નલિન શાહની નવલકથા : પ્રથમ પગલું – પ્રકરણ ૬૫

એવો તે કેવો પ્રભુનો ન્યાય?

નલિન શાહ

રાત્રે એકના સુમારે માનસી આવી. એ ચિંતિત હતી કે સાસુને ખબર કઇ રીતે આપવા. ત્યાં જ સુનિતા અને રાજુલ આવી ગયાં. માનસીએ સુનિતાને ઇશારો કર્યો. સુનિતાએ સોફામાં ધનલક્ષ્મીની બાજુમાં બેસી એનો હાથ હાથમાં લઈ પરાગના આઘાતજનક સમાચાર આપ્યા. ધનલક્ષ્મીએ રાડ પાડી, છાતી પીટી આક્રંદ કર્યું. સુનિતાએ થોડી વાર એના દિલનો ઊભરો શમાવા રડવા દીધું. જ્યારે બેકાબૂ થઈ ગઈ ત્યારે માનસીએ એને ઘેનનું ઇન્જેકશન આપીને પથારીમાં સુવાડી દીધી. પાંચમે માળે રહેતાં સુમનબેન સાથે માનસીને ગાઢ સંબંધ હતો. ધનલક્ષ્મીનું આક્રંદ સાંભળી એ પણ આવી ગયાં. રાત્રે બીજા કોઈને તકલીફ આપવાનું યોગ્ય નહોતું એટલે માનસીએ બીજા કોઈને ન જણાવ્યું, પણ શશીને રાત્રે જ ફોન કરી દીધો હતો.

પિતાનું મોં જોવા અને અગ્નિદાહ દેવા કશ્યપની હાજરી જરૂરી હતી એટલે રાત્રે જ માનસીએ પ્રિન્સિપાલને એમના ઘરે સિમલા ફોન કર્યો અને વિનંતી કરી કે કશ્યપને ચંડીગઢ પહોંચતો કરી પહેલી ફ્લાઇટમાં મુંબઈ રવાના કરવાની વ્યવસ્થા કરે અને એને જાણ કરે. ખર્ચાની બાબતમાં નિશ્ચિંત રહે. જો કે, ખર્ચાની વાત કરવી બિનજરૂરી હતી કારણ બિશપ કોટન સ્કૂલની ખ્યાતિ ઘણી સારી હતી અને ડૉક્ટર પરાગને માજી વિદ્યાર્થી તરીકે પ્રિન્સિપાલ જાણતા હતા અને માનસી માટે પણ એમને ઘણો આદર હતો. સવારે શશી આવીને ધનલક્ષ્મીને મળી અને માનસી પાસે બેઠી. સવિતાની તબિયત સારી ન હોવાથી શશીએ એને આવતાં રોકી હતી.

માનસીએ સુનિતાને પરાગ સાથે થયેલી છેલ્લી વાત જણાવી. કામનો બોજો ઘટાડવાના ને ખાવાપીવાની આદતો બદલવાના નિર્ણયની જાણ કરી. ‘હું નથી માનતી કે મોત નિર્ધારિત હોય છે.’ એણે કહ્યું, ‘ઘણે ખરે અંશે આપણે જ કારણભૂત હોઈએ છીએ. આ ભાન એને બે-ચાર વરસ પહેલાં આવ્યું હોત તો કદાચ આ બનાવ ટાળી શક્યા હોત.’

‘કોણ કહી શકે?’ સુનિતાએ કહ્યું. ‘કદાચ બનવાકાળ ટાળી શકાતું ના હોય એટલે જ એને ભાન મોડું આવ્યું હશે. આવતી કાલની જાણ હોય તો બધું જ આપણું ધાર્યું ન થાય?’

માનસી ચુપ રહી. વાત વિચારવા યોગ્ય હતી. વિષય જ એટલો ગહન હતો કે એની ચર્ચા અર્થહીન હતી.

સવારે પ્રિન્સિપાલનો ફોન આવ્યો. એણે ફ્લાઇટ નંબર જણાવીને કહ્યું કે બપોર પહેલાં કશ્યપ પહોંચી જશે. પરાગના મરણનો શોક પણ વ્યક્ત કર્યો અને કહ્યું કે કશ્યપ ભલે થોડા દિવસ રહે એના અભ્યાસની કે હાજરીની ચિંતા ના કરે.

પોસ્ટમોર્ટમ બપોર સુધીમાં પતવાનું હોઇ સ્મશાનવિધિ સાંજે ઠેરવી હતી. વાત પ્રસરી ગઈ હતી અને સવારથી લોકોની અવરજવર શરૂ થઈ ગઈ હતી. સાંજ પહેલાં તો વિશાળ કમ્પાઉન્ડ માનવમેદનીથી ભરાઈ ગયું હતું. સાગરના મદદનીશોએ કમ્પાઉન્ડમાં બેઠકની વ્યવસ્થા કરી દીધી હતી.

ધનલક્ષ્મી અવાચક બનીને બેઠી હતી. એની સહેલીઓ સાદાં સફેદ વસ્ત્રોમાં એને ઘેરીને બેસી રહી. પહેલી વાર એમની હાજરીમાં વાતાવરણ ગંભીર રહ્યું હોય એમ બન્યું હતું. ધનલક્ષ્મી પાસે આક્રંદ કરવા સિવાય બોલવાનું કશુ નહોતું. એનુ સ્વમાન ઘવાયું હોય તો કેવળ અઠવાડિયા પહેલાં માનસીએ પરાગને આપેલી ચેતવણી સાચી ઠરવાના કારણે. એના ઠાકોરજીએ એના પર દયા કરીને એને એ વાસ્તવિકતાથી અજાણ રાખી હતી કે શોકમાં ભાગીદાર થવા ભેગી થયેલી માનવમેદની અને અમિતકુમાર જેવી કેટલીક મહત્ત્વની વ્યક્તિઓની હાજરી બધું કેવળ માનસીની પ્રતિભાને આભારી હતું. વાસ્તવિક રીતે એ ઘટનાનું મહત્ત્વ એક વ્યાવસાયિક રીતે સફળ ડૉક્ટરના અકાળે મોતથી વિશેષ કશું નહોતું.

ફિલોમિના સાગરની ગાડીમાં કશ્યપને એરપોર્ટ પરથી લઈ આવી હતી. દસ વર્ષનો કશ્યપ આવીને માનસીની બાજુમાં ગોઠવાઈ ગયો હતો. એને માટે એ એક જ એની આ પ્રિયજન હતી, જેણે એને કોઈ ફરજ બજાવવા આવવાની સૂચના આપી હતી. બાકી બધાં એને માટે કેવળ એના હિતેચ્છુઓ હતા-પરાગ અને ધનલક્ષ્મી સુધ્ધાં.

*** *** ***

         કેવળ રવિવાર સિવાય પરાગની હાજરી ઘરમાં કદી વર્તાતી નહોતી, છતાં એના વગર હવે ઘર વેરાન થયું હોય એમ લાગ્યું. સ્મશાનવિધિ પત્યા બાદ બધાં એક પછી એક વિદાય થયા. જે સહેલીઓએ વારેવારે ધનલક્ષ્મીના ઘરમાં મિજબાની માણી હતી, એમાંથી એકે પણ ધનલક્ષ્મીને એક રાત માટે સાથ આપવા રોકાવાનું જરૂરી ન માન્યું. તેઓ પણ ધનલક્ષ્મીને સાંત્વનના ઔપચરિક શબ્દો ઉચ્ચારી વિદાય થઈ ગઈ. ‘જેવી પ્રભુની ઇચ્છા,’ ‘પ્રભુને ગમ્યું તે ખરું’ આ સિવાય કોઈ પાસે બીજું કહેવા જેવું નહોતું. ‘એવી તે કેવી પ્રભુની ઇચ્છા હતી?’ ‘એવો તે કેવો પ્રભુનો ન્યાય?’ ધનલક્ષ્મી પાસે આ સવાલોના જવાબો નહોતા. ‘સેવા કરીને શું પામવાની હતી?’ એણે પારાવાર હતાશા અનુભવી. પણ હજી દીકરાના દીકરાને ઉછેરવાનો બાકી હતો એટલે બીજું કાંઈ નહીં તો ડરના માર્યા પણ સેવા ચાલુ રાખ્યા સિવાય છૂટકો નહોતો અને એ જ ધનલક્ષ્મીની સૌથી મોટી લાચારી હતી.

રાજુલ અને શશી રાત્રે માનસી સાથે રહેવા માંગતાં હતાં, પણ થોડા દિવસ એણે રાત્રે સાસુ સાથે રહેવાનું જરૂરી સમજી માનસીએ એમને વિદાય આપી અને કશ્યપની સાથે સાસુના ફ્લેટમાં જ વાસ કર્યો. ધનલક્ષ્મી વ્યથિત થઈને વિચારતી રહી કે જે વહુને કોસવામાં એણે કોઈ કમી નહોતી રાખી એ જ વહુ સિવાય આપત્તિની ઘડીમાં એનું કહી શકાય એવું બીજું હતું પણ કોણ!

માનસી શોકસભા જેવી કોઈ ઔપચારિક વિધિ કરવા નહોતી માંગતી. એ જાણતી હતી કે મુંબઈ જેવા શહેરમાં કોઈ પાસે કામ હોય કે ના હોય, પણ સમયનો અભાવ એ હંમેશાં અનુભવતા હોય છે. એટલે કોઈને શિષ્ટાચાર ખાતર આવવાની ફરજ નહોતી પાડવા માંગતી. પણ સુનિતાએ એને સમજાવી, ‘જેની સાથે તારે અંગત સંબંધ છે એ તો વિધિ નહિ રાખી હોય તો પણ આવશે. ઉઠમણું કે શોકસભા જે કહો તે એ ઔપચારિક ભલે હોય પણ જરૂરી છે. ઘણાં એવા પણ હોય છે જે શોક પ્રકટ કરવા એમની ફરજ સમજીને આવશે. જો તું આવી બેઠક જેવું ના રાખે તો દિવસો સુધી સવાર-સાંજ લોકો આવતાં રહેશે ને બધાં સાથે તારે બેસીને એકની એક વાત ઉચ્ચારવી પડશે. એ લોકો ફરજ સમજીને પૂછશે ને તારે ફરજ સમજીને જવાબ આપવા પડશે. લાંબા સમય સુધી તું આમાંથી છૂટી જ નહીં થાય. શોકસભા રાખી હોય તો લોકો આવીને એમની ફરજ બજાવ્યાનો સંતોષ લેશે અને તારે એકની એક વાતનું વારેવારે રટણ નહીં કરવું પડે. બીજું કારણ એ પણ છે કે કેટલાં તો એવાં હોય છે જેની સાથે તારે ખાસ સંબંધ નથી ને કેટલાંક નીચલા થરના જેવા કે ડ્રાઇવર, વાર્ડબોય, નર્સ અને તારા કે પરાગના જૂના પેશન્ટ કે આજુબાજુનાં સાધારણ ઓણખાણવાળાં જે શોક પ્રકટ કરવા ઇચ્છે છે પણ આવતાં સંકોચ અનુભવે છે. એટલે શોકસભા બધાંના લાભાર્થે છે, જેમાં તારું પણ હિત સમાયેલું છે.’

માનસીને સુનિતાની વાતનું તાત્પર્ય સમજાયું અને એક સાર્વજનિક હોલમાં શોકસભાનું આયોજન કર્યું.

શોકસભામાં ધનલક્ષ્મી નીચું મોં રાખી સૂનમૂન બેઠી હતી. લોકો કોઈ પણ પ્રત્યુત્તરની અપેક્ષા વગર હાથ જોડીને દુઃખ પ્રકટ કરતા હતા. ધનલક્ષ્મીનું મૌન સમજાય એવું હતું. બધાં સપનાંના અવશેષો માટીના ઢેરની જેમ એની નજર સામે તરવરતા હતા. એકના એક દીકરાનું મોત વજ્રાઘાત જેવું કારમું હતું. હજી તો એની નિવૃત્તિનો કાળ બહુ છેટો હતો. એના પોતાના દીકરાને મોટો થઈ કમાતા ને સુખસમૃધ્ધિમાં રાચતો જોવાનો એ કાળ પણ સારો એવો લાંબો હોવાની શક્યતા હતી. ‘કહેવાય છે કે ભગવાન જે કરે છે એ સારા માટે કરે છે. તો શું ધૂળ સારું કર્યું એણે? કેટલી માળા ફેરવી હતી ને કેટલા પાઠ કર્યા હતા, કેટલા જમાડ્યા હતા ને કેટલાય મંદિરોનાં પગથિયાં ઘસ્યાં હતાં ને ઘંટારવ કર્યા હતા! પણ છેવટે તો એ આંધળો, બહેરો ને નિર્દય જ ઠર્યો. મારી નાસ્તિક જેવી વહુ પણ મનમાં મારી ઠેકડી ઉડાવતી હશે. મારી આ અઢળક સંપત્તિ કોણ વાપરશે? મારા જુવાનજોધ દીકરાને ઉઠાવી લેતાં એને લાજ ન આવી તો એના દીકરાને ઠરીઠામ જોવા મને જીવતી રાખી એનો શો ભરોસો? મોટા થઈને એ દીકરો પણ એની માનાં પગલે ના ચાલે એની શી ખાતરી? પરદાદાના પૈસાની હોળી ના કરે એનો શો ભરોસો?’ ધનલક્ષ્મી વિચારો સહન ન કરી શકી. શોક પ્રદર્શિત કરવા આવેલાં સગાસંબંધીઓથી ઘેરાયેલી હોવા છતાં આજે એ અસહ્ય એકલતા અનુભવી રહી હતી. માનસીની આજુબાજુ બેઠેલી શશી ને રાજુલ પણ મારી હાંસી ઉડાવતાં હશે. શું હવે મારે એ વહુના આધારે દિવસો કાઢવાના? હે ભગવાન!  નખ્ખોદ જાય તારું. રોટલીનો ટુકડો નાખ્યો હોય તો કૂતરું પણ નથી ભૂલતું, પણ તું તો એથીય વધારે નઠારો નીવડ્યો.’ એના ઠાકોરજીના કદી ન કલ્પેલા રૂપનો વિચાર આવતાં એણે કંપારી અનુભવી અને બીજી પળે મનમાં ને મનમાં હાથ જોડી માફી પણ માગી લીધી.

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.