સુરાવલી, સિનેમા અને સ્મૃતિઓ : (૧૪) સ્વરકાર – ચાહીને બનેલા કે અનાયાસે બની ગયેલા?

નલિન શાહ

{નલીન શાહના અંગ્રેજી પુસ્તક Melodies, Movies and Memories (૨૦૧૬) નો  અનુવાદ}

અનુવાદ: પિયૂષ મ. પંડ્યા

આરંભકાળથી જ શાસ્ત્રીય અને લોકસંગીત પર આધારિત ફિલ્મ સંગીતે શ્રોતાઓના મનમાં સ્થાન જમાવી લીધું હતું. તે સમયની ફિલ્મોમાં મોટી સંખ્યામાં ગીતો હોવાનું કારણ આ પરથી સમજી શકાય છે. ૧૯૩૦ના સમયગાળાના મોટા ભાગના સંગીતનિર્દેશકો નાટકની દુનિયામાંથી આવ્યા હતા અને શાસ્ત્રીય સંગીતના જાણકાર હતા. બલ્કે કહી શકાય કે સ્વરકાર બનવા માટે શાસ્ત્રીય સંગીતની જાણકારી એક અનિવાર્ય જરૂરીયાત હતી.

બદલાતા સમયની સાથે સંગીતનું સ્વરૂપ બદલાતું રહ્યું છે. બીજા વિશ્વયુધ્ધ પછી લોકોના જીવનની બદલાયેલી રફતાર, પશ્ચીમી જીવનશૈલીના પ્રભાવનો વધારો, ટેકનીકલ આગેકુચ અને દેશના ભાગલા પછી નવા નવા સ્વરકારોના આગમન જેવાં પરિબળોએ સંગીતમાં થતા રહેતા ક્રાંતિકારી બદલાવમાં મહત્વનું પ્રદાન કર્યું. વાદ્યવૃંદ વડે થતી સજાવટ થકી ગીતો વધુ ને વધુ ભભકાદાર બનવા લાગ્યાં. વરિષ્ઠ સંગીતકારોનો સમય રહ્યો, ત્યાં સુધી તેમણે શાસ્ત્રીય ગીતોને યથાયોગ્ય વાદ્યવૃંદ વડે સજાવ્યાં. ઉદાહરણો જોઈએ તો ‘બૈજુ બાવરા’ (૧૯૫૨)નું ગીત મોહેં ભૂલ ગયે સાંવરીયા, ૧૯૫૨ની જ ફિલ્મ ‘રાગરંગ’નું એ રી આલી પિયા બિન, ફિલ્મ ‘હમદર્દ’ (૧૯૫૩)નું રીતુ આયે રીતુ જાયે સખીરી, ‘સીમા’ (૧૯૫૫)નું મનમોહના બડે જૂઠે, ૧૯૫૫ની જ ફિલ્મ ‘જનક જનક પાયલ બાજે’નું નૈન સો નૈન ના હી મિલાઓ, ૧૯૫૬ની ફિલ્મ ‘બસંત બહાર’નું સૂર ના સજે ક્યા ગાઉં મૈં, એ જ વર્ષની ફિલ્મ ‘ચોરી ચોરી’(૧૯૫૬)નું રસિક બલમા, ‘મૈં નશે મેં હૂં’(૧૯૫૯)નું સજન સંગ કાહે નેહા લગાયે, ૧૯૬૦ની ફિલ્મ ‘અનુરાધા’નું સાંવરે સાંવરે, ‘મેરી સૂરત તેરી આંખેં’(૧૯૬૩)નું પૂછો ના કૈસે મૈં ને રૈન બીતાયી અને ૧૯૭૦ની ફિલ્મ ‘ગુડ્ડી’ના બોલે રે પપીહરા જેવાં ગીતો અલગઅલગ સમયખંડોમાં બન્યાં હોવા છતાંયે લોકપ્રિય બન્યાં હતાં. આ એક જ કારણથી શાસ્ત્ર્રીય સંગીતના જાણકાર એવા સંગીતકારો લાંબા સમય સુધી ટકી શક્યા. આખરે સમયે સમયનું કામ કર્યું.

૧૯૭૫ સુધીમાં સર્જક કહી શકાય એવા મોટા ભાગના સંગીતકારોની વિદાયની સાથે સંગીતની દુનિયા લગભગ વેરાન થઈ ગઈ. જે ટકી રહ્યા હતા એ પૈકીના નૌશાદ અને સી. રામચંદ્ર જેવાઓ આવી રહેલા પરિવર્તન સાથે તાલ ન મિલાવી શક્યા. ૧૯૮૦ના દાયકા પછી જે પ્રકારની ફિલ્મોનો ઘાણ ઉતરી રહ્યો હતો એમાં સ્વરકારે શાસ્ત્રીય સંગીતના જાણકાર હોવું નિરર્થક બની ગયું હતું. પોતાની જાતને ‘જન્મજાત સંગીતકાર’ તરીકે ઓળખાવવાનો દાવો કરનારા સાહસિકો માટે (ફિલ્મી સંગીતની) આ દુનિયામાં પ્રવેશવાનો સમય પાકી ગયો હતો.

વિતતા જતા દરેક દશકની સાથે શાસ્ત્રીય સંગીતની તાલિમની જરૂરીયાત ઘટતી જતી હતી. પણ, અવગણી ન શકાય એવી હકિકત એ હતી કે સ્વરનિયોજકની સર્જકતાને ઉપસાવવામાં શાસ્ત્રીય સંગીત નું જ્ઞાન ખુબ જ ઉપયોગી નીવડતું હતું. નવાઈની વાત તો એ છે કે ઓ પી નૈયર જેવા સ્વરકારો પોતે શાસ્ત્રીય સંગીત ન શીખ્યા હોવાનું સ્વીકારતા હતા. તેમ છતાં નૈયરે કેટલીક નકલ કરીને બનાવેલી ધૂનો તેમ જ તાલના પ્રભાવશાળી પ્રયોગો દ્વારા સફળતાપૂર્વક લોકપ્રિય સંગીત પીરસ્યું. એવા પણ સંગીતકારો છે, જેમની સફળતામાં તેમના જાણકાર અને સક્ષમ સહાયકોના પ્રદાનનું મહત્વ જરાયે ઓછું નહોતું.

સહજ સ્વરકાર હોવા માટે ભલે શાસ્ત્રીય સંગીતની તાલિમ ન લીધી હોય, એનું પાયાનું જ્ઞાન જરૂરી છે. જેમ કે મદનમોહનને બાળપણથી જ સંગીતનું ઘેલું લાગ્યું હતું. નાની વયે પણ તે સુરૈયા અને રાજકપૂરની સાથે ઓલ ઇન્ડીયા રેડિઓ પર બાળકો માટેના કાર્યક્રમોમાં ગાતા. પછી તેઓ સેનામાં જોડાયા પણ તેમનો જીવ સંગીતમાં રહેતો હતો. બીજા વિશ્વયુદ્ધ પછી સેનામાંથી રાજીનમું આપી, તે ઓલ ઇન્ડીયા રેડિઓના લખનૌ સ્ટેશન સાથે શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો તૈયાર કરવા માટેના સહાયક નિયોજક તરીકે સંકળાયા. એ સમયે તેઓ બરકતઅલી ખાન, સિદ્ધેશ્વરી દેવી, બેગમ અખ્તર અને અન્ય મહારથી ગાયકોના સંપર્કમાં આવ્યા. આ અનુભવે તેમના ઠૂમરી અને ગઝલ તરફના લગાવને આગળ વધાર્યો. ૧૯૪૮ની ફિલ્મ ‘શહીદ’ માટે તેમણે માસ્ટર ગુલામ હૈદરના નિર્દેશનમાં લતા મંગેશકર સાથે એક યુગલગીત ગાયું(પછીથી એ ફિલ્મમાંથી કાઢી નખાયું). એ જ વર્ષની ફિલ્મ ‘એક્ટ્રેસ’નું અને ૧૯૫૦ની ફિલ્મ ‘નિર્દોષ’નું સંગીત તૈયાર કરવા માટે ખ્યાતનામ સંગીતનિર્દેશક શ્યામસુંદર સાથે તેમણે સહાયક તરીકે કામ કર્યું. આમ, એક સ્વરકાર તરીકેની મદનમોહનની ક્ષમતાને માટે (મજબૂત) પાયો તૈયાર થઈ ગયો. પછી જે ઈતિહાસ સર્જાયો, એ જગજાહેર છે.

મદન મોહન, લતા મંગેશકર

નસીબને સહારે સફળ થઈ ગયેલા એવા ૧૯૮૦ (પછી)ના એક સંગીતકારને પોતાની લોકપ્રિયતા ટકાવી રાખવા માટે થઈને શાસ્ત્રીય સંગીત શીખવાનો વિચાર આવ્યો. (અભિનેતા ગોવીંદાનાં માતા) ગાયિકા નિર્મળાદેવીની સલાહ મુજબ એ સંગીતકારે શાસ્ત્રીય સંગીતના પાયાના સિદ્ધાંતો શીખવા માટે (પાર્શ્વગાયક મુકેશના ગુરુ એવા) ૮૫ વર્ષના પંડીત જગન્નાથ પ્રસાદનો સંપર્ક કર્યો.

પં. જગન્નાથ પાસે તાલિમ લઈ રહેલાં અભિનેત્રી નૂતન

એ સામાન્ય સમજણ છે કે શાસ્ત્રીય સંગીતને પૂરેપૂરું શીખી શકવા માટે આખી જીંદગી ટૂંકી પડે. નવાઈની વાત એ છે કે ખાસ્સા વ્યસ્ત રહેતા (૧૯૮૧-૧૯૮૫ના ગાળામાં ૧૨ ફિલ્મો) આ યુવાન અને મહત્વાકાંક્ષી સંગીતકારે ગુરુને કહ્યું કે પોતે હવે વધારે શીખવા નહોતા માંગતા. કારણ આપતાં તેણે જણાવ્યું કે પોતે જન્મજાત સ્વરકાર છે અને થોડા મહિનાઓમાં પૂરતું આવડી ગયું છે. પોતાની ક્ષમતા ઈશ્વરી બક્ષીસ હતી, તેથી એ સંગીતકારે ગુરુદક્ષીણા આપવાની પણ જરૂર નહોતી જાણી! આગળ જતાં એમને મળેલી વ્યવસાયિક સફળતાએ બતાવી આપ્યું કે તેને માટે સંગીતનું જ્ઞાન નહીં _ પણ મળતી રહેલી તકો કારણભૂત હતી. એ સફળતા બહુ લાંબી ન ટકી રહી, એ જુદી વાત છે.

ઊંચા ગજાના સારંગીવાદક પંડીત રામનારાયણે મને એક કિસ્સો કહેલો, જે તેમને સુખ્યાત શાયર સાહિર લુધિયાનવીએ જણાવેલો. એક વાર સાહિર પાસે માર્ગદર્શન મેળવવા માટે લુધિયાણાથી એક મુલાકાતી ગયા. એમણે જણાવ્યું કે પોતે ‘સંગીત વિશારદ’ હતા અને વર્ષોના અભ્યાસ તેમ જ તપસ્યા વડે શાસ્ત્રીય સંગીત ઉપર ખાસ્સું પ્રભુત્વ કેળવ્યું છે. મુલાકાતીએ પોતાની સંગીતના ક્ષેત્રની અને ખાસ કરીને શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રની જુદીજુદી સિદ્ધિઓનું વર્ણન કર્યું. સાહિરે શાંતિથી સાંભળ્યે રાખ્યું.

પછી તેમણે પૂછ્યું, “તો, હું શું કરી શકું?” મુલાકાતિએ આશાભેર જણાવ્યું કે પોતે ફિલ્મોના સંગીતકાર બનવા ઈચ્છતા હતા. આશ્ચર્ય વ્યક્ત કરતાં સાહિરે કહ્યું, “જો તમારે (ફિલ્મી) સંગીતકાર જ બનવું હતું તો આ બધું (શાસ્ત્રીય સંગીત) શીખવામાં આટલો બધો સમય શુંકામ બરબાદ કર્યો!”

સાહિરના આત્યાંતિક વિચારો અને તીખી જબાન થકી તેના સમયના કેટલાક અગ્રગણ્ય સંગીતકારોને લાગી આવ્યું હતું. પણ, શું એની વાત આવી રહેલા સમય તરફ અંગુલિનિર્દેશ નહોતી કરતી?

એ હકીકતથી કોઈને સહેજેય નવાઈ ન લાગે કે પુરાણા સમયના સંગીતનું આયુષ્ય લાંબું છે, જ્યારે આજકાલનું થોડાઘણા ફેરફારો કરીને બનાવવામાં આવતું સંગીત જેટલી ઝડપથી લોકપ્રિય થાય છે, એટલી જ ઝડપથી ભૂલાઈ પણ જાય છે. અને એ જ તો તફાવત છે, ચાહીને બનેલા અને બનતાં બની ગયેલા સ્વરકાર વચ્ચેનો : એક ક્ષમતા પર આધારીત છે અને બીજો નિયતી ઉપર.


શ્રી પિયૂષ પંડ્યાનું વીજાણુ સંપર્ક સરનામું: piyushmp30@yahoo.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.