાં તો ગમ્યું નહીં, પછી એ સંમત થયો. એણે કહ્યું, “તું નિવૃત્ત થાય એ પહેલાં એક છેલ્લું નાનકડું મકાન બાંધી આપ.” કડિયાને એ ગમ્યું નહીં, પણ એણે તૈયાર થયો. કડિયાના મનમાં નિવૃત્તિનો વિચાર એટલો પેસી ગયો હતો કે એણે કામમાંથી રસ ગુમાવી દીધો હતો અને મન વગર મકાન બાંધ્યું. મકાન બંધાઈ ગયું પછી બિલ્ડરે એની ચાવી કડિયાને આપીને કહ્યું, “તેં વરસો સુધી ખૂબ સારી રીતે કામ કર્યું એના બદલામાં આ મકાન હું તને ભેટ આપું છું.” કડિયાને એની ભૂલ સમજાઈ. એણે હંમેશની જેમ કાળજીપૂર્વક કામ કર્યું હોત તો એ ઉત્તમ ઘરમાં રહી શક્યો હોત.
નિવૃત્તિ પછીના જીવનમાં લોકોને જુદા જુદા અનુભવ થાય છે. એક દંપતિએ વરસો સુધી ગામડામાં કામ કર્યું હતું. પતિ શાળામાં વ્યાયામશિક્ષક હતો, પત્ની શિક્ષિકા હતી. પતિ નિવૃત્ત થયો પછી એણે એ જ ગામમાં વ્યાયામશાળા શરૂ કરી અને આનંદથી જીવવા લાગ્યો. પત્ની નિવૃત્ત થઈ ત્યારે એની શહેરમાં રહેવાની વરસો જૂની ઇચ્છા પ્રબળ બની. એને ગામડું જરા પણ ગમતું નહીં. પતિની નારાજગી હોવા છતાં એણે હઠ કરી અને બંને એમના પુત્ર પાસે શહેરમાં રહેવા ગયાં. પત્ની ત્યાં બરાબર ગોઠવાઈ ગઈ, પરંતુ પતિને શહેરનું જીવન જરા પણ માફક આવ્યું નહીં. છેવટે એ જૂના ગામમાં પાછો ફર્યો, પત્ની શહેરમાં જ રહી. વૃદ્ધાવસ્થામાં અલગ રહેવાની પરિસ્થિતિ પતિ સહન કરી શક્યો નહીં. એ માનસિક રીતે ભાંગી ગયો હતો. નિવૃત્તિને લીધે એમના દામ્પત્યજીવનનું અસમતોલપણું બહાર આવી ગયું.
એનાથી જુદું પણ બની શકે. અમેરિકન લેખિકા સુઝે સ્ટેન્ડરિન્ગ ઘરમાં એકલી બેસીને લખવા ટેવાયેલી હતી. પતિ ડેવિડ વહેલી સવારે ઑફિસ જાય તે સાંજે મોડો પાછો આવે. સુઝે આખો દિવસ ઘરમાં એકલી હોય. એ ડાઈનિન્ગ ટેબલ પર ચોપડીઓ, અખબારો, સામયિકો અને લખવાની સામગ્રીનો પથારો કરીને બેઠી હોય અને કોઈ પણ જાતની ખલેલ વિના લખતી હોય. એક દિવસ ડેવિડ નિવૃત્ત થયો. સુઝેને કોઈની હાજરીમાં કામ કરવાની ટેવ નહોતી. એ શરૂઆતમાં ડિસ્ટર્બ રહેવા લાગી, પણ પછી એને પતિની હાજરીની આદત પડતી ગઈ. એણે એનો નિત્યક્રમ બદલ્યો. પહેલાં એ લંચ લેતી નહીં, હવે પતિપત્ની સાથે મળીને લંચ બનાવવા લાગ્યાં. સુઝેએ એના કામના કલાકો ઘટાડ્યા, જેથી પતિની સાથે વધારે સમય વિતાવી શકે. નવું નવું બનવા લાગ્યું. વહેલી સવારે ગાર્ડનિન્ગ, બપોરના શોમાં ફિલ્મ જોવા જવું, થોડા દિવસ ફરવા નીકળી જવું, વીક ડેઝમાં મિત્રોને મળવું. સુઝે લખે છે: “મારો પતિ એની ઑફિસમાંથી નિવૃત્ત થયો ત્યાર પછી અમે વધારે સક્રિય થઈને સહજીવનને જુદી રીતે માણવા લાગ્યાં છીએ.”
રેણુકાએ પાંસઠ વરસ સુધી નોકરી કરી. એ નિવૃત્ત થઈ ત્યારે આરંભના મહિના સખત કંટાળા સાથે પસાર થયા. એને લાગ્યું કે એની જિંદગી અર્થહીન બની ગઈ છે. પછી એણે પોતે અત્યાર સુધી જે કરી શકી નહોતી એ બધાં કામની યાદી બનાવી. એને સમજાયું કે એણે ઘણાં કામ કરવાનાં બાકી છે અને એની પાસે સમય બહુ ઓછો છે. રેણુકા કહે છે: “હું ક્યારેય નહોતી એટલી બિઝી રહું છું. મને જિંદગીનો સાચો આનંદ સમજાવા લાગ્યો છે. પૈસા કમાવાની એકધારી પ્રવૃત્તિ સિવાય જીવનમાં બીજું ઘણું કરવાનું છે એ સત્ય મને રિટાયર થયા પછી સમજાયું છે.”
નિવૃત્તિનો સમય નજીક આવે ત્યારે લોકો એમના બેન્ક બેલેન્સની વધારે ચિંતા કરવા લાગે છે. યુ.એસ.ની પત્રકાર માર્થા નેલ્સન કહે છે તેમ આપણે નિવૃત્તિ પહેલાં આપણી કેટલી બચત છે એની ચિંતા કરવી જોઈએ, પરંતુ એ માત્ર રૂપિયા-આના-પાઈમાં થયેલી બચત ન હોવી જોઈએ. આપણી શારીરિક ઊર્જા, જીવન પ્રત્યે સકારાત્મક અભિગમ, નિવૃત્તિમાં નવી પ્રવૃત્તિઓ કરવાની તૈયારી વગેરેનું કેટલું બેલેન્સ બાકી છે એનો પણ હિસાબ કરવો જોઈએ.
માર્ક સિન્ગરનું એક પુસ્તક છે ‘ધ ચેન્જિન્ગ લેન્ડસ્કેપ ઓફ રિટાયરમેન્ટ.’ એમાં લખ્યું છે: “નિવૃત્તિ પહેલાં આપણે જે શીખવાનું છે તે એ છે કે અત્યાર સુધી આપણે જે ‘જોયું’ છે એ આવનારાં વરસોમાં સાવ જુદું હશે.” કોઈએ કહ્યું છે કે આપણે આપણી નિવૃત્તિ માટેની તૈયારી યુવાન હોઈએ ત્યારથી જ કરવી જોઈએ, જેથી સાઠ-પાંસઠ વરસની ઉંમર પછી કેટલા સક્રિય અને યુવાન રહી શકીશું એની વરસો પહેલાં ખબર હોય.
***
શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com
સ્વાનુભવે…..
જીવવાની ખરી શરૂઆત નિવૃત્તિ પછી જ થતી હોય છે. એ પહેલાં સર્વાઈવલ , કીર્તિ, કુટુંબ, વિ. માટે પ્રવૃત્તિ હોય છે. બહુ ઓછાને મનગમતી પ્રવૃત્તિ કરવા સમય મળતો હોય છે.
કમભાગ્યે , એ આઝાદી મળ્યા બાદ મરણ બાદ સદગતિની લ્હ્યાયમાં મોટા ભાગના જીવવાનું છોડી દેતાં હોય છે !