મૈં તો સૂરદીવાની…..

લ્યો, આ ચીંધી આંગળી

રજનીકુમાર પંડ્યા

અપૂર્વ અને અનન્ય ભજનગાયિકા સ્વ. જ્યુથિકા રોય – બીરેન કોઠારી અને રજનીકુમાર પંડ્યા

(આ તા. ૧૨ એપ્રિલે સ્વ. જ્યુથિકા રોયની ૧૦૩મી જન્મજયંતિ આવી રહી છે એના ઉપલક્ષ્યમાં દસ્તાવેજી હકીકતો ધરાવતો આ લેખ એક અંજલિરૂપે)  

અનુપ જલોટા અને આલિશા ચિનાઈ વચ્ચે શું સામ્ય ? સી. એચ. આત્મા અને બેગમ અખ્તર શી રીતે સમાન છે ? પંકજ ઉધાસ, હરિ ઓમ શરણ અને તલત અઝીઝમાં સામાન્ય કહેવાય એવું શું છે ? સ્વાભાવિક રીતે જ આ સૌની ગાયકી એકબીજાથી તદ્દન ભિન્ન છે, તેમ ચાહકવર્ગ પણ પોતપોતાનો આગવો છે. આમ છતાં એક સમાનતા દરેકમાં છે, એમ કહી શકાય. આ સૌ ગાયક-ગાયિકાઓએ ફિલ્મોમાં ગીતો ગાયાં હોવા છતાં એમના ચાહકોમાં એમની મુખ્ય ઓળખ બિનફિલ્મી ગીતો-ગઝલ-ભજન થકી છે. બિનફિલ્મી ગાયનથી લોકપ્રિય થયેલા કલાકારોની આ યાદીમાં અનિવાર્યપણે લેવા પડે એવાં બે નામ એટલે જગમોહન ‘સૂરસાગર’ અને જુથિકા રોય.

જૂથિકા રોયે એક આંગળીના વેઢામાં સમાઈ જાય એટલી ફિલ્મોમાં જ કંઠ આપ્યો, પણ બિનફિલ્મી ગીતોમાં – ભજનોમાં એ હદે આદર પ્રાપ્ત કર્યો કે હજી આજેય ભક્તિગીત તેમ જ ગીતોની ગાયિકા તરીકે એમની હરોળમાં આવે એવું અન્ય નામ ઝટ હોઠે ચડતું નથી. 2008માં આ લેખ લખાયો ત્યારે છેલ્લા 47 વરસથી એમણે એક પણ રેકોર્ડિંગ કર્યું ન હતું અને એમનાં ગાયેલાં હિન્દી-બંગાળી ગીતોની કુલ સંખ્યા પૂરી ચારસો પણ નથી. ગ્લેમરથી, પ્રસિદ્ધિથી તેઓ દૂર રહેતાં હોવાથી એમના અસંખ્ય ચાહકો એમના અસ્તિત્વ વિશે ગેરસમજણ ધરાવતા હતા. આટલા જૂના સમયની મહાન ગાયિકા ત્યારે  જીવિત હતાં એ જાણીને એમને સુખદ આશ્ચર્ય થતું. જૂથિકા રોય ત્યારે તો કોલકાતામાં ક્ષેમકુશળ હતાં અને ગુજરાત સાથેનો, ગુજરાતી ચાહકો સાથેનો એમનો સ્નેહસંબંધ જે તે કાળે ટૂંક સમયમાં તાજો થવાનો હતો. એ નિમિત્તે જૂથિકા રોયના જીવનની કેટલીક ઓછી પ્રસિદ્ધ વાતોને મમળાવવાનો આ ઉપક્રમ હતો, અને એ પછીના એક વિશિષ્ટ કાર્યક્રમની રસપ્રદ વાત પણ અહીં કરવામાં આવી છે.

*******

જૂથિકા રોયનો જન્મ કોલકાતા નજીક આવેલા આમટા ગામમાં ૧૨ એપ્રિલ, ૧૯૨૦ના રોજ થયો. એ સત્યેન્દ્રનાથ રોય અને સ્નેહલતા રોયનું પાંચમું સંતાન હતા, પણ એમના અગાઉ ત્રણ પુત્રો આ દંપતીએ ગુમાવેલા. ત્યાર પછી દીકરી મલ્લિકા અને એના પછી જૂથિકાનો જન્મ થયેલો. જૂથિકાનું મૂળ નામ ‘યૂથિકા’ હતું. એવી પણ એક વાત છે, તો આગળ જતાં પ્રસિદ્ધ થતાં મુંબઈમાં તેઓ ‘જ્યોતિકા’ના નામે પણ ઓળખાતાં. એમનું લાડકું નામ હતું ‘રેણુ’.

નાનકડી જૂથિકાને બાળપણથી જ સંગીતનું જબરું આકર્ષણ હતું. એમના પિતાજી સબડિવિઝનલ ઈન્સ્પેક્ટર ઓફ સ્કૂલના હોદ્દે કામ કરતા હોવાથી એમની અવારનવાર બદલી થયા કરતી. સ્વાભાવિકપણે જ એમની સાથે એમના કુટુંબને પણ વિવિધ ગામોમાં ફરવું પડતું પણ સતત બદલાતાં રહેતાં આ કર્મસ્થળો વચ્ચેય એક બાબત સ્થાયી રહેતી. એ હતો એમનો સંગીતપ્રેમ. સત્યેન્દ્રનાથ રાય પોતે સંગીતના અચ્છા જાણકાર હોવાથી તેઓ સંગીતના અનેક ઉસ્તાદોની રેકર્ડ ખરીદી લાવતા અને ઘરે વગાડતા. એમના આ શોખને કારણે જ એમને થતું કે દીકરી જૂથિકાની પણ એચ.એમ.વી. જેવી કંપનીમાંથી રેકર્ડ નીકળે. જૂથિકાનાં માતા સ્નેહલતા રાય પોતે અત્યંત ધર્મિષ્ઠ હતાં. અનેક ભજનો, સ્તોત્રો એમને કંઠસ્થ હતાં. ઘરમાં એ સદાય મધુર અવાજે ગણગણ્યા કરતાં. આમ, જૂથિકાને બાળપણથી જ સંગીતના માહોલમાં ઊછરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું.

આમટા ગામમાં જૂથિકા અને એમની મોટી બહેન લતિકા રમવા માટે ઘરની બહાર તો સાથે જ નીકળતાં, પણ લતિકા પોતાની સખીઓ સાથે અનાજ વીણવા માટે ખેતરમાં ચાલી જતી, જ્યારે જૂથિકાને રસ પડતો પાસે જ બની રહેલા એક નવા મકાનનું ચણતરકામ જોવામાં. આ ચણતરકામ કરતા અનેક કારીગરો લયબદ્ધ રીતે કામ કરતા તે જોવાનું જૂથિકાને ખૂબ ગમતું. એમાંના એક કારીગરનો નાનકડો દીકરો હુસેનઅલી બહુ સુંદર ગીતો ગાતો. હુસેન પાસેથી સાંભળેલાં ગીતો ગણગણતી જૂથિકા ઘેર પાછી આવતી અને ઘરમાં પણ એને ગણગણ્યા કરતી. જૂથિકાનાં માતાજીને આ ગીતો સાંભળીને આશ્ચર્ય થતું કે રેણુ ક્યાંથી શીખી લાવતી હશે આવા સુંદર ગીતો ? એમણે જૂથિકાને જ આનો ખુલાસો પુછ્યો. જૂથિકાએ હુસેન વિશે જણાવ્યું. તેથી એમણે બીજે દિવસે હુસેનને પોતાને ઘેર બોલાવી લાવવા માટે કહ્યું. હુસેન બીજે દિવસે ઘેર આવ્યો અને એણે ઘણાં ગીતો સંભળાવ્યાં. ઘરનાં સહુ આ બાળકલાકારની પ્રતિભાથી ખુશ થઈ ગયાં. જો કે, થોડા દિવસમાં નાનકડો હુસેન તળાવમાં ડૂબીને મૃત્યુ પામ્યો, ત્યારે સૌથી વધુ આઘાત નાનકડી જૂથિકાને લાગ્યો. આઘાતની મારી એ સખત બીમાર પડી ગઈ અને તદ્દન મરણોન્મુખ થઈ ગઈ. માતાની અથાક ચાકરી થકી એ ફરીથી બેઠી થઈ શકી.

જૂથિકાની છ વરસની ઉંમરે એના પિતાજીની બદલી સેનહાટિ ગામમાં થઈ. પોતાની દીકરીની રેકર્ડ થઈ શકે એવું સત્યેન્દ્રનાથને હંમેશાં લાગતું. પરિણામે તેઓ ગ્રામોફોન કંપની સાથે પત્રવ્યવહાર કરતા રહેતા. આખરે ગ્રામોફોન કંપનીમાંથી એક વાર જૂથિકાને વોઈસ ટેસ્ટ માટે તેડું  આવ્યું ત્યારે જાણે સૌને સપનું સાકાર થતું લાગ્યું. કોલકાતામાં આવેલા એચ.એમ.વી.ના સ્ટુડિયોમાં સાત વર્ષની જૂથિકાનું ઓડિશન લેવામાં આવ્યું, પણ સ્ટુડિયોવાળાએ જુથિકાના અવાજને બદલે એની ઉંમરને ધ્યાનમાં લીધી. અને થોડી મોટી થાય પછી ફરીથી આવવાનું કહ્યું. સૌને આથી ઘણી નિરાશા થઈ.

થોડા સમય પછી કોલકાતાના રેડિયો સ્ટેશનમાં જૂથિકાને ઓડિશન માટે જવાનું બન્યું અને ત્યાં એની ઉંમરને બદલે કંઠને મહત્ત્વ અપાયું. જૂથિકાનું પહેલવહેલું ગીત રેડિયો પરથી પ્રસારિત થયું. આ રવિગીત (રવીન્દ્રનાથ ટાગોર રચિત ગીત) ‘આર દેખોના આધારે આમાય દેખતે દાઓ’માં એક પણ વાજિંત્રનો ઉપયોગ કરવામાં આવ્યો નહોતો. જો કે, જૂથિકાને પોતાનો ખુદનો અવાજ સાંભળવા ન મળ્યો.

સેનહાટિમાં જ એક વાર જૂથિકાને વિખ્યાત ગાયિકા સુધીરા દાસગુપ્તાને સાંભળવાનો મોકો મળ્યો. મળ્યો. જાતે જ હાર્મોનિયમ વગાડીને ગાતાં સુધીરાની ગાયકીની જૂથિકા પર ઊંડી અસર પડી. સુધીરા દાસગુપ્તાના ભાઈઓ વિમલ દાસગુપ્તા, કમલ દાસગુપ્તા અને સુબલ દાસગુપ્તા પણ સંગીતના જ ક્ષેત્રમાં હતા. સુધીરા પાસેથી જાણવા મળ્યું કે એ પોતાના મોટાભાઈ વિમલ દાસગુપ્તા પાસેથી સંગીત શીખી છે. નાનકડી જૂથિકાએ પણ વિમલદા પાસે સંગીત શીખવાની ઈચ્છા પ્રગટ કરી. સુધીરાએ એને કોલકાતા આવવાનું આમંત્રણ આપ્યું. એ મુજબ થોડા સમય પછી જૂથિકા ત્યાં ગઈ. વિમલદા પાસેથી તો જૂથિકા સંગીત શીખી ન શકી, પણ એને ક્યાં ખબર હતી કે વિમલદાના નાના ભાઈ અને અત્યંત પ્રતિભાશાળી સંગીતકાર કમલ દાસગુપ્તા સાથે એના સંગીતજીવનનો નવો અધ્યાય શરૂ થવાનો હતો.

સેનહાટિમાં નાનકડી જૂથિકાના કંઠની ખ્યાતિ ખૂબ ફેલાઈ. ત્યાંના દરેક કાર્યક્રમોમાં જૂથિકાનું ગાયન અનિવાર્ય થઈ ગયું. એક કાર્યક્રમમાં, ખુલ્લા મેદાનમાં ખીચોખીચ ભરાયેલા લોકો વચ્ચે જૂથિકાએ પોતાના બુલંદ કંઠે માઈક કે કશા વાંજિત્રની સહાય વિના ગાયું અને સૌને મંત્રમુગ્ધ કરી દીધાં. બીજે દિવસે સ્થાનિક છાપામાં ‘આપણી રેણુ, સેનહાટિની કોયલ’ના શીર્ષકથી રેણુને વધાવવામાં આવી.

જૂથિકાનાં માતા સ્નેહલતા રાય પોતે રામકૃષ્ણના, શારદામાના તેમ જ સ્વામી વિવેકાનંદના આદર્શને માનનારાં હતાં. એમની ત્રણેય દીકરીઓએ રામકૃષ્ણ મિશનના અનુયાયીઓ રાખે છે એવું બાર વર્ષનું વ્રત રાખ્યું. આ બાર વર્ષ દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરવાનું, માછલી-માંસ કે ઈંડાં નહીં ખાવાનાં, તેમ જ સફેદ વસ્ત્રો પહેરવાનાં-આવા નિયમો ચુસ્તપણે પાળવના હોય છે. આ વ્રતનો આરંભ કર્યો ત્યારે જૂથિકાની ઉંમર હતી ફક્ત અગિયાર વર્ષની. તેમની બંને બહેનો લતિકા અને મલ્લિકાએ બાર વર્ષનું આ વ્રત પૂરું થયા પછી પોતાનો મનગમતો રાહ લીધો, જ્યારે જૂથિકાએ આજીવન સફેદ વસ્ત્રો ધારણ કરી રાખ્યાં છે.

સેનહાટિ પછી સત્યેન્દ્રનાથની બદલી ટાંગાઈલમાં અને ત્યાર પછી કોલકાતા થઈ. આ બાજુ જૂથિકાના કંઠની જાળવણી બાબત એના માતાપિતા અનહદ ચિંતા કરતા. લાઠીદાવ જેવું ભારે કામ કરવાથી એના ગળાને નુકસાન થશે એવું વિચારીને એમણે જૂથિકાની લાઠીદાવની રમત પર મનાઈ ફરમાવી. રેણુના ગુરુ ધ્રુપદ સંગીતના ઉસ્તાદ કેષ્ટ ભટ્ટાચાર્યને ના પાડી દેવામાં આવી. કારણ? રેણુની માતાને લાગ્યું કે ફક્ત ધ્રુપદ શીખતા રહેવાથી એના ગળાની સૂક્ષ્મતા, મીંડ, તાન વગેરે ખતમ થઈ જશે.

આમ કેષ્ટ ભટ્ટાચાર્યનું શીખવવાનું બંધ થયા પછી હવે રેણુ માટે નવા ગુરુની શોધ આરંભાઈ. સ્મોલ કોઝ કોર્ટમાં કામ કરતા જ્ઞાનરંજન સેનગુપ્તાએ જૂથિકાનો કંઠ સાંભળ્યા પછી એને સંગીતનું શિક્ષણ આપવાનું સ્વીકાર્યું. જૂથિકાનો આત્મવિશ્વાસ જોઈને એના પિતાજીને ફરી એક વાર એની રેકર્ડ બનાવડાવવાની ઈચ્છા થઈ અને એમણે જ્ઞાનબાબુને વાત કરી. એ સમયે કાજી નજરુલ ઈસ્લામ ગ્રામોફોન કંપનીના સર્વોચ્ચ વડા હતા અને તેઓ જ્ઞાનબાબુના મિત્ર હતા. આથી એક રવિવારે જ્ઞાનબાબુએ કાજીસાહેબને જ પોતાને ત્યાં નિમંત્ર્યા. રવિવારના જલસામાં કાજીસાહેબે જૂથિકાનું ગાયન સાંભળ્યું. માનો ને કે એ જ હતો જૂથિકાનો ઓડિશન ટેસ્ટ. કાજીસાહેબે જૂથિકાની રેકર્ડ બહાર પાડવા માટે મંજૂરી આપી દીધી અને 1933માં એમણે જ રચેલાં બે ગીત જૂથિકાએ રેકોર્ડ કર્યા, જેમાંનું એક ગીત હતું- ‘સ્નિગ્ધશ્યામવેણી વર્ણા.’ સૌ પ્રથમ ચાર લીટીઓ ગવડાવીને મીણની રેકર્ડ પર ‘ટેસ્ટ રેકર્ડ’ બનાવવામાં આવી, જે બનતાં પંદરેક દિવસ લાગી ગયા. આ ટેસ્ટ રેકર્ડ હાથમાં આવી ત્યાર પછી જૂથિકાએ સૌ પ્રથમ વાર પોતાનો અવાજ સાંભળ્યો. જો કે, સંજોગોવશાત આ રેકર્ડ બહાર ન પડી શકી અને એકાદ વરસ સુધી ગ્રામોફોન કંપની તરફથી કશો સળવળાટ ન થયો, પરિણામે સત્યેન્દ્રનાથ રાયે અન્ય એક કંપની ‘હિન્દુસ્તાન કંપની’માં નવેસરથી પ્રયત્ન શરૂ કર્યો, જેમાં સફળતા મળતાં જૂથિકાની રેકર્ડ બનાવવાનું નક્કી થઈ ગયું. આ જ અરસામાં ગ્રામોફોન કંપનીના એક અધિકારી ભગવતી ભટ્ટાચાર્યે રોય કુટુંબનો સંપર્ક કરીને જૂથિકાની રેકર્ડ બહાર પાડવાની ઈચ્છા દર્શાવી. જૂથિકાનાં માતાએ સખ્તાઈપૂર્વક ના પાડીને કહ્યું કે જૂથિકાની રેકર્ડ હવે હિન્દુસ્તાન કંપની કરી રહી છે. ભગવતીબાબુએ અનેક વિનંતીઓ કરી અને જણાવ્યું,’અમને એક તક આપો. આ વખતે રેકર્ડ ન થાય તો પછી કોઈ બીજી કંપની મારફતે એની રેકર્ડ કરાવી લેજો.’ ભગવતીબાબુના આગ્રહ પાછળ એક ચોક્કસ કારણ હતું. એચ.એમ.વી.ના નવા ટ્રેનર તરીકે નિમાયેલા કમલ દાસગુપ્તાએ જૂથિકાની અગાઉની રિજેક્ટ થયેલી સેમ્પલ રેકર્ડ સાંભળી હતી અને એમણે જૂથિકા પાસે જ રેકર્ડ બનાવડાવવાનો આગ્રહ રાખ્યો હતો. એમને દૃઢ વિશ્વાસ હતો કે આ કલાકાર અવશ્ય સફળતા મેળવશે.

આમ, 1934માં માત્ર 14 વર્ષની ઉંમરે આખરે જૂથિકાની રેકર્ડ બની, જેનાં ગીતો હતાં ‘આમી ભોરેર જૂથિકા’ અને ‘સાંઝેર તારો કા આમિ.’ આ રેકોર્ડ પર નામ છપાયું; ‘જૂથિકા રોય (રેણુ).’ આધુનિક બંગાળી ગીતોની આ રેકર્ડ એ હદે લોકપ્રિય થઈ કે રેકર્ડ બહાર પડ્યાના છ મહિનામાં જૂથિકાને રોયલ્ટી તરીકે પંદરસો રૂપિયા જેવી તગડી રકમ મળી. કમલ દાસગુપ્તા જેવા કુશળ સંગીતકારની દેખરેખ નીચે જૂથિકાને ગાવા મળ્યું અને એનો અવાજ સોળે કળાએ ખીલી ઊઠ્યો. પ્રણવ રોય તેમ જ કાજી નઝરુલ ઈસ્લામનાં લખેલાં અનેક ગીતો કમલ દાસગુપ્તાની સ્વરરચનામાં જૂથિકાએ ગાયાં અને એ અત્યંત લોકપ્રિય થયાં.

ગ્રામોફોન કંપનીમાં અત્યાર સુધી હિંદી વિભાગ હતો જ નહીં, પણ હવે એ શરૂ કરવાની જરૂર વરતાઈ. જૂથિકા રોય પાસે મીરાં, કબીર, સૂરદાસ જેવા ભક્તકવિઓના પ્રાચીન ભજનો ગવડાવવાનું નક્કી થયું. કમલ દાસગુપ્તાના સંગીતમાં મીરાં કો પ્રભુ સાંચી દાસી બનાઓ,’ હિંદી ભજન પહેલવહેલું રજૂ થયું અને ત્યાર પછી હિંદી ભજનોમાં પણ જૂથિકાજીએ પાછું વળીને જોયું નથી. પોતાની કારકિર્દીમાં  કમલ દાસગુપ્તાનું પ્રદાન જૂથિકાજી હજીય ઋણભાવે  સ્વીકારે છે.

જૂથિકા રોયે ગાયેલાં કુલ ભજન-ગીતોમાંથી પોણા ભાગનાં કમલ દાસગુપ્તાએ સંગીતબદ્ધ કરેલાં છે. એ સમયે એવી પણ એક અફવા હતી કે જૂથિકા રોય અને કમલ દાસગુપ્તા લગ્ન કરવાનાં છે. જૂની પેઢીના ઘણા વડીલો હજીય એમ માને છે કે કમલ દાસગુપ્તા સાથે લગ્ન ન કરી શકવાને કારણે જૂથિકાજીએ આજીવન શ્વેત વસ્ત્રો ધારણ કર્યા. તથ્ય શું છે એ જૂથિકાજીના ખુદના મોંએ જ સાંભળવા જેવું છે; ‘એક વખત ભાઈબીજના દિવસે કમલબાબુ અમારે ઘેર આવ્યા. તેઓ મને ગીત શીખવવા માટે આવ્યા હતા. એમને આવેલા જોઈને મારી માએ મને કહ્યું,‘રેણુ! કમલદા આવ્યા છે, એમને ચાંલ્લો કરીને ગીત શીખવા બેસ. આજે ભાઈબીજ છે.’ આ સાંભળીને ચોંકી ઊઠેલા કમલબાબુએ કહ્યું,‘મા, રેણુને ચાંદલો કરવાનું ન કહેશો. મેં એને બહેનની દૃષ્ટિથી નથી જોઈ. હું તો એને પરણવા માગું છું.’ આ સાંભળીને તરત હું બોલી ઊઠી, ‘હું પરણવાની નથી. મેં તો  વ્રત લીધું છે.’ મારી આવી વાત સાંભળીને કમલબાબુ ચૂપ થઈ ગયા. ત્યાર પછી ક્યારેય એમણે આ વાત ઉખેળી નથી.’

જુથિકા રોય-કમલ દાસગુપ્તાનું આલ્બમ

ભજનગાયિકા તરીકે જૂથિકાજીની ખ્યાતિ ખૂબ પ્રસરી. ‘તુલસી,મીરાં, સૂર, કબીર’નાં ભજનોની ગાયિકા તરીકેની એમની છાપ ઉભરતી ગઈ. બને ત્યાં સુધી પોતાની તસવીર પણ પ્રગટ ન થાય એની કાળજી તેઓ લેતાં. બે તમિલ ભજનો ઉપરાંત એમણે કેટલીક કવ્વાલીઓ પણ ગાઈ હતી. 1947માં આવેલી ‘ચંદ્રપ્રભા સિનેટોન’ની ફિલ્મ ’મીરાં’માં ગાયિકા તરીકે સ્વાભાવિકપણે જ જૂથિકાનું નામ વિચારાયેલું, જેમાં એમણે અગાઉ ગાયેલાં મીરાંના ભજનો જુદી તરજમાં ગાવાનાં હતાં. પણ જૂથિકજીને ફિલ્મોમાં કારકિર્દી જમાવવાની જરાય ઈચ્છા ન હોવાથી એમણે ઈનકાર કર્યો. બીજા વિકલ્પ તરીકે ત્યાર પછી એમ. એસ. સુબ્બલક્ષ્મીનું નામ વિચારાયું, જેમણે ભજનો ગાવા ઉપરાંત ફિલ્મમાં મીરાંની ભૂમિકા પણ ભજવી. જૂથિકાજીને આગળ જતાં ‘ફિલ્મીસ્તાન’ની ‘અનારકલી’નાં ગીતોની પણ ઓફર થયેલી, જે એમણે નકારેલી.

કોલકાતામાં જ જૂથિકાજીને પ્રસિદ્ધ શાસ્ત્રીય ગાયક ભીષ્મદેવ ચટ્ટોપાધ્યાય પાસેથી સંગીત શીખવાનો મોકો મળ્યો અને ગાયકીની અનેક બારીકીઓ એમણે ગ્રહણ કરી. દરમિયાન મુંબઈમાં પણ એમના ઘણા સફળ કાર્યક્રમો યોજાવા લાગ્યા.

જૂથિકાજીને રેકર્ડ પર કે કેસેટમાં ગાતાં સાંભળીએ અને જે માહોલ બંધાઈ જાય છે, એ સાંભળીને એમને નજર સામે ગાતાં સાંભળ્યા પછી શી અસર થતી હશે એની કલ્પના જ કરવી રહી. કોલકાતામાં 1948માં ત્રણ દિવસનો એક કાર્યક્રમ થયેલો,જેમાં લતા મંગેશકર, ગીતા દત્ત, હેમંતકુમાર ઉપરાંત કલકત્તા કલાકારો જેવા કે પંકજ મલ્લિક,ધનંજય ભટ્ટાચાર્ય, ઉત્પલા સેન, જગમોહન સૂરસાગર સામેલ હતા. શાસ્ત્રીય સંગીતના ઉસ્તાદ બડે ગુલામ અલી ખાં, ઉસ્તાદ અલાઉદ્દીન ખાં વગેરે પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા. પહેલા જ દિવસે ઉસ્તાદ અલાઉદ્દીન ખાંના સરોદવાદનથી કાર્યક્રમનો પ્રારંભ થયો અને એમના વાદનથી એ હદે લોકો મંત્રમુગ્ધ થઈ ગયા કે એમના પછી ગાવાનું કોને કહેવું એ સમસ્યા થઈ ગઈ. છેવટે જૂથિકા રોયનું નામ બોલાયું. જૂથિકા રોયે ‘બોલ રે મધુબન મેં મુરલિયાં તેમ જ જોગી મત જા’ ભજનો વારાફરતી રજૂ કર્યા અને ખૂબ પ્રશંસા મેળવી. લતા મંગેશકરે પણ જૂથિકાજીની પ્રશંસાકરી. પંડિત જવાહરલાલ નહેરુ અને મોરારજી દેસાઈ જેવા મહાનુભાવો પણ જૂથિકાજીના ભજનોના ચાહકો હતા. ભારતને આઝાદી મળી એ દિવસે 15 ઓગસ્ટ, 1947ના દિવસે પંડિત નેહરુના આગ્રહથી દિલ્હી રેડિયો પરથી જૂથિકાજીએ ગાયેલું. ‘સોને કા હિન્દુસ્તાન મેરા, સોને કા હિન્દુસ્તાન ગીત તેમ જ અન્ય ભજનોનું જીવંત પ્રસારણ થયું હતું.

****

એ દરમ્યાન જ આવી વિરલ પ્રતિભાવંત જુથિકા રૉયની બંગાળી આત્મક્થા (આજ ઓ મોને પડે- એટલે કે આજે એ યાદ આવે છે.) જેવી બહુ વિરલ જણસ  ગુજરાતીમાં અનુદિત થઇને  અવતરે એવો એક વિચાર તેમના પ્રખર ચાહકો એવા ઉર્વીશ કોઠારી અને બીરેન કોઠારીએ મારા મનમાં  રોપ્યો હતો, અને એ મારા મનમાં વસી ગયેલો. પરંતુ પહેલી વાર ૧૯૯૨માં એ માટે પ્રયત્નો કરવા છતાં તેનું પરિણામ ન નીપજ્યું, પણ એ પછી 2008માં એ એકદમ ભવ્ય રીતે કેમ થઈ શક્યું તેની થોડી મઝાની કથા છે.

જુથિકાજીનાં મુંબઈ રહેતાં પુત્રીવત સ્વજન સુશ્રી નીલાબેન શાહે બંગાળીમાં લખાયેલી જુથિકાજીની આત્મકથાના ગુજરાતી અનુવાદની જવાબદારી થોડા સમય પહેલાં અમદાવાદનાં પ્રા. સુજ્ઞાબેન શાહને સોંપી હતી અને સુજ્ઞાબેને એ બખૂબી પાર પણ પાડેલી. એની મેન્યુસ્ક્રીપ્ટ તૈયાર થઇ ગયા પછી તેનું પ્રકાશન પણ સુઘડ અને વ્યવસ્થિત થાય એ જરૂરી હતું, એ કામ વ્યાવસાયિક ધોરણે ગુજરાતીમાં કોઇ પ્રકાશક હાથમાં લે એવું વિચારી શકાય એમ નહોતું. થોડા વિકલ્પો વિચારાયા પછી એક સંભવિત સૂત્ર તરીકે મારી સાથે વાત થઈ. અને એ પગલું સમયસરનું સાબિત થયું. કારણ કે હું એ વખતે  મુંબઈના ‘હીરાલક્ષ્મી ફાઉન્‍ડેશન’ના કેટલાક સાંસ્કારિક પ્રકલ્પો હાથ પર લેવાની તૈયારીમાં હતો. મારા મનમાં અગાઉ જુથિકાજીની આત્મકથાવાળી વાત બીરેન અને ઉર્વીશ કોઠારી દ્વારા રોપાયેલી તો હતી જ, એટલે મેં તરત જ એ ‘હીરાલક્ષ્મી ફાઉન્‍ડેશન’ના સ્થાપક નવનીતલાલ શાહને કાને એ વાત નાખી અને બહુ જલ્દી એમણે એ વિષે હામી ભરી દીધી. પુસ્તક એમના નેજા હેઠળના એક પ્રકાશન તરીકે પ્રેસમાં ગયું. આમ, એ પ્રકલ્પ સાથે મારે જોડાવાનું બહુ સહજ રીતે બની આવ્યું.

એ પુસ્તકના પ્રકાશન અંગેના પ્રશ્નનો આ રીતે ઉકેલ આવી જતાં આર્થિક બાબતે તો નિશ્ચિંત થઇ જવાયું હતું અને નવનીતલાલભાઇની અપ્રતિમ ઉદારતાને કારણે થોડી વધુ આર્થિક મોકળાશ પણ ઉભી થઇ હતી. એટલે એક એવો વિચાર પણ સહજપણે ઉદ્‍ભવ પામ્યો કે આ આત્મકથાના ગુજરાતી પુસ્તકના વિમોચનની મિષે આપણે જુથિકાજીને ખુદને અમદાવાદ નિમંત્રીએ અને કશુંક માનધન અર્પણ કરીએ. આના અનુસંધાને મેં મારા બીજા મિત્રો ઉપરાંત ‘કુમાર’ના સંગીતરસિયા તંત્રી એવા ધીરુભાઇનો સાથ લેવાનું નક્કી કર્યું,.

એ વખતે અમારા દિમાગમાં સંયુક્ત રીતે જ વિચાર સ્ફૂર્યો કે આટલી મોટી અને અપરીણિત એકલવાઇ રહેતી હસ્તીને આર્થિક વિટંબણા નડી રહી છે એવા સમાચાર અવારનવાર કાને પડે છે તો આપણે એ દિશામાં પણ કંઇક વિચારવું જોઇએ.. આ બે લીટીમાં અત્યારે લખીએ છીએ એ જણાય છે એવું સરળ કામ નહોતું. એને માટે મોટું સંગઠિત આયોજન અને પ્રચાર-પ્રસારનું બળ જોઇએ. આનો વિચાર કરતાં હું ક્યારેક પારોઠનાં પગલાં ભરવાનું કરતો હતો ત્યારે મિત્રો મારામાં હિંમતનો સંચાર કરતા હતા. એટલે અંતે એ દિશામાં અમે મક્કમપણે આગળ વધ્યા. એ અગાઉ મુંબઇ રહેતાં અને જુથિકાજીના નિકટના સ્વજન સરખાં બહેન નિલાબહેન શાહ સાથે આ કોઠારીભાઇઓએ જ અમને જોડી આપ્યાં હતાં. એટલે આ આયોજનમાં એમને પણ સાથે લીધાં અને અમદાવાદ રહેતા એમના ભાઇ લલિત દલાલને સાથે રાખ્યા. આ વિચારનું મૂળ બીજ રોપનારાઓમાંના એક ભાઇ ઉર્વીશ કોઠારીને પણ આ ‘જુથિકા રૉય સન્માન સમિતી’માં સાથે રાખ્યા અને લલિતભાઇને ત્યાં જ અમારી બેઠક થઇ. કાર્યક્રમની તડામાર તૈયારીઓના આરંભ સાથે જુથિકાજીને એ અર્પણ કરવાના માનધનનું ભંડોળ એકત્ર કરવા માટેની ગતિવિધીઓ પણ આરંભી દીધી. એને માટે મેં મારી ‘જન્મભૂમિ-પ્રવાસી’ અને ‘ફુલછાબ’ની ‘શબ્દવેધ’ અને ‘કચ્છમિત્ર’ની કટાર ઉપરાંત ‘ગુજરાત ટાઇમ્સ’(યુએસએ) અને અન્યત્ર લેખો લખ્યા. ‘અહા!જિંદગી’ જેવા સરસ સામયિકમાં બીરેન કોઠારીએ અને અન્યત્ર પણ લેખો બીજા મિત્રોએ લખ્યા. ધીરુભાઇએ ‘કુમાર’માં એની વિગતવાર નોંધ મુકી. અમારા પ્રયત્નોની પડછે ખુદ જુથિકાજીના નામે પણ જાદુ સર્જ્યો અને જોતજોતાંમાં નાણાનો પ્રવાહ શરુ થયો. જુથિકાજીની 89 વર્ષની વયને અનુલક્ષીને અસલમાં મેં અને ધીરુભાઇએ એમને 89,000/નું માનધન અર્પણ કરવાનું નિર્ધાર્યું હતું, પણ નાણાંનો પ્રવાહ સતત જારી રહેવાથી અમે એ રકમને 1,89,000 સુધી લઇ જઇ શક્યા.

અંતે 2008ના મેની 22મી એ રાતે સવા આઠ વાગે સંગીતપ્રેમી સંત સ્વામી સચ્ચિદાનંદજીના હસ્તે  શ્રોતાઓની ચિક્કાર ઉપસ્થિતીમાં જુથિકાજીને એ 1,89,000 નો ચેક માનધનરૂપે અર્પણ કરવામાં આવ્યો અને એમની આત્મકથાના મારા દ્વારા સંપાદિત ગુજરાતી પુસ્તક ’ચૂપકે ચૂપકે બોલ મૈના’નું વિમોચન સંપન્ન કરવામાં આવ્યું ત્યારે એક ઊત્તમ કામ ધીરુભાઇના સાથમાં અને બીજા મિત્રોની મદદથી પાર પાડ્યાનો સંતોષ હું અનુભવી શક્યો.

(ડાબેથી) લાલ રાંભિયા, ધીરુભાઈ પરીખ, સ્વામી સચ્ચિદાનંદ, જુથિકા રોય, રજનીકુમાર પંડ્યા

કોઈ પણ કલાકારોને ગમે તે ઉંમરે મળતું સન્માન એના માટે સંજીવનીસાબિત થતું હોય છે. આમ છતાંય, આવા કિસ્સામાં તો સદાય ચાહકો જ ઉપકૃત થતા હોય છે.પોતાના પ્રિય કલાકારની સાચા અર્થમાં ‘ઋણ અદાયગી’ થઈ શકે, એના પ્રત્યે ચાહના વ્યક્ત કરી શકાય એવો અવસર-નસીબદાર ચાહકોને જ પ્રાપ્ત થાય છે. અને જૂથિકા રોયના ચાહકો આ બાબતમાં ખરેખર નસીબદાર છે, એટલું ચોક્કસ !

પરંતુ આ સન્માન અને માનધન પ્રાપ્ત થયાં પછી છેક છ વર્ષ પછી ૯૪ વર્ષની વયે  જ્યુથિકાજી ૧૨ મી એપ્રિલ 20૧૪ ના દિવસે અવસાન પામ્યાં, ગુજરાતે એમને એમનાં અંતિમ વર્ષોમાં બહુમાન કરવાના આત્મસંતોષ સાથે બીજો એક સંતોષ પણ આપણી પાસે એ રહ્યો છે કે તેમના જીવન વિષેની દસ્તાવેજી એવી કોઇ સામગ્રી હિંદીમાં ઉપલબ્ધ (કે હોય તો સુલભ) નથી એવા સંજોગોમાં અમે શ્રી હિરાલક્ષ્મી ફાઉન્ડેશન (સ્વ.નવનીતભાઇ શાહ અને બહેન ફીઝાબહેન શાહ)ના સહયોગથી પૂરી ૩૫ મિનીટની એક વિડીયો ડોક્યુમેન્ટરીનું નિર્માણ કર્યું. એના ડાયરેક્ટર તરીકે કલાકાર વિપુલ આચાર્ય હતા અને છેક કોલકાતાથી એમના નિવાસનાં દૃશ્યો મિત્ર ડૉ. મયુર વ્યાસે ખાસ ઝડપીને અમને મોકલ્યા હતા.

જુથિકા રોય વિશેની ડોક્યુમેન્‍ટરી

(પુસ્તક અને ડોક્યુમેન્ટરી હવે હાર્ડ કોપી રીતે સુલભ નથી, પણ થોડો ખર્ચ કરવાથી સોફ્ટ કોપી રુપે મને નીચેની રીતે સંપર્ક કરવાથી મેળવી શકાશે.)


લેખકસંપર્ક
રજનીકુમાર પંડ્યા.,
બી-૩/જી એફ-૧૧, આકાંક્ષા ફ્લેટ્સ, જયમાલા ચોક,મણિનગર-ઇસનપુર રૉડ,અમદાવાદ-૩૮૦૦૫૦
મો. +91 95580 62711 ( વ્હૉટ્સએપ) / લેન્ડલાઇન- +91 79-25323711/ ઇ મેલ: rajnikumarp@gmail.com

Author: Web Gurjari

Leave a Reply

Your email address will not be published.