ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : પ્રસ્તાવના

ઈંગમાર બર્ગમેન – જીવન : કારકિર્દી – પ્રાસંગિક પરિચય

ભગવાન થાવરાણી

દુનિયાના ૧૯૫ દેશો. આ દરેક દેશમાં ઉચ્ચ કક્ષાના સંવેદનશીલ કલાકારો – લેખકો, કવિઓ, ચિત્રકારો, સંગીતકારો અને ફિલ્મ સર્જકો. એમની સંખ્યા વત્તી – ઓછી હોઈ શકે. આપણે ભાવકો જો શોધખોળ ન કરીએ તો આમાંના બહુ ઓછા આપણા લગી પહોંચે, એમાંના ઘણા ચરમ કક્ષાની સર્જકતા ધરાવતા હોવા છતાં !

ફિલ્મોની જ વાત કરીએ તો પ્રચારના પડઘમ દ્વારા આપણા લગી પહોંચે છે કેવળ ભારતીય, અમેરિકન અને કંઈક અંશે યુરોપના કેટલાક ચુનંદા દેશોની ગણતરીની ફિલ્મો. ફ્રાંસ, ઈટલી, ગ્રીસ, સ્પેન, હંગેરી, રશિયા, સ્વીડન,  ડેન્માર્ક, અનેક લેટિન અમેરિકન દેશો, આફ્રિકન દેશો અને આપણા એશિયાના જ જાપાન, ચીન, કોરિયા, વિએટનામ, ઈરાન, તુર્કી અને પાકિસ્તાન સુદ્ધાંની એવી હજ્જારો ફિલ્મો છે જે દરેક દ્રષ્ટિકોણથી ઉત્તમ કલાકૃતિઓ છે પણ આપમેળે આપણા લગી પહોંચતી નથી કારણ કે આપણે એમના સુધી પહોંચવાનો પ્રયત્ન જ કરતા નથી. સાવ મફત એવી યુ-ટયૂબ અને પરવડે એટલા પૈસા ચૂકવવા પડે એવી પ્રાઈમ વિડીયો, હોટ-સ્ટાર અને નેટફ્લીક્સ જેવી ચેનલો પર આવી અસંખ્ય અદ્ભુત ફિલ્મો ઉપલબ્ધ છે અને એમાંની મોટા ભાગની અંગ્રેજી સબ-ટાઈટલ્સ સહિત છે જેથી ભાષાના બંધનો હટી કે ઘટી જાય !

ઈંગમાર બર્ગમેન સ્વીડનના અને વિશ્વના બહુ મોટા ગજાના ફિલ્મ સર્જક. એમને સહેલાઈથી અને પૂરી અદબપૂર્વક વિશ્વના મહાનતમ ફિલ્મકારો વિત્તોરિયો દ સિક્કા, અકીરા કુરોસાવા, ફેડરિકો ફેલીની, લુઈ બ્યુન્યુએલ અને આપણા પોતાના સત્યજીત રાયની પંગતમાં બેસાડી શકાય. આખું નામ અર્ન્સ્ટ ઈંગમાર બર્ગમેન. નિર્માતા, નિર્દેશક અને નાટયકાર . ૧૯૧૮ માં જન્મ, ૨૦૦૭ માં નિધન. પાંચ લગ્નો, નવ સંતાનો. અનેક પ્રેમિકાઓ, ઉપપત્નીઓ, પુરસ્કારો, સન્માન . સાઠથી વધુ ફિલ્મો જેમાંની અનેકના એ લેખક પણ. ૧૭૦ જેટલા નાટકોનું દિગ્દર્શન. પરંતુ આ એમની પૂરી ઓળખ નથી. એમની ઓળખ છે એમણે જે કક્ષાની અને જે વિષય-વૈવિધ્યવાળી ફિલ્મો એમની ૬૧ વર્ષની દીર્ઘ કારકિર્દીમાં બનાવી તે અને જે પ્રકારનું જીવન એ જીવ્યા તે. વિગતે જોઈએ.

આપણા પોતાના સત્યજીત રાય અને એમનામાં એક સમાનતા એ હતી કે રાયની જેમ એમની મોટા ભાગની ફિલ્મોના કલાકારો, પટકથા લેખકો, સિનેમાટોગ્રાફૃરો અને અન્ય કસબીઓનું એક સીમિત વર્તુળ હતું. રાયની ફિલ્મોની બંગાળી પૃષ્ઠભૂમિની જેમ એમની ફિલ્મોના કથાનક સ્વીડનમાં અથવા એના આધિપત્ય હેઠળના ફારો ટાપુઓ ઉપર આકાર લે. સ્વીડન જાતિયતાની બાબતોમાં મુક્ત વિચારસરણી વાળો દેશ છે એવી વૈશ્વિક માન્યતામાં બર્ગમેનની અનેક ફિલ્મોએ મોટો ભાગ ભજવ્યો.

એમના પિતા રુઢિચુસ્ત વિચારસરણી ધરાવનાર પાદરી હતા. ઈંગમારના બચપણમાં ‘ પથારી ભીની કરવાની સજા ‘ તરીકે એમને કલાકો સુધી અંધારિયા ઓરડામાં પુરી દેવામાં આવતા. એમના બાળપણની એક શાળાના પ્રિંસીપાલના મતે બર્ગમેન એક ‘ સમસ્યારૂપ વિદ્યાર્થી હતા. કિશોરાવસ્થામાં એમને જર્મની મોકલવામાં આવેલા. એ દરમિયાન હિટલરની આભાથી અંજાઈને થોડોક સમય તેઓ હિટલરના પ્રશંસક પણ બની ગયેલા.

એમના પિતા સાથેના એમના સંબંધો કાયમ તનાવપૂર્ણ રહ્યા. એક સિદ્ધાંત તરીકે, એક પ્રથા તરીકે અને એક સંસ્થા તરીકે એ સ્કૂલને હમેશાં ધિક્કારતા. 

અનેક પટકથાઓ અને નાની – નાની નિષ્ફળ ફિલ્મો બનાવ્યા બાદ એમને પહેલી મોટી સફળતા મળી ૧૯૫૫ ની ફિલ્મ સ્માઈલ્સ ઓફ અ સમર નાઈટ થી. ૧૯૬૦ ના દાયકામાં એમણે બનાવેલી ફિલ્મ – ત્રયી – થ્રૂ અ ગ્લાસ ડાર્કલી ( ૬૧ ), વિંટર લાઈટ ( ૬૨ ) અને સાયલન્સ ( ૬૩ ) – ત્રણેય નો વિષય ઈશ્વરમાંની શ્રદ્ધા અને સંશય હતો. ૧૯૬૬ ની ફિલ્મ પર્સોના એમની સૌથી અગત્યની ફિલ્મોમાંની એક છે. એમની ફિલ્મોની બે કાયમી અભિનેત્રીઓ ( અને પ્રેમિકાઓ ! ) લિવ ઉલમાન અને બીબી એંડર્સન એમાં મુખ્ય ભૂમિકામાં હતી. એમની અન્ય કેટલીક ફિલ્મોના નામ છે સેવન્થ સીલ, વાઈલ્ડ સ્ટ્રોબેરીઝ, ફેની એંડ એલેક્ઝાંડર, ક્રાઈઝ એંડ વ્હીસ્પર્સ, ઓટમ સોનાટા, શેઈમ, સમર વીથ મોનિકા ઈત્યાદિ. આમાંની કેટલીક ફિલ્મોનો રસાસ્વાદ આપણે આ લેખમાળામાં માણીશું.

કરચોરીના પાછળથી ખોટા પુરવાર થયેલા આરોપ સબબ ૧૯૭૬માં એમની ધરપકડ કરવામાં આવેલી. એ ઘટનાએ બર્ગમેનને તન – મનથી છિન્ન-વિછિન્ન કરી નાંખેલા અને એ હતાશાની ગર્તામાં સરી પડેલા. એમણે સ્વીડન છોડી દીધું. સ્વીડનના વડા પ્રધાનની વિનંતી છતાં એ સ્વીડન પાછા ફર્યા નહીં.

એમની ફિલ્મોમાં નિયમિત રીતે દેખા દેતાં કલાકારોમાં છેલ્લે ઉમેરાયાં નોર્વેજિયન અભિનેત્રી લિવ ઉલમાન જેમણે એમની નવ ફિલ્મોમાં કામ કર્યું અને જે એમની સાથે અંગત સંબંધોથી પણ જોડાયેલા હતા. એ બન્નેની પુત્રી લિન ઉલમાન ( ૫૬ ) આજે નોર્વેના મોટા ગજાના લેખિકા અને પત્રકાર છે.

સામાન્યત: પોતાની ફિલ્મોની પટકથા બર્ગમેન પોતે મહિનાઓ કે વર્ષોના મંથન પછી લખતા. એમની મોટા ભાગની ફિલ્મો અસ્તિત્વના સવાલો, એકલતા, ધાર્મિક માન્યતાઓ અને મૃત્યુ વિષે છે. એમની ફિલ્મોમાં માનવીના માનસ અને અંતરાત્માના સંઘર્ષો બાબતે ગહન ચિંતન છે. જાતિય આવેગો પણ એમની ફિલ્મોનું અગત્યનું અંગ રહ્યું છે અને આ બાબતમાં એમના સ્ત્રી-પાત્રો એમના પુરુષ- પાત્રો કરતાં વધુ સક્રિય રહ્યા છે. બર્ગમેનના મતે ‘ જાતિયતાની અભિવ્યક્તિ અગત્યની છે . મારે માત્ર બુદ્ધિજીવી ફિલ્મો નહીં પણ પ્રેક્ષકો અનુભવે, સંવેદે એવી ફિલ્મો બનાવવી હતી. એ સમજાય એ તો પછીની વાત છે. કલાકાર તરીકે હું કોઈ રાજકીય દ્રષ્ટિકોણનો સમર્થક નથી. એ મારું કામ પણ નથી.

એમના પોતાના મતે વિંટર લાઈટ, પર્સોના અને ક્રાઈઝ એંડ વ્હીસ્પર્સ એમની પ્રિય ફિલ્મો હતી. ( એ ત્રણે આપણે ચર્ચવાના છીએ )

એમના પાંચ લગ્નોમાંથી ચાર વિચ્છેદમાં પરિણમ્યા. લિવ ઉલમાન ઉપરાંત એમની ફિલ્મોની નિયમિત અભિનેત્રીઓ હેરિયટ એંડર્સન અને બીબી એંડર્સન સાથેના એમના નિકટના સંબંધો જગજાહેર હતા. એમના દરેક બાળકની માતાઓ સાથે એમણે લગ્ન કર્યા હતા, લિવ ઉલમાન સિવાય ! આ ઉપરાંત એમના અનેક સ્ત્રીઓ સાથે સંબંધો હતા જેને વ્યાજબી ઠેરવવા એ હમેશાં એમની પત્નીઓને કહેતા, ‘ મારે અનેક જિંદગીઓ છે. ‘

વિખ્યાત ફિલ્મકાર વૂડી એલનના મતે ‘ ફિલ્મ-નિર્માણના બધા પાસાંઓને મૂલવતાં એ સંભવત: મહાનતમ ફિલ્મકાર છે. ‘ એમણે પોતાની એની હોલ અને અન્ય ફિલ્મોમાં બર્ગમેનને બિરદાવ્યા છે. કોઈકે એમને ‘ કેમેરાના કવિ કહ્યા છે તો કોઈએ એવું લખ્યું કે ‘ એ એકમાત્ર એવા સર્જક છે જે એકાદ ચીંથરા, હાડકા કે વાળમાંથી પણ ઉમદા ફિલ્મ બનાવી શકે. એક વિવેચકે ત્યાં સુધી કહ્યું કે એ ‘ માત્ર ફિલ્મો જ નહીં, દરેક કળાને સમાવિષ્ટ કરતાં પણ એ વીસમી સદીના મહાનતમ કલાકારોમાંના એક હતા. એમણે માનવીય પરિસ્થિતિઓને પડકારવાનો અને એના પુનર્સર્જનનો એક નવો જ રસ્તો શોધી કાઢ્યો .

કેવી રસપ્રદ વાત છે કે જે શબ્દો સત્યજીત રાયે જે શબ્દો પોતાની ફિલ્મ ચારૂલતા માટે કહેલા, લગભગ એ જ શબ્દો બર્ગમેન પોતાની ફિલ્મ વિંટર લાઈટ માટે કહે છે. ‘ મારી એક ફિલ્મ જે મને પૂર્ણત: ગમે છે તે આ છે. એ એક જ ફિલ્મ છે જેના વિષે હું કહી શકું કે મેં અહીંથી શરુ કર્યું અને અહીં પૂરું કર્યું અને ફિલ્મની પ્રત્યેક ક્ષણ દરમિયાન બધું જ મારી મરજી અનુસાર થયું.

આવા આ સ્વીડીશ ફિલ્મ સર્જક ઈંગમાર બર્ગમેનની કેટલીક ચુનંદી ફિલ્મોના વિવિધ પાસાઓનું હપતાવાર વિહંગાવલોકન કરીશું મે ૨૦૨૨થી દરેક મહિનાના ત્રીજા બુધવારે.


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

10 thoughts on “ઈંગમાર બર્ગમેનનું આંતર – વિશ્વ : પ્રસ્તાવના

  1. वाह्ह्ह! Sir… बहुत ही उम्दा कार्य शबरी कर्म कर रहें है आप!!!
    भाषा पर आपका नियंत्रण काबिले तारीफ़ है! औऱ आप जो भी विषय चुनते है उनकी बारीकीयाँ ऐसे प्रस्तुत करते है जैसे वह विषय के आर पार आप उतर जाते है!!!! लिखते वक़्त आप यह विषय जी रहे होते है!!! जैसे परकाया प्रवेश!!
    धारावाहिक का बेसब्री से इंतज़ार रहेगा!! स्वागत है आपका!!!
    धन्यवाद धन्यवाद धन्यवाद!

  2. આપે શરુઆત સરસ કરી છે. સત્યજિત રે ની ફિલ્મો ઉપરના આપના નિબંધો યાદ કરતાં બર્ગમેન ની ફિલ્મો વિશે નાં આપનાં લખાણો વાંચવાની ઉત્કંઠ્ઠા વધી રહી છે.

  3. yes, this reminds us a Beautiful and Informative series on Satyajit Ray by you. Eagerly awaiting this one on Films by Ingmar Bergman and his creativity.

Leave a Reply

Your email address will not be published.