પગદંડીનો પંથી : ભાગ ૧ – ૧૩ ડૉક્ટર પણ મરે છે ડૉક્ટરનાં સગાં પણ મરે છે

પુરુષોતમ મેવાડા

હા, આ વાત ડૉ. પરેશને પોતાની પ્રોફેશનલ કેરિયરમાં બહુ જલદી સમજાઈ ગઈ હતી. થોડું લાંબું કહેવું પડશે.

એક તો, શાળામાં એ ઘણો મોડો દાખલ થયેલો, વચ્ચે બિમારીને લીધે અને સંજોગવશાત, હા સંજોગવસાત એ ૩૪ વર્ષે પરણી શક્યો. ભણેલી અને બેંકમાં નોકરી કરતી સુંદર છોકરી સાથે એ દેવું કરીને પરણ્યો હતો.

સારા, સંસ્કારી ઘરની ગ્રૅજ્યુએટ છોકરી કિરણ ખૂબ સુંદર હતી. ડૉ. પરેશને આસિસ્ટન્ટ પ્રોફેસરની નોકરી મળી ગઈ હતી, અને GPSCમાં કાયમી ગેઝેટેડ ઑફિસર! નોકરી કરતાં-કરતાં પણ કિરણ ડૉક્ટરની ખૂબ કાળજી લે. એનું પિયર નજીકમાં, પણ અઠવાડિયે રજાના દિવસે જ, કદી ડૉ. પરેશની સાથે, તો કદી એકલી જતી. ખરેખર સુખના દિવસો હતા. લોકોની નજરમાં ડૉક્ટર ‘કાગડો દહીંથરું લઈ ગયો’ એવું કહેવાતું. (એક મિત્ર-પત્નીએ જ તેને કહેલું!) બંને કમાતાં હતાં અને ભવિષ્યનાં સપનાં જોતાં હતાં. પણ જીવનમાં સંપૂર્ણ લાગે એવું સુખ કોઈને પણ મળે, ત્યારે એ લાંબું ટકતું નથી. ડૉક્ટર પરેશના જીવનમાં પણ એમ જ બન્યું.

લગ્નને બે જ વર્ષ થયાં હતાં, અને શહેરમાં કમળાનો રોગ ફેલાયો, Hepatitis B! આ જીવલેણ બિમારી કિરણને પણ ભરખી જશે એવો વિચાર સપને પણ ના આવે!

“જરા તારી આંખો જોવા દે.” એક સવારે ચ્હા પીતાં-પીતાં ડૉ. પરેશે કિરણને કહ્યું.

આંખો જોઈ તો પીળી પડી ગઈ હતી! ડૉ. પરેશ અંદરથી હલબલી ગયો. સાંજે રિપૉર્ટ આવ્યો, કિરણને Hepatitis-B જ હતો! હવે બંનેને ખબર પડી કે દવાના અભાવે આ રોગ જીવલેણ હતો, ખાસ કરીને કિરણ પ્રેગ્નન્ટ હતી. સાતમો મહિનો જતો હતો.

કિરણ પોતાની દેખરેખ હેઠળ રહે એ માટે ડૉ. પરેશે તેને દવાખાનામાં દાખલ કરાવી. કિરણનાં માતા-પિતા અને ભાંડુઓનો સહકાર સારો હતો. ડૉ. પરેશ પોતાની સર્જન તરીકેની નોકરી કરતાં-કરતાં તેની સાથે શક્ય એટલું વધારે જ રહેતો હતો.

કિરણની તબિયત દિવસે-દિવસે બગડતી જતી હતી. સાથી પ્રોફેસરો (મેડિકલ)નો જોઈએ એવો સાથ મળતો નહોતો. ડૉ. પરેશ નવો જ હતો, કોઈની સાથે અંગત સંબંધો ન હતા એટલે, કે ચેપના ડરથી, કે પછી જીવલેણ રોગમાં કંઈ નથી કરવું એવું વિચારીને તેઓ મદદમાં નહીં આવતા હોય, પણ ડૉ. પરેશ જાતે જ નવું વાંચીને અને પ્રોટોકૉલ પ્રમાણે ટ્રીટમેન્ટ કરતો રહેતો હતો.

એક દિવસ વહેલી સવારમાં અચાનક જ કિરણ બેભાન થઈ ગઈ! ડૉક્ટરો સવાર-સવારમાં આવ્યા નહોતા અને બીજા સ્ટાફની ડ્યૂટી બદલાતી હતી. ડૉ. પરેશે જાતે જ એની સારવાર કરવી પડી, એટલે સુધી કે બાટલા ચડાવવા નસ પકડાતી નહોતી, એટલે ચીરો મૂકી તેમાં પાતળી પ્લાસ્ટિકની ટ્યૂબ મૂકવાનું નાનું ઑપરેશન પણ તેણે એકલા હાથે કરવું પડ્યું. એક પટાવાળાને કિરણનાં સગાંને જાણ કરવા મોકલ્યો. (ત્યારે ૧૯૮૪માં આવી ફોનની વ્યવસ્થા ન હતી.)

બીજા ડૉક્ટરો આવ્યા ત્યાં સુધીમાં કિરણને લેબર પેઇન શરૂ થઈ ગયું હોય એવું લાગ્યું. લોહી વહેવું શરૂ થઈ ગયું હતું. કમળાના રોગમાં રક્તસ્ત્રાવની પ્રક્રિયા વધે છે. લીવર/કલેજામાં રસાયણો ન બનવાને લીધે Clotting Mechanism નાશ પામતું હોય છે. કિરણને તરત જ સ્ત્રી નિષ્ણાતના વૉર્ડમાં દાખલ કરવામાં આવી. એ સમયે ICCU/ICUની પદ્ધતિ મેડિકલ વૉર્ડમાં માંડ હતી, પણ હોસ્પિટલ-સ્ટાફના જ સગા હોવા છતાં આવા ચેપવાળા દર્દીને ત્યાં રાખી શકાય એમ નથી એવું જણાવાયું. કિરણને જ્યાં રાખી હતી તે લેબરરૂમમાં (જ્યાં પ્રસૂતિની સ્ત્રીઓ દાખલ હોય) પૂરતી સગવડ ન હતી. હાથથી Ambu Bag વાપરીને તેને શ્વાસોચ્છવાસ કરાવી ઓક્સિજન અપાતો રહ્યો. ડૉક્ટરો વારાફરતી એ કામ કરે.

આ તરફ કિરણનાં શરીરનાં બધાં અંગોમાંથી, આંખો, કાન, મોઢું અને પેશાબની જગ્યાએથી રક્તસ્ત્રાવ ચાલ્યા કરતો હતો. ૬ દિવસમાં એક પછી એક ૧૪ બોટલ લોહી આપેલું! એ લોહી પણ હોસ્પિટલના જ રેસિડેન્ટ ડૉક્ટરોએ જ આપેલું, કારણ કે એ ફ્રૅશ હોય એ જરૂરી હતું.

આ દરમ્યાન કિરણે ૭ મહિને એક સુંદર પુત્રને જન્મ આપ્યો.

Verticle Transmission હોવાને કારણે તેને પણ બાળકોના વૉર્ડમાં સારવારમાં મૂક્યો. દરરોજ સીનિયર ડૉક્ટરો આવે અને જતા રહે, કોઈ નક્કર વાત કરી શકે એમ નહોતું. Hepatitis-B મુક્ત થાય તો પણ કિરણને Liver Transplantથી જ બચાવી શકાય એમ હતું, પણ એ તો શક્ય જ નહોતું!

ડૉ. પરેશ ફક્ત કપડાં બદલવા પૂરતો જ પોતાના રૂમ પર જતો, અને પાછો આવી મરતી વ્હાલી પત્નીને જોતો, અને કોઈને ના ખબર પડે એમ રડતો. એવામાં એને તેના સીનિયર ડૉક્ટરોએ મીટિંગ બોલાવી. મિટિંગમાં તેમણે જે નક્કી કર્યું હતું તે એમણે ડૉ. પરેશને જણાવ્યું.

“ડૉ. પરેશ, તમે જાણો જ છો કે આ રીતે Artificial Respiration ઉપર સંપૂર્ણ નાશ પામેલા Liver સાથે કોઈને જિવાડી શકાય નહીં. અમે નિર્ણય લીધો છે કે બધી જ જાતની સારવાર બંધ કરવી, ૧૦ દિવસ થયા છે, ફાયદો થાય એમ નથી.”

ડૉ. પરેશઃ “હા, હું સમજી ચૂક્યો છું, એને વધારે રિબાવવા કરતાં ભગવાનને સોંપી દેવી એ જ યોગ્ય છે… આપની સાથે હું સહમત છું.”

તેને ખૂબ જ રડવું હતું પણ રડી શકાયું નહીં. મોતને સ્વીકારવાનું તો એ નાનપણથી જ શીખ્યો હતો, જ્યારે એની સાત વર્ષની બહેન હડકવાથી મરી ગઈ હતી. ત્યારે કદાચ ડૉક્ટરની ઉંમર પાંચ વર્ષની હતી.

અને એનો પુત્ર? એ પણ કિરણના ચાલી ગયા પછી સાતમા દિવસે એ પણ પોતાની માને શોધવા, બાપને અપાહીજ છોડી જતો રહ્યો.

કોણ કહે છે ડૉક્ટર ભગવાન છે?

જ્યારે હું આ લખી ચૂક્યો છું, ત્યારે ડૉક્ટર પરેશનાં મા-બાપ, બે ભાઈઓ, સાસુ-સસરા જેવાં ઘણાં અંગત સંબંધીઓ અને મિત્રોને ગુમાવી ચૂક્યો છે. તેની માએ તો તેના જ દવાખાનામાં છેલ્લો શ્વાસ લીધેલો!

ડૉક્ટરના અનુસંધાનમાં સ્વ. કવિ શ્રી દીપક બારડોલીકરની આ પંક્તિઓ કેટલી યથાર્થ છેઃ

“મૃત્યુ
મારા માટે
કોઈ નવી વસ્તુ નથી.”

 

યાદ એની હૃદયના શૂળ જેવી,

વેદનાની દવા તત્કાલ રાખું છું!

         – ‘સાજ’ મેવાડા


ડૉ. પુરુષોતમ મેવાડાનો સંપર્ક mevadapa@gmail.com વીજાણુ સરનામે થઈ શકે છે

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.