ભારતમાં તબીબી શિક્ષણની દશા અને દિશા

નિસબત

ચંદુ મહેરિયા

યુધ્ધગ્રસ્ત યુક્રેનમાંથી અઢારેક હજાર ભારતીયોને દેશમાં પરત લાવવામાં આવ્યા તેમાં મુખ્યત્વે મેડિકલ સ્ટુડન્ટ હતા. એશિયાની ત્રીજાક્રમની અર્થવ્યવસ્થા ધરાવતા અને ફાઈવ ટ્રિલિયન ડોલરની  ઈકોનોમી બનવાના સપનાં જોઈ રહેલા વિશ્વગુરુ ભારતના હજારો વિધ્યાર્થીઓ ડોકટરીની પઢાઈ માટે યુકેન જાય છે તે જાણીને નવાઈ લાગે છે. પરંતુ દર વરસે આઠ લાખ ભારતીય છાત્રો મેડિકલ એજ્યુકેશન માટે વિદેશની વાટ પકડે છે અને ઘણા બધાં ત્યાં જ સ્થાયી થઈ જાય છે તે જાણીને તો આપણું આશ્ચ્રર્ય આઘાતમાં પરિણમે છે.

આજે પણ મોટાભાગના વિધાર્થીઓનો “ભણીને શું બનવું છે?’ એવા સવાલનો જવાબ “ડોકટર” જ હોય છે.કેમ કે તે દુનિયાનો સૌથી સન્માનિત વ્યવસાય મનાય છે.ડોકટરની રોજી લોકોની બીમારી પર ભલે આધારિત હોય આ વ્યવસાય સાથે પ્રતિષ્ઠા અને પૈસા ઉપરાંત દર્દીઓનો આદર અને પ્રેમ પણ જોડાયેલો છે. જોકે ડોકટર બનવું આસાન નથી તબીબી શિક્ષણ અઘરું પણ છે અને મોંઘું પણ છે. ભારતમાં તબીબી શિક્ષણની મર્યાદિત તકો અને ખાનગી કોલેજોની આસમાન આંબતી ફીને કારણે ગરીબોના બાળકો માટે ડોકટર બનવું સ્વપ્નવત છે.

વિજ્ઞાન પ્રવાહની ચોક્કસ વિષયો સાથેની ઉચ્ચતર માધ્યમિક શાળાંત પરીક્ષા(૧૨-સાયન્સ) પાસ કર્યા પછી સાડા પાંચ વરસના સ્નાતક કક્ષાના તબીબી શિક્ષણ માટે પ્રવેશ પરીક્ષા પાસ કરવી પડે છે.દેશની આશરે ૫૮૬ મેડિકલ કોલેજોની ૮૯,૮૭૫ બેઠકો માટે ગયા વરસે સોળ લાખ વિધ્યાર્થીઓએ નેશનલ એલિજીબિટી કમ એન્ટ્રસ ટેસ્ટ(નીટ) માટે અરજી કરી હતી.૧૯૯૦માં કાયદામાં સુધારો કરીને સરકારે મેડિકલ એજ્યુકેશનના દ્વાર ખાનગી કોલેજો માટે ખોલી દીધાં છે. એટલે દેશમાં સરકારી કરતાં ખાનગી મેડિકલ કોલેજોની સંખ્યા વધારે છે.

સરકારી અને ખાનગી મેડિકલ કોલેજો માટે ‘નીટ’ની પ્રવેશ સમાન પરીક્ષા પાસ કરવી  અનિવાર્ય છે.પરંતુ બંનેની ફી અને ખર્ચમાં જમીન-આસમાનનું અંતર છે. વળી સરકારી મેડિકલ કોલેજોમાં માંડ ૩૦,૦૦૦ બેઠકો જ છે જ્યારે ખાનગી કોલેજોમાં તેથી બમણી બેઠકો છે. ભારતમાં સરકારી તબીબી કોલેજમાં વાર્ષિક એક-બે લાખ રૂપિયાનો ફી સહિતનો ખર્ચ થાય છે પણ ખાનગીમાં તે ફી અનેકગણી વધારે છે. એક અંદાજ મુજબ સરકારી કોલેજમાં પચીસેક લાખના ખર્ચે ડોકટર બની શકાય છે પણ ખાનગી કોલેજોમાં તે ખર્ચ એક-દોઢ કરોડનો થઈ જાય છે. ભારતમાં મર્યાદિત બેઠકો અને ખાનગી કોલેજોની મોંઘી ફી કરતાં વિદેશમાં મેડિકલ શિક્ષણ માટેની વધુ તક અને ઓછો ખર્ચ હોવાથી મોટાપાયે ભારતીય વિધ્યાર્થીઓ યુરોપ અમેરિકા જ નહીં રશિયા,ચીન,યુક્રેન, ફિલિપાઈન્સ,કજાકિસ્તાન અને બાંગ્લાદેશ સુધ્ધાંમાં ભણવા જાય છે.

તબીબી શિક્ષણમાં પ્રાદેશિક અસમાનતા પણ ભારોભાર છે. પૂર્વોત્તર રાજ્ય નાગાલેન્ડમાં એક પણ મેડિકલ કોલેજ નથી. આશરે પાંસઠ કરોડની વસ્તીના હિંદીભાષી રાજ્યોના ફાળે મેડિકલ કોલેજોની ત્રીસ ટકા જ બેઠકો છે જ્યારે .મહારાષ્ટ્ર, કર્ણાટક, કેરળ, આંધ્ર અને તેલંગણાના ફાળે અડતાળીસ ટકા બેઠકો છે.સૌથી વધુ બેઠકો કર્ણાટકને મળી છે. પાંચ હજાર કરતાં વધુ મેડિકલ કોલેજોની સીટ્સ ધરાવતા રાજ્યોમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર, ગુજરાત, તમિલનાડુ, તેલગંણા અને ઉત્તરપ્રદેશ છે. એટલે ઉત્તરભારતના વિધાર્થીઓને મેડિકલ એજ્યુકેશનમાં ઓછી તક મળતાં તેમણે ડોકટર બનવા વિદેશોમાં ભણવા જવું પડે છે.

લગભગ ભારત જેટલી જ વસ્તીના ચીનમાં ભારત કરતાં ત્રણ ગણી મેડિકલ કોલેજોની સીટ્સ છે . વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડે એક હજારની વસ્તીએ એક ડોકટર હોવો જોઈએ. ભારતમાં તેનાથી અગિયાર ગણા ઓછા ડોકટરો છે.એટલે તબીબોની તીવ્ર અછત છતાં નવી મેડિકલ કોલેજની સ્થાપના માટે ચારસો કરોડ જેટલો મોટો ખર્ચ અને ફેકલ્ટીનો અભાવ હોવાથી મેડિકલ કોલેજો અને બેઠકોમાં વધારો થતો નથી.

તબીબી કોલજના પ્રવેશમાં ૮૫ ટકા રાજ્ય અને ૧૫ ટકા  નેશનલ ક્વોટા નિર્ધારિત કર્યો છે. આરોગ્ય રાજ્યનો વિષય હોવા છતાં તબીબી શિક્ષણ સંપૂર્ણ કેન્દ્રને આધીન હોય તેવી પરિસ્થિતિ છે.તેને કારણે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિવાદ રહે છે. તમિલનાડુએ કાયદો ઘડીને ‘નીટ’ની પરીક્ષામાંથી તેમને બાકાત રાખવાનું નક્કી કર્યું છે. આ કાયદાનું એક કારણ તમિલનાડુના કેટલાક તેજસ્વી વિધાર્થીઓએ નીટની પરીક્ષામાં નિષ્ફળ જતાં કે તેના ડરથી કરેલા આપઘાત છે. સૌને માટે શિક્ષણના બંધારણીય આદર્શ છતાં જેમ તબીબી શિક્ષણ સૌને માટે સહજ નથી તેમ તે કથિત ઉચ્ચ વર્ગ અને અમીરો માટેનું શિક્ષણ પણ છે. તબીબી શિક્ષણનું અંગ્રેજી માધ્યમ અને મોંઘા ખર્ચા અનામત નીતિ છતાં વંચિત વર્ગો માટે અશક્ય જેવું બની ગયું છે.

બાર સાયન્સના ટ્યૂશન, નીટ માટેનું કોચિંગ અને ખાનગી કોલેજમાં ડોનેશન, મોંઘી ફી  અને બીજા દૂષણોને કારણે સેવાભાવનાને વરેલો મનાતો તબીબ પછીથી વેપારી બની જતો જોવા મળે છે. તબીબી શિક્ષણના ખાનગીકરણને કારણે તેનું વેપારીકરણ થયું છે.તે પણ તે માટે કારણભૂત છે.પોણાભાગનું ભારત ગામડાં કે નાના નગરોમાં વસે છે અને પોણાભાગના ડોકટરો મહાનગરોમાં છે તેના લીધે પણ આરોગ્ય સેવાઓ સૌને સુલભ નથી. આજે પણ ૨૮ ટકા દર્દીઓ ડોકટરના અભાવે મરણ પામે છે.

કેન્દ્ર સરકારે તેની રાજકીય વિચારધારાને અનુરૂપ ડોકટર્સ માટેના ઓથમાં સુધારો કર્યો છે પણ દુનિયામાં રોગો વિશેના તાજા સંશોધનો સાથે તબીબી શિક્ષણના પુરાણા અભ્યાસક્રમને અપડેટ કરવાનું સૂઝતું નથી.સરેરાશ આયુષ્યમાં વધારા સાથે મોટી ઉંમરના દર્દીઓના રોગોને મહત્વ આપવાનું મેડિક્લ કોર્સમાં ઉમેરણ થવું જોઈએ. તબીબોનું સામાજિક ઉત્તરદાયિત્વ જેમાં દર્દીઓ પ્રત્યે સંવેદનાસભર, સમાન અને સહાનૂભૂતિપૂર્ણ  વ્યવહારનો સવાલ કાયમ વણઉકલ્યો રહે છે તેને પણ અભ્યાસક્રમમાં સ્થાન નથી. માત્ર સારવારમાં પારંગત બનાવવા સાથે ડોકટરો આરોગ્યનું અર્થશાસ્ત્ર,સમાજશાસ્ત્ર, માનસશાસ્ત્ર, નીતિ, નિયમો, પ્રબંધન, માનવીય વર્તણૂંક અને જાહેર આરોગ્ય પણ શીખે તેવો અભ્યાસક્રમ ઘડાવો જોઈએ.

રાષ્ટ્રીય કક્ષાએ તબીબી કોલેજોમાં પ્રવેશ માટે ‘નીટ’ની જેમ અભ્યાસક્રમની સમાપ્તિએ ‘નેક્સ્ટ’(નેશનલ એલિજિબિટી કમ એકઝિટ ટેસ્ટ)માટે રાષ્ટ્રીય સર્વસંમતિ સાધવાનો પ્રયાસ થતો નથી. એલોપેથિકની સાથે આયુષ ડોકટરોની સંખ્યા ઉમેરી ડોકટર્સની અછત ન હોવાનું ચિત્ર ઉભું કરીને સરકાર વાસ્તવિકતા સ્વીકારતી નથી.

ખાનગી તબીબી કોલેજોમાં ભણેલા ડોકટરોની તુલનાએ સરકારી કોલેજોમાં ભણેલા ડોકટરોની ગુણવત્તા અને કૌશલ ચડિયાતા મનાય છે. સરકારનું ખાનગી કોલેજો પર નિયંત્રણ ન હોવાનું આ પરિણામ છે. વિદેશોમાંથી ડોકટરીનું ભણી આવેલા માટે પ્રેકટિસ શરૂ કરતાં પૂર્વે ભારતમાં પરીક્ષા આપવી પડે છે તેમ અહીંના તબીબોની દક્ષતાનું પરીક્ષણ, સાતત્યપૂર્ણ તબીબી શિક્ષણ અને વ્યવસાયનો પરવાનો દર દસ વરસે તાજો કરાવવાની જોગવાઈ કરવી જોઈએ. કોરોના મહામારીમાં ડોકટરો, નર્સો અને અન્ય મેડિકલ સ્ટાફે અવિસ્મૃત એવી યોધ્ધાની ભૂમિકા ભજવી છે તેમનો આ સેવાભાવ મહામારી પૂરતો મર્યાદિત ન હોય તેવું તબીબી શિક્ષણ હોવું જોઈએ.


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

1 thought on “ભારતમાં તબીબી શિક્ષણની દશા અને દિશા

  1. This article didn’t even touched main reason for this issue, and that is “cast and community” base reservation for…very one sided and biased article!

Leave a Reply

Your email address will not be published.