યુવા અજંપો અને રોજગારનું સંકટ

નિસબત

ચંદુ મહેરિયા

દેશમાં સૌથી ઓછો બેરોજગારી દર ધરાવતા પાંચ રાજ્યોમાં ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાતમાં ૧.૬ ટકા જ બેરોજગારી દર છે. અંદાજપત્ર સત્રમાં વિધાનસભા પ્રશ્નના જવાબમાં રજૂ થયેલી સરકારી માહિતી પ્રમાણે રાજ્યમાં શિક્ષિત બેરોજગાર માત્ર ૩.૪૬ લાખ જ છે. જો કે સરકારી આંકડાઓ કરતાં વાસ્તવિકતા કંઈક જુદી જ છે.

છ વરસ પછી તાજેતરમાં ૩૪૩૭ તલાટીની જગ્યાઓની ભરતીની જાહેરાતના અનુસંધાને સવા ત્રેવીસ લાખ અરજીઓ આવી છે. પંચાયત ક્લાર્કની ૧૧૮૧ જગ્યાની ભરતી માટે ૧૦.૧૪ લાખ અને હેડક્લાર્કની ૧૮૬ જગ્યાઓ માટે ૨.૪૧ લાખ ઉમેદવારોએ નોકરી મેળવવા અરજી કરી છે. તલાટીની એક જગ્યા માટે ૫૩૦, પંચાયત ક્લાર્ક માટે ૮૫૯ અને હેડક્લાર્ક માટે ૧૨૯૭ ઉમેદવારો હોય તેમ જ કોઈ પણ રોજગાર ન મળતાં, લઘુતમ વેતન કરતાં ઓછા વેતને કામ કરવા માંગતા નોંધાયેલા ‘મનરેગા’ મજૂરો રાજ્યમાં ૩૨ લાખ હોય પણ તેમાંથી માત્ર ૩૫,૦૦૦ ને જ સો દિવસની રોજગારી મળે- તે અલ્પ બેરોજગારી દર ધરાવતા ગુજરાતમાં બેરોજગારીનું વિકરાળ રૂપ દર્શાવે છે. જો માંડ દોઢ ટકો બેરોજગારી દર ધરાવતા ગુજરાતમાં આ સ્થિતિ હોય તો સૌથી વધુ ૩૪.૧ ટકાનો બેરોજગારી દર ધરાવતા હરિયાણા અને દેશના અન્ય રાજ્યોમાં કેવી વિકટ સ્થિતિ હશે

સરકારી નોકરીમાં નિમ્નતમ કક્ષાની ગણાતી રેલવેની ગ્રુપ-ડીની જગ્યાઓ માટે સવા કરોડ બેકાર યુવાનોએ અરજી કરી હતી.જે ૨૦ થી ૨૫ વરસની દેશની યુવા વસ્તીનો દસમો ભાગ હતો..૨૦૧૯ની ગ્રુપ ડીની ભરતીની જાહેરાતમાં ઉમેદવારે માત્ર કમ્પ્યૂટર બેઝ ટેસ્ટ પાસ કરવાની હતી. પરંતુ રેલવેતંત્રે ત્રણ વરસ રાહ જોવડાવી ૨૦૨૨માં ભરતી પ્રક્રિયા આરંભી ત્યારે ફેરવી તોળ્યું અને વધુ એક પરીક્ષા લેવાનું જણાવતાં બિહાર અને અન્યત્ર હિંસક વિરોધ થયો હતો. સમયસર ભરતી ન થવી, ભરતી પરીક્ષાનાં પેપર લીક થવાં, પરીક્ષા પછી લાંબા સમય સુધી પરિણામ ન આપવું અને પરિણામ આવી જાય પછી સફળ થયેલા યુવાનોને નિમણૂક આપવામાં  અસહ્ય વિલંબ કરવો તે અજંપ બેરોજગાર યુવાનોની સહનશક્તિની કસોટી કરવા બરાબર છે. તેથી સરકાર અને વહીવટી તંત્રનું બેરોજગારીના મુદ્દે  અગંભીર અને અસંવેદનશીલ વલણ બેરોજગાર યુવાનોમાં અજંપો અને આક્રોશ જન્માવે તે સ્વાભાવિક છે

હાલની બેરોજગારી એ કાંઈ કોરોના મહામારીને કારણે જ નથી. હા, દેશવ્યાપી તાળાબંધી દરમિયાન બેરોજગારીનો દર ૨૪ ટકા જેટલો ઉંચો હતો એ ખરું પણ કેન્દ્રના શ્રમ મંત્રાલયના ૨૦૧૯ના અહેવાલ મુજબ ૨૦૧૭-૧૮નો બેરોજગારી દર દેશમાં પિસ્તાળીસ વરસનો સૌથી ઉંચો દર હતો. એન એસ ઓ ના જણાવ્યા મુજબ ૨૦૧૯નો  બેરોજગારી દર પાંચ દાયકામાં સર્વાધિક હતો. દેશનો દર દસમો યુવાન રોજગારવિહીન હોવાનું જણાવતા સામયિક શ્રમબળ સર્વેક્ષણ પ્રમાણે ૨૦૧૯-૨૦માં ૧૮ થી ૨૫ વરસના યુવાનોમાં બેરોજગારી દર ૨૪.૫ ટકા હતો. સેન્ટર ફોર મોનિટરિંગ  ઈન્ડિયન ઈકોનોમીના રિપોર્ટ મુજબ ડિસેમ્બર ૨૦૨૧માં ભારતનો શહેરી બેરોજગારી દર ૯.૩ ટકા, ગ્રામીણ ૭.૨૮ ટકા અને કુલ ૭.૯ ટકા હતો.

બેરોજગારી એક એવી સ્થિતિ છે જેમાં કામ કરવા શારીરિક-માનસિક રીતે સ્વસ્થ અને સક્ષમ હાથને કામ મળતું નથી. નિષ્ણાતો અને નીતિનિર્ધારકોએ બેરોજગારીના પણ જાતભાતના પ્રકારો ઉભા કર્યા છે : પૂર્ણ અને અર્ધ, શિક્ષિત, અર્ધ શિક્ષિત અને અશિક્ષિત, શહેરી અને ગ્રામીણ, પ્રત્યક્ષ અને પ્રચ્છન,અનૈચ્છિક અને ઐચ્છિક, મોસમી અને ચક્રીય….પણ એ તો જેને વીતી હોય એ જ જાણે. કામના અભાવે દિવસો પસાર કરતા બેરોજગાર યુવાનોનું જીવન વગર વાંકે અપરાધ જેવું હોય છે. ઘર માટે બોજારૂપ, નકામો, રખડેલના મહેણા –ટોણા સહન કરીને  તે પોતાની નજરમાં  જ ઉતરી જાય છે. લોકોની ઉપેક્ષા ક્યારેક તેને ગુનેગારોની દુનિયામાં ધકેલી દે છે કે દારૂ, જુગાર, નશાના રવાડે ચડાવી દે છે.

ભારતમાં બેકારી કે રોજગારના સંકટ માટે અનેક કારણો છે. નવી અયોગ્ય ટેકનોલોજી, યાંત્રિકરણ, અમર્યાદિત નફાની ભૂખ, કૌશલનો અભાવ, રોજગારવિહીન વિકાસ, ખેતી પરનું ભારણ, ખામીયુક્ત રોજગાર આયોજન, ક્રુત્રિમ મંદી, ખરીદ શક્તિને ધ્યાનમાં રાખ્યા વિના થતું ઉત્પાદન, સંસાધનોની અસમાન વહેંચણી, નાના, મધ્યમ ઉધ્યોગોને સરકારી મદદ-પ્રોત્સાહનનો અભાવ, સરકારી નોકરીઓમાં ખાલી જગ્યાઓ, મૂડીનો અભાવ અને રોજગારલક્ષી શિક્ષણ નીતિનો અભાવ જેવા કારણો બેરોજગારી સર્જે છે.

હરિ તારા નામ છે હજાર જેમ વિવિધ પ્રકારની બેરોજગારી છે તેમ દેશમાં વિવિધ નામધારી બેરોજગારી નિવારણની સરકારી યોજનાઓ પણ  છે. પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી રોજગાર યોજનાઓ, પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી કૌશલ વિકાસ યોજના, સ્ટાર્ટ અપ ઈન્ડિયા, મેક ઈન ઈન્ડિયા, ડિજિટલ ઈન્ડિયા, સ્થાનિક રોજગાર, સ્વદેશી રોજગાર  અને એવી ઘણી રોજગાર યોજનાઓ છતાં બેકારી યથાવત છે.

વ્યવસાયલક્ષી શિક્ષણ અને કૌશલ્યવર્ધન તાલીમની જેટલી વાતો થાય છે તેટલો અમલ થતો નથી. ચીનમાં પાંચ લાખની સામે ભારતમાં માત્ર પચીસ હજાર કૌશલ વિકાસ કેન્દ્રો છે. દેશ અને દુનિયાને કુશળ કર્મીઓની મોટી જરૂરિયાત છે. એ સંજોગોમાં ભારતને કુશળ કર્મીઓનું મુખ્ય કેન્દ્ર બનાવી શકાય. પરંતુ તે અંગે સરકાર અને સમાજ પૂરતા સજાગ નથી.અખાતી દેશોમાં કુશળ-અકુશળ ભારતીયો હજારોની સંખ્યામાં કામ કરે છે તો બીજી તરફ ભારતમાં રશિયા, ચીન અને પૂર્વ યુરોપના વીસેક હજાર વેલ્ડર્સ કામ કરે છે. તેનું શું ?

વડાપ્રધાન કહે છે તે સાચું છે કે ભજિયાં વેચવા એ પણ રોજગાર જ છે પણ તેને માટે સરકારની કશી જરૂર ખરી ? જો એ ના હોય તો પાંચ વરસમાં દેશમાં બે કરોડ અને રાજ્યમાં  બાવીસ લાખ રોજગારના વચનો શું કામના?સંસદમાં સરકારે કબૂલ્યું છે કે છેલ્લા છ વરસોમાં માત્ર બેરોજગારી જ નથી વધી બેરોજગારીના કારણે યુવાનોની આત્મહત્યાઓ પણ વધી છે. ૨૦૨૦ના વરસમાં દેશમાં ૩૫૪૮ યુવાનોએ બેરોજગારીને કારણે આત્મહત્યા કરી હતી.દર અઢી કલાકે એક બેરોજગારની આત્મહત્યા, દર કલાકે ઉધ્યોગપતિઓની સંપતિમાં ૯૦ કરોડની વૃધ્ધિ અને ગુજરાતમાં વરસે ૬૩૯ યુવાનોને સરકારી નોકરીઓ –  આ વરવી વાસ્તવિકતા અને વિરોધાભાસ વચ્ચે બેકારીનું નિવારણ શોધવાનું છે

“જેણે દાંત આપ્યા છે તે ચાવણું પણ આપશે” જેવી લોકમાન્યતાઓ માનીને બેસી ન રહેવાય. પેટનો ખાડો પૂરાય તેટલો નહીં, ગાંધીકથ્યો ‘જીવન યોગ્ય દરમાયા’વાળો સન્માનજનક રોજગાર સૌને સુલભ કરી આપવાની સરકાર માબાપની પ્રાથમિક ફરજ છે..


શ્રી ચંદુભાઈ મહેરિયાનો સંપર્ક maheriyachandu@gmail.com  વિજાણુ સરનામે થઈ શકે છે.

Author: Web Gurjari

3 thoughts on “યુવા અજંપો અને રોજગારનું સંકટ

  1. સરકાર માબાપ
    આ માન્યતા સાથે સહમત થઈ શકતો નથી. સરકારની માબાપ સામાન્ય વ્યક્તિ છે ! સરકારનું કામ દેશ ચલાવવાનું છે – એ રોજગાર આપતી કંપની નથી !
    કમભાગ્યે દેશમાં, શિક્ષણ વ્યવસ્થામાં અને સામાન્ય માણસની માનસિકતામાં માત્ર ‘બાબુગીરી’ જ મહત્વની રહી છે. ગાંધીજીની ભક્તિ અને ગુણગાનમાં ન થાકતા આપણા નેતાઓ અને વિચારકો એ ભૂલી જાય છે કે, બુનિયાદી તાલીમમાં નોકરીઓ ઊભી કરવાનું ધ્યેય ન હતું.

    સામાન્ય માણસની પોતાના પગ પર ઊભા રહેવાની ખુમારીને ઉજાગર કરવાનો એમાં ઉદ્દેશ્ય હતો. વેડછીના વડલા તરીકે પ્રખ્યાત જુગતરામ દવે ગાંધીજી વધારે સારી રીતે સમજ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.