સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ – (૧૫) હૂકમનો એક્કો

નલિન શાહ

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬) નો  અનુવાદ}

અનુવાદ: પિયૂષ મ. પંડ્યા

નૌશાદે એક ઉર્દુ સામયિકમાં પ્રકાશિત લેખમાં વાંચ્યું કે તેમનાં બધાં જ ગીતોની ધૂનો હકીકતે તો તેમના એક સમયના સહાયક ગુલામ મહંમદે તૈયાર કરી હતી. વાંચીને એમને ભારે આંચકો લાગ્યો. અલબત્ત, એ કહેવાની ભાગ્યે જ જરૂર છે કે આ માત્ર એક બેજવાબદાર વિધાન નહીં, બલ્કે એક અટકચાળું હતું. ગુલામ મહંમદને ન્યાય ખાતર પણ કહેવું જોઈએ કે તે અતિ જાણકાર અને નીવડેલા સંગીતકાર હતા. નૌશાદે પોતાનાં સ્વરનિયોજનોમાં તેમના પ્રદાનને યશ આપવામાં ક્યારેય પાછી પાની કરી નહતી. ગુલામ મહંમદને અંજલી આપતાં નૌશાદે વ્યથિત સ્વરમાં કહેલું, “તેના અવસાનથી મને જબરદસ્ત ખોટ પડી છે.” તે બન્નેએ સાથે કામ કર્યું એ દસ વરસ દરમિયાન તેમની વચ્ચે બંધાયેલા ગાઢ સંબંધની પુષ્ટી કરતું આ વિધાન છે

નૌશાદ અને ગુલામ મહંમદ

૧૯૪૦ની ફિલ્મ ‘પ્રેમનગર’થી નૌશાદની કારકીર્દિ આરંભાઈ ત્યારથી લઈને તેમનું સંગીત ધરાવતી ૧૯૪૨ની ‘શારદા’ (સુરૈયાએ ગાયેલું પંછી જા, પીછે રહા બચપન મેરા), ૧૯૪૨ની જ ‘નમસ્તે’ (પારુલ ઘોષના અવાજમાં ગવાયેલું આયે ભી વોહ ગયે ભી વોહ) અને ૧૯૪૩ની ‘કાનૂન’ (સુરૈયાના અવાજમાં ઈક તુમ હો ઈક મૈં હૂં), જેવી લોકપ્રિય સાંગીતિક ફિલ્મોનું સંગીત તૈયાર કરતી વખતે નૌશાદ સાથે સહાયક તરીકે ગુલામ મહંમદ ન હતા. નૌશાદનું ગુલામ મહંમદ સાથેનું જોડાણ ૧૯૪૩ની ફિલ્મ ‘સંજોગ’થી શરૂ થયું અને સમાપન ૧૯૫૨ની ફિલ્મ ‘આન’ સાથે થયું.

બાહોશ અને સમર્પિત સાથીદાર એવા ગુલામ મહંમદ વિના પણ નૌશાદે ‘બૈજુ બાવરા’, ‘અમર’, ‘શબાબ’, ‘ઉડન ખટોલા’, મધર ઈન્ડીયા, ‘કોહીનૂર’, ‘મુગલ એ આઝમ’, ‘ગંગા-જમના’’, ‘મેરે મહેબૂબ’ અને તે પછી આવેલી અનેક ફિલ્મોમાં સંગીત પીરસ્યું. આ સંગીત થકી તેમણે જાદૂઈ છડી ધરાવતા એક ઉસ્તાદ સંગીતનિર્દેશક તરીકેની પોતાની પ્રતિષ્ઠાને જાળવી રાખી. એક સ્વરકાર તરીકે ગુલામ મહંમદે નોંધપાત્ર પ્રદાન કર્યું. તાલ અને માધુર્ય એમનાં સ્વરનિયોજનોની મુખ્ય ઓળખ બની રહ્યાં હતાં. વર્ષો સુધી ગાઢ રીતે સંકળાયેલા રહ્યા હોવાથી તેમનાં અને નૌશાદનાં ઘણાં સ્વરનિયોજનો તરત જ ધ્યાને ચડે તેવું સામ્ય ધરાવતાં હતાં. નૌશાદ મજાકમાં કહેતા, “કોણ કોનાથી પ્રભાવિત છે તે કહેવું અઘરું છે!” પણ હકીકત એ છે કે આગવો સંસ્પર્શ આપીને પોતાની રચનાઓને રજૂ કરવાની કલાકારીમાં નૌશાદે કશી કસર છોડી ન હતી. બહેતર પૂરવાર થયા હતા. ‘અમર’ (૧૯૫૪) અને ત્યાર પછી ૧૯૬૦ની ‘મુગલ એ આઝમ’ ફિલ્મો આ બાબતને બરાબર પ્રસ્થાપિત કરે છે.

આ બાબત આપણને સહાયક સંગીતકારોના પ્રદાન અને તેમના મોટે ભાગે પ્રમાણિત ન કરી શકાય તેવા દાવાઓ તરફ દોરી જાય છે. બુલો સી.રાનીએ અનેક વાર એવો દાવો કર્યો હતો કે ફિલ્મ ‘તાનસેન’ (૧૯૪૩)નું ખુરશીદનું ગાયેલું ગીત દુખીયા જીયરા, રોતે નૈના ખેમચંદ પ્રકાશના સહાયક તરીકે પોતે જ સ્વરબદ્ધ કર્યું હતું. એવા અહેવાલો પણ છે કે ૧૯૩૯ની ફિલ્મ ‘કપાલ કુંડલા’નું લોકપ્રિય ગીત પિયા મીલન કો જાના પંકજ મલ્લિકના સહાયક એચ પી દાસે સ્વરબદ્ધ કર્યું હતું. સચીનદેવ બર્મનનાં ગીતો એક યા બીજા સમયે જયદેવ, એન દત્તા અને રાહુલદેવ બર્મને બનાવ્યાં હોવાનું કહેવાય છે. લક્ષ્મીકાંત-પ્યારેલાલે પણ કલ્યાણજી-આણંદજીનાં કેટલાંક ગીતો પોતે તેમના સહાયકો હતા એ નવ વર્ષના સમયગાળા દરમિયાન બનાવ્યાં હતાં એવો દાવો કરેલો.

નૌશાદ સાથે મારે આ મુદ્દે ચર્ચા થઈ ત્યારે તેમણે કહેલું, “એક સહાયક જે તે સંગીતનિર્દેશક માટે બનાવેલી ધૂનનો યશ લે તે ગરિમાનો ભંગ છે. ફિલ્મી સંગીતના પાયાના ઘટકો હું ઝંડેખાન અને ખેમચંદ પ્રકાશ પાસેથી શીખ્યો છું. પણ, મેં ક્યારેય એક સહાયક તરીકે તેમનાં સ્વરનિયોજનો માટે યશ લીધો નથી.”

એક મદદનીશ (સંગીતકાર) શીખાઉ હોય છે. સંગીતનિર્દેશક તેને સ્વરનિયોજન કરવાની તક ન આપે તો તે શીખે કેવી રીતે? સંગીતકાર તે મદદનીશની બનાવેલી પૂરેપૂરી તર્જ કે એનો અંશ ગીત માટે ઉપયોગે લેતા હોય છે. પણ, સંગીતકારે કરેલા થોડાઘણા ફેરફારો અને આખરી સંસ્પર્શ સાથેનું ગીતનું આખરી સ્વરૂપ મહત્વનું બની રહે છે. સંગીતકારે કરેલી બારિક નકશી વડે ગીતનું કલેવર બદલાઈ જતું હોય છે.

નૌશાદની સફળતાનો સમગ્ર યશ ગુલામ મહંમદને આપવા જેવી જ અવળચંડી ચેષ્ટા ૧૯૪૦ના અરસામાં મૂર્ધન્ય સંગીતકાર માસ્ટર ગુલામ હૈદરની સ્વરબાંધણીઓનો યશ તેમના સહાયક એવા સિતારવાદક ઈનાયતખાનને ખાતે ફાળવવાની થઈ હતી. જે રીતે મેં ગુલામ મહંમદને અને તેમના નૌશાદ માટેના આદરને જાણ્યા છે તે ઉપરથી હું ચોક્કસ કહી શકું છું કે નૌશાદની સફળતા માટે પોતે એકલા જવાબદાર હતા તેવા બિનજવાબદાર અને વાહિયાત દાવાને તેમણે જ ફગાવી દીધો હોત.


મૂલ્યવર્ધન: બીરેન કોઠારી.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.