શૈશવનાં સ્મરણો, સ્વભાવનાં કારણો

ચેલેન્‍જ.edu

રણછોડ શાહ

કંઈક તારી નિશાની મૂકી જા,
શાશ્વત હો, કહાની મૂકી જા,
આ સ્મરણ, વિસ્મરણ, આ સંબંધો,
છે જીવન આમદાની મૂકી જા.

હનીફ સાહિલ

 

જિંદગીમાં નિજાનંદનો તબક્કો એટલે શૈશવ. પ્રત્યેક વ્યક્તિ શિશુ અવસ્થામાં ખૂબ નિખાલસ હોય છે. ઉંમર વધતી જાય તેમ તેમ સદ્‍ગુણો અને દુર્ગુણોનો વધારો કે ઘટાડો થતો રહે છે. આ ઉતાર ચઢાવ દેખાય પણ છે પરંતુ તે તો જરૂરીયાત મુજબ બદલી શકાય તેવું માનીએ છીએ. બાળપણમાં આવી કોઈ પળોજણ હોતી નથી તેથી બાળપણ જીવનનો ‘શ્રેષ્ઠ સમય’ હોવાનું સૌએ સ્વીકાર્યું છે.

ઈ.સ. ૧૯૫૦ થી ૧૯૫૪નાં વર્ષો દરમિયાન મારું ધોરણ-૧ થી ૪નું શિક્ષણ વડોદરામાં આવેલ સરકારી શાળા જે ‘સરકાર વાડા શાળા’ તરીકે ઓળખાતી ત્યાંથી પ્રાપ્ત થયું. શાળા વડોદરાના હૃદય સમાન વિસ્તારમાં આવેલ માંડવીથી ખૂબ નજીક હતી. શાળાની સામે તે સમયનું અને આજનું પણ અદ્યતન સયાજીરાવ પુસ્તકાલય હતું. શાળાનું મકાન તો લાકડાનું બનાવેલું હતું. અગાઉ રાજાનો રાજમહેલ હશે તેથી તેમાં દરબાર હોલ પણ હતો. આ હોલમાં ચાર કે છ વર્ગો એક સાથે શિક્ષણ પ્રાપ્ત કરતા. એક વર્ગમાં આંક બોલાતા હોય તો, બીજા વર્ગમાં શિક્ષક બરાડા પાડીને કક્કો શીખવે તેવો માહોલ હતો. આ રીતે ‘ઘોંઘાટ’  અમારા જીવનનો અંતરંગ ભાગ બની ગયો. જેથી અમે નાના હતા ત્યારે ‘મોટા અવાજે’ બોલીએ તો જ બીજા સાંભળે તેવી છાપ ઘર કરી ગઈ. ઘરમાં વાત કરતા હોઈએ કે પોળમાં ૨મતા હોઈએ ત્યારે બૂમો પાડવાની ટેવ પડી ગઈ. મોટા થયા ત્યાર બાદ સમજાયું કે નાના જૂથમાં હોઈએ ત્યારે નીચા અવાજે બોલવાનું. આ કુટેવ દૂર કરતાં વર્ષો લાગી ગયા. આજે પણ શાળામાં બાલમંદિર વિભાગના અને પ્રાથમિક વિભાગના શિક્ષકોને મોટા અવાજે બોલતા સાંભળું ત્યારે અચૂક મારો અનુભવ વહેંચું છું. ખાસ કરીને પરદેશમાં આ કુટેવની સૌ નોંધ લે છે. આપણે ટ્રેન કે બસમાં પ્રવાસ કરતા હોઈએ ત્યારે કેટલાક પ્રવાસીઓની આ કુટેવ આપણને પરેશાન કરે છે. આપણે કંટાળી કે થાકી જઈએ તેટલા મોટા અવાજે તેઓ બોલે છે. કેટલાક લોકો ઘરમાં ખૂબ મોટા અવાજે બોલતા હોવાથી પાડોશીઓને પણ તેનો લાભ મળે છે ! ટીવી કે મ્યુઝીક સિસ્ટમનો અવાજ પણ ખૂબ મોટો રાખે છે, જેથી પાડોશીને પણ જાણે અજાણે તે ત્રાસ વેઠવો પડે છે.

લહેરીપુરા પાસે આવેલ સુલતાનપરામાં અમે રહેતા હતા. મારી શાળા ત્યાંથી લગભગ એકાદ કિ.મી.ના અંતરે હતી. તે સમયે અમારી શાળામાં પ્રસાધનોની કોઈ પણ વ્યવસ્થા નહોતી. લઘુશંકા કે ગુરૂશંકા હંમેશા દબાવી રાખવી પડતી હતી. આ પરિસ્થિતિમાં શિક્ષક પાસે રજા માંગીએ તો લઘુશંકા માટે તો કદાચ રજા આપે અને અમે શાળાની બહારની ભીંતનો અને મેદાનનો ઉપયોગ કરી લઈએ ! અમારી શાળાનું મેદાન હંમેશા આ રીતના ગંદવાડથી ઊભરાતું હતું અને તેથી મેદાનમાં કયારેય ધૂળ ઊડતી નહીં ! પરંતુ ગુરૂશંકાનું શું કરવાનું ? પેટ દબાવીને બેસી રહેવાનું. જયારથી મનમાં આ વિચાર આવ્યો હોય ત્યારથી શાળા પૂરી થાય અને ઘેર જઈએ ત્યાં સુધી અભ્યાસને બદલે પેટના દુ:ખાવા તરફ જ ઘ્યાન રહે. શાળા પૂરી થાય અનેદોડતા દોડતા ઘેર જઈએ. પરંત કયારેક ઘેર જતા સધી કાબૂ રહે નહીં. રસ્તામાં જ કયારેક કપડાં બગડી જાય. આવી પરિસ્થિતિમાં ઘેર તો જઈ શકાય નહીં. તો તેનો ઉપાય શું ? શાળા સામે આવેલ વિઠ્ઠલ મંદિરમાં એક કૂવો હતો. ત્યાંથી પાણી કાઢી શરીરને સ્વચ્છ કરી લઈએ. કપડાં અને દફતર પણ ભીના થઈ જાય. તે દિવસોમાં કાપડની થેલીનો ઉપયોગ દફતર (school bag) તરીકે થતો. હવે ભીના કપડાંએ તો ઘેર જવાય નહીં તેથી કપડાં સૂકાય ત્યાં સધી ઘેર જવાનું નહીં. આ રીતે નાનપણમાં પેટ પકડીને બેસી રહેવાની ટેવ પડી તે આજીવન રહી. પેટની બેચેનીને બીક સાથે સીધો સંબંધ થઈ ગયો. આજે પણ આઘાતજનક અથવા ચિંતા ઉત્પન્ન થાય તેવા કોઈ સમાચાર જયારે આવે ત્યારે પહેલાં પેટમાં સખત દુ:ખાવો ઉત્પન્ન થાય. જયાં સુધી પેટ સાફ ન થાય ત્યાં સુધી પુષ્કળ તાણ રહે. બાળપણમાં પેટની બેચેનીને કારણે અનુભવેલી તાણ જીવનનું અવિભાજ્ય અંગ બની ગઈ.

બીક અને પેટનો દુઃખાવો એકબીજાના પર્યાય બન્યા તેના પાયામાં બાળપણમાં પ્રસાધનો વિનાની શાળામાં ભણ્યા તેવી વાત મને ખૂબ મોટી ઊંમરે (લગભગ નિવૃત્તિ પછી) સમજાઈ. આ જ પ્રકારની વાત મેં મિત્રવર્તુળમાં પણ જોઈ. મારા ખૂબ નજીકના વડીલ બહેનનો આગ્રહ એવો હતો કે તેમનું બાળક નિંદ્રામાંથી જાગ્રત થાય કે તરત તેણે બાથરૂમ જવું જ જોઈએ. તે બહેન બાળકને બાથરૂમમાં લઈ જાય અને બાળક લઘુશંકા કરે તે માટે મોંથી સિસોટી વગાડે. આવો આગ્રહ તે બહેને લગભગ બાળક પાંચ વર્ષનું થયું ત્યાં સુધી રાખ્યો. કેટલીક વાર તો બાળક બાથરૂમમાં અડધો કલાક જેટલો સમય વિતાવે છતાં લઘુશંકા થાય નહીં. છેવટે બાળક મોટું થયા બાદ બાથરૂમમાં થોડું પાણી ઢોળીને બહાર આવી મમ્મીને ક્રિયા પતી ગયાની જાણ કરે. આજે આ ભાઈ પચાસ વર્ષ કરતાં વધુ ઉંમરના થયા છે. તેઓ અત્યંત બીકણ અને ખોટું બોલવાની ટેવવાળા થઈ ગયા છે. પાયામાં માતાની કુદરતી હાજતો માટેનું બિનજરૂરી દબાણ હતું તેમ આજે સ્પષ્ટ દૃષ્ટિગોચર થઈ રહ્યું છે.

ધોરણ સાતમાં અભ્યાસ કરતો હતો ત્યારનો એક અનુભવ તો કયારેય ભૂલાશે નહીં. એક દિવસ શાળામાં કોઈ ચલચિત્ર બતાવવાનું હોવાથી સૌ વિદ્યાર્થીઓને વર્ગખંડમાંથી એક મોટા હોલમાં લઈ જતા હતા ત્યારે એક ઈલેકટ્રીક વાયર ઉપર અજાણતાં મારો પગ પડી ગયો. ત્યાં ઉભેલા શિક્ષકે (આજે પણ મને તેમનું નામ યાદ છે!) મને જોરથી ગાલ ઉપર એક લાફો મારી દીધો. હું અવાચક બની ગયો. હોલમાં રડતાં રડતાં તે ચલચિત્ર જોયું. પરંતુ કોલેજમાં ગયો ત્યાં સુધી મને ‘ઈલેકટ્રીક વાયર’ની ખૂબ બીક રહી. ઘરમાં પણ લાઈટ ચાલુ કરવા જતાં હું ખૂબ બીતો હતો. વાયર સાથે મારો બીકનો સીધો સંબંધ થઈ ગયો.

મારા પિતાશ્રી સરકારી કર્મચારી હતા. તેઓ તે સમયના વડોદરા રાજયમાં નોકરી કરતા હોવાથી તેમની બદલી દ્વારકાથી લઈને માંગરોળ (સુરત) સુધી થતી. તે સમયે આજની જેમ ‘મુવર્સ એન્ડ પેકર્સ’ નહોતા. સામાન મોટાભાગે ટ્રેનમાં કે કયારેક બસમાં લઈ જવાનો રહેતો. બદલી થતાં સામાન બાંધવાનો અને નવા ઘેર છોડવાનો તેવી અમને નાનપણથી પ્રેકિટસ થઈ ગઈ. કયારેક આકસ્મિક બહારગામ જવાનું થાય ત્યારે સામાન પેક કરવામાં અને બેગમાં સરખી રીતે કપડાં ગોઠવવામાં મને તકલીફ પડતી નથી. આ કાર્ય અત્યંત ઝડપથી કરી શકું છું તેના પાયામાં આ ટેવ હોઈ શકે.

વેકેશનમાં અમે ત્રણે ભાઈઓ છાપાની પસ્તીમાંથી કાગળની થેલી બનાવતા હતા. આજની જેમ ત્યારે બજારમાં પ્લાસ્ટીકની થેલીનું ચલણ નહોતું. છ કે આઠ આનામાં પચાસ થેલી વેચતા. આવેલ પૈસામાંથી પીકચર જોવા કે ફરસાણની દુકાનેથી નાસ્તો લેવા માટે વાપરતા. નાની ઉંમરથી જ સ્વાશ્રયની ટેવ પડી ગઈ. જેથી અમે ત્રણે ભાઈઓ અભ્યાસ બાદ તરત જ નોકરીમાં જોડાઈ ટૂંક સમયમાં જ ઉચ્ચપદે પહોંચ્યા. અલબત્ત, સ્વાવલંબી બનવા જતાં અમે જાણેઅજાણે કંજૂસાઈ તરફ ઢસડાઈ ગયા. આજે પણ નાના-મોટા જરૂરી કે બિનજરૂરી ખર્ચ કરવાના હોય તો અનેક વિચારો આવે. આ વસ્તુ વગર ચાલશે એમ લાગે તો ચલાવી લઈએ. સંતાનોને અમે ‘કંજૂસ’ હોઈએ તેવું પણ લાગે તે સ્વાભાવિક છે ! કરકસર અને કંજૂસાઈ વચ્ચે ખૂબ પાતળી ભેદરેખા હોવાથી બે પેઢી વચ્ચે આવો મીઠો વિવાદ થાય તે સમજાય તેવી બાબત છે.

અમને ત્રણેય ભાઈઓને વાંચવાનો શોખ કેવી રીતે વિકસ્યો તેનો વિચાર કરું છું ત્યારે બે ચિત્રો નજ૨ સમક્ષ ઉભરી આવે છે. એક તો મારાં માતૃશ્રી રસોઈ કરતાં કરતાં પણ વાંચતા તેવું ઝાંખુ ઝાંખુ યાદ આવે છે. તે સમયે વડોદરામાંથી ‘સયાજી વિજય’ નામનું દૈનિક બહાર પડતું. જે અમારા ઘરે નિયમિત આવતું. ત્યારે વર્તમાનપત્ર વાંચવાની આદત હોય તેવું યાદ આવતું નથી. પરંતુ જેમને ત્યાં ‘સયાજી વિજય’ આવતું હોય તેમને ત્યાં ૨. વ. દેસાઈ લિખિત પુસ્તકો વર્ષાન્તે ભેટસ્વરૂપે મોકલવામાં આવતા. આ રીતે અમારે ત્યાં પણ તેમના પુસ્તકો હતા. આ પુસ્તકો ઘરમાં અભરાઈ ઉપર પડી રહેતા. હું અને મારો ભાઈ માઘ્યમિક કક્ષામાં અભ્યાસ કરતા હોવાથી વેકેશનમાં જાણેઅજાણે સમય પસાર કરવા આ પુસ્તકો અમે વાંચતા હતા. ૨. વ. દેસાઈના ‘ગ્રામલક્ષ્મી’ પુસ્તકને અમારું કુટુંબ અનુસર્યું હોય તેવું મને આજે લાગે છે. ૨. વ. દેસાઈનાં પુસ્તકો ગ્રામ્યજીવન અને ગ્રામોદ્ધારને પ્રાધાન્ય આપતા. સમાજજીવનને કેન્દ્રમાં રાખી વ્યકિતને જિંદગી જીવવાનું પ્રોત્સાહન અને પ્રેરણા પૂરું પાડતા હોવાથી અમે મોટી ઊંમરે તે દિશામાં વઘ્યા તેમ કહેવામાં સહેજ પણ અતિશયોકિત લાગતી નથી.

આ રીતે શૈશવના અનુભવો બાળકમાં પ્રેમ, લાગણી, કરુણા કે વહાલ જેવા ગુણોનો વિકાસ કરાવે અથવા ભય, ઘૃણા, નફરત, ઈર્ષા જેવા દુર્ગણો ફેલાવે. આ સંજોગોમાં વાલીઓ અને શિક્ષકોએ બાળકોમાં ઉત્તમ ગુણોનો વિકાસ થાય તે રીતે તેમની પાસેથી કામ લેવું જોઈએ. જેથી તેઓ મોટા થઈને પરિપકવ નાગરિક બની સમાજોપયોગી સાર્થક જીવનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડી શકે. માટે તો કોઈ કે સાચું જ કહ્યું છે :

ફક્ત સુગંધ પહેરીને ફૂલ ન થવાય…!
ખરી જવાની તાકાત પણ જોઈએ…
એટલે જે વ્યક્તિ પોતાના માટે જીવે તેનું હંમેશાં ‘મરણ’ થાય છે,

અને

જે બીજાના માટે જીવે તેનું હંમેશાં ‘સ્મરણ’ થાય છે.

 

આચમન:

એક વાર પથ્થરને ફૂટ્યો’તો પ્રેમ અને ધોધમાર વરસ્યું ચોમાસું,
શેરી ને ફળિયામાં ઊભરાતાં નીર, અરે! નીર નહીં, પથ્થરનાં આંસું!
બાવળિયે બેસીને જોવે રે વાટ, ‘મારા પથ્થરપણાને કરો બાગ!’
આંખોમાં ટોળે વળેલું એક જંગલ, ને જંગલમાં લાગી ગઈ આગ.

વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

 


(શ્રી રણછોડ શાહનું વીજાણુ સરનામું: shah_ranchhod@yahoo.com )


(તસવીર નેટ પરથી)

Author: Web Gurjari

1 thought on “શૈશવનાં સ્મરણો, સ્વભાવનાં કારણો

Leave a Reply

Your email address will not be published.