નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૬૭

તું હાર્ટની નિષ્ણાત કરતાં સાઇકિયાટ્રિસ્ટ વધારે છે

નલિન શાહ

ગામની શોભામાં અભિવૃદ્ધિ કરે એવી કુટુંબની વિશાળ હવેલીનું નિરીક્ષણ કરવા માનસી શશી અને સુનિતાને સાથે લઈને ગઈ. વર્ષોથી બંધ પડેલી એ ઇમારતનું કોઈ નિષ્ણાતની દેખરેખમાં સમારકામ થાય તો એની ખોવાયેલી ભવ્યતા પુનઃ પ્રાપ્ત કરી શકે એની ખાતરી એનું પાકું બાંધકામ જોતાં પહેલી નજરમાં જ કળાય એમ હતી.

‘શશીબેન, તમારી સ્કૂલની યોજના માટે આ મકાન કેવું લાગે છે?’ માનસીએ પૂછ્યું.

‘એમાં કાંઈ કહેવાપણું હોય? શશીએ પ્રશંસાયુક્ત શબ્દોમાં કહ્યું અને અનાયાસે એક નિ:સાસો સરી ગયો, ‘એની કિંમત ચૂકવવાનું અમારું ગજું નથી.’

‘ને માનનીય ધનલક્ષ્મીદેવી સામે ચાલીને એ પ્રદાન કરે તો?’

‘શું?’ શશીએ વિસ્મયથી પૂછ્યું.

‘એ ચમત્કાર તું જ સર્જી શકે એમ છે એની મને ખાતરી છે.’ સુનિતાએ હસીને કહ્યું.

‘એ તો હું નથી જાણતી, પણ એની નબળાઈ પારખીને દાણો ચાંપ્યો હોય તો કદાચ અશક્યનું શક્ય કરી શકાય! પણ એને માટે અમુક શરતો તમારે માન્ય રાખવી પડે.’ માનસીએ સસ્મિત કહ્યું.

‘મને તારા પર ભરોસો છે કે સંસ્થાને લાંછન લાગે એવું તું કદી ના કરે. એટલે તારી શરતો પણ વાજબી જ હશે.’ શશીએ વિશ્વાસ દર્શાવ્યો.

‘મારી તો યોજના આનાથી એ વધુ ભવ્ય છે. એ યોજનાઓ શશીબેનનાં સેવેલાં સપનાઓ ધ્યાનમાં રાખીને ઘડી છે. જોઉં છું હું કેટલે અંશે સફળ થાઉં છું.’

‘માનસી, ચિંતા ના કરતી. હું છું ને કાંઈ ખૂટતું હોય તો પૂરું કરવા માટે!’ સુનિતાએ આશ્વાસન આપ્યું, ‘પણ તારી સાસુનું હાર્ટ ફેલ થાય એવી યોજના ના મૂકતી એની સામે.’

‘ના, એનું હાર્ટ તો ઘણું મજબૂત છે.’ માનસી બોલી. ‘જે ખામી છે એ એના મગજમાં છે.’

‘એ તો મને ચિંતા નથી, કારણ તું હાર્ટની નિષ્ણાત કરતાં સાઇકિયાટ્રિસ્ટ વધારે છે. હવેલીની મરમ્મત પહેલાં એના મગજની મરમ્મત જરૂરી છે. ને એ તારા સિવાય કોઈના વશની વાત નથી.’ સુનિતા મજાકમાં બોલી.

શશીની સોબત અને ગ્રામ્યજીવનનું વાતાવરણ માનસી અને સુનિતાને અતિશય આનંદમય લાગ્યું. સવિતાને પણ માનસીનો સાથ સુખમય લાગતો હતો. જ્યારે એ કુદરતી ‘મારી ત્રણે દીકરીઓએ મને દીકરાની ખોટ સાલવા નથી દીધી’ એમ કહેતી ત્યારે એનો ત્રીજી દીકરીનો નિર્દેશ માનસી તરફ હતો. બે દિવસ બાદ સુનિતા અને માનસી મુંબઈ રવાના થયાં. જવા માટે કારની સગવડ હોવાથી માનસીએ તાજું શાકભાજી-ખાસ કરીને એની સાસુની પસંદનું-મંગાવી લીધું હતું. એ પોતે પોલિશ કરેલા ચોખાનો વપરાશ ટાળતી હોવાથી હાથછડના ચોખા પણ મંગાવી લીધા હતા. ઘરે પહોંચીને શાકભાજીની થેલી સાસુના હાથમાં આપી. એના કહ્યા વગર યાદ રાખીને માનસી શાકભાજી લાવી એ જાણી ધનલક્ષ્મીને ઘણો આનંદ થયો. હાથછડના જાડા ના કહેવાતા ચોખા જોઈને એને નવાઈ લાગી. ‘મુંબઈમાં તો આવા ચોખા જોવા પણ નથી મળતા. અમે જ્યારે ગામમાં હતા ત્યારે એ નોકરો માટે વપરાતા સસ્તા હોવાના કારણે પણ ઘરમાં તો અમે ઘણું ખરું બાસમતી ચોખા જ વાપરતા હતા. ભલે મોંઘા હોય.’

‘હાથછડના ચોખા ગામમાં પણ હવે સહેલાઈથી નથી મળતા. મારે તપાસ કરવી પડી.’ માનસીએ કહ્યું, ‘સસ્તું કહેવાતું એ અનાજ વધુ ગુણકારી છે એ કેટલા જાણે છે?’ ધનલક્ષ્મી જાણતી હતી કે દર બે-ત્રણ મહિને શશી માનસી માટે ચોખા ગામમાંથી મોકલતી હતી. મુંબઈમાં પણ એના કેટલાક ધનાઢય પેશન્ટો એમના ફાર્મમાં ઉગાડેલાં કેમિકલના વપરાશ વગરનાં ફળફળાદિ પણ સમયે-સમયે મોકલતાં હતાં.

ધનલક્ષ્મીને જાણવાની ઉત્કંઠા હતી કે માનસી જમીન-જાયદાદની શું ભાળ લઈ આવી?પણ માનસી થાકી ગઈ હોવાનું બહાનું કાઢીને જમીને સૂવાના બહાને ઉપર ચાલી ગઈ.

વહેલી સવારે માનસી સાસુના પૂજાના સમયે આવીને છાપું ઉથલાવતી બેઠી. ધનલક્ષ્મી હાથમાં પ્રસાદની પ્લેટ લઈ બહાર આવી અને માનસીને જોઈને પૂછ્યું, ‘કેમ આટલી વહેલી? આજે બહાર ચાલવા નથી ગઈ?’

‘ના, બે દિવસ બહુ રખડપટ્ટી થઈ છે આપણા કામ માટે. એટલે વહેલી સૂઈ ગઈ હતી. હજી થાક પૂરો ઊતર્યો નથી.’ માનસીએ ચા પીવા ડાઇનિંગ ટેબલ પર જગ્યા લેતાં કહ્યું અને પ્રસાદની પ્લેટમાંથી બે ટુકડા ઉઠાવી મોંમાં મૂક્યા, ‘મમ્મી, હજી નાહી નથી. વાંધો નહીં ને પ્રસાદ લેવામાં?’

‘હોય કાંઈ? પ્રસાદ તો ગમે ત્યારે લેવાય.’ પણ ધનલક્ષ્મીને નવાઈ જરૂર લાગી. માનસી કદી કલાક પહેલાં સમારેલા ફ્રૂટને અડતી નહોતી, પ્રસાદને પણ નહીં, એટલે સામે ચાલીને ધનલક્ષ્મી એની સામે પ્રસાદની પ્લેટ કદી નહોતી ધરતી. પણ એણે વગર કહે પ્રસાદ મોંમાં મૂક્યો એ જોઈ ધનલક્ષ્મીને જાણે પોતે કાંઈ પામી હોય એવો આનંદ થયો.

ચા પીતાં પીતાં ધનલક્ષ્મીએ પૂછ્યું, ‘શું કરી આવી ગામમાં?’

‘તમે કીધા પ્રમાણે રામજીભાઈને મળી હતી. એમણે કહ્યું કે દૂર દૂર પથરાયેલી આપણી ઘણી ખરી જમીનો ઉપર તો કોઈએ કબજો કરી લીધો છે. ક્યાંક ખેતી થાય છે ને ક્યાંક કાચાં-પાકાં બાંધકામો થયાં છે. કાનૂની કાર્યવાહી કરવી પડશે. તમે એક વાર નક્કી કરો એટલે પાછી એક વાર જઈ તલાટીને મળીશ અને રામજીભાઈ સૂચન આપે એ પ્રમાણે કોઈ સારા વકીલના હાથમાં કામ સોંપીશ. શશીબેનની મદદ બહુ કામમાં આવશે.’

‘કોર્ટ-કચેરીનો મામલો હોય એટલે તો બહુ વર્ષો નીકળી જાય ને?’

‘એ વાત સાચી, પણ શું થાય? વર્ષોથી જાળવણીના અભાવે દૂર દૂર પથરાયેલી જમીનો ઉપર આપણો કોઈ અંકુશ ના રહે. સુધાકરભાઈ આ કામમાં ઘણા મદદરૂપ થશે. એમણે કહ્યું કે કાનૂની કાર્યવાહી હાથમાં લઈએ તો ખરીદદાર સામેથી આવશે. હું તો માનું છું કે જેટલી શક્ય હોય એટલી જમીન વેચીને પૈસા ક્યાંક રોક્યા હોય તો વધુ ફાયદો થાય. હા, મારે ગામ વારેવારે જવું પડશે, પણ જે જરૂરી છે એ કર્યા વગર છૂટકો પણ નથી.’

માનસીને આટલો રસ લેતી જોઈ ધનલક્ષ્મીને ઘણો આનંદ થયો. હવે તો માનસીનો જ આશરો હતો. સુધાકર સાથેના એના ગાઢ સંબંધોના કારણે એ ઘણું કામ પાર પાડી શકે તેમ હતી.

માનસીએ હળવેથી ચિંતા વ્યક્ત કરી,     ‘મમ્મી, આપણી હવેલી હજી સુધી તો અકબંધ છે, પણ સમયસર સમારકામ ના થાય તો એ કેટલો વખત રહેશે એ કહેવું મુશ્કેલ છે.’

‘ એ તો વર્ષોથી બંધ પડી છે. સમારકામ કરીને પણ શું કરીશું?’ ધનલક્ષ્મીએ હતાશા અનુભવતાં કહ્યું.

‘ભલે તમે ગામ છોડી દીધું, પણ કુટુંબની ઉન્નતિમાં એ ગામનો પણ ફાળો છે. એ ગામની ઓળખાણ સાવ ભૂંસી ના દેવાય. ત્યાંના જૂના લોકો આજે પણ તમને અને પરાગના પિતાને ભૂલ્યાં નથી.’ માનસી જાણતી હતી કે એ કથન સાવ સાચું નહોતું, પણ એનું ધ્યેય સાધવા થોડું જૂઠાણું અનિવાર્ય હતું. ‘પણ નવી પ્રજાનું શું? તમને નથી લાગતું કે તમારા થકી કુટુંબનું નામ જળવાઈ રહે તો આજની ને આવતીકાલની પ્રજા પણ તમને જાણતી થશે ને એનો લાભ આપણાં કુટુંબની ભવિષ્યની પ્રજાને થશે?’

‘હું કાંઈ સમજી નહીં.’ ધનલક્ષ્મી બોલી.

‘મારું કહેવાનું એમ છે કે ખાલી પડેલી એ હવેલીની જાળવણી કરવી એ પૈસાનો વ્યય કરવા જેવું છે, ને જો જાળવણી ના થાય તો એક દિવસ એ માટીનો ઢગલો થઈ જશે. જો એ હવેલીમાં તમારાં નામથી એક શાળા સ્થાપિત થાય તો શિક્ષણક્ષેત્રે તમારા નામનો ડંકો વાગે.’

અભણ ધનલક્ષ્મીએ શિક્ષણક્ષેત્રે ખ્યાતિ પામવાના વિચારે રોમાંચની લાગણી અનુભવી. એ વિચારમાં ગરકાવ થઈ ગઈ. કેવળ પૈસાના ભોગે ખ્યાતિ પ્રાપ્ત થવાની હતી ને હવેલીની ખર્ચાળ જાળવણીમાંથી છૂટકારો થાય એમ હતો ને વેચવામાં કોઈ બહુ મોટો લાભ એ ગામમાં થવાની શક્યતા નહોતી. પાંત્રીસ-ચાલીસ વરસોમાં એના સમયે પછાત ગણાતા એ ગામમાં કેટલી પ્રગતિ સધાઈ હતી ને કેટલું આધુનિકરણ થયું હતું એ વાતથી એ સાવ અજાણ હતી. એને હંમેશાં એ વાત ખટકી હતી કે રાજુલ અને શશી બંને ખ્યાતિપ્રાપ્ત થયાં હતાં, જ્યારે એની ગણના એની તિતલી જેવી ચાર-છ સહેલીઓમાં જ થતી હતી. કોઈ પણ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત કર્યા વગર નામ કમાવાની આ એક જ તક હતી.

સાસુને વિચાર કરતી નિહાળી માનસીએ કહ્યું, ‘શું વિચારો છો, મમ્મી? એમ જ ને કે તમારું ને કુટુંબનું નામ જાળવવા આપણે શું ભોગ આપવો પડશે! મારું માનવું છે કે આપણે જે કરીશું એ કોઠારમાંથી મુઠ્ઠીભર અનાજ આપ્યા જેવું હશે. એના બદલામાં જે ફાયદો થશે એની કિંમત આંકવી મુશ્કેલ છે.

‘ના, હું તો એ વિચાર કરતી હતી કે શાળા ખોલવાનો મને અનુભવ નથી તો હું કરીશ કેવી રીતે?’

‘એ ચિંતા તમે ના કરો. હું શશીબેનને વિનંતી કરીશ કે તમારા નામની શાળા સ્થાપિત કરવાની બધી જવાબદારી એ ઉઠાવે.’

‘હું નથી માનતી કે એ આ કામમાં હાથ ફેરવે.’

‘તમારે એવું માનવાનું કોઈ કારણ નથી. લો, હું તમારી સામે જ એને પૂછું છું.’ કહીને માનસીએ શશીને ફોન લગાવ્યો. માનસી જાણતી હતી કે જો એ અત્યારે જ જાહેરાત કરી દે તો સાસુને પીછેહઠ કરવાનો મોકો ના રહે.

માનસીએ ફોનમાં કહ્યું,‘શશીબેન, મારાં સાસુ ઇચ્છે છે કે એમની હવેલીમાં ગામની ભલાઈ માટે એક સ્કૂલ ખોલાય, તમારું શું માનવું છે?’ થોડી વાર થંભીને બોલી, ‘પણ એક વિનંતી છે કે એના મરમ્મતની વ્યવસ્થાની બધી જવાબદારી તમે સ્વીકારો તો જ શક્ય બને….ના, હુકમ તો મારાં સાસુ આપી શકે મારાથી ના અપાય……શું કહ્યું, એજ્યુકેશન મિનિસ્ટરના હસ્તક ઉદ્‌ઘાટન કરાવશો ?…… -ને એમની અને બધાંની હાજરીમાં સાસુનું બહુમાન કરવા માગો છો?…..ચિંતા ના કરો, હું એમને હાજર રહેવા મનાવીશ……ના ના. સુનિતાબેન શેના માટે? સાસુજી પોતાની ગાડીમાં જ આવશે…..રાજુલ, સાગર બધાં હાજર રહેશે એમ? ને મેળાવડો પણ ભવ્ય રીતે યોજવા માંગો છો?…..મારાં સાસુએ સામે ચાલીને કહ્યું કે હવેલીમાં સ્કૂલ ખોલાય જો શશી જવાબદારી લે…..અરે મારાં સાસુને તમે જાણતાં નથી. એ તો ગામની ભલાઈ માટે કાંઈ પણ કરી છૂટે એમ છે……એ તો પરાગના નામથી પણ કાંઈ કરવા માંગે છે, પણ એની ચર્ચા પછી કરીશું. હમણાં મૂકું છું.’ કહીને ફોન મૂકી દીધો.

ધનલક્ષ્મી ફોન પર વાત કરતી માનસીને પશ્નસૂચક દૃષ્ટિથી જોઈ રહી.

વાત પૂરી કરીને માનસીએ કહ્યું, ‘શશીબેન બહુ ખુશ થયાં. મેં જવાબદારી સ્વીકારવાની વાત કરી તો કીધું તારી સાસુ મારી બહેન થાય ને તે પણ દસ વરસ મોટી. એણે તારી મારફત વિનંતી કરવાની જરૂર નથી. એને હુકમ આપવાનો હક છે. એ બહોળા સમુદાયની હાજરીમાં મિનિસ્ટરના હસ્તક તમારું બહુમાન કરવા માંગે છે. એણે કહ્યું કે સુનિતાબેન તમને ગાડીમાં માનભેર ત્યાં લાવે ત્યારે મેં કહ્યું કે તમારી ગાડી હોય તો તમે બીજાની ગાડીમાં શેના માટે આવો!’

ધનલક્ષ્મીને સપને પણ ખ્યાલ નહોતો કો શશી એને એટલું માન આપશે. માનપાનના વિચારે એને કરવા ધારેલું દાન સાર્થક થતું લાગ્યું. તે એ વાતથી અજાણ હતી કે શશીનાં ઘણાં ખરાં નિવેદનો માનસીના મગજની ઉપજ હતી.

 

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.