લુત્ફ-એ-શેર: મણકો # ૯૮

ભગવાન થાવરાણી

એક ગુમનામ શાયર કહે છે :

આદમી પહચાના જાતા હૈ કયાફા દેખ કર
ખત કા મઝમૂં ભાંપ લેતે હૈં લિફાફા દેખ કર

(કયાફા એટલે ચેષ્ટા અથવા ચહેરાનો આકાર, હુલિયો. જેમ માણસ એના ચહેરા અને હાવભાવ ઉપરથી ઓળખાઈ જાય એમ જ પત્રમાં શું લખ્યું છે એ પરબીડિયું જોતાં ખબર પડી જાય !)

કેટલાક અજાણ્યા શાયરોની રચનાઓનું પણ એવું જ. એમના બે-ચાર શેર વાંચીએ ત્યાં અંદાજ આવી જાય કે એમને આગળ વાંચવા જોઈએ કે કેમ. મહદંશે આ માન્યતા સાચી પૂરવાર થાય. મૂળ પાકિસ્તાનના પરંતુ અમેરિકા જઈ વસેલા લેખક, પત્રકાર, ચળવળકાર અને શાયર ઈફ્તેખાર નસીમ ના કિસ્સામાં આવું જ થયું . ઈફ્તેખાર આરિફ અને ઈફ્તેખાર ઈમામને વાંચ્યા હતા પણ આ નામ નવું હતું. એમના થોડાક શેરમાંથી પસાર થયા બાદ થયું, એમને વધુને વધુ વાંચવા જોઈએ. એમના ચારમાંથી એક કાવ્યસંગ્રહનું નામ છે  ‘ આબદોઝ ‘ ( પાણીની અંદર ચાલતું જહાજ – સબમરીન ) અને એક વાર્તાસંગ્રહનું નામ  ‘ શબરી ‘ . એમના થોડાક શેર દ્વારા એમની જોડે પરિચય કેળવીએ :

અગરચે  ફૂલ  યે  અપને  લિએ ખરીદે હૈં
કોઈ જો પૂછે તો કહ દૂંગા ઉસને ભેજે હૈં

જેમ આ શેર જીવનની કડવી વાસ્તવિકતાઓને ખમી ખાવાની નસીહત આપે છે બિલકુલ એમ જ આ શેર પણ :

હઝાર તલ્ખ હોં યાદેં મગર વો જબ ભી મિલે
ઝબાં  પે  અચ્છે દિનોં  કા હી ઝાયકા રખના

(સ્મૃતિઓ મોટા ભાગની ભલે કડવી હોય પણ મળીએ ત્યારે ગણતરીના સારા દિવસોને જ યાદ રાખવા! )

દુનિયામાં સુખેથી જીવવું હોય તો કેવા હોવું ઘટે એના થોડાક વધુ પાઠ :

કભી ન લાના મસાઈલ ઘરોં કે દફતર મેં
યે દોનોં પહલૂ હંમેશા જુદા જુદા રખના

(મસાઈલ = સમસ્યાઓ)

ઘર કી દીવાર કો ઈતના ભી તૂ ઊંચા ન બના
તેરા  હમસાયા  તેરે  સાયે  સે  ડરતા  જાએ

(પોતાની આજુબાજુ એવી વાડ ન બાંધો કે તમારા સ્વજનો પણ તમારાથી અળગા રહે ! ખૂલતા રહો, ખીલતા રહો . )

હવે ઈફ્તેખાર સાહેબનો મને સહુથી વધુ ગમેલો શેર :

બહતી રહી નદી મેરે ઘર કે કરીબ સે
પાની કો દેખને કે લિયે મૈં તરસ ગયા ..

ઠેઠ ગંગા – યમુનામાં પવિત્ર થવા લાંબા થઈએ પણ ઘર, ગામ કે આપણી નજીકમાં જ વહેતી અને મૂળભૂત રીતે એ જ ‘ જળ ‘ ધરાવતી નદીનું આચમન જ ચૂકી જઈએ, કારણ કે એ તો બાજુમાં જ છે, ગમે ત્યારે ‘ નહાઈશું ‘, એ ક્યાં ‘ નહાતાં ‘ રોકવાની છે ? આપણી આસપાસ જ રહેલાં પણ આપણે સદા ઉવેખ્યાં હોય એવા કેટલાક પ્રેમાળ સ્વજનો અંગે પણ આ શેર સંદર્ભે વિચારી શકાય.


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.

Author: Web Gurjari

3 thoughts on “લુત્ફ-એ-શેર: મણકો # ૯૮

Leave a Reply to Purushottam Mevada Cancel reply

Your email address will not be published.