ડીપ્રેશન નિષ્ફળતાનું પરિણામ કે સફળતાની કિંમત નથી

વાત મારી, તમારી અને આપણી

ડૉ. મૃગેશ વૈષ્ણવ.
એમ.ડી.(મનોચિકિત્સક)

વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસે આપણે એક સત્ય સમજીએ કે ડીપ્રેશન અને હૃદયરોગની સારવાર ન કરવી એક સરખી ઘાતક પૂરવાર થઇ શકે છે

પચીસ વર્ષની ઉંમરના ડો.અનુરાગ કુમારે પોસ્ટગ્રેજ્યુએટ એન્ટ્રેન્સમાં પી.જી.આઈ. ચંદીગઢમાં ૨૫મો નંબર અને એઇમ્સમાં 65મો નંબર મેળવ્યો. સાઇકીયાટ્રીમાં તેમને એડમીશન લીધું. તેઓ ડીપ્રેશનના શિકાર હતા તેની મોડેથી તેમને ખબર પડી વાંચો ૨૧ જૂન ૨૦૨૦ના રોજ તેમણે પોસ્ટ કરેલ બ્લોગ પોસ્ટ

‘હું ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ (એઇમ્સ-દિલ્હી)ના મનોચિકીત્સા વિભાગમાં વિભાગમાં પ્રથમ વર્ષ રેસીડેન્ટ તરીકે ફરજ બજાવનાર જૂનીયર ડોક્ટર છું. મને ‘મેજર ડીપ્રેસીવ ડીસઓર્ડર’ તરીકે પીડાતો હોવાનું નિદાન એઇમ્સમાં જ કરાયું છે. મારી ઘનીષ્ઠ સારવાર કરવામાં આવી છે પણ આજરોજ ૨૧ જૂન ૨૦૨૦નારોજ હું આ બ્લોગ પોસ્ટ લખી રહ્યો છું ત્યારે હું એકવાત કબુલ કરૂં છું કે હું હજી સુધી ડીપ્રેશનની અસરમાંથી બહાર આવ્યો નથી અને આત્મહત્યા કરવાના વિચારો મારો પીછો છોડતા નથી.’

મારા ડીપ્રેશનની શરૂઆત ડીસેમ્બર ૨૦૧૯ની શિયાળાની મોસમમાં થઇ હતી. એ સમયે મારા જીવનમાં હું તનાવ અને ચિંતા મુક્ત હતો કારણ છૈંૈંસ્જી ઓલ ઇન્ડીયા ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સની પોસ્ટગ્રેજ્યુએટ એન્ટ્રેન્સ એકઝામમાં હું સારા રેન્ક સાથે સફળ થયો હતો. અને મને કોઈપણ સ્પેશ્યાલીટીમાં એડમીશન મળી શકે તેમ હતું.

જાન્યુઆરી ૨૦૧૯થી નવેમ્બર ૨૦૧૯ સુધી હું મારી પોસ્ટ ગ્રેજ્યુએટ એન્ટ્રેન્સ એકઝામની તૈયારી કરતો હતો ત્યારે મને સ્વપ્ને પણ ખ્યાલ ન હતો કે મારી ઇચ્છિત સફળતા હાંસિલ કર્યા પછી હું હતાશામાં ગરકાવ થઇ જઇશ.

અભ્યાસમાંથી મુક્ત થયા પછી મને ખાલીપણા અને નિરાશાનો અહેસાસ થવા લાગ્યો. ડીસેમ્બર મહીનામા મારી ઇન્ટર્નશીપ એટલે કે એમ.બી.બી.એસ. પછીનો ટ્રેઇનીંગ પિરીયડ પણ પૂરો થયો. મારા મૂડના આ ઉતારને મેં કંટાળાની મનોસ્થિતિના સ્વરૂપે લીધો. એટલે પ્રવૃત્ત રહેવા મેં મારી મમ્મી સાથે દિલ્હીના વિવિધ સ્થળો જોવાનું શરૂ કર્યું.

મારા મિત્રો યુ.એસ.એ. હતા તો કેટલાક એઇમ્સની પરીક્ષા ફરીથી આપવાની તૈયારીમાં પડયા હતા. મેં નિયમિત કસરત, યોગા અને ધ્યાન શરૂ કર્યા મને લાગ્યું કે આનાથી મારી નિરાશા અને ખાલીપણાની લાગણી જતી રહેશે. પરંતુ ધીરે ધીરે આ બધું કરવાનો પણ મને કંટાળો આવવા લાગ્યો.

એ સમય દરમ્યાન પોસ્ટ ગ્રેજ્યુએટમાં મારે કઇ બ્રાંચમાં એડમીશન લેવું તે વિચારવાનું મેં શરૂ કરી દીધું હતું. એ સમયે વારંવાર મને અકારણ રડવું આવ્યા કરતું હતું. કારણ મારા મનથી હું સ્પષ્ટ ન હતો કે મારે કઇ બ્રાંચમાં જવું જોઇએ. પી.જી.આઈ. ચંદીગઢમાં મારો રેન્ક ૨૫ હતો એ એઇમ્સમાં ૬૫ હતો.

મારા માટે બધા જ વિકલ્પ ખુલ્લા હતા પરંતુ એક વાત નક્કી હતી કે મારે મેડીસીન, સર્જરી, પીડીયાટ્રીક્સ ઓર્થોપીડીક્સ જેવી બ્રાંચમાં જવું ન હતું કારણ તેમાં વ્યક્તિગત હોસ્પીટલ નાંખવી ખર્ચાળ હોય છે અને કોર્પોરેટની નોકરીમાં મને કોઈ રસ નહતો. મેં ઘણા સીનીયર્સની સલાહ લીધી. ઘણું મનોમંથન કર્યું અને છેવટે મેં ડીસેમ્બર ૨૦૧૯ના અંતમાં સાઇકીયાટ્રીમાં એડમીશન લીધું મે પી.જી.એન્ટ્રેન્સ સ્ટાર્ટઅપ મેડમીરેકલમાં કામ કરવાનું શરૂ કરી દીધું.

જાન્યુઆરીમાં મેં જ્યારે એઇમ્સના મનોચિકિત્સા વિભાગમાં પ્રથમ વર્ષ રેસીડેન્ટ ડોક્ટર તરીકે કામ કરવાનું શરૂ કર્યું ત્યારે હું આનંદની ચરમસીમા પર હતો. ડીપાર્ટમેન્ટમાં બધાનો સહકાર બહુ જ સારો હતો અને નવું શીખવાની ઉત્તમ તક હતી. પરંતુ મને અભ્યાસક્રમની ચોપડીઓ વાંચવામાં અને વોર્ડમાં પેશન્ટના રાઉન્ડ લેવામાં તકલીફ પડવા લાગી.

મારી એકાગ્રતાના અભાવ અને બેધ્યાનપણાને મેં છેલ્લા એક મહીનાથી મેં કરેલા જલસા અને અભ્યાસથી સંપૂર્ણ પણે દૂર રહેવાના કારણે હોવાનું માની લેવાની ગંભીર ભૂલ કરી. હું આળસનો અનુભવ કરવા લાગ્યો, ચાલવામાં તેમજ અન્ય કામમાં હું બીજાઓથી ધીમો પડતો ગયો. હું મારી જાતની સંભાળ રાખવા પ્રત્યે બેદરકાર બન્યો. ક્યારેક નહાવાનું પણ ટાળવા લાગ્યો. બસ હું મારા વિચારોની દુનિયામાં ખોવાઈ જવા લાગ્યો.

જાન્યુઆરી ૨૦૨૦ના અંતમાં એક સ્વરૂપવાન યુવતી સાથે મારો પરિચય થયો. અમે થોડો સમય ડેટીંગ પણ કર્યું. આ સમય દરમ્યાન પણ મને અવાર-નવાર આત્મહત્યા કરવાના વિચારો આવતા હતા. મેડમીરેકલ એસાઇનમેન્ટ પૂરૂં કર્યા પછી મારા આત્મહત્યાના વિચારો ઓછા થયા.

ફેબુ્રઆરી ૨૦૨૦માં હું બધી જ આશા ગુમાવી બેઠો અને આત્મહત્યા કરવાના વિવિધ વિકલ્પો શોધવા લાગ્યો. મેં મારી હોસ્ટેલના દસમા માળેથી કૂદકો મારી આત્મહત્યા કરવાનું નક્કી કર્યું પણ મને ડર લાગ્યો કે જો બચી જઇશ તો ભયાનક લકવાગ્રસ્ત બની જઈશ. મારૂં વજન વધારે હોવાથી હોસ્ટેલના જૂના બટકણા પંખા પર લટકવાનો વિચાર પણ મેં માંડી વાળ્યો. છેવટે મેં એક વેબસાઈટ શોધી જે પૂરતા જથ્થા ઝેર પહોંચાડતી હતી. ઇન્ટર્નશીપ દરમ્યાન કાળી મજૂરીથી કમાયેલા પૈસાથી મેં ઓનલાઈન પેમેન્ટ કર્યું. મેં મારા એક મિત્રને આ વિશે વાત કરી જેણે તાત્કાલિક મને એ જ સાઇકીયાટ્રી વોર્ડમાં ૧૫ ફેબુ્રઆરીએ દાખલ કરાવ્યો જ્યાં હું ડયુટી કરતો હતો. મને ત્યાં એક અઠવાડીયું દાખલ રાખવામાં આવ્યો.

હું તીવ્ર હતાશાથી પીડાતો હોવાનું નિદાન કરાયું અને મને એસીટાલોપ્રામ નામની દવા પર મૂકવામાં આવ્યો. મને ‘આઇસોલેસન’ વોર્ડમાં રાખવામાં આવ્યો હતો. જેથી અન્ય દરદીઓ સાથે હું વાર્તાલાપ ન કરી શક્યો. મારી ભૂખ વધી અને શક્તિનો સંચાર થયેલો જણાયો એટલે ૨૨ ફેબુ્રઆરીએ મને રજા આપવામાં આવી અને ઘેર આરામ કરવા માટે મોકલી દેવાયો.

થોડાક દિવસો સારા ગયા પણ ફરી મારી તબીયત કથળવા લાગી. બીજી માર્ચે મેં બ્લેડથી મારી કેરોટીડ આર્ટરી કાપવાની કોશિષ કરી એટલે મને દોઢ મહીના માટે દાખલ કરી દેવાયો. આ વખતે પહેલાં મને જનરલ વોર્ડમાં રાખવામાં આવ્યો અને પછી આઈસોલેશન રૂમમાં ખસેડાયો. જનરલ વોર્ડમાં જિંદગીના વિવિધ પાસાંઓ ચકાસવાની મને તક મળી.

કોરોના સંક્રમણ પહેલાંની જનરલ વોર્ડની જિંદગી બહુ મઝાની હતી. અમે બધા આઠ વાગ્યે ઉઠતા. નાસ્તો કરી અમે હળવી કસરત, ગમ્મતભરી પ્રવૃત્તિ કરાવવામાં આવતી. ૧૦ વાગ્યે  નર્સિંગ સ્ટુડન્ટસ સાથે ડોક્ટરનો રાઉન્ડ થતો ત્યારબાદ ડોક્ટર્સ રાઉન્ડ લેતા ૧૨.૩૦ વાગ્યે લંચ અને ૭.૩૦ વાગ્યે ડીનર લઇ રાત્રે ૧૦ વાગ્યે લાઈટ્સ ઓફ થતી. માનસિક રોગોના વોર્ડમાં બધા દરદી લાંબા સમય માટે દાખલ રહેતા હોવાથી બધા વચ્ચે એક સંઘભાવના ઉભી થતી. અમે પત્તા, કેરમ જેવી રમતો  રમતા એકબીજાનો જન્મદિવસ ઉજવતા.

હું સાઈકીયાટ્રીનો રેસીડેન્ટ હોવાથી નર્સીંગના સ્ટુડન્ટસના ક્લાસીસ લેતો તેમને હોમવર્ક આપતો અને મારી ભણવાની ટેક્ષ્ટબુક પણ વાંચતો. ક્યારેક અમે બધા સાથે મળી ગીતો ગાતા. અમારી સાથે પ્રજવલ જેવો કુશળ ડાન્સર હતો. સીમા જેવી ગાયિકા હતી અને ખૂશ્બુના પિતાજી જેવા ચેસ પ્લેયર પણ હતા. ઉઝેર રાવણ જેવું અટ્ટહાસ્ય કરી બધાંને ખુબ હસાવતો.

આ સમય મારા જીવનનો તનાવમુક્ત સોનેરી સમય હતો છેલ્લા આઠ વર્ષની અતિવ્યસ્ત અને સ્પર્ધાત્મક જિંદગી પછી મેં મારા માનસિક સ્વાસ્થ્યની દરકાર કરી હતી. એ દિવસો હું મારા માટે જીવ્યો હતો.

ડીપ્રેશને જીવનની એક નવી દિશા મને બતાવી. જે વોર્ડમાં મારી ડયુટી હતી ત્યાં જ હું દાખલ થયો હતો. એટલે પેશન્ટસ સાથે મારા સંબંધો સારા હતા હું તેમને પણ તેમના રોગ વિશે સમજાવતો.

હું ડીપ્રેશનનો દરદી બન્યો તેનાથી મને જાત અનુભવે શીખવા મળ્યું કે ડીપ્રેશન બાહ્ય વાતાવરણના માનસિક તનાવ વગર કે કોઈ દેખીતા કારણ વગર થઇ શકે છે. ડીપ્રેશન અને બ્લડપ્રેશર બન્ને એક સમાન છે, કસરત, ધ્યાન, યોગ, હકારાત્મક વલણ

બન્નેમાં આશીર્વાદરૂપ સાબિત થાય છે પણ દવા વગર આ બધું એકડા વગરના મીંડા જેવું સાબિત થાય છે.

ડીપ્રેશને મને બીજાની જિંદગી બચાવતાં પણ શીખવ્યું. એક નર્સીંગ સ્ટુડન્ટ હતાશા અનુભવતી હતી અને તેને આત્મહત્યાના વિચાર આવતા હતા મેં તેને સારવાર લેવા માટે પ્રેરીત કરી અને ડીપ્રેશનની સારવાર લેવી એ કોઈ શરમ કે લાંછનની વાત નથી એ પણ સમજાવ્યું.

ડીપ્રેશને મને લોકો સાથે વાતચીત કરવાના મારા ડરને ભગાડવામાં મદદ કરી હું બધા જોડે ખુલીને વાત કરવા લાગ્યો. મને પત્તાનો જાદૂ, લુડો, ચેસ, ઉનો, અન્તાક્ષરી રમતાં આવડી ગયું. વોર્ડમાં દાખલ હતો એ દરમ્યાન પીસ્તાલીસ દિવસ મેં મારી મમ્મી સાથે ગાળ્યા. મને ક્યારેય એની નજીક જવાનો આવો મોકો મળ્યો ન હતો.

જો કે મને આત્મહત્યાના તીવ્ર વિચારો આવતા હતા એટલે જ આટલો લાંબો સમય દાખલ રાખવામાં આવ્યો હતો.

લોકડાઉન પછી વોર્ડમાં પેશન્ટ ઘટી ગયાં ૩૧માંથી માત્ર આઠ પેશન્ટ રહ્યા. મારા જૂના મિત્રો ચાલ્યા ગયા અમારી આનંદની પ્રવૃત્તિ ખતમ થઇ ગઈ. મારી મમ્મી ઘેર ચાલી ગઈ. મને પણ રજા અપાઈ મેં બધાને ચોકલેટ વહેંચી અને બીજા દિવસે એ વોર્ડમાં ડયુટી ચાલુ કરી. મને ખાત્રી છે કે સાઇકીયાટ્રી વોર્ડમાં પેશન્ટ તરીકેનો મારો અનુભવ મને એક સારા અને સંવેદનશીલ સાઈકીયાટ્રીસ્ટ બનવામાં મદદ કરશે.

૨૫ વર્ષની ઉંમરના અનુરાગકુમારે ઉપર મુજબનો બ્લોગ ૨૧ જૂનના રોજ પોસ્ટ કર્યો હતો જે લગભગ સાતસો જણાએ વાંચ્યો હતો. માનસિક રોગોને જ્યારે તિરસ્કાર અને લાંછનથી જોવામાં આવે છે અને આવા દર્દીની હાંસી ઉડાડવામાં આવે છે ત્યારે ડૉ. અનુરાગકુમારે આ બ્લોગ લખવાની નિખાલસ હિંમત કરી. આવા યુવાનોની સમાજને અત્યંત જરૂર છે.

અનુરાગકુમારના ડીપ્રેશન અને આત્મહત્યાની તેની વૃત્તિની તેને પોતાને તથા સમગ્ર ડીપાર્ટમેન્ટને જાણ હતી છતાં તેના જીવનમાં એક એવી નબળી ઘડી ૧૦મી જૂલાઈ ૨૦૨૦ને મધરાતે આવી જ્યારે તેને કોઈ તાત્કાલિક મદદ ન મળી અને અનુરાગે તેની હોસ્ટેલના દસમા માળેથી નીચે કૂદી જઈ આત્મહત્યા કરી. ઘણીવાર આત્મહત્યા પાછળ કોઈ જ કારણ નથી હોતું. માત્ર ડીપ્રેશનને કારણે થતી રસાયણોની ઉથલ પાથલ જવાબદાર હોય છે.

ન્યુરોગ્રાફ:

આત્મહત્યા કરનાર મોટા ભાગના લોકો ડિપ્રેસન, બાયપોલાર ડીસઓર્ડેર અને સ્કીઝોફ્રેનિયા ના શિકાર હોય છે, જેના માટે જવાબદાર મગજના કેમિકલ લોચા હોય છે.


સંપર્ક – ડૉ. મૃગેશ વૈષ્ણવ. એમ.ડી.
ઈ-મેલ ઃ mrugeshvaishnav@gmail.com
Website: www.drmrugeshvaishnav.com

Author: Web Gurjari

1 thought on “ડીપ્રેશન નિષ્ફળતાનું પરિણામ કે સફળતાની કિંમત નથી

Leave a Reply

Your email address will not be published.