મંજૂષા
વીનેશ અંતાણી
એક નાનકડા બાળકના અભિગમ વિશે વાત વાંચી હતી, જે મોટેરાંઓને પણ કામ લાગે એવી છે. એ બાળકનો જન્મદિવસ આવતો હતો. એને જન્મદિવસની ભેટ તરીકે સાઇકલ લેવાની બહુ જ ઇચ્છા હતી. પરંતુ એ વખતે એના પિતાની આર્થિક સ્થિતિ સારી નહોતી. એથી એ દીકરા માટે સાઇકલ ખરીદી શકે તેમ નહોતો. દીકરો દરરોજ રાતે સૂતાં પહેલાં સાઇકલ માટે ભગવાનને પ્રાર્થના કરતો. એના જન્મદિવસની સવારે માબાપે લાલ કચકડામાં પેક કરેલું એક બૉક્સ એને આપ્યું. એમાં એક નોટબુક હતી, એક પેન્સિલ હતી, એક રબર અને પેન્સિલ છોલવાનો સંચો વગેરે હતાં. પિતાએ કહ્યું, “બેટા, અમને માફ કરજે, અમે તને જોઈતી હતી એ ભેટ આપી શક્યાં નથી. તું નિરાશ થયો હશે કે ભગવાને તારી પ્રાર્થનાનો જવાબ આપ્યો નહીં.” દીકરાએ સ્મિત કર્યું અને બોલ્યો: “ના, ના, ભગવાને મારી પ્રાર્થનાનો જવાબ તો આપ્યો જ, એમણે આ વખતે ના પાડી એટલું જ!” એ બાળક ‘ના’ સાંભળવા તૈયાર હતો.
એની સામે બીજું આ દૃષ્ટાંત જોઈએ. રમકડાની દુકાનમાં એક પાંચ વરસની છોકરી મોટેથી રડતી હતી અને માતાપિતા એને સમજાવવાના પ્રયત્ન કરતાં હતાં, પરંતુ એ એમની વાત સાંભળવા તૈયાર જ નહોતી. દુકાનમાં આવેલા બધા લોકો આ તમાશો જોઈ રહ્યાં હતાં. કારણ શું હતું? એ છોકરીને ઢીંગલી જોઈતી હતી. એ ઢીંગલી દુકાનમાં હતી પણ ખરી અને માબાપ એને ખરીદી આપવા માટે તૈયાર પણ હતાં, પરંતુ છોકરીને ઢીંગલીનો જે રંગનો પોશાક જોઈતો હતો એ નહોતો. એથી એ ભેંકડા તાણીને રડતી હતી. એ છોકરી એને જે જોઈતું હતું એની ‘ના’ સાંભળવા તૈયાર નહોતી. પેલો છોકરો એની સામે ઊભી થયેલી પરિસ્થિતિને સ્વીકારી શક્યો હતો, જ્યારે આ છોકરી પરિસ્થિતિને સ્વીકારવા જરા પણ તૈયાર નહોતી.
આ બંને પ્રકારનાં બાળકો આપણી ભીતર જિંદગીભર જીવતાં રહે છે. કેટલાય લોકો પરિસ્થિતિનો સ્વીકાર કરી શકતાં નથી, કેટલાક લોકો ગમે તેવી સ્થિતિ ઊભી થાય એને હસતે મોઢે સ્વીકારવા તૈયાર હોય છે. જિંદગીના કોઈ એક તબક્કે નિરાશજનક લાગેલી સ્થિતિ ભવિષ્યમાં કેવો સકારાત્મક વળાંક લેશે એની આપણને ખબર હોતી નથી. અંગ્રેજીમાં જેને ‘બ્લેસેન્ગિસ ઈન ડિસગાઈસ’ કહે છે એવું ઘણી વાર, ઘણા લોકો સાથે, બને છે. વાસ્તવમાં દરેક ઘટનાનું પોતીકું મહત્ત્વ હોય છે અને દરેક ઘટના આપણા માટે નવી તક ઊભી કરે છે, આપણામાં નવી તાકાત જન્માવે છે અને જિંદગીને જોવાનો જુદો જ આભિગમ આપે છે.
એક મહિલા ન્યૂ યોર્કના વર્લ્ડ ટ્રેડ સેન્ટરમાં આવેલી એક ઑફિસમાં કામ કરતી હતી. એ રોજની જેમ કામ પર જવા માટે સમયસર ઘેરથી નીકળી. બસ-સ્ટોપ પર પહોંચી ત્યાં જ એનાં ચંપલ તૂટી ગયાં અને એને એ બદલવા માટે ઘેર પાછા જવું પડ્યું. મોડું થઈ ગયું હતું એથી એ બહુ જ ડિસ્ટર્બ હતી કારણ કે એણે મહત્ત્વના ક્લાયન્ટ સાથેની મીટિંગમાં હાજર રહેવાનું હતું. રસ્તામાં જ એને સમાચાર મળ્યા કે વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર આતંકવાદી હુમલો થયો છે અને કેટલાય માણસો એમાં મૃત્યુ પામ્યાં છે. સારા ડેવિસ લખે છે: “ગમે તેવી ખરાબ પરિસ્થિતિ પણ સારી હોઈ શકે છે કારણ કે એનાથી પણ વધારે ખરાબ પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા હોય છે.”
આપણને ખબર હોતી નથી કે બની રહેલી ઘટના આપણને ક્યાં લઈ જશે. આપણે આપણા દૃષ્ટિકોણ, અભિગમની દીવાલ વચ્ચે એટલાં બધાં ફસાઈ ગયાં હોઈએ છીએ કે જે બની રહ્યું હોય છે એનાં નજીકનાં પરિણામ વિશે જ વિચારીને હતાશામાં ડૂબી જઈએ છીએ અથવા વધારે પડતા ઉત્સાહી બની જઈએ છીએ, લાંબો વિચાર કરવાની તૈયારી જ હોતી નથી. પ્રશ્ર્ન બનેલી ઘટના કે ઊભી થયેલી પરિસ્થિતિને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજવાની છે. એક પ્રૌઢ વિધવાને ખબર પડી કે એને જીવલેણ કેન્સર છે. આરંભિક આઘાત પછી એણે નક્કી કર્યું, એની પાસે જેટલો સમય બાકી રહ્યો છે એમાં એ એનાં સંતાનોના ભવિષ્ય માટે જરૂરી બધી તૈયારી કરી લેશે, જેથી એના મૃત્યુ પછી સંતાનોને તકલીફ પડે નહીં. એણે અનિવાર્ય મૃત્યુને સ્વીકારી લીધું, પણ બે વરસ જીવી ત્યાં સુધી એને તાબે ન થઈ. એને મળેલા સમયમાં એણે સંતાનોના ભવિષ્ય માટે જરૂરી બધાં જ કામ પૂરાં કરી લીધાં અને પછી શાંતિથી વિદાય લીધી. એણે એની જિંદગીનાં છેલ્લાં બે વરસમાં મેળવેલી સ્પેસ કદાચ એ સિત્તેર-એંસી વરસની વય સુધી પણ મેળવી શકી ન હોત.
આખી વાતને સમજાવવા માટે લેખિકા અનુરાધા શ્યામ સાપ-સીડીની રમતનું દૃષ્ટાંત આપે છે. કહે છે: “સાપનું મોઢું નીચે લઈ જાય છે, સીડીનો નીચેનો છેડો ઉપર લઈ જાય છે.” પેલા છોકરાએ કહેલી વાત ફરી સાંભળીએ – આપણી પ્રાર્થનાનો જવાબ તો મળે જ છે, આ વખતે ભલેને નકારમાં મળ્યો.
શ્રી વીનેશ અંતાણીનું વીજાણુ સંપર્ક સરનામું: vinesh_antani@hotmail.com
સ્વીકાર ભાવ