તેરે બાદ-૨

પારુલ ખખ્ખર

            આમ તો મનોરમ્ય પાળ છે,મજાનાં વૃક્ષો છે, પક્ષીઓનો કલરવ છે,બાળકોની કિલકારીઓ છે અને તો યે નથી કોઇ પગ ઝબોળતું, નથી કોઇ ચાંચ બોળતું, નથી કોઇ કાંકરીચાળો કરતું કે નથી કોઇ હાથ મને સ્પર્શીને સહજ લહેરો નિપજાવતા- એવી શ્રાપિત વાવ જેવી હું…તારા વગરની…

કહેવાય છે કે ખાલીખમ વાવમાં પાણી પ્રગટાવવા હોય તો કોઇ બત્રીશ લક્ષણાનો ભોગ આપવો પડે.અહીંયા તો કંઇક અલગ જ બન્યું !છલોછલ ભરેલી વાવનાં પગથિયે બેસી છબછબીયાં કરતો કરતો કોઇ બત્રીશ લક્ષણો ક્યારે વાવમાં સમાઇ ગયો કંઇ ખબર જ ન પડી !ના ‘ડબૂક’ ‘ડબૂક’ અવાજ થયો કે ન પરપોટાં થયાં બસ વાવની સપાટી જરાતરા કંપી એટલું જ ! કદાચ ત્યારથી જ આ વાવ સન્નાટો ઓઢીને જાગે છે, એ તાકતી રહે છે ઉપરનાં ગોળાકાર આકાશને !ક્યારેક સૂરજ, ક્યારેક ચાંદો,ક્યારેક તારામઢી રાત તો ક્યારેક એકલદોકલ પંખીનું કિલકિલ એ ટૂકડાંમાંથી ડોકાયા કરે.વાવને વળી દિવસ કે રાત શું? સવાર-બપોર-સાંજ શું? વસંત કે પાનખર શું? હોળી-દિવાળી-ઇદ શું? એ તો કાળખંડોની પેલે પાર તાક્યા કરે બસ. હવે એ માત્ર શ્વાસ લે છે અને શ્વાસ લેવાની ઘટનાને જીવન નથી કહેવાતું. ન મરી શકવાની મજબૂરી લઇને શ્વસી રહી છે આ વાવ…

આ વાવને શ્વાસ લેવા સિવાયની પણ એક બીમારી છે, વિચારવાની. એ વિચારતી રહે ઘણીવાર કે કાશ હું અહલ્યા હોત તો ! માત્ર એક સ્પર્શથી ફરી માનવ થઇ જાત ! હું તો સ્પર્શનો કેફ માણું ન માણું ત્યાં તો ફરી પત્થર થઇ ગઇ.જો કે હવે તો બધાં જ સ્પર્શોની પેલે પાર થઇ જવાયું છે. એક જ સ્પર્શે જાગી જવાયું, જીવી જવાયું, પળ બે પળ ખિલી જવાયું એ જ મૂડી.એ જ તૂંબડીની ઓથે આ ભવસાગર પાર કરવાનો છે અને આવું તો કંઇ કેટલુંયે વિચારે છે આ વાવ…તારા ગયા પછી.

ક્યારેક એમ પણ થાય તું ન મળ્યો હોત તો સાવ બુદ્ધુ જ રહી જાત ને ! કેટકેટલાં શબ્દોનાં અર્થ સમજાયા તારા કારણે.! સંબંધોને અનેક પરિમાણોથી જોતા શીખી હું.આંસૂ, અવસાદ, અધ્યાહાર ને તો સાંગોપાંગ જીવ્યા મેં . એકાંતનો અને એકલતાનો ‘અ’ વારંવાર ઘૂંટ્યો મેં. એવા તો કેટલાયે અ-કાર આવ્યા તારી સાથે. જો કે આજ સુધી એ નથી સમજાયું તું આરંભ હતો કે અંત ? કે પછી અંતનો આરંભ થઇને આવ્યો હતો તું !

સુખનું બગાસું ખાતી ઝડપી લીધી તે મને અને ગુલમ્હોરનાં ખટમધુરાં-તૂરાં સ્વાદની લત લગાડી. વિચારું છું તને ગુરુદક્ષીણામાં શું આપું? કેટલી મજાઓ લેતા શીખવ્યુ તે મને ! ઘાવ પર વળેલા તાજાતાજા લાલાશ પડતાં ભીંગડાને ધીમે ધીમે ખોતરીને તેમાંથી ડોકિયા કરતાં ગુલાબી માંસને જોવાની, અનુભવવાની મજાઓ લેતા શીખી છું. એકલતાની આંચ પર જીવને શેક્યા કરવાનો અને ભૂંજાયેલા માંસની સુગંધની મજાઓ માણી શકું હવે હું. ભીડમાં પણ એકલી રહી શકું છું અને એકાંતમા ભીડની મજાઓ લઇ શકું છું હું.

ડીસેમ્બરની ઠંડી કાતિલ રાતોમાં જાત સાથે સંવાદ કરતા શીખવ્યું છે તેં મને.બધા જ સ્પર્શોની સાથે રહીને એનાંથી પર રહેતા, અવસાદોથી દૂર રહી માત્ર છતની પેલે પાર ક્યાંક દૂર દૂર અંતરિક્ષમાં તાકતા રહેવાનું શીખવ્યું છે તે મને. કોઇ એવો પ્રદેશ જ્યાં ન ફરિયાદ હો, ન અપેક્ષા ત્યાં જઇ સમાધિમાં લીન થતાં શીખવ્યું છે તે મને. ક્યારેક આંખનાં બન્ને ખૂણા પરથી કંઇક દદડી રહ્યાનો અહેસાસ થાય ત્યારે દાદીમાએ કહેલું વાક્ય યાદ આવી જાય ‘ આંખના પૂંછડેથી પાણી જાય ત્યારે છેલ્લી ઘડીઓ સમજવી’ અને આ છેલ્લી ઘડીઓની રાહમાં સદીઓથી ઉલેચાઇ રહી છે આ વાવ, તો યે નથી વાવ ખાલી થતી નથી રેતઘડીમાં રેત ખતમ થતી. આમ જ બસ ખાલી થતી-ભરાતી રહું છું .

ઘણી વખત આ કાંડાની ધોરી નસને કાપી નાંખવાની તીવ્ર ઇચ્છા થઇ આવે .ધડધડાટ વહી જતા લોહીને જોવાની થ્રીલ માણવી છે એક વખત.આ ફૂંફાડા મારતું,સતત દોડતું, વળ ખાતું, ઉધામા મચાવતું લોહી સાવ અસહાય થઇ એક નાનકડી નસ વાટે ઉલેચાઇ જતું જોવું છે એક વખત. બધી જ પીડાઓ કેવી રીતે ધીમેધીમે ખતમ થાય એ અખતરો કરી જોવો છે એક વખત. કાંડા પર બાઝેલ લોહીનાં ગઠ્ઠાને જોયા પછી જ આંખ મીંચવી છે બસ…એક જ વખત.

રોજ સવારે અસ્તવ્યસ્ત ઓરડાઓ જોઉ અને જાણે મારી જાતને જોયા કરું. આખો દિવસ બધું ઠીકઠાક કર્યા કરું, ગોઠવતી રહું, સજાવતી રહું અને બીજી  સવારે ફરી બધું વેરવિખેર ! અસ્તિત્વ જાણે એકએક કણ બનીને ફેલાઇ જાય ચોતરફ અને હું ઝાડું લઇ મંડી પડું ,ઝાપટીયું લઇ ઝાપટી નાંખું એકએક ખૂણાને. પછી તો બધુ અપ ટુ ડેટ! જો કે બધું અપ ટુ ડેટ જ હતું ને ! ક્યાં કોઇ મણા હતી? પણ સાલ્લ્લો આ જીવ તારામાં એવો અટવાયો કે હવે ઝંપે જ નહી…

સાંભળ્યું છે – આ વાવની બહાર એક નગર છે. માણસોથી ઉભરાતી બજારો છે,ફૂલોથી લચેલા ઉદ્યાનો છે,પોતાનામાં જ ગૂંચવાયેલા રસ્તાઓ છે, મોટામોટા શોપીંગમોલ છે જ્યાં બધું જ વેચાતું મળે છે.શું ત્યાં સન્નાટા ઓગાળવાનું કેમિકલ મળતું હશે? કોઇ એવી સંજીવની બૂટી મળતી હશે જેનાં બે ટીપાં નાંખવાથી આ વાવ આળસ મરડીને બેઠી થાય ? ખબર નહી આવા ગાંડાઘેલાં વિચારો કેમ આવે છે… તારા ગયા પછી !

કોઇ જ અફસોસ નથી, કોઇ ફરિયાદ નથી જે છે તેને સહજ સ્વીકારીને જીવ્યા કરું યંત્રવત્ ! પણ આ વસંતે એક અજીબ ઘટના બની. દૂરદૂરથી એક પાંદડું ઉડતું ઉડતું આવ્યુ, પાળ પર બેઠું અને હળવેકથી કહ્યું ‘શોક ન કર અહીંથી ઘણે દૂર એક શ્રાપિત સરોવર છે અને એ પણ આવા જ અવસાદી લિબાસમાં ઊભું છે વરસોથી’ અને સાચું કહું? ત્યારથી થોડું સારું લાગે છે.


સુશ્રી પારુલબહેન ખખ્ખરનો સંપર્ક parul.khakhar@gmail.com  વીજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.