એમનું જીવન મૃત્યુનું રિહર્સલ હોય છે

ફિર દેખો યારોં

બીરેન કોઠારી

દુર્ઘટના એની એ જ છે. એ બનવાની પદ્ધતિ પણ એની એ જ. બદલાયાં છે કેવળ એનો ભોગ બનનારાંના નામ. માર્ચ, 2022ના છેલ્લા સપ્તાહમાં વાયવ્ય દિલ્હીમાં ચાર જણનું ગટરમાં ગૂંગળાઈ જવાથી મૃત્યુ થયું. ના, એ ચાર કોઈ સફાઈ કર્મચારી નહોતા. એ લોકો ટેલિફોન લાઈનમેન હતા. આ વિસ્તારમાં ટેલિફોન લાઈનનું કામ ચાલી રહ્યું હોવાથી તેમણે નીચે ઉતરવાનું થયું. સૌ પ્રથમ બે જણા અંદર ઉતર્યા. થોડી વાર પછી તેમનો અવાજ આવતો બંધ થયો એટલે ત્રીજો કર્મચારી અંદર ઊતર્યો. અંદર કશી ચહલપહલ ન વરતાઈ એટલે તેમને નીચે ઊતરતા જોનાર એક રીક્ષા ડ્રાઈવર મદદ કરવાના હેતુથી ઊતર્યો. ભૂગર્ભમાં વાયરોની જટાજાળ અને ઝેરી વાયુથી થયેલી ગૂંગળામણને લઈને તેઓ બહાર નીકળી શક્યા નહીં અને મરણને શરણ થયા.

બનતું આવ્યું છે એમ ત્રણે કર્મચારીઓ હંગામી હતા. તેમને કોઈ પણ જાતનાં સુરક્ષા ઉપકરણો પૂરાં પાડવામાં આવ્યાં નહોતાં. આનું પરિણામ જે આવવું જોઈતું હતું એ જ આવ્યું. આમાં સૌથી છેલ્લે ઊતરેલો રીક્ષા ડ્રાઈવર માત્ર ને માત્ર ભલમનસાઈને કારણે મોતને ભેટ્યો. આ દુર્ઘટનાની જવાબદારી નક્કી કરવા માટે હવે ‘ઈસકી ટોપી ઉસકે સર’ની રમત ચાલી રહી છે.

ગયે વરસે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ (એન.એચ.આર.સી.) દ્વારા સૂચવવામાં આવ્યું હતું કે સફાઈ કામદારોને ‘તમામ હેતુ માટે અગ્ર હરોળના સ્વાસ્થ્ય કાર્યકર્તા’ ગણવા અને સફાઈના સ્થળે થતા તેમના મૃત્યુ બાબતે સંબંધિત વિભાગની જવાબદારી નક્કી કરવી. અલબત્ત, નગર નિગમો તેમજ સરકારી વિભાગ દ્વારા આ પ્રકારની કામગીરી ખાનગી કંત્રાટીઓને સોંપવામાં આવે છે. આ કંત્રાટીઓ હંગામી કામદારો પાસે આવું કામ કરાવે છે, અને એમને કોઈ પણ પ્રકારનાં સુરક્ષા ઉપકરણો પૂરાં પાડતા નથી. આવા કામમાં જાનનું પૂરેપૂરું જોખમ હોવાની જાણ છતાં સફાઈ કર્મચારીઓએ મજબૂરીવશ એ વહોરવું પડે છે. દિલ્હીની આ છેલ્લી ઘટનામાં મૃતકો સફાઈ કામદાર નહોતા, અને ટેલિફોન વિભાગના કર્મચારીઓ હતા. અલબત્ત, તેઓ હંગામી કામદાર હતા.

આ ઘટના બની એના પછીના દિવસે દિલ્હીના જ કોંડલી વિસ્તારમાં બે જણ મોતને ભેટ્યા. આ બન્ને યુવકો દિલ્હી જલ બૉર્ડના સ્યુઅરેજ પ્લાન્‍ટની ગટરમાં મરમ્મત માટે ઉતર્યા હતા. એ જ કાર્યપદ્ધતિ અને મૃત્યુનું કારણ પણ એ જ. આ કિસ્સામાં પૂર્વ દિલ્હીના નાયબ પોલિસ કમિ‍શ્નર દ્વારા બૉર્ડના ત્રણ કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં પ્લાન્‍ટ-ઈન-ચાર્જ, શિફ્ટ‌-ઈન-ચાર્જ અને ફોરમેનનો સમાવેશ થાય છે.

આ પ્રકારના કામને રોકવા માટે વિવિધ કાનૂન બનાવવામાં આવેલા હોવા છતાં આવી દુર્ઘટનાઓ કેમ વારંવાર બનતી રહે છે એ વિચારવા જેવું છે. ‘એન.એચ.આર.સી.’ના સૂચનના પગલે માનો કે સંબંધિત વિભાગની જવાબદારી નક્કી થાય તો પણ શું? શા માટે આ પ્રકારના કામ માટે ટેક્નોલોજિનો ઉપયોગ કરવામાં નથી આવતો? કંત્રાટીઓની રીતરસમો શહેરની સુધરાઈઓ કે સરકારી સંસ્થાઓના અધિકારીઓની જાણબહાર ન હોય એમ બને નહીં. તો શું આનો અર્થ એમ સમજવો કે કંત્રાટીઓને કાયદાનો ડર નથી? અથવા ખરેખરા ખલનાયક તેઓ જ છે? કાનૂનના રખેવાળોથી તેઓ ડરતા નથી? આમ માનવું મુશ્કેલ લાગે છે. દોષનો તમામ ટોપલો આ કંત્રાટીઓ પર ઢોળી દેવો એ આ સમસ્યાનું નિરાકરણ નથી, કેમ કે, એ લોકો પણ આ જ ગ્રહના, અને આપણા જ દેશના નાગરિકો છે. ઘણા ખરા કિસ્સામાં સફાઈ કામદારોની જાતિ અને ગરીબી તેમને આવાં કામ કરવા માટે પ્રેરે છે. સ્વેચ્છાએ આવું કામ કરવા કોણ તૈયાર થાય? આ વ્યવસાયમાંથી તેમનું અન્યત્ર પુનર્વસન થાય એ અતિશય આવશ્યક છે.

સૌ પ્રથમ તો એ બાબત સ્પષ્ટ કરવી જરૂરી છે કે પ્રત્યેક માનવજીવન મહત્ત્વનું છે. માનવજીવનના મૂલ્યની સામે સુરક્ષા ઉપકરણોની કિંમતની સરખામણી થઈ શકે નહીં. કંત્રાટીઓ પર પણ અનેક જાતનું દબાણ હોય છે, જેને તેમણે પહોંચી વળવાનું હોય છે. આ બાબત કેવળ સફાઈના ક્ષેત્રે જ નહીં, ઔદ્યોગિક અને બીજાં અનેક ક્ષેત્રે પણ લાગુ પડે છે. કંત્રાટીઓ કાયદાકાનૂન જાણતા હોવા છતાં સુરક્ષાપ્રણાલિને શાથી બાજુએ મૂકે છે એની વિગત તપાસવા જેવી છે. શું તેમને કાનૂનનો ડર નથી? માની લઈએ કે આ મુદ્દે સંબંધિત વિભાગની જવાબદારી નક્કી કરવામાં આવે, પણ એટલાથી શું થશે? આ સમસ્યાનો ઊકેલ લાવવો હોય તો તેને મૂળમાંથી નાબૂદ કરવાની દાનત કેળવવી પડે. ગટરની સફાઈ માત્ર ને માત્ર યંત્ર થકી જ કરવામાં આવે અને ગમે તે હિસાબે તેમાં માનવને ઊતરવું ન પડે એવી જોગવાઈ જરૂરી છે. જરા વિચારો કે દેશની રાજધાની એવી દિલ્હીમાં આ સ્થિતિ છે, તો અન્ય અનેક શહેરો કે નગરોમાં આ મામલે શી સ્થિતિ હશે? યંત્ર દ્વારા સફાઈની પદ્ધતિ માનો કે ખર્ચાળ હોય તો પણ એ માનવજીવનનો વિકલ્પ ન હોઈ શકે.

ઊજળિયાત અને શિક્ષિત ગણાતા વર્ગને આવી કોઈ સમસ્યાના અસ્તિત્વ વિશે જાણ સુદ્ધાં હશે કે કેમ એ સવાલ છે. જાણ હોય તો પણ તેઓ શા માટે આ સમસ્યાના વિરોધમાં અવાજ ઉઠાવે? આ સમસ્યાના જડમૂળથી નિકાલ બાબતે સરકારે હજી વધુ કટિબદ્ધતા દાખવવી પડે એમ જણાય છે. કાનૂન ઘડાય એ ખરું, પણ અન્ય યાંત્રિક વ્યવસ્થાનો અમલ બને એટલો ઝડપથી થવા લાગે અને તેની સાથેસાથે કાનૂનનો સખ્તાઈથી અમલ થાય તો એના નક્કર ઊકેલની દિશામાં આગળ વધી શકાય.


‘ગુજરાતમિત્ર’માં લેખકની કૉલમ ‘ફિર દેખો યારોં’માં ૨૮-૦૪ –૨૦૨૨ના રોજમાં આ લેખ પ્રકાશિત થયો હતો.


શ્રી બીરેન કોઠારીનાં સંપર્ક સૂત્રો:
ઈ-મેલ: bakothari@gmail.com
બ્લૉગ: Palette (અનેક રંગોની અનાયાસ મેળવણી)

 

Author: Web Gurjari

2 thoughts on “એમનું જીવન મૃત્યુનું રિહર્સલ હોય છે

  1. બીરેનભાઈ,

    એમનું જીવન મૃત્યુનું રિહર્સલ છે… આ ટાઈટલથી જ લેખની ગંભીરતા છતી થાય છે. આવા કેટલાય કમનસીબ લોકો છે જેમના જન્મતાની સાથે જ જીવન સાથે અનિશ્ચિતતાઓ જોડાઈ જાય છે.
    આવી ઘટના ધ્યાન પર આવ્યા પછી પાછળ શું સાવચેતી લેવાઈ કે એની ખબર સુદ્ધા નથી પડતી અને બીજી એક દુર્ઘટના સર્જાય છે. વાંચવા માત્રથી કમકમાટી છૂટી જાય છે. એ સમયે અંદર ફસાયેલા લોકોની શું અવદશા હશે એની કલ્પનાય કરવી કપરી છે તો એ સમય પસાર કરનારની શી અવદશા થઈ હશે?

  2. મુળ કારણ ભ્રષ્ટાચાર , બધા જ છુટી જશે કોઇ ને કાઇ જ સજા નહી થાય . મુળ તો રાજકારણી ઓ ને હપતો પહોંચતો હશે ( protection money ) એટલે સરકારી નોકરો ને ક્યારેય તકલીફ નથી થઇ ને નથી થવા ની .

Leave a Reply

Your email address will not be published.