પુરુષોતમ મેવાડા
એવું જાણીને નવાઈ લાગે કે સામાન્ય ઊંચાઈ અને દેખાવ ધરાવતો ડૉ. પરેશ ખૂબ ગુસ્સો પણ કરી શકતો હશે! પરંતુ એવા ઘણા પ્રસંગો બન્યા હતા કે એ હદ બહાર ગુસ્સે થઈ જઈને મુસીબત વહોરી બેઠો હતો. ગુસ્સાનો બચાવ કરી શકાય એવાં કારણો તો હતાં જ, પણ એક ડૉક્ટર તરીકે આ સ્વીકારી શકાય કે નહીં, તે વાચક સમજી જશે.
મેડિકલ કૉલેજ સાથે સંકળાયેલ હૉસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટરો ઘણીવાર હડતાલ પાડે. એવો એક પ્રસંગ નવનિર્માણના આંદોલન વખતે બનેલો, જેમાં ડૉક્ટરો હડતાલ પર હતા, અને ડૉ. પરેશ જે આસિસ્ટન્ટ પ્રોફેસર હતો, તેના ઉપર બધી જવાબદારી આવી પડેલી. ઓપીડીના દર્દીઓને તપાસવા, દાખલ થયેલા સાઠથી વધારે દર્દીઓની સારવાર કરવી, ઑપરેશન કરવાં, એક્સિડેન્ટ કેસ આવે તેનું કામ પણ કરવાનું, અને ગમે ત્યારે ઑપરેશન માટે તૈયાર રહેવું! અને આ બધાં જ કામોનો રેકૉર્ડ રાખવો! ચોવીસ કલાક પણ ઓછા પડે એટલું કામ હતું! ડૉ. પરેશ થાક્યા વગર કામ કરતો હતો, પરંતુ નર્સિંગ-સ્ટાફ સિવાય વૉર્ડબૉય અને સાફસૂફી કરનારા લોકો ખાસ સાથ આપતા ન હતા.
એક વાર એવું બન્યું, કે સફાઈ કામદાર બપોરની ત્રણથી અગિયારની ડ્યૂટી પર ન આવ્યો. ડૉ. પરેશને દર્દીઓને બેડપેન આપવું પડે, તેમના ડ્રેસિંગ, વગેરેનો કચરો પણ યોગ્ય જગ્યાએ નાખવાનું કામ કરવું પડે. નર્સિંગ-સ્ટાફે આ બધું કરવાની ના પાડી હતી.
પેલો ડ્યૂટી પર હતો એ સફાઈ કામદાર રાત્રે વૉર્ડબૉયની સાથે વૉર્ડમાં આવ્યો.
“સાહેબ, નમસ્કાર!”
ડૉ. પરેશ આમ છેલ્લી ઘડીએ હાજરી પુરાવવા આવેલા સફાઈ કામદારને જોઈને ખૂબ ગુસ્સે થઈ ગયો, અને તેને જોરદાર થપ્પડ લગાવી દીધી.
“હવે છેલ્લી ઘડીએ આવીને શું કરે છે? ક્યાં હતો અત્યાર સુધી?”
“હું જ્યાં પણ હોઈશ, પણ તમને નહીં છોડું…” કહેતો એ દોડીને જતો રહ્યો.
ત્યાંથી એ તો પોતાના ઉપરી કામદાર નેતા પાસે ગયો, અને ‘ડૉ. પરેશે હાથ ઉપાડ્યો છે’ એવું જણાવ્યું. એનો ઉપરી તો બીજા દિવસે સફાઈ કામદારોની હડતાલ અને હેલ્થ મિનિસ્ટરને નોટિસ આપવાની વાત કરતો હતો. ત્યાં જ હડતાલ પર રહેલા ડૉ. પરેશના રેસિડેન્ટ ડૉક્ટરોને જાણ થતાં જ તેઓ દોડી આવ્યા, અને કોઈપણ રીતે મામલો થાળે પાડ્યો.
આવા જ એક સમયે એવું બન્યું કે તેણે ઇમર્જન્સી ઑપરેશનોનું એક લિસ્ટ વૉર્ડ-સિસ્ટરને આપીને કહ્યું, કે જેમ-જેમ ઑપરેશન પતે, એમ વારાફરતી દર્દીને મોકલજો. બપોરના બે-ત્રણ વાગ્યાનો સમય હતો. ઑપરેશન થિયેટરમાંથી ઇન્ટરકોમ પર ડૉ. પરેશે Acute Appendicitisના એક દર્દીને ઑપરેશન માટે મોકલવા માટે સિસ્ટરને કહ્યું હતું, પણ તેણે જે દર્દીને ટેબલ પર બેભાન કરવા લીધો, એ તો હાથ પરના ગૂમડાનો (Abcess) કેસ હતો! ડૉ. પરેશને દર્દીનું નામ, રોગ અને ઑપરેશનની જગ્યા, વગેરે વિગતો બેભાન કરતાં પહેલાં જ તપાસી લેવાની ટેવ હતી, તેથી આમ બીજા દર્દીને જોઈને એ ગુસ્સે થઈ ગયો, કારણ કે એ દર્દીને બેભાન કરીને જો સીધો જ ઑપરેશન માટે લીધો હોત, તો તેના પર એપેન્ડિક્સનું પેટ ચીરવાનું ઑપરેશન થઈ જાત!
તેણે વૉર્ડનર્સને ફોન કર્યો, પણ નર્સે ફોન ઉપાડ્યો નહીં, એટલે ડૉ. પરેશ સીધો જ વૉર્ડમાં પહોંચી ગયો. જાણવા મળ્યું કે સિસ્ટર તો બાજુના રૂમમાં બેઠાં હતાં. ડૉ. પરેશે એ કમરાનો દરવાજો બે-ત્રણ વાર ખખડાવ્યો, પણ તેમણે દરવાજો ખોલ્યો નહીં. ડૉ. પરેશે દરવાજા પર જોરથી લાત મારીને દરવાજો તોડી નાખ્યો.
“કેટલી મોટી ભૂલ થઈ જાત સિસ્ટર, તમને કંઈ ભાન છે?”
[]
એક વખત ડૉ. પરેશ પ્લાસ્ટિક-સર્જરીના વૉર્ડમાં રજિસ્ટ્રાર હતો. ત્યાંનો હાઉસમેન એક તગડો, ખાધેપીધે સુખી ઘરનો ડૉક્ટર હતો. એક વાર એવું બન્યું કે ડૉ. પરેશનાં એક ઓળખીતાં બહેનને શરીર પર એક રસોળી (Sebaseous Cyst/Lipoma) હતી. ઑપરેશન Local Anaesthesiaમાં કરી શકાય એવું હતું. પણ એ બહેન ઑપરેશન માટે આવ્યાં જ નહીં.
સાંજે એ બહેન મળ્યાં ત્યારે તેમણે ડૉ. પરેશને કહ્યું, “અહીંના જ એક બીજા ડૉક્ટરે મને કહેલું, કે આ ઑપરેશન ડૉ. પરેશ પાસે ન કરાવશો, તેથી હું ન આવી.”
“સારું, કાલે જે ડૉક્ટરે તમને ના પાડેલી તેની સામે આવીને મને જણાવજો.” એ ડૉક્ટરને પૂછતાં એમણે તો પેલાં બહેનને આવું કશું કહ્યું હોવાની ના પાડી દીધી.
બીજા દિવસે વૉર્ડની વચ્ચે જ પેલાં બહેને એ ડૉક્ટરની સામે જ કહ્યું, “તમે જ તો ના પડેલી!”
અને થઈ રહ્યું! ડૉ. પરેશે ગુસ્સામાં એ રેસિડેન્ટ-જુનિયર ડૉક્ટરને જોરથી થપ્પડ મારી, અને લાત મારીને તેને નીચે ફેંકી દીધો.
થતાં તો થઈ ગયું, પણ એ ડૉક્ટરનો દાંત તૂટી ગયો અને મોઢામાંથી લોહી નીકળ્યું. એ અન્ય ડૉક્ટરોને મળ્યો તો એમણે સલાહ આપી કે પોલીસકેસ કરી દે! અને એ તો સીધો પોલીસ ચોકીમાં પહોંચી ગયો!
ડૉ. પરેશને પોતાની ભૂલ સમજાઈ, અને લાગ્યું કે જો Suprintendent કે Deanને ખબર પડશે તો હવે તેને હોસ્પિટલમાંથી Rusticate કરાશે. શું કરવું?
ડૉ. પરેશને લાગ્યું કે Suprintendent કે Deanને બહારથી ખબર પડે એ પહેલાં મારે જ તેમને હકીકતની જાણ કરવી જોઈએ.
આથી ડૉ. પરેશ એ બંનેને મળ્યો. હકીકતની જાણ કરીને માફી લખી આપી.
ત્યાર બાદ જ્યારે પેલો ડૉક્ટર Suprintendent કે Deanને ફરિયાદ કરવા ગયો, ત્યારે એમણે કહી દીધુંઃ
“તું પોલીસ ચોકીમાં ગયો છે, અમારી સંમતિ વગર. હવે અમે કંઈ નહીં કરીએ.”
આવા કેસમાં પોલીસ મોટાભાગે જે તે સંસ્થાના ઉપરીની રજા વગર કોઈ કાર્યવાહી કરતા નથી, તેથી ડૉ. પરેશ બચી ગયા. છતાં એની અસર ઘણા પ્રસંગોમાં રહી હતી.
ડૉ. પરેશને વિચાર આવ્યો કે આ તો ન્યૂઝપેપરના સમાચાર બની જશે. એટલે તેણે ન્યૂઝપેપરમાં કામ કરતા પોતાના એક મિત્રને ભલામણ કરી, જેથી આ સમાચાર ન છપાય. પણ બન્યું એવું કે બીજા દિવસે સમાચારમાં એમણે જ છાપ્યું કેઃ
“અમુક દવાખાનામાં વૉર્ડ વચ્ચે ડૉ. પરેશે તેમના જૂનિયરને ગાળો દીધી અને માર્યો. આ જોઈને વૉર્ડના દર્દીઓ ગભરાઈ ગયા હતા.”
સમાચાર નહીં આવે એવું માનીને ડૉક્ટરને નિરાંત થઈ હતી, પણ સવારે જ્યારે એ દવાખાનામાંથી નીકળ્યો, ત્યારે જે કોઈ સામું મળે એ તેને સલામ કરતું જતું હતું.
“નમસ્તે સાહેબ, નમસ્તે સાહેબ” કરવાની જાણે હોડ જામી! બધાને ખબર પડી ગઈ હતી, અને બધા સલામો મારતા જતા હતા!
હજુ કંઈ બાકી હોય એમ જમવા માટે એ હૉસ્ટેલ પર ગયો, ત્યાં એણે પોતાના બાપને અને જેને માર્યો હતો એના બાપને બાગમાં વાતો કરતાં જોયા, અને એ ઢીલો થઈ ગયો. બંનેને મળીને એણે નમસ્કાર કર્યા.
નવાઈની વાત તો એ હતી, કે એ ડૉક્ટર અને પરેશ એક જ રૂમમાં સાથે જ રહેતા હતા. જો કે પછી ડૉ. પરેશે એને રૂમમાંથી કાઢી મૂક્યો હતો.
[]
ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે