ઘરે ઘરમાં ભળી ગયેલું લાડકું પંખીડું “ ઘરચકલી ”

કૃષિ વિષયક અનુભવો

હીરજી ભીંગરાડિયા

      પ્રાણીઓમાં જેમ ‘કુતરું’ તેમ પંખીઓમાં ‘ચકલી’ એ માનવીઓના રહેણાકમાં ગુંથાઇ ગયેલું પંખીડું છે. દુનિયાના નકશા માહ્યલો  કોઇ દેશ બાકી નથી કે જ્યાં માણસોનો સથવારો કરાવવા ચકલી ન પહોંચી હોય ! ચકલી એ અન્ય પંખીઓની સરખામણીએ  સારાએ વિશ્વમાં સૌથી વધુ ફેલાએલું પ્રકૃતિનું-ઘરોઘરનું લાડકવાયુ પંખી છે. એની નિર્ભયતા અને માણસો પ્રત્યેનો વિશ્વાસ તો જૂઓ ! માણસોએ બનાવેલાં રહેણાકના ઘર જાણે પોતા માટે જ બનાવ્યાં ન હોય તેમ છાપરાં, કોઢિયાં, ફરજા, બંગલા અરે ! મોટા જરુખા કે રાજમહેલ કેમ નથી ? ચકલીને બધે જ વગર રજાએ  પંહોચી જવાનો  પીળો પરવાનો છે. મકાનની અંદર પ્રવેશવાની રજા લેવાની જરૂર ચકલીને ન હોય ! મકાનના દ્વાર ખૂલ્યા નથી કે ફરૂક ફરૂક કરતી અંદર પંહોચી નથી ! અંદરના પંખે, લટકતા તોરણિયે, બારશાખના ટોડલે, ઝુલતા ઝૂમરે કે ટ્યુબ લાઇટે બેઠી ન બેઠી ને ભરરર ભટાક  ઉડતીકને એવી  ક્યાંક લપાઇ જાય કે ઘડીકતો શોધીય ના જડે ! દિવસ આખો બસ માનવ વસ્તીમાં કુટુંબના સભ્યની જેમ ફર્યા કરવાનું અને ચીં ચીં ચીં ચીં બોલતા રહી પોતે અહીં હાજર છે એની નોંધ આપણને લેવરાવ્યા કરવાની. અને આટલું હજુ ઓછું હોય તેમ આપણા જ  ઘરમાં એ પાછું એનું ઘર પણ મરજી પડે ત્યાં બનાવે બોલો !

માળો માળા માટે એકવાર જગ્યા પસંદ થઇ કે પછી જોઇલો ચકા-ચકીનો ઉદ્યમ ! ઘાસના તણખલા, દોરાના ત્રાગડા, પાતળા વેલાના ડાંડલા, સાવરણીની સળીઓ વગેરે ચાંચમા પકડી લાવીને માંડે ખડકવા ! એમાં કેટલુંય નીચે પાડી દે અને ગૃહીણીઓને ખિજવ્યા કરે ! ઘરના બૈરાંને નજરે ચડી જાય એટલે ચકીએ પસંદ કરેલું માળાનું ઠેકાણું  એને થોડું પસંદ પડે ? બે હાથની તાળી પાડી તગેડી મૂકે, અરે ! તૈયાર થવા આવેલો માળો આખો ભલેને કાઢીને ફેંકી દે ! તોય પાછા એ તો એના એ ! બીજાની પસંદગી લક્ષપર નહીં લેવાની ! ફરી પાછું એટલાજ ઉત્સાહથી કામ શરુ કરે ! જાણે કંઇ બન્યું જ નથી! વારંવાર માળો ફેંકી દેતાં કંટાળવું હોયતો ઘરનાં બૈરાં કંટાળે ! ફરીફરી માળો બાંધતાંચકલાં નહીં !

ઇંડા-બચ્ચાનો ઉછેર અમારા ‘પંચવટી’ રહેણાકમાં રહેનારી કેટલીક જાણીતી ચકલીઓ છે. અમે જોયું છે કે ચકલી એક વરસમાં ત્રણ વખત ચચ્ચાર ઇંડા મૂકતી હોય છે. પણ પંખી વિશારદોનું કહેવું છે કે માંડ 25 ટકા બચડાં પૂખ્તતાએ પંહોચે છે. કંઇક માળાની સલામત જગ્યાના અભાવે સાપ, બિલાડા કે કાગડા, સમળી, કાબર જેવા શિકારી જીવોનો શિકાર બની જઇને, તો કંઇક અપૂરતા ખોરાકના કારણે પોણા ભાગના તો મરણ ને શરણ થઇ જાય છે. એટલે બહુ ઝડપથી ચકલીઓની સંખ્યા ઘટી રહી છે.

તસવીર – નેટ પરથી સાભાર

દેખાવ પંખી નાનકડું-માત્ર ૧૨-૧૫ સેંટી મીટર એના શરીરની લંબાઇ ! કોયલ અને મોરની જેમ આ પંખીમાં પણ નર અને માદા બન્નેના દેખાવ સાવ જ અલગ અલગ ! નર હોય કદમાં થોડો મોટો અને ગરગોટિયો ! પાંખો માથે ઘેરા કથ્થાઇ રંગનાં પીંછડા અને ગળા પર એના રૂપમાં ઉમેરણ કરે તેવું કાળું મજાનું ટીલકું ! જ્યારે માદા કદમાં થોડી નાની અને થોડી પાતળી, ધોળા રંગના પીંછા પર આછા કથ્થાઇ રંગના લીટા, એને હિસાબે રંગ લાગે સાવ ધૂળિયો ! ચાંચ- પાંખ હોય બધું ભૂખરા રંગનું એક સરખું .

વિશિષ્ટ આદતો કાબર અને કાગડાની જેમ વારાફરતી પગ આગળ લઇ ચકલી ન ચાલે ! બન્ને પગ સાથે રાખી કુદતી કુદતી ઠેકડે હાલે ! સંવનન વેળાએ માદાને પ્રસન્ન કરવા પાંખોને પહોળી કરી- જરાતરા-થથરાવતા થથરાવતા-ને ચીં ચીં ના મીઠા મધુરા  અવાજ કરતા કરતા ગેલમાં આવી જઇ ચકારાણા જોડિયાપગે ઠેક લગાવી જે પ્રયાસ કરતા હોય છે તેતો  સૌના નિરખવામાં આવ્યું હશે જ !

વળી  તમે જોયું હશે કે ઘરમાં કબાટના બારણે, માથું હોળવાની જગ્યાએ, કે ભલેને હોય ટુવ્હીલ-ફોર વ્હીલમાં પાછળથી આવતા વાહનને નિરખવામાટે સેટ કરેલો-પણ અરિસો એની નજરે ચડી ગયો-જોઇલ્યો મજા ! ભૂખ-તરસ બધું બાજુપર ! અને સામે દેખાતા પ્રતિબીંબને પોતાનો હરિફ સમજી ટક..ટક….ટક..ટક ચાંચો માર્યા જ કરે 1 ઉડાડી મૂકો તો આઘા ના જાય. લાગ જોઇ પાછા આવી જાય-ને ફરી ફરી બસ એજ ટકાટક આદરી આપણને કંટાળો લાવી દે બોલો ! તમે બે ચકાને ઝઘડતા જોયા છેને ! પેઢીઓજૂના બાપેમાર્યા વેર હોય એવી રીંહથી બાથંબાથી કરે કે ઉંચે હોય ત્યાંથી ભૂંડાઇના નીચે ખાબકી પડે ! તોય એકબીજાની પક્કડ ઢીલી ન કરે અને જમીન પર એવા ગલોટિયાં મારે જાણે બે કુસ્તીબાજો હરિફાઇએ ન ચડ્યા હોય !

નિરીક્ષણ પરથી એવુંય જોવાયું છે કે ચકલીઓ દિવસ દરમ્યાન જ્યાં ને ત્યાં ઘરોમાં, ફળિયામાં, બગીચાઓમાં- નજીકના વાડી-ખેતરોમાં અને એની ઉભી મોલાતોમાં શાંતચિત્તે ફરતી ને ચણતી રહેતી હોય છે.પણ રાતવાસો કરવા તો એ માત્ર કાંટાળા શ્રુપ-વૃક્ષો જ પસંદ કરે છે. અમારા આંગણાંમાં જમરુખ, મોસંબી, સીતાફળ, આમળા જેવા ઘણા ઘાટિલા ઝાડો હોવાછતાં રાત્રિરોકાણ માટે કમ્પાઉંડવોલ સાથે ઉભેલી બોગંનવેલી અને એવાજ કાંટાળા લીંબુડી-બોરડીના ઝાડવાને પસંદ કરે છે. દિવસ આથમું આથમું થયો નથી કે ચારે બાજુથી  ચકલાંઓ ફરૂક…ફરૂક કરતા આવી પહોંચ્યા નથી ! ચીં ચીં નો દેકારો કરતા જાય ને ઘડિક આ તો ઘડિક પેલી ડાળી પર હડિયાપાટી કરતા જાય અને દેકીરો મચાવતા જાય. અરે ! એવું જ વહેલી સવારે પણ મોંસુજણું થયા ભેળી એની એ ચહલપહલ અને ચિંચિંયારી ! શિકારી જીવડાથી સલામતિ આ કાંટાળા ઝાડવા જ આપી શકતા હોવાનું એને લાગતું હશે ને ! જીવ નાનો પણ સલામતીનો વિચાર સબળો !

યોગદાન એની રહેણાકની પહેલી પસંદગી માણસો રહેતા હોય એવા વિસ્તારની ખરી. એટલે તો એને “ ઘરચકલી ” કહી છે ને ! પણ વાડીઓ અને ખેતરોમાં પણ જ્યાં થોડાઘણાંએ ખેડૂતોના-ખેતમજૂરોના વસવાટ હોય છે ત્યાં તો મોટા  વિસ્તારમાં કાંટાળી વાડો અને ઝાડવાના ઝૂંડ મળી રહે છે તેથી ત્યાંએ બહુ હોંશભેર ટોળાબંધ વસવાટ કરતી ભળાયછે.

ઘર આંગણાંમાં રહેતી ચકલી ચોખાની કણકી, બાજરી,જુવારના દાણ, રાંધેલા ભાત, રોટલીના ટુકડા જેવું માણસ ખાય તે બધો ખોરાક ખાય છે. પણ એંનો સાચો ખોરાક તો જીણી જીવાતો,ફૂદા,પતંગિયાં,કીટકો ને ઇયળો છે.

મેં એકવાર વાડીના મોલમાં આંટા મારતા મારતા કેટલીક ઇયળો પકડી એક ડબ્બીમાં ભરી લીધી. અને કેંપસ પર જ્યાં ચકલાંઓની હરફર ભાળી ત્યાં આવીને બેઠો. પહેલા ખોબોક બાજરીના દાણા ચોકમાં વેર્યા. એટલે ચકલાં આવી માંડ્યા તડાપીટ દેવા ! ઘડીક બાજરી ખાવા દીધા પછી-ડબ્બા માહ્યલી ઇયળોને ચકલીઓ ચણતી હતી ત્યાં વચ્ચે ફગાવી. ઇયળો બધી છૂટી છૂટી વેરાઇ ગઇ અને ચકલીઓની નજેરે ચડી ગઇ ! તરતજ ફટાફટ બધીચકલીઓ બાજરાના દાણા ચણવા મૂક પડતા ને ઇયળો વિણવા મંડી ગઇ ! એટલે ચકલી પણ જીવડાં મળતાં હોય ત્યાં સુધી દાણા ખાવા રાજી નથી. ચકલીના બચ્ચા જ્યારે નાના હોય છે ત્યારે તેના મા-બાપ તેને  ખોરાકમાં બસ આવી કૂણી કૂણી ઇયળો-જીવાતો જ વીણીને લાવી આપે છે. બચડાં હોય જીણકુડાં પણ ખાઉધરા હોય ભારે ! ચકો-ચકી મોઢામાં ચણ ભરી આવતા હોય ત્યાં એની ગંધ પારખી જતાં હોય કે ભગવાન જાણે-મોઢા ફાડી ફાડી ‘લાવ લાવ’ કરવા માંડતાં હોય છે. અરે ! ઉડતા શીખી ગયા પછીય મા-બાપની પાછળ પાછળ દોડી ‘હજી આપો…હજી આપો’ કહેતા ને પાંખો હલાવતા આપણને જોવા મળતાં હોય છે. એટલે આંગણબાગ, વાડોલિયા અને વાડી-ખેતરોમાં દૂરદૂર ક્યાંય ઉભી મોલાતમાંથી જીવડાઓ-જે ઉભી મોલાતને સિરદર્દ સમાન હોય છે એનો સફાયો કરવાનું કામ ચકલાં કરતાં રહેતાં હોય છે.

     પંખીને ગાઢ નાતો પ્રકૃતિનો. તેથી પ્રકૃતિમાં આવનારા ફેરફારના અણસાર અગાઉથી એને આવી જતાં હશે. ચકલાંને તમે ધૂળમાં ન્હાતા ક્યારે જૂઓ છો ? ગમે ત્યારે નહીં હો ! “ ચકલાં ધૂળમાં ન્હાય એટલે વરસાદી વાતાવરણ થઇ ગયાનું સમજવું ” ખેડૂતોની આવી માન્યતા ચકલીએ ક્યારેય ખોટી નથી પાડી !

ચકલી આપણા લોકજીવનમાં ચકલી તો માનવવસ્તીનું સહવાસી પંખીડું છે. માનવી સાથેએનું ભાવાત્મક જોડાણ છે. નાનેરા માનવબાળનું સૌથી પહેલું મિત્ર ચકલી બને છે. બાળક પહેલો શબ્દ “મા ” બોલે છે તેમ પછી “ ચકલી ” બોલે છે. ચકો-ચકી, એની ચણ, એનો માળો, ચકલીના ઇંડા-બચ્ચાં, ક્યારેક બચ્ચાનું માળામાંથી નીચે પડી જવું, બચ્ચાનું ઉડતા શિખવું વગેરે પ્રક્રિયાઓ નાના બાળની નજર સમક્ષ પસાર થઇ, અરે ! મમ્મી, દાદી કે ફોઇ, માસી દ્વારા  “ચકી ચોખા ખાંડે છે, પિતાંબર પગલાં પાડે છે” “ચકલી પડી રંગમાં-ચકલો શોકઢંગમાં” “ચકીબેન ચકીબેન ! મારે ઘેર રમવા આવશો કે નહીં ? આવશો કે નહીં ?” “ એક હતી ચકી ને એકા હતો ચકો-ચકી લાવી મગનો દાણો ને ચકો લાવ્યો ચોખાનો….” જેવી અનેક બાળવાર્તાઓ, જોડકણા, ઉખાણાં સાંભળી સાંભળી બાળમાનસમાં ચકલી એવી સજ્જડ ગોઠવાઇ ગઇ હોય છે કે પંખી સમાજનું પ્રતિક બની અન્ય જીવો પ્રત્યેની ઓળખ, લાગણી, પ્રેમ, સહવાસ અને એના વિષેની કાળજી, તકેદારીના એક સંસ્કાર સિંચનનું બાળકમાં આપણને પણ ખબર ન હોય તેવું બહુમુલુ યોગદાન આપી રહે છે એ શું નાનીસૂની વાત છે ?    .

સમય બદલાયો છે –  હવે બધી બાબતોનું મુલ્યાંકન “ આર્થિકલાભ ” પરત્વે જ થવા લાગ્યુ છે. ત્યારે માનવીના જેટલા જ હક્કથી  આ ધરતી પર અન્ય જીવોને પણ જીવવાનો અધિકાર છે તેવી તકેદારી રાખવાનું માનવી ભૂલી ગયો છે. રહેણાકી મકાનોના ઘાટ અને રહનસહનની પધ્ધતિઓ બદલાઇ છે. એક પણ વસ્તુ મકાનમા ટીંગાડી શકાય તેવી ખીલીઓ નખાતી બંધ થઇ ગઇ છે. કપડું ક્યાં ટીંગાડવું એ સવાલ હોય ત્યાં ચકલાં માળો કરે એવા ગોંખલા, ખૂલ્લા માળિયાકે અભેરાઇ તો મળવાના જ ક્યાંથી ?

અને ખેડૂતોની વાડીઓમાં પણ વાડી ફરતી બોરડી, બાવળ, ઇંગોરિયા, કેરડા, કાંચકા, થોર જેવા કાંટાળા અને જીવંત ઝાડવા-ઝાંખરાનું સ્થાન હવે દિવાલો અને તારફેંસીંગ લેતા જાયછે. જે પંખીઓ માટે ન ખોરાક પૂરો પાડે કે ન આશ્રય ! વળી વાડીમાં જંતુનાશકોનો છંટકાવ એટલો બધો વધ્યો છે કે હવામાન પણ પંખીડાંને ગુંગળાવી નાખે એવું બનતું જાય છે અને આધુનિકતાના પવનમાં રંગાયેલા આપણે ચબુતરે ચણ નાખવામાં રૂઢીચુસ્તપણું અનુભવવા લાગ્યા છીએ. આધુનિકતા ખવરાવવામાં નહીં-ખાવામાં, પોતે ભોગવવામાં માને છે. ચબુતરા તો ગયા સમજોને ! પંખીઓ પ્રત્યે જોવાની દ્રષ્ટિમાં ઓટ આવી રહી છે. એટલે ચકલીઓને માળો ક્યાં બાંધવો કે રાતવાસો ક્યાં કરવો અને પોતાંનો ને બચડાંઓ માટેનો ખોરાક ક્યાંથી શોધવો તે બધી બાબતોના મુંજારા શરુ થયા છે.

ચિંતા સેવનારા છે જોકે પર્યાવરણ અને આવા પંખીડાની ભેરે ચડનાર દેશ-વિદેશની કેટલીક સંસ્થાઓ અને પંખી પ્રેમીઓએ ચકલીને પંખીસમાજનું પ્રતિક માની “ચકલી બચાવ જુંબેશ” શરુ કરી “ચકલી દિન” ની ઉજવણી અને અનેકવિધ કાર્યક્રમો થકી કેવા કેવા પ્રયત્નો કર્યા હોયતો ચકલી કંઇકે રાહત  લઇ શકે તેવા પ્રયાસો આદર્યા છે તે અભિનંદનને પાત્ર છે.        .

આપણે પણ થઇ શકે  તેવા પ્રયત્નો કરીએ =

[1] વાડી-વાડોલિયા કે બગીચા ફરતી જીવંતવાડ રહેવા દઇએ. ન હોયતો ઉછેરીએ. કદી સળગાવીએ તો નહીં જ

.[2] પાકમાં ઝેરી રસાયણયુક્ત જંતુનાશકો બને ત્યાં સુધી ન છાંટીએ. અને વાડમાં તો કદી ન છાંટીએ

.[3] ઘેર ફળિયામાં,બાલ્કની કે અગાસી કે ઓંશરીનીકોર જેવા ઠેકાણે પાણી ભરેલા કુંડા મૂકીએ.

[4]  જુવાર-બાજરીના દાણા, ચોખાની કણકી, કાંગ-બંટી જેવા ખોરાકી પદાર્થો ચણવા આપીએ.

[5] પૂંઠા, પ્લાસ્ટિક કે થર્મોકોલ-લાકડા- માટીના એવા બોક્સ કે જેમાં ચકલી માળો બનાવી શકે તેવા ‘નેસ્ટહાઉસ’ ટાંગીએ.

[6] પંખી જગત ઝાડ વિનાનથી રહી શકતું, આંગણાં માં એક-બે મધ્યમ કદનાં ઝાડ ઉછેરીએ.

માળા માટેનું અનોખું માધ્યમ વરસો સુધી કામ આપે એવો ‘ટકાઉ માળો’ બનાવી શકે તેવું કરવું હોયતો વાડીમાં તુંબડા [ગોળદૂધી] ઉગાડવા. ફળને પૂરું પરિપક્વ થવા દઇ, બે બાજુ બે ચકલીબારી બનાવી, અંદરથી બિયાં બધા કાઢી લઇ, દીંટિયા સાથે દોરી બાંધી ચકલીને ફાવે તેવી છાંયડાવાળી જગાએ કે જ્યાં બિલાડી ન પહોંચી શકે તેવી જગ્યાએ ટાંગી દો. તૂંબડાને ઉપરનું પડ હોય સખત-પણ અંદરનું  હોય મુલાયમ રેક્ઝીન જેવું કુણું  ! ન લાગે ઠંડી કે ન લાગે ગરમી ! ”જીવંત એ.સી”  જ સમજોને ! બચડાંને મજો પડી રહેશે અને ગૃહીણીઓને માળો બાંધતા વેરાયેલ કચરા-સફાઇનો માથાનો દુ;ખાવો મટી જશે ! તમેય કરજો  આ પ્રયોગ- છે કર્યા જેવો !


સંપર્ક : હીરજી ભીંગરાડિયા , પંચવટીબાગ, માલપરા જિ.બોટાદ [મો.+91 93275 72297] ǁ ઈ-મેલઃ :krushidampati@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.